: શિવદાનજી ઝુલા : વિસ્મૃત ન થાય તેવું વ્યક્તિત્વ :

૨૦૨૦ તેમજ ૨૦૨૧ના વર્ષનો પૂર્વાર્ધ સમગ્ર માનવજાત માટે આફતના ઓળા સમાન રહ્યો. કેટલાયે લોકોની રોજગારી સામે પ્રશ્નો ઊભા થયા. ઘણાં લોકો ઘરબાર છોડીને એક જગાએથી બીજી જગાએ સલામતીની શોધમાં ભટકતા રહ્યા. સ્થિતિ આજે એટલે કે મે-૨૦૨૧માં પણ અનેક પ્રકારે પડકારરૂપ લાગે છે. ભવિષ્યમાં ઘણી બધી બાબતોનો તો ઉકેલ કે સમાધાન મળશે. સ્થિતિ પણ પૂર્વવત થશે. દરેક આફત બાદ ઇશ્વરનું સંતાન –   માનવી – મજબૂત થઇને બહાર આવે છે તેવો અનુભવ છે. આથી આ વખતે પણ તેમ થશે તેમ શ્રધ્ધા રાખી શકાય. રેઇનર મારિયા રિલ્કેની સુંદર કવિતાનો કવિ મકરંદ દવેએ કરેલો અનુવાદ આ સંદર્ભમાં યાદ આવે છે : 

સર્વ પાછું સબળ બનશે,

ને મહત્તા ધારશે.

સાગરો સૌ લહેરતા ને

ભોમકા સમતળ થશે

ને થશે ઘેઘૂર વૃક્ષો

વાડ નીચી ખીણમાં

લોક કેરા જૂથ,

ભાતીગળ અને ભડ જાગશે.

ક્રાન્તદ્રષ્ટા કવિની આ વાત સાચી માનીએ તેમજ તે શ્રધ્ધાના સંચય સાથે જીવીએ તો પણ આ કપરા કાળમાં જે સ્વજનો સદાકાળ માટે સાથ છોડીને ગયા છે તેનો ઊંડો વસવસો આપણાં મનમાંથી લાંબા ગાળે પણ શાંત થવો મુશ્કેલ છે. એ કેમ ગયા ? તેનો જવાબ કોણ આપી શકે ? આવા અનેક સંભારણાઓમાં શિવદાનભાઇ ઝૂલા (સુરપુરા)ની વિદાય આપણને સૌને વિશેષ પીડાદાયક લાગી. કારણ એમ હોઇ શકે કે ઘણાં ધન્યનામ લોકો પોતાના અંગત વર્તુળ ઉપરાંત સમગ્ર સમાજ માટે કંઇક મહત્વનું યોગદાન આપીને આ સૃષ્ટિ પરથી વિદાય લેતાં હોય છે. શિવદાનભાઇ આવાજ એક વિરલ માનવી હતા. સમગ્ર જીવન દરમિયાન અને વિશેષ કરીને સરકારી સેવામાંથી નિવૃત્તિ બાદ તેમણે સમાજને જે કાર્ય માટે તેમની મદદ કે માર્ગદર્શનની જરૂર પડી ત્યાં સદાયે એકજ અવાજે હોંકારો આપતા રહ્યા તેમજ સાચી દિશાની દોરવણી આપતા રહ્યા. આ બાબત નાની સુની નથી. આથીજ તેમની વિદાય એ અ.સૌ.વંતા હીરાબા માટેકે ડૉ. ભરતભાઇ તથા દિલીપભાઇ માટે તો આઘાતજનક હતીજ, પરંતુ સમગ્ર સમાજે તેમજ ઇતર સમાજના અનેક લોકોએ તેમની વિદાયની વ્યથા અનુભવી હતી. ઉત્તર ગુજરાતના અનેક નાનામોટા ગામોના ઘરોમાં અસંખ્ય લોકોએ છાના ખૂણે પણ શિવદાનભાઇની સ્મૃતિમાં દુ:ખની લાગણી અનુભવતી હતી. તેમની અંતિમવિધિના દિવસે સુરપુરા ગામના તેમજ આસપાસના ગામના લોકોની આવા કપરા કાળમાં પણ નોંધપાત્ર હાજરી એ આ વાતની પુન: પ્રતિતિ કરાવે છે. 

મીઠપ વાળા માનવી

જગ છોડી જાશે,

કાગા એની કાણ

ઘરોઘર મંડાશે.

સરકારના એક અધિકારી તરીકે જે જવાબદારી કે ફરજ નીભાવવાની હોય છે તેના અલગ પ્રશ્નો તથા અલગ પાસા હોય છે. લોકો સાથેનો તમારો સંપર્ક કે સંબંધ કેવો છે તે બાબત જે તે અધિકારીની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં મહત્વની ગણાય છે. સરકારના દરેક વિભાગના અધિકારી કે કર્મચારી માટે આ બાબત ખરી છે. આમ છતાં, પંચાયત વિભાગના કર્મચારી માટે આ બાબત વિશેષ મહત્વની છે. પંચાયત રાજ્ય એ આખરે તો સત્તાનું લોકશાહી ઢબે વિકેન્દ્રીકરણ છે. આથી આ વિભાગમાં કાર્ય કરતા કર્મચારી માટે લોકસંપર્ક તેમજ લોકસહયોગ અનિવાર્ય છે. જેમના લોકસંપર્કની પ્રભાવી અસર હોય તેવા થોડા અધિકારીઓ મારા સેવાકાળ દરમિયાન જોવા મળ્યા છે. તેમના સંપર્કમાં પણ આવવાનું થયું છે. લોકો જેમની વાત સાંભળે તથા મોટાભાગે સ્વીકારે એવા આ જૂજ અધિકારીઓમાં મુરબ્બી શિવદાનભાઇનું નામ અગ્ર હરોળમાં મૂકતા મને ગૌરવની લાગણી થાય છે. રાજ્યમાં પંચાયતી રાજ્યનું માળખું મજબૂત કરવામાં ઝૂલા સાહેબ જેવા ગણ્યા ગાંઠ્યા અધિકારીઓએ પોતાનું લોહી રેડ્યું છે તેમ કહેવામાં અતિશયોક્તિ નથી. શિવદાનભાઇ જાતે પંચાયતના દરેક કાયદા – નિયમોના ઊંડા અભ્યાસી અને તેથી તેમના માર્ગદર્શનમાં પંચાયતોમાં વિવિધ જગાઓ પર વધારે સારી રીતે કામ કરી શકે તેવા કર્મચારીઓની એક હરોળ તૈયાર થઇ શકી છે તેમ કહેવાય. તેમનો લોકસંપર્ક એવો કે વર્ષો પછી પણ લોકો તેમને આદર સાથે યાદ કરે. કચ્છમાં તેઓ નાયબ જિલ્લા વિકાસ અધિકારી (ડેપ્યુટી ડીડીઓ) તરીકે કાર્ય કરતા હતા. ત્યારબાદ થોડા વર્ષો પછી કચ્છમાં હું જિલ્લા વિકાસ અધિકારી તરીકે યોગાનુયોગ ફરજ બજાવતો હતો. રાપર કે અબડાસાના કોઇ છેવાડાના નાના એવા ગામમાં તે ગામના આગેવાનો સાથે વાતચીત કરતા હોઇએ ત્યારે અનેક વખત ગામના આગેવાનો ઝૂલા સાહેબને યાદ કરે તેવા ઘણા પ્રસંગો મને જોવા મળેલા છે. ગામનું કોઇ સારું કામ કરવામાં શિવદાનભાઇ કેવી રીતે ઉપયોગી કે માર્ગદર્શક બન્યા હતા તેની વાત આવા છેવાડાના ગામમાં લોકો વર્ષો બાદ પણ કરે તેનું એક સુખદ આશ્ચર્ય તેમજ મુરબ્બી શિવદાનભાઇ માટેના આદરની લાગણી ઘણી વખત અનુભવી છે. સરકારનું કામ પણ લોક તરફની નિષ્ઠા એ એક વિશિષ્ટ ગુણ છે જે શિવદાનભાઇના વ્યક્તિત્વમાંજ વણાયેલો હતો. 

પોતાના નિવૃત્તિકાળમાં સાહિત્યની સેવામાં પણ શિવદાનભાઇએ સર્જક તેમજ સંશોધક તરીકેની એક આગવી છાપ પ્રસ્થાપિત કરી હતી. ગાંધીનગરના પીઢ તેમજ સુવિખ્યાત સાહિત્યકાર દોલતભાઇ ભટ્ટ તેમના સાથી એવા શિવદાનભાઇના લખાણો બાબત તેમજ તેમની શૈલિ બાબત વખતોવખત વાત કરતા હોય છે. આપણો સામાન્ય અનુભવ છે કે ઇતિહાસમાં પ્રસિધ્ધ હોય તેવા પાત્રો વિશે ઘણું લખાય છે. જે સારું છે. પરંતુ તે સાથેજ પ્રમાણમાં ઓછા જાણીતા છતાં ગૌરવયુક્ત પાત્રો બાબત પણ લખાવું જોઇએ. શિવદાનભાઇએ આ બાબતને ઉચિત ન્યાય આપેલો છે. વઢીયાર પ્રદેશના અનેક માણવા જેવા ચરિત્રો તેમણે લખ્યા છે. આવા ઉજળા પ્રસંગો કે ચરિત્રો વિશે માહિતી એકઠી કરવામાં પણ તેમણે ઘણી ચોકસાઇ રાખી છે. જે તેમની સ્વભાવગત ખાસીયત છે. નજીકના ભૂતકાળના અથવા સાંપ્રત ચારણી સાહિત્યકારોના સુંદર ચરિત્રો પણ તેમણે સુપેરે લખ્યા છે જે પ્રસિધ્ધ થયા છે. આપણાં ચાર નીવડેલા સાહિત્યસર્જકોની જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટીએ પસંદગી કરી. આ ચાર સંશોધકોની કૃતિઓનો અભ્યાસ સોરઠની યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ કરશે. આ ચાર સાહિત્યકારોમાં રતુભાઇ રોહડિયા, ડૉ. અંબાદાનભાઇ રોહડિયા તેમજ લક્ષ્મણભાઇ લીઇા ઉપરાંત શિવદાનભાઇનો પણ સમાવેશ થાય છે, જે ગૌરવ લઇ શકાય તેવી બાબત છે. શિવદાનભાઇને મેઘાણી એવોર્ડ (૨૦૧૬) તેમજ કાગ એવોર્ડ (૨૦૧૨) થી સન્માનીત કરવામાં આવ્યા છે. મેઘાણી કેન્દ્ર, રાજકોટના તેઓ કાર્યવાહક સમિતિના વરિષ્ઠ સભ્ય તેમજ માર્ગદર્શક હતા. અનેક સમાચારપત્રો કે પ્રતિષ્ઠિત સમાયિકોમાં તેમની કલમ પ્રસાદી છપાતી હતી અને વખણાતી હતી. આ ઉપરાંત તેમની કૃતિઓને અનેક સન્માનથી વિભૂષિત કરવામાં આવી છે. તેમના સાહિત્યસર્જનની આ ઉજળી યાત્રા દીર્ઘકાળ સુધી લોકસ્મૃતિમાં રહેશે. ભર્તુહરી મહારાજે કહ્યું છે તેમ સર્જકોની કૃતિઓને     ‘જરા-મરણ’ નો ભય નથી હોતો. કવિ કે સર્જક તેની કૃતિથી જીવંત રહે છે.

નિવૃત્તિકાળમાં પોતાના સમયનો મહત્તમ સદ્દ ઉપયોગ કરીને તેમણે સમાજ ઉપયોગી ઘણાં કાર્યોમાં સંપૂર્ણ સહયોગ આપ્યો. બહુચરાજી ખાતેનો સમાજનો કૉમ્યુનિટી હોલ કે થલતેજ-અમદાવાદ સ્થિત પ્રગતિ મંડળ સંચાલિત સંસ્થાને મજબૂત કરવામાં છેલ્લા બે દસકાથી તેમનું સતત માર્ગદર્શન મળેલું છે. અમારા સૌના એ હમેશના માર્ગદર્શક રહ્યા.

પોતાના કુટુંબના સભ્યો માટે તેઓ એક વટવૃક્ષ સમાન હતા. ભાઇઓ તેમજ દિકારા – દિકરીઓના બહોળા સમુદાયને તેમની હૂંફ તથા સતત માર્ગદર્શન મળતા રહેતા હતા. કુટુંબના દરેક યુવાન સભ્યની કારકિર્દી ઉત્તમ પ્રકારે ઘડાય તેવા તેમના સતત પ્રયાસો હતા. ઝૂલા સાહેબની પૌત્રી ચિ.વિધિએ લખેલી Facebook Post પરથી સમજી શકાય છે કે કુટુંબના નાના ભૂલકાઓ સાથે પણ તેમનો સંપર્ક તથા સ્નેહ કેટલો ઘનિષ્ટ હતો. શિવદાનજી એ આપણાં સૌની વ્યક્તિગત ઉપરાંત સામુહિક ખોટ છે. જીવો ત્યાં સુધી કર્મ કરતા રહો તેવો તેમનો જીવન સંદેશ પ્રેરણાદાયક છે. 

વસંત ગઢવી 

ગાંધીનગર.

તા.૧૯/૦૫/૨૦૨૧.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑