: સંસ્કૃતિ : : વિશ્વકોશ : સમાજને વિચારબળ પૂરું પાડતી સ્થાયી વ્યવસ્થા :

માનવની તથા સમગ્ર સમાજની ઉત્ક્રાંતિ એ એક સહજ સ્થિતિ છે. માનવ આજે જ્યાં છે ત્યાં આવતીકાલે પણ સ્થિર ઊભો રહેવા માંગતો નથી. પ્રત્યેક દિવસ એક નવો પડકાર તેમજ નવી તક લઇને આવે છે. આ સ્થિતિમાં વિકસવું એ માનવજાત સાથે વણાઇ ગયેલી બાબત છે. વ્યવસ્થાઓનો વિકાસ, સાધનોનો વિકાસ, સંબંધોનો વિકાસ એ થયા કરે છે. તેની દિશા સાચી છે કે સાચી નથી તેનો નિર્ણય તો ઇતિહાસ કરે પરંતુ તેના ડરે બંધિયાર પાણી થવાનું પાલવે તેવું નથી. વિકસેલી વ્યવસ્થાઓની કેટલીક ઉણપો પણ સંજોગોને આધિન જોવા મળે છે. જેની પ્રતિતિ કોરોના કાળમાં સમાજને થઇ અને હજી પણ થતી રહે છે. આથી આ અવિરત ચાલતી વિકાસયાત્રાને દ્રષ્ટિ તથા દિશા મળે તેવું વિચારબળનું ભાથું પૂરું પાડવું તે મહત્વની જરૂરિયાત છે. આ પૂર્વભૂમિકામાં સમાજને નિરંતર વિચારબળ પૂરું પાડે, વિચારની ધૂણીને પ્રજ્વલિત રાખે તેવી વ્યવસ્થા પણ આ સમગ્ર ઉત્ક્રાંતિના ભાગ તરીકે રહે તેવો ઉમદા ખ્યાલ ધૈર્ય તથા નિષ્ઠાથી ધારણ કરીને ધીરૂભાઇએ ‘વિશ્વકોશ’ જેવી સદાકાળ જીવંત વ્યવસ્થા સ્થાપવાનો સંકલ્પ કર્યો. પૂજ્ય મોટા જેવા સંતના આશીર્વાદ તથા સાકળચંદભાઇ જેવા શ્રેષ્ઠિના ઉમળકાપૂર્ણ સહયોગથી એક અઘરું તથા પડકારયુક્ત કાર્ય આરંભાયું અને સતત વિકસતું રહ્યું. ‘‘ધીરુભાઇના શ્વાસોચ્છવાસમાં વિશ્વકોશ હતો’’ તેવું શ્રેણીક કસ્તૂરભાઇનું વિધાન ઔચિત્યપૂર્ણ છે. વિશાળ વટવૃક્ષ જેવું ધીરુભાઇનું વ્યક્તિત્વ વિશ્વકોશના માધ્યમથી સદૈવ સૌરભ પ્રસરાવતું રહેશે. ૨૭ જૂન, ૧૯૧૮માં જેનમો જન્મ થયો હતો તેવા ધીરુભાઇ ઠાકરની વિશેષ સ્મૃતિ જૂન માસમાં અનેક લોકોને થતી હશે તે નિશ્ચિત છે.

સચરાચર સૃષ્ટિની ઝીણામાં ઝીણી માહિતી એક સ્થળેથી મળી રહે અને તે પણ સંપૂર્ણ અધિકૃતતાની મહોર સાથે એ નાની વાત નથી. ‘‘નર્મદા યોજના ગુજરાતની જીવાદોરી છે તો વિશ્વકોશની યોજના ગુજરાતની સંસ્કારદોરી છે’’ તેવું ધીરુભાઇનું વિચારયુક્ત વિધાન આ પ્રવૃત્તિ વિશે થોડામાં ઘણું કહી જાય છે. સ્થાપના થયા બાદ ઘણાં વર્ષો પછી મે-૨૦૦૫થી વિશ્વકોશનું કામ તેના માટે ખાસ બંધાયેલા ભવનમાં ચાલે છે તે અમદાવાદ અને ગુજરાત માટે ગૌરવયુક્ત ઘટના છે. 

જેમણે સંસારનો ત્યાગ કર્યો છે અને દુન્વયી બાબતો તરફ વિરક્તીનો ભાવ કેળવ્યો છે તેવા કેટલાક સંતોએ સમાજને ઉપયોગી થાય તેવી વ્યવસ્થાઓ ઊભી કરવામાં તેમજ વિકસાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે તેવો આપણો અનુભવ છે. આવા બે સંતો એટલે કે પૂજ્ય મોટા તથા ભિક્ષુ અખંડાનંદે સમાજને નિરંતર વૈચારિક ભાથું મળતું રહે તેવી વ્યવસ્થા ઊભી કરવા પર વિશેષ ભાર મૂક્યો. પૂજ્ય મોટાએ ‘જ્ઞાનગંગોત્રી ગ્રંથમાળા’ નું કાર્ય સરદાર પટેલ યુનિવર્સિટી (વલ્લભવિદ્યાનગર)માં શરૂ કરાવ્યું. કોલેજના વિદ્યાર્થીઓ, અધ્યાપકો તેમજ જાગૃત નાગરિકોને અનેકવિધ વિકાસની વાતોથી અવગત કરવા તેમજ તેમને જ્ઞાન તથા વિચારનું ભાથું પૂરું પાડવાનો ઉમદા ધ્યેય તેનો હતો. આ સાથે હેતુ લગભગ ત્રીસ જેટલા ગ્રંથો ૧૯૬૭ થી ૧૯૮૬ દરમિયાન પ્રગટ થયા. આજ બાબતને વધારે વ્યાપક તેમજ સર્વગ્રાહી બનાવવા પૂજ્ય મોટા તરફથી ગુજરાત યુનિવર્સિટીને સારી એવી ધનરાશી દાનમાં આપવામાં આવી. કામ શરૂ પણ થયું. પરંતુ પછીથી અપેક્ષિત હતી તે નાણાંકીય સહાય જે તે સમયે સરકારમાંથી ન મળતાં કાર્યની ગતિમાં વેગ ન આવી શક્યો. કુદરતની યોજનામાં પૂ.મોટાનું સ્વપ્ન પૂરું કરવાનો નિર્ધાર હશેજ. આથીજ ૧૯૭૮માં મોડાસાથી નિવૃત્ત થઇને આવેલા ધીરુભાઇને આ કાર્ય હાથ પર લેવા તત્કાલિન કુલપતિ પુણ્યશ્લોક પી. સી. વૈદ સાહેબે પસંદ કર્યા અને ભવિષ્યની માતબર યોજનાએ જન્મ લીધો. યુનિવર્સિટીની સક્રિય પહેલ તથા સરકારના વિધેયાત્મક પ્રતિભાવને કારણે અનુદાન આપવાનું ફરી નક્કી થયું જેથી કાર્યને પુન: ગતિમાં લાવી શકાય. હજુ પણ કસોટી બાકી હતી. સરકારની નાણાંકીય મદદ મળવામાં અનિશ્ચિતતા સામે આવી હતી. આથી રાજ્ય સરકારની સહાય સિવાય પણ આ યોજના શરૂ કરવા વીસનગરના કર્મવીર સાકળચંદ પટેલે ધીરુભાઇને પ્રોત્સાહિત કર્યા. નાણાંકીય વ્યવસ્થા કરવાની જવાબદારી આ ઉત્તર ગુજરાતના પનોતા પુત્રે સ્વેચ્છાએ સ્વીકારી. ગુજરાતની ઉજળી શ્રેષ્ઠી પરંપરાનું પણ આ એક જ્વલંત ઉદાહરણ છે. શ્રેણિકભાઇ, કંચનભાઇ પરીખ તેમજ વિઠ્ઠલભાઇ અમીન જેવા દ્રષ્ટિવાન લોકોના માર્ગદર્શનમાં શરૂ થયેલો આ યજ્ઞ ત્યારબાદ ધીરુભાઇના અથાક પ્રયાસોથી નિરંતર પ્રજ્વલિત રહ્યો. સાંઇ મકરંદે લખ્યું હતું : 

‘વેર્યા છે બીજ અમે છૂટ્ટા હાથે,

હવે વાદળ જાણે ને વસુંધરા’

ધીરુભાઇ કહેતા તેમ ભગવાન જગન્નાથના રથને ખેંચવામાં અનેક હાથોનો ટેકો જરૂરી છે તેમ વિશ્વકોશના કામને ગુજરાતના અનેક ગુણીજનોનો ઉજળો સહયોગ મળી રહ્યો. ધીરુભાઇએ વેરેલા વિચારબીજ એક વટવૃક્ષમાં પરિણમ્યું. ૧૯૮૬માં સાકળચંદભાઇ આ દુનિયા છોડીને ગયા તે પૂર્વે તેમણે લગભગ ૧૩ લાખ રૂપિયા જેવી માતબર રકમ આ સત્કાર્યમાં વાપરી હતી. સાકળચંદભાઇની પ્રથમ પુણ્યતિથિએ વિશ્વકોશનો ભૂમિકાખંડ પ્રગટ કરીને તે તેમને અર્પણ કરવામાં આવ્યો. પૂજ્ય મોટા, સાકળચંદ પટેલ, પી. સી. વૈદ્ય તેમજ ધીરુભાઇને ગુજરાત કદી વિસરી નહિ શકે. વિશ્વકોશની એ ઉપલબ્ધિ છે કે તેમાં અનેક વિષયોનું અધિકૃત જ્ઞાન આપણી માતૃભાષામાં પ્રગટ કરી આપેલું છે.

વિશ્વકોશના ગ્રંથોના માધ્યમથી ગુજરાતી સમજનાર જિજ્ઞાસુને તેની રૂચિના વિષયની તમામ માહિતી મળી રહે છે. આ ઉપરાંત અન્ય કોઇ વિષયની જાણકારી પ્રાપ્ત કરવાની મહેચ્છા હોય તો તે પણ મળી શકે છે. આ રીતે ધીરુભાઇએ સમજપૂર્વક અધ્યયન તેમજ સંશોધનના એક મજબૂત સાધન તરીકે વિશ્વકોશની ભૂમિકાને વિકસાવી છે. છેલ્લા દોઢ થી બે દાયકામાં જે માહિતી વિસ્ફોટ થયો છે તેના કારણે અનેક નૂતન યુગની માહિતીનો સમાવેશ વિશ્વકોશમાં કરવાના પ્રયાસો થયા છે.

ભારત સરકારે તેમને ‘પધ્મભૂષણ’ ના ખિતાબથી સન્માન્યા તે ઉચિત હતું. કવિ ચંદ્રકાન્ત શેઠ તેમજ કુમારપાળ દેસાઇ જેવા કાર્યનિષ્ઠ સાથીઓ તૈયાર કરીને ‘વિશ્વકોશ પુરુષ’ ધીરુભાઇ એક ચોક્કસ સંસ્થાગત માળખું વિકસાવીને ગયા છે. 

વસંત ગઢવી 

ગાંધીનગર. 

તા.૧૯/૦૫/૨૦૨૧.    

Leave a comment

Blog at WordPress.com.

Up ↑