: સૌરાષ્ટ્રની સોહામણી સંસ્કૃતિ :

એક પ્રદેશની ઓળખ આપવા માટે નીચેનો શ્લોક સુપ્રસિધ્ધ તથા થોડામાં ઘણું કહી જાય તેવો છે. 

સૌરાષ્ટ્રે પંચરત્નાનિ,

નદી નારી તુરંગમ્

ચતુર્થ સોમનાથશ્ચ,

પંચમમ્ હરિદર્શનમ્ !!

આ શ્લોકમાં કહેવાયું છે તેમ સૌરાષ્ટ્ર નદી, નારી, અશ્વ, સોમનાથ તથા હરિદર્શન (દ્વારકા) એવા પાંચ રત્નોથી શોભાયમાન છે. લોકસાહિત્યમાં સોરઠ જે સૌરાષ્ટ્રનોજ એક ભાગ છે તેનું રુચિપૂર્ણ વર્ણન નીચેના દોહામાં થયું છે. 

સિંહ ગિરા, મઠ મંદિરાં,

નારી, નીર, નરાં,

ખ્યાંતા બાતાં બંદરા,

સોરઠ સંત સરા.

સૌરાષ્ટ્ર કે સોરઠની ઓળખ ડાલામથ્થા સિંહના ઉલ્લેખ સિવાય પૂર્ણ ન થાય તેથી લોકસાહિત્યકારે આ ગૌરવ તથા ગરીમાયુક્ત પ્રાણી સાથે પ્રદેશની ઓળખની મહત્તા છડી પોકારીને કહી છે. અશોકના ઐતિહાસિક શિલાલેખ તેમજ સિંહની ડણકથી ગિરનાર તથા ગીરની ભવ્યતા અનેકગણી વધી છે. સૌરાષ્ટ્ર શબ્દનું અપભ્રંશ થઇને સોરઠ થયું તેવો એક મત છે. પરંતુ સોરઠ શબ્દ પણ પ્રાચીન તેમજ ભીન્ન છે તેવું ઇતિહાસવિદ્દ શંભુપ્રસાદ દેસાઇનું મંતવ્ય વિશેષ સ્વીકારવાપાત્ર મનાય છે. સૌરાષ્ટ્રનો ઇતિહાસ તો ઘણાં વિદ્વાનોએ આલેખ્યો છે. કેટલાક પુસ્તકો હવે ઉપલબ્ધ પણ થતાં નથી. આ સંદર્ભમાં વિદ્વાન ઇતિહાસકાર શંભુપ્રસાદ હરપ્રસાદ દેસાઇનું નામ તરતજ સ્મરણમાં આવે છે. ભારતીય વહીવટી સેવાના (IAS) તેઓ અધિકારી હતા પરંતુ એક સમર્પિત તેમજ અભ્યાસુ ઇતિહાસકાર હતા. સંશોધક હતા. આજ રીતે સૌરાષ્ટ્રના ઇતિહાસના સંદર્ભમાં પ્રાધ્યાપક એસ. વી. જાનીના નામની સ્મૃતિ થવી સ્વાભાવિક છે. સૌરાષ્ટ્રનો કડીબધ્ધ ઇતિહાસ લખીને આ બન્ને વિદ્વાનોએ આપણાં પર ઋણ ચડાવેલું છે. આજ રીતે જામનગર રાજ્ય તથા રાજવીઓના સુરેખ ઇતિહાસ લેખનના સંદર્ભમાં ભક્ત કવિ માવદાનજી રત્નુએ પણ મહત્વની કડીનું કામ કર્યું છે. કવિ ફૂલ વરસડા કૃત ‘વખત બલંદ’ થી ભાવનગર રાજ્યનો એક મહત્વનો તેમજ કીર્તિવંત ઇતિહાસ મળે છે. ગંભીરસિંહજી ગોહીલ તેમજ પ્રધ્યુમ્ન ખાચર જેવા સાંપ્રત ઇતિહાસવિદોએ પણ અલગ અલગ કાળખંડ કે ભિન્ન ભિન્ન પાત્રોને ધ્યાનમાં રાખીને કડીબધ્ધ ઐતિહાસિક વિગતોનું સુંદર તેમજ ઉપયોગી આલેખન કરેલું છે. આ પ્રદેશની ઓળખ ઊભી કરવામાં ચારણી સાહિત્ય કે લોકસાહિત્યનો મોટો તેમજ મહત્વનો ફાળો છે. પ્રાધ્યાપક મુરબ્બી બળવંત જાનીએ લખ્યું છે તેમ આ સાહિત્યની વિગતો રાજ્યાશ્રિત નહિ પરંતુ તથ્યાશ્રિત છે. આથી મહત્વની ખૂટતી કડીઓ – Missing Links – તેમાંથી મળી રહે છે. કર્નલ ટોડ નામના જાણીતા અંગ્રેજ અધિકારીએ પણ પોતાના ઇતિહાસ સંશોધનના વિષયમાં ચારણી સાહિત્ય તથા સ્થાનિક કથાઓનો આધાર લીધો છે. ચારણી સાહિત્યની હસ્તપ્રતો મેળવીને જાળવવાના મહત્વના કાર્યમાં શિક્ષણવિદ્દ ડોલરરાય માંકડ તેમજ રતુભાઇ રોહડિયાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માધ્યમથી પાયાનું કાર્ય કરેલું છે. દર્શક ઇતિહાસ નિધિના માધ્યમથી હસમુખભાઇ શાહ જેવા લોકોની દીર્ઘદ્રષ્ટિથી એસ. વી. જાની સાહેબના ઇતિહાસના ગ્રંથો પ્રકાશીત થયા છે તે નોંધપાત્ર છે. ગુજરાતના ગુણવાન મુખ્યમંત્રી બળવંતરાય મહેતાના આગ્રહ તથા ઉત્સુક્તાને કારણે દેસાઇ સાહેબે ‘સૌરાષ્ટ્રનો ઇતિહાસ’ પુન: સંશોધિત કર્યો જે સોરઠ શિક્ષણ અને સાંસ્કૃતિક સંઘે દિવ્યકાન્તભાઇ નાણાવટીના માર્ગદર્શનમાં પ્રકાશિત કર્યો. આ રીતે ગુજરાત સાહિત્ય અકાદમીએ પણ સમગ્ર મેઘાણી સાહિત્યને સુયોગ્ય રીતે પ્રકાશિત કર્યું છે. જેમાં સૌરાષ્ટ્રની વિવિધ કલાઓનું સુરેખ દર્શન થાય છે. મેઘાણીએ લગભગ અઢી દાયકાના ગાળામાં એક યુગનું કાર્ય કર્યું છે.  

કાવ્યોમાં કે દુહા-છંદોમાં પણ સૌરાષ્ટ્ર પ્રદેશનું આલેખન સુંદર રીતે થયું છે. કવિ ત્રિભોવન ગૌરીશંકર વ્યાસની લોકપ્રિય રચના ‘ધન્ય હો ! ધન્ય ! સૌરાષ્ટ્ર ધરણી’ ફરી ફરી સાંભળવી ગમે તેવી છે.

પ્રૌઢ સિંધુ પરે ઝૂકતી પશ્ચિમે

મધ્યમાં એશિયાની અટારી !

હિન્દદેવી તણી કમર પર ચમકતી

દ્રઢ કસી તીક્ષ્ણ જાણે કટારી.

પ્હાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા

ગર્જતી જલનિધિ ગાન સરખી

ભારતી ભોમની વંદુ તનયા વડી

ધન્ય હો ધન્ય ! સૌરાષ્ટ્ર ધરણી.

કવિ નાનાલાલે સૌરાષ્ટ્રની આ ભૂમિને પુરાણપ્રસિધ્ધ કહી છે. કવિ બોટાદકર આ ભૂમિને સ્વર્ગકુંજ સરખી ગણાવે છે. કવિ સાંઇ મકરંદની સુંદર પંક્તિઓ આ પ્રદેશની મહત્તા કરતા લખાઇ છે : 

સોરઠ સરવો દેશ,

મરમી મીઠો ને મરદ,

એવો દુહાગીર દરવેશ,

દુનિયામાં દુજો નહિ.

ધાર્મીક – સામાજિક તેમજ રાજકીયો ક્ષેત્રોમાં પણ સૌરાષ્ટ્ર પ્રદેશની એક આગવી ઓળખ ઊભી થઇ છે. ઉત્તર પ્રદેશથી આવેલા પ્રભાવી તથા પ્રતાપી સંત સ્વામી સહજાનંદે જીવનના મહત્વના વર્ષો સૌરાષ્ટ્રમાં વિતાવ્યા હતા. ધાર્મિક તથા સામાજિક ક્ષેત્રે સ્વામી સહજાનંદનું યોગદાન ઊંડું તેમજ સ્થાયી રહ્યું છે. સ્વામીના સખા સમાન ભક્ત બ્રહ્માનંદ સ્વામીએ પણ ચારણ કવિઓને મળતાં રાજવી વૈભવનો ઠાઠમાઠ છોડીને સહજાનંદ સ્વામીના તેજમાં પોતાના તેજનું વિલિનીકરણ કર્યું હતું. મૂળી સહિતના સૌરાષ્ટ્ર – ગુજરાતના અનેક મંદિરો મહારાજની ઇચ્છા તથા આશા મુજબ બ્રહ્માનંદ સ્વામીએ તૈયાર કર્યા. સૌરાષ્ટ્રની શોભા તેથી વધી છે. બ્રહ્માનંદ સ્વામીના પદોનું મહાત્મ્ય આજે પણ એટલુંજ પ્રસ્તુત છે. સહજાનંદ સ્વામીને આદર તેમજ ભક્તિભાવથી ગઢડાના કાઠી રાજવીઓએ સન્માન્યા છે અને તેમના કાર્યની પૂર્તિ કરી છે. બીજા એક અડીખમ સન્યાસીએ ડેમી નદીના કિનારે ટંકારામાં જન્મ ધારણ કર્યો. મૂળશંકર નામના આ પ્રખર વિદ્વાન વિચારકે સ્વામી દયાનંદ તરીકે ગુલામ બનેલા દેશમાં નવજાગરણનો મંત્ર ફૂંક્યો. વેદોનું જ્ઞાન જે અંધશ્રધ્ધા, કુરીવાજો કે નિર્બળતામાં પરીણમ્યું હતું તેને ચેતનમંત્રથી પુન: જ્વલંત કરનાર મહર્ષિ દયાનંદ એ દેશને મળેલી સૌરાષ્ટ્રની મોંઘેરી ભેટ છે. એક બીજો યોગાનુયોગ આ ભૂમિએ જોયો. દેશની મુક્તિના દ્વાર ખોલનાર મહાત્મા ગાંધીને સૌરાષ્ટ્રની ભૂમિએ દેશના ચરણોમાં અર્પણ કર્યા. પોરબંદરના આ પાણીદાર પુરુષની વાણી ચારે દિશાઓમાં સત્ય, અહીંસા તેમજ નીડરતાનો સંદેશ લઇને પ્રસરી હતી. સૂતેલા કાળને આ મહાવીરની વાણીએ જગાડ્યો હતો. કવિ દુલા ભાયા કાગે સર પ્રભાશંકર પટ્ટણીની માર્મીક વાત સાંભળીને મહાત્માજી માટે લખ્યું : 

એક જોધ્ધો એવો જાગીયો

જેણે સુતો જગાડ્યો કાળ,

પગ પાતાળે શીષ આકાશે

હાથ પહોંચ્યા દિગપાળ,

માતાજીની નોબતું વાગે

સુતાં સૌ માનવી જાગે

લીલુડાં માથડાં માગે.

ભારતના રાષ્ટ્રપિતા સાથેજ આપણાં પડોશી દેશ પાકિસ્તાનના સર્જનમાં જેમનો સિંહફાળો રહ્યો તે મહમ્દઅલી જિન્હાનો પણ ઉપલેટા તાલુકાના પાનેલી ગામ સાથેનો સબંધ જાણીતો છે. આજ રીતે રમતગમતના ક્ષેત્રમાં સૌરાષ્ટ્રના જામનગરના જામ રણજીએ ક્રિકેટના વિશ્વભરના ઇતિહાસમાં પોતાનું સ્થાન કાયમ કર્યું છે. 

‘જ્યાં ટૂકડો ત્યાં હરિ ઢુકડો’ એવા ભજન કરવાના તેમજ ભૂખ્યાને ભોજન કરાવવાના સાત્વીક નશામાં જીવતા અનેક સંતો મહંતો તેમજ ભક્ત કવિઓ આ ભૂમિએ જોયા છે. આ બધી ‘દેહાણ જગાઓ’ નું પણ અલગ મૂલ્યાંકન તથા હકીકતપૂર્ણ આલેખન થાય તો એક ભાતીગળ ઇતિહાસ બની શકે તેમ છે. પ્રણામી સંપ્રદાયના પ્રવર્તક શ્રી પ્રાણનાથ પણ સૌરાષ્ટ્રની ધૂળમાં રમીને શહેનશાહ ઔરંગઝેબ સુધી ધર્મમાં સમાનતા લાવવા માટે પ્રયાસો કરનાર પ્રભાવી માનવી હતા. સૂર્યમંદિરનો ઇતિહાસ પણ આ ભૂમિના બૃહદ ઇતિહાસનો ભાગ છે. જૂના સૂરજદેવળ (થાન) તથા ચોટીલા પાસેના બીજા સૂર્યમંદિરે પાંચાળની શોભા વધારી છે. પાંચાળ પંથકેજ ઝવેરચંદ મેઘાણી નામના અમૂલ્ય રત્નની ભેટ જગતને આપી છે. 

સૌરાષ્ટ્રની સંસ્કૃતિએ આ પ્રદેશની વિશેષ શોભા છે. આ સંસ્કૃતિની વિશેષતાઓ કઇ છે તેનો વિસ્તૃત ખ્યાલ સમાજને મેઘાણીના ભ્રમણ તથા સંશોધનને કારણે  મળી શક્યો છે. 

સાહિત્યના આ જ્ઞાનની વહેંચણી માટે ઝવેરચંદ મેઘાણી કવિગુરુ ટાગોરના ભાવપૂર્ણ નિમંત્રણથી ૧૯૪૧માં શાંતિનિકેતન ગયા. ગુરુદેવે ૧૯૩૩માં મુંબઇમાં મેઘાણી સાથે થયેલી મુલાકાતમાં તેમને શાંતિનિકેતન આવવા નિમંત્રણ આપ્યું હતું. આઠ વર્ષ પછી મેઘાણી એ વચન પાળીને ત્યાં ગયા. અહીં શાંતિનિકેતનના વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપકો સમક્ષ તેમણે અંગ્રેજીમાં ચાર વ્યાખ્યાનો આપ્યા. જેમાં સૌરાષ્ટ્રના લોકસાહિત્યમાં લોકગીતો, લોકકથાઓ, ગરબાઓ તેમજ ચારણી સાહિત્યના અનેક પાસાઓ તેમણે શાંતિનિકેતનના વિદ્યાર્થીઓને પોતાની અસરકારક શૈલિથી સમજાવ્યા. શાંતિનિકેતનના માહોલમાં સૌરાષ્ટ્રના લોકસાહિત્યની સૌરભ પ્રસરી રહી. જોકે કવિવર ટાગોર તે સમયે બીમાર હતા. નંદલાલ બોઝ તથા ગુરુદયાલ મલ્લિકના આગ્રહ છતાં ઋજુ હ્રદયના આ સર્જક કવિગુરુને પ્રત્યક્ષ મળવા ન ગયા. ‘શ્યામલી’ ના પગથિયાની શાક્ષીએ તેમણે દૂરથીજ કવિગુરુને પ્રણામ કર્યા. સૌરાષ્ટ્રનું લોકજીવન એ એક આગવી પ્રતિભા ધરાવે છે તે વાતનું સ્મરણ મેઘાણીના શાંતિનિકેતનના વ્યાખ્યાનો પરથી થાય છે. 

સૌરાષ્ટ્રનું લોકજીવન પ્રકૃતિ પરાયણ છે તેમ સુરેશ જોશીએ લખ્યું છે. (સુરેશ જોશી : માનવ : જાન્યુઆરી : ૧૯૫૮) પ્રકૃતિના વિવિધ રંગો એ લોકસાહિત્યમાં તાણાંવાણાંની જેમ ગૂંથાઇને પડેલા છે. અનેક લોકકથાઓ તેમજ મેળાઓ જનસામાન્યના ઉલ્લાસને પ્રગટ કરે તેવા માધ્યમો છે. લોકસંસ્કૃતિ એ મુખ્યત્વે ગ્રામસંસ્કૃતિ રહી છે. શિષ્ટસંસ્કૃતિ એ સામાન્ય રીતે નગરો સાથે જોડાયેલી બાબત છે. આમછતાં જયમલ્લ પરમારના એક વિધાનમાં આ બન્ને સંસ્કૃતિ પરસ્પરાવલંબી છે તેમ કહેવાયું છે તે યથાર્થ લાગે છે. સૌરાષ્ટ્રની સંસ્કૃતિનો કેન્દ્ર સમાન ભાગ – CORE AREA – એ ગોપસંસ્કૃતિ છે. ગોપાલકો તથા હમેશા ગતિમાન રહેતા માલધારી સમૂહોએ ગીત, સંગીત તથા જીવનમાં સ્વાભાવિક રંગદર્શિતા લાવ્યા છે. લોકનાયક કૃષ્ણની આ લોકસાહિત્યમાં બોલબાલા છે. રાસનો સામૂહિક ઉલ્લાસ એ લોકની અમૂલ્ય સંપત્તિ છે.

આપણાં દેશના કે સમગ્ર જગતના કહીએ તો પણ દરેક પ્રદેશની એક આગવી લાક્ષણિક્તા કે સંસ્કાર હોય છે. બંગાળના સૂફીગીતો કે પૂર્વ ભારતના ખલાસીઓના ગીતો પણ પોતાની અલગ પ્રતિભા ઊભી કરે છે. આદિવાસીઓના લોકગીતો તેમજ તેમની લોકકલાઓ પણ ભાતીગળ છે. આ સમગ્ર લોકજીવનનો એક સુરેખ અભ્યાસ તત્કાલિન કાળના સારા – નરસા તત્વો તરફ આપણું ધ્યાન દોરે છે. ઇતિહાસનું આ પણ એક આગવું તેમજ આધારભૂત અંગ છે. તમામ પ્રદેશોની લોકસંસ્કૃતિનો પરિચય એક સ્વસ્થ દ્રષ્ટિ કેળવવામાં પણ સહાયરૂપ બને છે. સૌરાષ્ટ્રની સમગ્ર સંસ્કૃતિનું દર્શન તથા અધ્યયન લોભામણું છે. આ સંસ્કૃતિના વિવિધ અંગોનું ભિન્ન ભિન્ન નિરૂપણ વિશેષ આકર્ષક બને તેવું છે. 

વસંત ગઢવી 

ગાંધીનગર.

તા.૨૧/૦૬/૨૦૨૧.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑