કોરોનાના કપરા કાળમાં કવિ દાદ ગયા જેનો આ આઘાત સમગ્ર સાહિત્ય જગતને થયો. એ સંદર્ભમાં ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની વ્યાખ્યાનમાળાના એક વ્યાખ્યાન નિમિત્તે ફેબ્રુઆરી-૧૯૧૬માં કવિ દાદની સર્જનયાત્રા વિશે સાહિત્યમાં રૂચિ અને સુઝ ધરાવતા મિત્રો-સ્નેહીઓ સાથે વાત કરવાનું થયું હતું તેની સ્મૃતિ ફરી તાજી થઇ. સાહિત્યની જુદી જુદી ધારાઓમાં રસ લેતા મર્મી શ્રોતાજનોને કવિ દાદ વિશે સાંભળવાની ઉત્સુક્તા હતી. કવિ દાદની વિશાળ વર્ગમાં સાર્વત્રિક સ્વીકૃતિનો પણ તેના પરથી અણસાર આવે છે. કવિ શ્રી હરીન્દ્ર દવેએ કહ્યું છે તેમ કવિ કાગ પછી કવિ દાદ ચારણી પરંપરાને આગળ વધારનારા- ઉજાળનારા કવિ છે. કવિના સર્જનો અનેક સુપ્રસિધ્ધ કલાકારોના કંઠેથી સતત વહેતા રહ્યા છે. દાદની રચનાઓ તેના સરળ તથા પ્રવાહી કાવ્ય તત્વ તેમજ ગેય હોવાથી તેની રજૂઆત પણ ચિત્ત આકર્ષક રહી છે. ઉપરાંત કવિ દાદ પોતે માતા સરસ્વતીની કૃપાથી સુંદર રચનાઓનું નિજાનંદે સર્જન કરવા ઉપરાંત મીઠા કંઠે તેની ધારદાર રજૂઆત પણ કરી શકે છે. કવિ શ્રી કાગ (ભગતબાપુ) પછી આ ઉભય કળાઓ તેમને વરી છે. કવિ દાદની શાખ (અટક) મીસણ છે. આ શાખામાં સોલંકી યુગના ખ્યાતનામ કવિઓ આણંદ અને કરમાણંદ થઇ ગયા. હજુ ગઇકાલ સુધી આપણી વચ્ચે હતા તેવા ખેતસીભાઇ (મોઢેરા – ઉત્તર ગુજરાત) પણ મીસણ શાખાને ગૌરવ અપાવે તેવા વિદ્વતજન હતા.
૧૯૬૭ ના વર્ષના પવિત્ર શ્રાવણ માસની એક રસીક ઘટના કવિ શ્રી મકરંદ દવેએ આલેખી છે. ગુજરાતી ગદ્યના સમર્થ સર્જક અને મહાત્મા ગાંધીના સાથી સ્વામી આનંદ તે સમયે હરિદ્રારમાં પવિત્ર ગંગા નદીના સાનિધ્યમાં હતા. સ્વામીદાદાએ સાંઇ મકરંદને એક પત્ર લખ્યો. તેમણે જણાવ્યું કે, કોઇ યાત્રિકબહેન પાસેથી તેમણે એક સુંદર કાવ્યરચના સાંભળી. શબ્દો હતાં :
ટોચોમાં ટાંકણું લઇ ભાઇ ઘડવૈયા !
મારે ઠાકોરજી નથી થાવું.
સ્વામીદાદા ઉમેરે છે કે, કાવ્ય સુંદર છે અને તેની રચના કોઇ ‘‘દાદલ’’ નામના સંતકવિએ કરી હોય તેમ કાવ્ય સાંભળતા જણાય છે. આ રચના ગાનાર બહેન પાસે કાવ્યની પૂરી ટેકસ્ટ નથી અને તેના સર્જક વિશે તેમને કોઇ માહિતી પણ નથી. પછી તેઓ સાંઇ મકરંદને પ્રશ્ન કરે છે કે તમારા ધ્યાન બહાર આ સંત કવિ નહિ હોય. આ કવિ મધ્યયુગના કોઇ સંત કવિ છે કે કેમ તે બાબત પણ સ્વામીદાદાએ પૂછપરછ કરી. મકરંદભાઇ આ બધી વિગતોના હરતા ફરતા કોશ જેવા. આથી તેઓ સ્વામીદાદાને પ્રત્યુત્તર આપતા લખે છે કે, આ દાદલ કોઇ મધ્યયુગના સંતકવિ નથી. પરંતુ નૂતન યુગનો ચારણ કવિ છે. ભાતીગળ રંગની કવિતાઓનો સર્જક છે. આમ અનાયાસ કવિને સ્વામીદાદાના આશિર્વાદ પ્રાપ્ત થયા. ‘‘કવિ દાદના ચરણોમાં સંત દાદલની બેડીઓ પડી’’ તેમ જયમલ્લ પરમારે લખ્યું. સ્વામીદાદાએ જેનો ઉલ્લેખ કર્યો તે રચના ખૂબ જ લોકપ્રિય થઇ છે. ગુજરાતના ગામેગામ ગવાઇ છે અને શ્રોતાઓએ ઉમંગથી વધાવી છે. તેની થોડી પંક્તિઓ પણ ફરી માણીએ.
ટોચોમાં ટાંકણું લઇ ભાઇ ઘડવૈયા !
મારે ઠાકોરજી નથી થાવું.
ધડધીંગાણે જેના માથા સમાણે
એનો પાળિયો થઇને પૂજાવું …. ઘડવૈયા મારે …..
મોહ ઉપજાવે એવી મૂરતિયુંમાં
ચિતારા નથી ચીતરાવુ.
રંગ કસૂંબલ ઘૂંટયો રદામાં
દાદલ જાજુ શું રંગાવું ? …. ઘડવૈયા મારે …..
કવિનું પૂરૂં નામ દાદુદાન પ્રતાપદાન મીસણ (ગઢવી) વેરાવળ તાલુકાના ઇશ્વરીયા ગામે ૧૯૪૦માં કવિનો જન્મ થયો. ફોર્મલ શિક્ષણ સામાન્ય પરંતુ કવિત્વ શક્તિ અસાધારણ. સાત દાયકાથી વધારે અર્થપૂર્ણ આયુષ્યમાં કવિશ્રીએ આઠ જેટલા કાવ્ય સંગ્રહોની અમૂલ્ય તથા ચિરંજીવી ભેટ સમાજને ચરણે ઘરી છે. આજે પણ જૈફવયે કોઇ કાર્યક્રમમાં હાજર હોય તો તે કાર્યક્રમની ગરીમામાં વૃધ્ધિ થાય છે. છેલ્લી અડધી સદીથી પોતાના મધુર કંઠેથી સાહિત્ય તથા કાવ્યોની રસલ્હાણ તેઓ પીરસતા રહ્યા. કવિનું જાહેર અભિવાદનમુંબઇમાં ૧૯૯૩ માં ભવ્ય રીતે કરવામાં આવ્યું. આ કાર્યક્રમ માતુશ્રી બીરલા માતૃગૃહમાં પૂજય મોરારીબાપુના અધ્યક્ષસ્થાને થયો. ગુજરાત સરકાર તરફથી પણ તેમનું સન્માન લોકકલા ક્ષેત્રનો એવોર્ડ ૧૯૯૮ માં આપીને કરવામાં આવ્યું. પૂજય મોરારીબાપુ પ્રેરીત કવિ શ્રી દુલા કાગ લોકસાહિત્ય એવોર્ડ કવિશ્રીને ૨૦૦૩ ના વર્ષમાં આપવામાં આવ્યો. કવિતાની અણમોલ આહૂતિ આપીને કવિએ સામાજિક ચેતના પ્રગટાવવાનું યશકાર્ય કર્યું છે. દાદબાપુ સમાજની વિસ્મૃત ન થાય તેવી મોંઘેરી મૂડી છે. કવિ ‘દાદ’નું સૌથી મોટું સન્માન એ અસંખ્ય લોકોના મનમાં કવિની રચનાઓ વિશે આદરનો ભાવ છે તેજ ગણાય.
સરિતાઓને કાકાસાહેબે લોકમાતાઓ કહી છે તે યથાર્થ છે. નદીઓના કિનારે માનવજીવન પાંગર્યું છે. નદી સમાજ જીવનની, સંસ્કૃતિની ધારક, પોષક તથા સંવર્ધક છે. તેનું સ્વરૂપ જ રમણિય છે. પ્રયાગના સંગમનું દર્શન કરીને માનસના રચયિતા મહાકવિ સંત તુલસીદાસજી પણ તેનું વર્ણન કરવા કલમ ઉપાડે છે.
દેખત સ્યામલ ધવલ હલોરે
પુલકિત સરીર ભરત કર જોરે
કવિ દાદનો ઉછેર ગિરની લીલીછમ વનરાઇ તેમજ ચોમાસામાં તેમાં ખળખળ વહેતા ઝરણાઓ વચ્ચે થયો છે. ગિરનારના સ્વરૂપ તથા તેમાંથી પ્રગટ થતી નદીઓના મોહક સ્વરૂપે કવિ આકર્ષયેલા છે. મેઘાણીભાઇ પણ પોતાને ‘‘ હું પહાડનું બાળક ’’ કહીને ઓળખાવતા. આથી ગિરની વનરાજી વચ્ચેથી રૂઆબભેર વહી જતી હિરણ નદી તરફ કવિનું ધ્યાન સહજ રીતે જ જાય. આ ભાતીગળ નદીના સૌંદર્યને બીરદાવતી ‘‘હિરણ હલકાળી’’ રચના એ આપણાં સાહિત્યમાં જૂદી ભાત પાડનારી છે.
મોરારીબાપુએ યથાર્થ કહયું છે કે સમાજને સાદ પાડીને અનેક રીતે પ્રેરણા આપનાર કવિ ‘દાદ’ ને સમાજે દાદ આપવી જોઇએ. આ વાત સાચી પણ પડી છે. ગુજરાત તથા ગુજરાત બહાર વસતા અનેક ગુજરાતી ચાહકોએ કવિ દાદના સર્જનો ભરપૂર રીતે માણ્યાં છે. કવિ દાદની રચનાઓને ચારે દિશાએથી ભરપૂર દાદ મળી છે. ભવિષ્યમાં પણ મળતી રહેશે.
વસંત ગઢવી
ગાંધીનગર.
તા.૨૧/૦૬/૨૦૨૧.
Leave a comment