ઘણાં લાંબા સમયથી અનેક લોકોને દરરોજ વહેલી સવારે સાત વાગે ગાયત્રી મંદિર પહોંચાવાની એક ટેવ પડી હતી. ન પહોંચી શકાય તો તે માટેનો વસવસો પણ મનમાં દિવસભર રહેતો હતો. ગાયત્રી મંદિરમાં ઇશ્વર કૃપાથી તેના ભોંયતળિયાના મોટા હોલમાં પરીચિત ચહેરાઓ વચ્ચે બેસીને ‘‘સહ વીર્યમ્ કરવા વહૈ’’ ના વાસ્તવિક અમલીકરણની એ ૬૦ મીનીટ ભરપૂર સાર્થક્તામાં પસાર થતી હતી. યોગનો અભ્યાસ, સ્વજનોની હાજરી તથા અશ્વિનભાઇ દવેનું માર્ગદર્શન એ કદી ભૂલી ન શકાય તેવો પવિત્ર ત્રિવેણી સંગમ છે. કોરોનાનું ગ્રહણ આ શુભ કાર્યને પણ લાગ્યું. યોગના વર્ગો બંધ થયા – અથવા કમને કરવા પડ્યા. દરેક યોગના અભ્યાસુને સવારનો શૂન્યાવકાશ આકરો તેમજ અકળાવનારો લાગ્યો. પરંતુ તેમાં એકાએક રસ્તો ખુલી ગયો. આધુનિક ટેકનોલોજી યોગીજનોની મદદે આવી. ઓનલાઇન યોગ ક્લાસનો વિચાર થયો અને જોતજોતામાં તે વિચારે વાસ્તવિક્તાના વાઘા પહેર્યા. જૂન-૨૦૨૦ થી આ ઓનલાઇન ક્લાસીસના શ્રીગણેશ થયા અને આજે એક વર્ષ પછી પણ તે ધમધોકાર ચાલે છે. અમારો એટલે કે યોગ અભ્યાસુઓનો પરિવાર વિસ્તૃત થયો છે. દેશ તથા વિદેશના પણ ઘણાં અભ્યાસુઓ અમારા નવા સાથીદાર બન્યા છે તે સૌનું સ્વાગત છે. સંપૂર્ણ યાત્રાની સફળતાના મૂળમાં અશ્વિનભાઇની અજોડ કાર્યનિષ્ઠા તેમજ પોઝીટીવ વલણ પડેલા છે. તે સિવાય આમ બની શક્યું ન હોત. ઓનલાઇન યોગાભ્યાસના પ્રથમ વર્ષની પૂર્ણાહૂતીના અવસરે વિશ્વના તમામ લોકોનું કલ્યાણ ઇચ્છીએ તેમજ અશ્વિનભાઇનું અંતરના ઉમળકાથી સન્માન કરીએ.
‘‘ સર્વે ભવન્તુ સુખીન: ’’
વસંત ગઢવી
ગાંધીનગર.
તા.૧૯/૦૫/૨૦૨૧.
Leave a comment