: સંસ્કૃતિ : : ભાવનગરના રાજવી વખતસિંહજી અને ‘વખત બલંદ’ :

કવિ શ્રી ફૂલ વરસડા કૃત ‘વખત બલંદ’ કૃતિ ચારણી સાહિત્યમાં એક જાણીતી તથા કાવ્ય સમૃધ્ધ રચના છે. આમ જૂઓ તો આ રચના એક ઇતિહાસમૂલક કથાકાવ્ય જેવી છે. ભાષાની સમૃધ્ધિ સાથેજ ઇતિહાસની કડીબધ્ધ વિગતો પણ તેમાં મળે છે. ‘વખત બલંદ’ એ મૂળ ખેડા જિલ્લાના પુનાદ ગામના રહેવાસી કવિ ફૂલ વરસડાની રચના છે. કવિ ભાવનગરના કીર્તિવંત રાજવી વખતસિંહજી (આતાભાઇ) ગોહિલના શાસનકાળ (ઇ.સ.૧૭૭૨ થી ૧૮૧૬) દરમિયાન તેમના રાજ્ય સાથે જોડાયેલા છે. ‘વખત બલંદ’ એ પવાડા પ્રકારનું ચારણી કથાકાવ્ય છે. આ કાવ્યમાં ચાર લીટીની એક એવી ૬૭૩ કડીઓ છે. આ કાવ્યની રચના વિ.સં.૧૮૪૨માં (ઇ.સ.૧૭૮૬) કરવામાં આવી હતી. મહત્વની વાત એ છે કે કવિ  ફૂલ વરસડાની આ એકજ કૃતિએ રાજવી વખતસિંહજીને ઇતિહાસમાં અમર કરી દીધા છે. કવિ ભાવનગર રાજ્ય સાથે જોડાયેલા હતા તેથી રાજવીની પ્રશસ્તિ હોય તે સ્વાભાવિક ગણાય પરંતુ સારા એવા પ્રમાણમાં મહત્વના ઐતિહાસિક તત્વો પણ આ દીર્ઘ કાવ્યકૃતિમાં જોવા મળે છે. રાજવી વખતસિંહજીના અનેક પરાક્રમોને આ કાવ્યમાં બુલંદ રીતે રજૂ કર્યા હોવાથી આ કૃતિનું શીર્ષક ‘વખત બલંદ’ ઉચિત છે. 

વખતસિંહજી એ ગોહિલકુળના રાજવી છે. ગોહિલો સૂર્યવંશી ગણાયા છે. ‘પ્રજાવત્સલ રાજવી’ નામનું દળદાર તેમજ માહિતી સમૃધ્ધ પુસ્તકના લેખક ગંભીરસિંહજી ગોહિલના મતે સેજકજીથી શરૂ કરીને મહારાજા કૃષ્ણકુમારસિંહજી સુધીના ૭૦૦ વર્ષમાં ૨૬ રાજવીઓએ ભાવનગર રાજ્યના લોકોને હિતકારી હોય તેવો વહીવટ આપવા જાગૃત પ્રયાસ કર્યો છે. આ ઉજળી પરંપરાનાજ એક મહત્વના મણકા સમાજ રાજવી વખતસિંહજીએ લગભગ સાડાચાર દાયકા સુધી શાસનની ધુરા સંભાળી હતી. 

‘વખત બલંદ’ કાવ્યના નાયક વખતસિંહજી છે. આથી તેમના વિશેની આ સુંદર કૃતિમાં રાજવીના અનેકવિધ ગુણો તથા તેમની શક્તિનું વર્ણન કરવામાં આવેલું છે. કવિએ વખતસિંહજીને એક અજોડ ક્ષત્રિય વીર તરીકે વિભિન્ન ઉપમાઓ આપીને વર્ણવ્યા છે. ‘વખત બલંદ’ કૃતિને ડૉ. બળવંત જાની, રતુભાઇ રોહડિયા તેમજ ડૉ. તીર્થંકર રોહડિયાએ સંપાદિત કરીને ૨૦૧૨માં પ્રકાશિત કરી છે. રતુભાઇ રોહડિયા તેમજ જાની સાહેબના ચારણી સાહિત્ય તેમજ લોકસાહિત્યના ક્ષેત્રમાં યોગદાનથી અનેક કૃતિઓ આપણાં સુધી પહોંચી છે. રતુદાનજીએ ‘ગુજરાતના ચારણી સાહિત્યનો ઇતિહાસ’ ખૂબજ કાળજી તેમજ હકીકતોની ખરાઇ કરીને લખ્યો છે. તેમાં પણ ‘વખત બલંદ’ તેમજ કવિ ફૂલ વરસડા વિશે વિગતો આપવામાં આવી છે. 

‘વખત બલંદ’ ના સર્જકે ભાવનગર શહેરની સ્થાપના તેમજ તે સમયના સામાજિક જીવન વિશે માહિતી આપી છે. ભાવનગરની સૈન્ય શક્તિ વિશે પણ તેમાં મહત્વની માહિતી છે. કવિની આ તથ્યો રજૂ કરવાની રોચક કાવ્યશૈલિને કારણે આ કૃતિમાંથી પસાર થવું ગમે તેવું છે. જે તે સમયમાં કોઇપણ રાજવીની શક્તિ કે સામર્થ્ય માપવા માટે તેની પાસે કેટલું હાથીદળ કે અશ્વદળ છે તેની ગણના થતી હતી. સાંપ્રત સમયમાં પણ શસ્ત્રો અનેકગણા સંહારક બનવા છતાં સૈન્ય શક્તિનું મહત્વ લગભગ સમાનજ રહેવા પામ્યું છે. કવિ કહે છે કે ભાવનગર રાજ્યની સેનામાં અશ્વો કે હાથી કેટલા હતા. તેની ગણતરી કરવાનું કામ તો મૂઠી ભરીને પવન કે જળની ધારાઓ માપવા જેવું દુષ્કર કે અશક્ય હતું. રાજવી વખતસિંહજીની સેનામાં હાથીને પણ હણી નાખે તેવા તીરંદાજો હતા તેમજ મીણબત્તીને પણ અચૂક નીશાન બનાવે તેવા કુશળ બંદૂક ચલાવનારાઓ હતા. આ વીરો મહાશક્તિશાળી ગદાધર ભીમ સામે પણ મલ્લયુધ્ધ કરે તેવા શક્તિશાળી હતા. મૂળ પંક્તિમાં એટલે કે પવાડામાં આ વાત આ રીતે મૂકવામાં આવી છે : 

હથ તીરમદાજ હને હસતી,

બંદુક નિસાને અ મુમબતી,

જિહરી જમદાઢ છા કરજકિ,

કિહિરી રા હથાણ ચલાવણકે..

ગુજરાતને તેમજ ભાવનગરને દરિયાકાંઠા સાથે અભિન્ન સંબંધ તથા સંપર્ક રહેલો છે. તે કારણસર ગુજરાતનો વેપાર વણજ બહારના અનેક દેશો સાથે વિકસીત થઇ શક્યો છે. આફ્રિકાના અનેક દેશોમાં પણ ગુજરાતનો વિકાસ સમુદ્રના માધ્યમથી પાંગરી શક્યો છે. ભાવનગરનો વેપાર પણ મુંબઇ ઉપરાંત એશિયાના દેશો સાથે બંધાયો તથા વિકસ્યો હતો તેની વિગતો કવિએ પોતાની વાણીમાં આલેખી છે. આ વેપારના વિકાસમાં ભાવનગરના વેપારીઓની નીતિમત્તા તેમજ કુશળતા એ બન્ને બાબતો કવિના મતે મહત્વના હતા. 

રાજવી વખતસિંહજી એ એવા પ્રતાપીરાજવી હતા કે જેમણે ભાવનગરની નાની મોટી સતામણી જે લોકો કે જૂથો તરફથી થતી હતી તેવા લોકોનીસાથે વીરતાપૂર્વક સંઘર્ષ કર્યા છે. લાંબા તેમજ કટોકટીભર્યા સંઘર્ષ પછી વખતસિંહજી વિજયી થયા છે. આ બધી લડાઇઓની ભરપૂર વિગતો આ કૃતિમાં મળે છે. તળાજાની લડાઇ, ઝાંઝમેરમાં હમીર તથા તેના સાથીઓ સાથેનું યુધ્ધ તેમજ પાલીતાણાના ભાયાત રાજવીઓ સાથેના યુધ્ધનું રોચક વર્ણન કવિની જોમવંતી ભાષામાં થયેલું છે. રાજવી એક લડવૈયા હતા તેમજ ધાર્મિક વૃત્તિ પણ ધરાવતા હતા તેની વિગત કવિએ કાવ્યામાં આપી છે. ઇતિહાસમાં નોંધાયેલી વિગતો મુજબ રાજવીએ ગિરનાર, પ્રભાસપાટણ, પ્રાચી, દ્વારિકા જેવા સ્થળોની યાત્રા શ્રધ્ધા સાથે કરી હતી. સૌરાષ્ટ્રના મધ્યયુગના ઇતિહાસમાં લખાયેલી વિગતો જોતાં રાજવી વખતસિંહજીનુંપદ તેમજ પ્રતિષ્ઠાની દ્રષ્ટિએ એક આગવું નામ હતું. તે કાળમાં જૂનાગઢના દીવાન અમરજી, જામનગરના દીવાન મેરૂ ખવાસ, ભાવનગરના રાજવી વખતસિંહજી તથા ગોંડલના રાજવી ભા કુંભાજી એ બધામાં રાજકીય કાર્યક્ષમતા ઉપરાંત સંગઠન તેમજ વહીવટને સંબંધિત ગુણો હતા. ભાવનગરને એક મજબૂત રાજ્ય બનાવવામાંવખતસિંહજીનો ફાળો મહત્વનો હતો. ચારણી સાહિત્યનું આ ઐતિહાસિક કાવ્ય તત્કાલિન કાળના ઘણાં તથ્યો જાળવીને સુંદર રચનામાં પરિણમ્યું છે. કવિશ્રીના વંશજના કહેવા અનુસાર કવિને કાવ્યશાસ્ત્રનું વિધિસર જ્ઞાન ભૂજની વૃજભાષા પાઠશાળામાં આપવામાં આવ્યું હતું. ઐતિહાસિક તથ્યોને સુંદર સાહિત્યીક કૃતિમાં સાચવવાનો કવિનો આ પ્રયાસ એ મહત્વની ઐતિહાસિક સામગ્રીના ભંડાર સમાન પણ છે.

વસંત ગઢવી 

ગાંધીનગર. 

તા.૨૪/૦૫/૨૦૨૧.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑