સામાન્ય નિયમ અથવા પ્રથા એવી છે કે ભક્તો ભગવાનના દર્શનાર્થે મંદિરમાં જતાં હોય છે. પરંતુ કૃપાળુ દેવ જગન્નાથ વિશેષ કૃપા કરીને પોતાના નગરજનોના ક્ષેમકુશળ પૂછવા માટે જાતે નગરચર્યા માટે નીકળે છે. જગન્નાથ પુરી કે અમદાવાદમાં અનેક વર્ષોથી ભક્તોને ઘેર બેઠા દર્શનનો લહાવો મળે છે. હવે તો અન્ય કેટલાક શહેરોમાં પણ રથયાત્રાની આ પ્રથા ભાવથી શરૂ કરવામાં આવી છે. ભૂતકાળ તરફ નજર દોડાવીએ તો પહેલી જુલાઇ-૧૯૪૬ અને અષાઢી બીજના પાવન પ્રસંગે પણ આ રીતેજ રથયાત્રા રંગે ચંગે નીકળી હતી. પરંતુ તે દિવસે સાબરમતીના શાંત ગંભીર નીરે તેમજ દયાળુ દેવ જગન્નાથે બે બત્રીસ લક્ષણા વીરોને લોકના હીતમાં પોતાનું બલિદાન હસતા મુખે તથા સ્વેચ્છાએ આપતા જોયા. સાબરમતીના નીર તથા ભગવાન જગન્નાથે આ બલિદાનની વ્યથા જરૂર અનુભવી હશે. બે આજીવન મિત્રો – વસંતરાવ તથા રજબઅલી ભાન ભૂલેલા કેટલાક લોકોને સમજાવવા જતા તેમના પર થયેલા નિર્દય હુમલાને કારણે સદાકાળ માટે આ જગત છોડીને ગયા. તેમની શહાદતને બીરદાવવા ગાંધીયુગના સમર્થ કવિ ઝવેરચંદ મેઘાણીની કલમે ચિત્કાર કર્યો.
વીરાં ! તેં તો રંગ રાખ્યો,
પ્રથમ વખત તે મુક્તિનો સ્વાદ ચાખ્યો
બી ના, બી ના, પુકારી
નિજ બંધુજનને ભવ્ય પૈગામ ભાખ્યો.
તે સાધ્યું કંઇએ ના !
કહી કદી અધૂરા આપશે ક્રૂર મેણું,
કે જે પ્રત્યુત્તર કે..
અભય બની પ્રજા : લૈશ હું સર્વ લેણુ.
લોક વચ્ચે જઇને તેમને શાંત તથા નિર્ભય બનાવવાનું કામ કલકત્તા તથા નોઆખલીમાં જઇ ૧૯૪૭માં ગાંધીજીએ કર્યું હતું. આજ કામ ૧૯૪૬માં અમદાવાદમાં કરીને શહીદી વહોરનાર આ બન્ને હોનહાર મિત્રોએ હસતા મુખે તેમજ સમજપૂર્વક કાર્ય કરતા કરતા સર્વોચ્ચ બલિદાન આપ્યું.
એક માનવીનું બીજા માનવી તરફના ધિક્કારનું આ વલણ સમગ્ર જગત માટે એક વિકરાળ સમસ્યા અગાઉ પણ હતી તથા આજે પણ છે. મૂળથી ઉખડેલા અનેક લોકો વિશ્વના અનેક ભાગોમાં ભૂતાવળની જેમ ભટક્યા કરે છે. ભૂખ, ભય કે તીરસ્કારના કારણે હીજરત કરતા આવા અનેક લોકોને જે સહન કરવાનું આવે છે તેની કથા આપણા ઇતિહાસનો બીહામણો છતાં વાસ્તવિક ચહેરો છે. માનવ માનવ વચ્ચેના સંઘર્ષને કારણે અનેક લોકો રોજી – રોટી તથા નાની મોટી મિલકતો વીના વાંકે ગુમાવે છે. આપણી એ મર્યાદા રહી છે કે આપણે અનેક વખત લોકના બે વર્ગ વચ્ચેનો સુમેળ સાચવી કે ટકાવી શક્યા નથી. અબ્રાહમ લીંકન કે મહાત્મા ગાંધી જેવા અનેક દિગ્ગજોએ લોક વચ્ચેની ખાઇ પૂરવા પોતાની કાયાનું ખાતર રેડ્યું છે. દર્શકે લખ્યું કે વસંતરાવ દાદા તેમજ રજબઅલીના બલિદાનોએ ગુજરાતનું મોં ઊજળું કર્યું છે. દર્શક દાદા લખે છે કે આ બન્ને વીરોને કહેવા કરતા કરી દેખાડવાની જ આદત હતી. કહેણીને નહિ પણ કરણીને વરેલા આ વીર હતા. આ માર્ગે જનારાને આકરી કસોટીનો ખ્યાલ હોવા છતાં તેઓ જંપલાવતા હોય છે. આવા લોકો વિરલ હોય છે.
વસંતરાવ દાદા અનેક લોકોના વિસામા સમાન હતા. બહોળુ મિત્રમંડળ, અનેક પ્રકારના કામ તેમજ ઘણાં વિષયોમાં રસ લેવાનો તેમનો સ્વભાવ હતો. સ્વતંત્ર ભારતની પ્રથમ લોકસભાના સ્પીકર ગણેશ વાસુદેવ માવળંકર વસંતરાવની વિદાય પછી વ્યથા પ્રગટ કરતા કહે છે કે વસંતરાવ ‘ગયા’ એ વાત ગળે ઉતરથી નથી. ‘‘મારા શરીરમાં પ્રાણ હશે ત્યાં સુધી એમનું દર્શન હું હમેશા કરતો રહેવાનો છું’’ ભદ્રના અખાડાના આ અખાડીયનને પ્રતિકાર કરવાની શક્તિ હોવા છતાં ગાંધી માર્ગે ચાલીને વીરની અહિંસાનું ઉજળુ દર્શન કરાવ્યું. વસંતરાવના દાદીમા તેમને ‘મારો સાધુ’ કહેતા. વસંતરાવ સાધુત્વને ઉજાળનાર હતા. તેમના બહેન હેમલતા હેગીષ્ટે એ લખ્યું છે કે બપોરે સાથે ભોજન કર્યું અને બપોરના દાદા તથા રજબભાઇ સાથે બહાર નીકળ્યા. અષાઢી બીજનો (૧૯૪૬) દિવસ હતો. ગયા પછી બહેનને બન્ને વહાલા ભાઇઓનું દર્શન હોસ્પિટલમાંજ છેલ્લા શ્વાસ છોડતાં થયું.
રજબઅલીનું પણ એવુંજ સોહામણું વ્યક્તિત્વ હતું. કરાંચી – લીંબડી તથા ભાવનગરમાં જીવનના મહત્વના વર્ષો ગયા. રજબઅલી સ્વભાવે ઉગ્ર છતાં ધીરે ધીરે મહાત્મા ગાંધીનાશાંત તથા અહિંસક પ્રયોગો તરફ તેમનું મન ઢળવા લાગ્યું. રાજકોટ સત્યાગ્રહ (૧૯૩૯)ના પ્રકરણમાં મહાત્માની નિરાશાના ભાવ જોઇને તેઓ અકળાયા. તેઓ કહેતા : ‘‘બાપુની અહિંસા. જગત એ રસ્તે નહિ ચાલે ? આ ડોસો જશે અને તેની સાથેજ તેનું ભવ્ય સ્વપ્ન પણ જશે ? આ મહામાનવની પાછળ આવો પ્રયત્ન ચાલુ રાખનાર કોઇ નહિ જાગે ? વેરઝેર તથા ભય હેઠળ જીવતા લોકોને તેમાંથી બહાર લાવવાનું કોને ખબર ક્યારે થશે ?’’
બન્ને મિત્રો – વસંતરાવ તથા રજબઅલીની મૈત્રી અનન્ય હતી. ધ્યેય સમાન હતા. હેમલતાબહેન લખે છે કે રજબભાઇ રમતિયાળ તથા હસમુખા હતા. ઘરમાં તેઓ આવે ત્યાંજ ઘરનું વાતાવરણ વિશેષ જીવંત થઇ થતું હતું. ‘‘અમારા ઘરના બે સ્વજનો અમે એકજ દિવસે, એકજ સાથે ગુમાવ્યા ત્યારે અંતર વલોવાઇ ગયું’’ દાદાના બહેને તેમ લખ્યું છે તે યથાર્થ છે.
સમર્થ સર્જક ઝવેરચંદ મેઘાણી વસંત-રજબ સ્મારક ગ્રંથ જીવનની ઢળતી સંધ્યાએ તબીયતની પરવા કર્યા સિવાય લખી શક્યા તે આપણું સદ્દભાગ્ય છે. આ બન્ને વીરોની કથા લખવા, વાંચવા અને અનુસરવા યોગ્ય છે. ૨૦૧૫માં મૂળ પુસ્તકની સંવર્ધિત આવૃત્તિ થઇ. અમદાવાદ શહેર પોલીસ તેમજ ડૉ. રિઝવાન કાદરી તે માટે આપણાં અભિનંદનના અધિકારી છે. ‘વસંત-રજબ’ મેમોરિયલ એ અમદાવાદ શહેરની શોભા બની રહેશે.
ફરી એક વખત પુખ્ત લોકશાહી દેશના નાગરિકો તરીકે આપણે લોકોના બે જૂથ વચ્ચેના સંઘર્ષો અટકાવવા માટે જાગૃતિ કેળવવી પડશે. માત્ર કાયદાના બળે આ પુરાતન બદીનો ઉચ્છેદ થઇ શકે તેમ લાગતું નથી. વસંત-રજબના જીવનનો તથા કુરબાનીનો આજ સંદેશ છે.
વસંત ગઢવી
ગાંધીનગર.
તા.૩૧/૦૫/૨૦૨૧.
Leave a comment