જન્મભૂમિ ટ્રસ્ટના અખબારોએ સૌરાષ્ટ્ર – કચ્છ તેમજ મુંબઇનું પત્રકારત્વ વિકસાવવામાં તેમજ તેને પ્રતિષ્ઠિત કરવામાં સિંહફાળો આપ્યો છે. આ અખબારોએ કાળના સતત બદલાતા પ્રવાહમાં પત્રકારત્વના ધોરણો જાળવવામાં ભોગ પણ આપીને સ્વીકૃત ધોરણોનો માનદંડ ઉન્મત રાખેલો છે. આવા એક ગાંધીજીને ગમે તેવા પત્રકારત્વની તેમજ પત્રકારોની વાત ગાંધી જન્મજયંતિના ઓક્ટોબર માસમાં વિશેષ સ્મૃતિમાં આવે છે. તેનો ઉજળો ભૂતકાળ થોડો વાગોળીએ તો આ બાબત વિશેષ સ્પષ્ટ થશે.
અમૃતલાલ શેઠ અને ‘સૌરાષ્ટ્ર’ અખબાર તથા ધોલેરા સત્યાગ્રહના ઉલ્લેખ સિવાય ગુજરાતના સ્વાધિનતા સંગ્રામનો ઇતિહાસ અધૂરો ગણાય તેમ કહીએ તો કોઇ અતિશયોક્તિ નથી. સ્મૃતિમાંથી કદી વિસ્મૃત ન થાય તેવા શેઠ તથા વીરતાની અજાયબ લાગે તેવી ધોલેરા સત્યાગ્રહની વાતો આપણા સામાન્ય ગણાતા લોકોની અસામાન્ય શક્તિની પ્રતિતિ કરાવી જાય છે. તેથી તે અમીટ છે. આ વાતના સંદર્ભમાં એક વિસરાઇ ગયેલા કવિ ગજેન્દ્ર બૂચની અર્થસભર પંક્તિ યાદ આવે છે :
કંઇક ચિત્રો એવાયે છે,
ધૂઓ શતધાર જો;
ફરી ફરી બને તાજા
ભૂંસાય ન રેખ કો !
બાપુના જન્મ દિવસે બીજી ઓક્ટોબર-૧૯૨૧ – સૌરાષ્ટ્ર પત્રનો પ્રારંભ અમૃતલાલ શેઠના તંત્રીપદે થયો. પ્રથમ તંત્રીલેખમાં તેમણે યાદગાર શબ્દો લખ્યા :
‘‘ઉત્પતિ અને લય, ઉદય અને અસ્ત એ સર્વ ઇશ્વરની લીલા છે. એમાં વળી પ્રયોજન શાં ? ક્યાં બધા પ્રયોજનો પાર ઉતરે છે ? … દિલમાં ઉમેદ રાખી દેશનું ભલું કરવું, મનુષ્યની સેવા કરવી.. મોટાથી દબાયા સિવાય કે નાનાને દૂભવ્યા સિવાય, લોકકલ્યાણની પ્રવૃત્તિ આદરવી એ મનુષ્ય માત્રનું લક્ષ હોવું જોઇએ.’’
નામ પ્રમાણે જેમનો કોઠો અમૃતથી ઉભરાતો હતો તેવા અમૃતલાલ શેઠનો આ સેવા કરવાનો સંકલ્પ માત્ર કથની પૂરતો મર્યાદિત ન હતો. કથની તથા કરણીના ઉજળા અનુસંધાનથી શેઠ અમૃતલાલ આપણી સ્મૃતિમાં ચિરંજીવી રહ્યા છે. ‘‘પત્રકાર સેનાપતિ અમૃતલાલ શેઠ’’ (લેખક : જયમલ્લ પરમાર. સંપાદન : રાજુલ દવે) નામના પ્રવીણ પ્રકાશનના પુસ્તકના દસ્તાવેજી માધ્યમથી અમૃતલાલ શેઠના જીવન તેમજ કાર્યોની વાસ્તવિક ઝાંખી અનેક લોકોને થઇ છે તથા થઇ રહી છે. બ્રિટીશ સત્તાની સામે સિંહનાદ કરનાર અમૃતલાલ શેઠ વીધ્વત્વ તેમજ વીરત્વનું પ્રતિનિધિત્વ કરનારા હતા. ‘સૌરાષ્ટ્ર’ અખબાર દૂભ્યા દબાયેલા અનેક સામાન્ય લોકોની વેદનાને વાચા આપનાર હતું. શ્રીમદ્દ રાજચન્દ્રના નાનાભાઇ મનસુખભાઇ રવજીભાઇ મહેતાએ ‘સૌરાષ્ટ્ર’ અખબાર શરૂ થયું ત્યારે શેઠને કહ્યું હતું : ‘‘જેનું કોઇ નથી તેના તમે બનો’’ આ વાતને કેન્દ્રમાં રાખીને જેનું કોઇ ન હતું તેની વહારે સૌરાષ્ટ્ર ચડ્યું હતું. અમૃતલાલ શેઠના સાથીઓમાં ગુણવંતરાય આચાર્ય, કક્કલભાઇ કોઠારી, રામુ ઠક્કર કે બળવંતરાય મહેતા (પાછળથી જેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા) જેવા દિગ્ગજો હતા. પછીથી ઝવેરચંદ મેઘાણી, નિરંજન વર્મા (નાનભા ગઢવી) તેમજ જયમલ્લ પરમાર પણ મેઘાણીભાઇના આગ્રહથી ‘સૌરાષ્ટ્ર’ માં જોડાયા હતા. ૧૯૨૫ના એપ્રિલમાં ગાંધીજી રાણપુર આવ્યા ત્યારે ‘સૌરાષ્ટ્ર’ ના મકાનમાં નિવાસ કરેલો. અમૃતલાલ શેઠે તે સંદર્ભમાં લખ્યું : ‘રાણપુરના આંગણે સોનાનો સૂરજ ઊગ્યો તેના તેજ ‘સૌરાષ્ટ્ર’ ને તો અનાયાસે અને કદાચ વિના અધિકારેમળી ગયા છે.’ ગાંધીજી તથા સરદાર સાહેબ સાથે કેટલાક વૈચારિક મતભેદો છતાં બાપુ પરત્વેની શેઠની શ્રધ્ધા હમેશા દ્રઢ રહી છે. બાપુને પણ શેઠ સાહેબની સત્યપ્રિયતા માટે સંપૂર્ણ આદર છે. ઝાલાવાડ (સુરેન્દ્રનગર જિલ્લો)ના લીંબડીમાં અમૃતલાલ શેઠનો જન્મ ૨૫ ઓગસ્ટ-૧૮૯૧માં થયો. તેઓએ પૂરતું શિક્ષણ મેળવીને ૧૯૧૫માં વઢવાણમાં વકીલાતની કારકિર્દી શરૂ કરી. લીંબડીના રાજવીએ આ યુવાનની ક્ષમતા જોઇને તેની નિમણુંક લીંબડીમાં ન્યાયધિશ તરીકે કરી. અમૃતલાલ શેઠની કાર્યક્ષમતા તેમજ નિષ્ઠા પારખીને તેમને લીંબડી રાજ્યના દિવાન તરીકે લાવવા તેવી મહેચ્છા રાજવીના મનમાં હતી. પરંતુ કાળનું નિર્ધારણ કંઇક જૂદું હતું.
સાયમન કમીશનના વિરોધમાં દેશભરમાં લડત ચાલતી હતી. લાલ લજપતરાયનું પોલીસની બેરહમીથી આઘાતજનક મૃત્યુ થયું હતું. તેનો વિરોધ તેમજ લાલાજીના મૃત્યુ બાબત શોકની લાગણી લાગણી વ્યક્ત કરવા લીંબડીમાં નગરજનોની એક વિશાળ શોકયાત્રા નીકળી. આ બાબત તો તે સમયના જુસ્સાને ધ્યાનમાં લેતાં સમજી શકાય. પરંતુ લીંબડીના લોકોને અચંબો એ વાતનો થયો કે લીંબડી રાજ્યે જેમની નિમણુંક કરેલી તે રાજ્યના ન્યાયધિશ અમૃતલાલ શેઠ માથા પર સફેદ સાફો ધારણ કરી આ શોકયાત્રાની દોરવણી કરતા હતા. શોકસભા પણ મળી. આ શેઠ સાહેબને સાચવવાની શક્તિ હવે દેશી રાજ્યમાં ન રહે તે સ્વાભાવિક છે. ૨૨૨ રજવાડઓમાં વેતરાઇને પડેલા સૌરાષ્ટ્રના મોટાભાગના રાજવીઓ પ્રજા સાથે જેવો ઇચ્છે તેવો વ્યવહાર કરે પણ તેઓ ગોરા હાકેમોને નારાજ કરતા ન હતા. આથી કાઠિયાવાડની પ્રજા અંગ્રેજોની સત્તા તેમજ રાજવીઓની જોહુકમી નીચે તણાવયુક્ત જીવન જીવતી હતી. આથી આ શોકયાત્રાના માધ્યમથી પ્રજાના અજંપાને વાચા આપી શેઠ સાહેબે લોકચળવળ તેમજ લોકહિતના કામોમાં ઝંપાલાવ્યું. માનપાનયુક્ત નોકરી તથા તેના લાભો આ વીરને બંધનમાં રાખી શક્યા નહિ. અમૃતલાલ શેઠના નેતૃત્વમાં વીરોની એક નાની છતાં ચીનગારીનું કામ કરે તેવી સેના સ્વાર્પણના ભાવ સાથે મુક્તિની ચળવળમાં ફનાગીરી વહોરવા સ્વેચ્છાએ તૈયાર હતી. આ વીરોના મતે બ્રિટીશરો સામે આ આખરી તેમજ નિર્ણાયક લડત હતી.
લીંબડી રાજ્યની સુવિધાયુક્ત નોકરી છોડ્યા પછી અમૃતલાલ શેઠે પોતાનો કર્મયજ્ઞ એક ચોક્કસ કામ સાથે જોડ્યો. જેમાં લોકોના પ્રશ્નોને નિર્ભયતાથી રજૂ કરવામાં આવે તેવા પત્રકારત્વનો પ્રારંભ રાણપુરમાં ‘.સૌરાષ્ટ્ર’ પત્રથી થયો અને વિકસતો રહ્યો.
વસંત ગઢવી
ગાંધીનગર.
તા.૨૪/૦૫/૨૦૨૧.
Leave a comment