અમૃતલાલ શેઠ અને ‘સૌરાષ્ટ્ર’ અખબાર તથા ધોલેરા સત્યાગ્રહના ઉલ્લેખ સિવાય ગુજરાતના સ્વાધિનતા સંગ્રામનો ઇતિહાસ અધૂરો ગણાય તેમ કહીએ તો કોઇ અતિશયોક્તિ નથી. સ્મૃતિમાંથી કદી વિસ્મૃત ન થાય તેવા અમૃતલાલ શેઠ તથા વીરતાની અજાયબ લાગે તેવી ધોલેરા સત્યાગ્રહની વાતો આપણા સામાન્ય ગણાતા લોકોની અસામાન્ય શક્તિની પ્રતિતિ કરાવી જાય છે. તેથી તે અમીટ છે. આ વાતના સંદર્ભમાં એક વિસરાઇ ગયેલા કવિ ગજેન્દ્ર બૂચની અર્થસભર પંક્તિ યાદ આવે છે :
કંઇક ચિત્રો એવાયે છે,
ધૂઓ શતધાર જો;
ફરી ફરી બને તાજા
ભૂંસાય ન રેખ કો !
બાપુના જન્મ દિવસે બીજી ઓક્ટોબર-૧૯૨૧ – સૌરાષ્ટ્ર પત્રનો પ્રારંભ અમૃતલાલ શેઠના તંત્રીપદે થયો. પ્રથમ તંત્રીલેખમાં તેમણે યાદગાર શબ્દો લખ્યા :
‘‘ઉત્પતિ અને લય, ઉદય અને અસ્ત એ સર્વ ઇશ્વરની લીલા છે. એમાં વળી પ્રયોજન શાં ? ક્યાં બધા પ્રયોજનો પાર ઉતરે છે ? … દિલમાં ઉમેદ રાખી દેશનું ભલું કરવું, મનુષ્યની સેવા કરવી.. મોટાથી દબાયા સિવાય કે નાનાને દૂભવ્યા સિવાય, લોકકલ્યાણની પ્રવૃત્તિ આદરવી એ મનુષ્ય માત્રનું લક્ષ હોવું જોઇએ.’’
નામ પ્રમાણે જેમનો કોઠો અમૃતથી ઉભરાતો હતો તેવા અમૃતલાલ શેઠનો આ સેવા કરવાનો સંકલ્પ માત્ર કથની પૂરતો મર્યાદિત ન હતો. કથની તથા કરણીના ઉજળા અનુસંધાનથી શેઠ અમૃતલાલ આપણી સ્મૃતિમાં ચિરંજીવી રહ્યા છે. ‘‘પત્રકાર સેનાપતિ અમૃતલાલ શેઠ’’ (લેખક : જયમલ્લ પરમાર. સંપાદન : રાજુલ દવે) નામના
પ્રવીણ પ્રકાશનના પુસ્તકના દસ્તાવેજી માધ્યમથી અમૃતલાoલ શેઠના જીવન તેમજ કાર્યોની વાસ્તવિક ઝાંખી અનેક લોકોને થઇ છે તથા થઇ રહી છે. બ્રિટીશ સત્તાની સામે સિંહનાદ કરનાર અમૃતલાલ શેઠ વીધ્વત્વ તેમજ વીરત્વનું પ્રતિનિધિત્વ કરનારા હતા. ‘સૌરાષ્ટ્ર’ અખબાર દૂભ્યા દબાયેલા અનેક સામાન્ય લોકોની વેદનાને વાચા આપનાર હતું. શ્રીમદ્દ રાજચન્દ્રના નાનાભાઇ મનસુખભાઇ રવજીભાઇ મહેતાએ ‘સૌરાષ્ટ્ર’ અખબાર શરૂ થયું ત્યારે શેઠને કહ્યું હતું : ‘‘જેનું કોઇ નથી તેના તમે બનો’’ આ વાતને કેન્દ્રમાં રાખીને જેનું કોઇ ન હતું તેની વહારે સૌરાષ્ટ્ર ચડ્યું હતું. અમૃતલાલ શેઠના સાથીઓમાં ગુણવંતરાય આચાર્ય, કક્કલભાઇ કોઠારી, રામુ ઠક્કર કે બળવંતરાય મહેતા (પાછળથી જેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા) જેવા દિગ્ગજો હતા. પછીથી ઝવેરચંદ મેઘાણી, નિરંજન વર્મા (નાનભા ગઢવી) તેમજ જયમલ્લ પરમાર પણ મેઘાણીભાઇના આગ્રહથી ‘સૌરાષ્ટ્ર’ માં જોડાયા હતા. ૧૯૨૫ના એપ્રિલમાં ગાંધીજી રાણપુર આવ્યા ત્યારે ‘સૌરાષ્ટ્ર’ ના મકાનમાં નિવાસ કરેલો. અમૃતલાલ શેઠે તે સંદર્ભમાં લખ્યું : ‘રાણપુરના આંગણે સોનાનો સૂરજ ઊગ્યો તેના તેજ ‘સૌરાષ્ટ્ર’ ને તો અનાયાસે અને કદાચ વિના અધિકારેમળી ગયા છે.’ ગાંધીજી તથા સરદાર સાહેબ સાથે કેટલાક વૈચારિક મતભેદો છતાં બાપુ પરત્વેની શેઠની શ્રધ્ધા હમેશા દ્રઢ રહી છે. બાપુને પણ શેઠ સાહેબની સત્યપ્રિયતા માટે સંપૂર્ણ આદર છે. ઝાલાવાડ (સુરેન્દ્રનગર જિલ્લો)ના લીંબડીમાં અમૃતલાલ શેઠનો જન્મ ૨૫ ઓગસ્ટ-૧૮૯૧માં થયો. તેઓએ પૂરતું શિક્ષણ મેળવીને ૧૯૧૫માં વઢવાણમાં વકીલાતની કારકિર્દી શરૂ કરી. લીંબડીના રાજવીએ આ યુવાનની ક્ષમતા જોઇને તેની નિમણુંક લીંબડીમાં ન્યાયધિશ તરીકે કરી. અમૃતલાલ શેઠની કાર્યક્ષમતા તેમજ નિષ્ઠા પારખીને તેમને લીંબડી રાજ્યના દિવાન તરીકે લાવવા તેવી મહેચ્છા રાજવીના મનમાં હતી. પરંતુ કાળનું નિર્ધારણ કંઇક જૂદું હતું.
બ્રિટીશ સત્તાધિશોએ ચોક્કસ ગણતરી સાથે સાયમન કમીશન ભારત મોકલ્યું. સાયમન સામે તેમજ તેના માધ્યમથી અંગ્રેજોની રીત રસમ સામે દેશભરમાં વિરોધનો જુવાળ પ્રગટ થયો. લાલ – બાલ અને પાલની સુવિખ્યાત ત્રિપુટી પૈકી પંજાબના અડીખમ આગેવાન લાલા લજપતરાય સમગ્ર લડતને દોરવણી આપતા હતા. બરાબર આ સમયે કાઠિયાવાડના ‘સી’ ક્લાસનું રાજ્ય ગણાતા લીંબડીમાં લોકોએ એક દ્રષ્ય જોયું અને આશ્ચર્યનો અનુભવ કર્યો. સાયમન કમીશનના વિરોધમાં દેશભરમાં લડત ચાલતી હતી. લાલ લજપતરાયનું પોલીસની બેરહમીથી આઘાતજનક મૃત્યુ થયું હતું. તેનો વિરોધ તેમજ લાલાજીના મૃત્યુ બાબત શોકની લાગણી લાગણી વ્યક્ત કરવા લીંબડીમાં નગરજનોની એક વિશાળ શોકયાત્રા નીકળી. આ બાબત તો તે સમયના જુસ્સાને ધ્યાનમાં લેતાં સમજી શકાય. પરંતુ લીંબડીના લોકોને અચંબો એ વાતનો થયો કે લીંબડી રાજ્યે જેમની નિમણુંક કરેલી તે રાજ્યના ન્યાયધિશ અમૃતલાલ શેઠ માથા પર સફેદ સાફો ધારણ કરી આ શોકયાત્રાની દોરવણી કરતા હતા. શોકસભા પણ મળી. આ શેઠ સાહેબને સાચવવાની શક્તિ હવે દેશી રાજ્યમાં ન રહે તે સ્વાભાવિક છે. ૨૨૨ રજવાડઓમાં વેતરાઇને પડેલા સૌરાષ્ટ્રના મોટાભાગના રાજવીઓ પ્રજા સાથે જેવો ઇચ્છે તેવો વ્યવહાર કરે પણ તેઓ ગોરા હાકેમોને નારાજ કરતા ન હતા. આથી કાઠિયાવાડની પ્રજા અંગ્રેજોની સત્તા તેમજ રાજવીઓની જોહુકમી નીચે તણાવયુક્ત જીવન જીવતી હતી. ‘વોકર એગ્રીમેન્ટ’ પછી રાજવીઓને સ્વમાનના ભોગે પણ સલામતી દેખાતી હતી. જે તેમની ટૂંકી ગણતરી હતી અને તેના મૂળમાં મોટાભાગના રાજવીઓની સુખ-સુવિધા તેમજ એશઆરામની રહેણી કરણી ફાવી ગઇ હતી તે બાબત હતી. કેટલાક રજવાડા તેમાં જરૂર અપવાદરૂપ હતા પરંતુ મહ્દ્દઅંશે પ્રજાની લાગણીને દબાવી દેવાની વૃત્તિ રાજવીઓમાં હતી. બ્રિટિશરોને તે સ્થિતિમાં પોતાનો લાભ દેખાતો હતો. આથી આ શોકયાત્રાના માધ્યમથી પ્રજાના અજંપાને વાચા આપી શેઠ સાહેબે લોકચળવળ તેમજ લોકહિતના કામોમાં ઝંપાલાવ્યું. માનપાનયુક્ત નોકરી તથા તેના લાભો આ વીરને બંધનમાં રાખી શક્યા નહિ. અમૃતલાલ શેઠના નેતૃત્વમાં વીરોની એક નાની છતાં ચીનગારીનું કામ કરે તેવી સેના સ્વાર્પણના ભાવ સાથે મુક્તિની ચળવળમાં ફનાગીરી વહોરવા સ્વેચ્છાએ તૈયાર હતી. આ વીરોના મતે બ્રિટીશરો સામે આ આખરી તેમજ નિર્ણાયક લડત હતી. મેઘાણીએ ગાયું હતું :
પ્રભુજી ! પેખજો આ છે
અમારું યુધ્ધ છેલ્લું,
બતાવો હોય જો કારણ
અમારું લેશ મેલું ;
અમારા આંસુડાને લોહીની
ધારે ધૂએલું, દુવા
માંગી રહ્યું જો સૈન્ય
અમ તત્પર ઊભેલું.
લીંબડી રાજ્યની સુવિધાયુક્ત નોકરી છોડ્યા પછી અમૃતલાલ શેઠે પોતાનો કર્મયજ્ઞ એક ચોક્કસ કામ સાથે જોડ્યો. શેઠને એ વાતની પ્રતિતિ થઇ કે દેશી રાજવીઓની જોહુકમી સામે લોકોની ફરિયાદો કે અસંતોષને અસરકારક રીતે વાચા આપે તેવું કોઇ માધ્યમ ન હતું. પ્રજાનો અવાજ સાંભળવાની તો કોઇ વ્યવસ્થા હતી નહિ પરંતુ તે વ્યક્ત પણ ન થઇ શકતા લોકો પોતાનું ખમીર ગુમાવતા જતા હતા. લોકોની ફરિયાદોને વાચા આપે તેવું કોઇ અખબાર ન હતું. સુરેન્દ્રનગર જિલ્લાનાજ ધાંગધ્રાના રાજવીએ લોકો પર ત્રાસ ગુજાર્યો. પરંતુ આ અન્યાયી શાસન બાબત કોઇ અખબારોમાં સમાચાર મોકલવા છતાં કોઇ અહેવાલ પ્રગટ ન થયા. આથી પ્રજાના સુખદુ:ખને અસરકારક રીતે વાચા આપી શકાય તે માટે એક અખબારનું પ્રકાશન કરવાનો દ્રઢ સંકલ્પ અમૃતલાલ શેઠે કર્યો. મોભાદાર નોકરી છોડીને પત્રકારત્વના ક્ષેત્રે અનુભવ સિવાય ઝંપલાવવાનું આ સાહસ કોઇ મરજીવા હોય તેજ કરી શકે. તોફાની દરિયામાં નાવડી ઝૂલવવાનો આ નિર્ણય હતો.
અખબારનું પ્રકાશન કરવાનુંજે કામ શેઠ સાહેબે કર્યું તે કામ લગભગ સમાન હેતુથી મહાત્મા ગાંધીએ આફ્રિકાથી પાછા આવ્યા બાદ ભારતમાં કર્યું હતું. ગાંધીજીને સત્યકથન ઉપરાંત સ્વભાષા તથા સરળતા સાથેના કથનયુક્ત અખબારની અનિવાર્યતા દેશની મુક્તિ માટેની ચળવળને વ્યાપક લોકસહયોગ જરૂરી લાગ્યા હતા. જેનું કોઇ નથી તેની સાથે અને તેમના માટે આ ભૂમિકા ઉપર ‘સૌરાષ્ટ્ર’ અખબારનો શુભારંભ થયો. ૧૯૨૧ થી લાગલગાટ બે દાયકા સુધી પ્રજાની વેદનાને વાચા આપવા તેમજ પ્રજામતનું ઘડતર કરવા ‘સૌરાષ્ટ્ર’ ‘રોશની’ તથા ‘ફૂલછાબ’ સક્રિય રીતે ઝઝૂમતા રહ્યા. ‘ફૂલછાબ’ ની યાત્રા આજે પણ ચાલુ છે. સત્ય, નિષ્ઠા તથા નીડરતાના મજબૂત પાયા ઉપર આ પત્રકારત્વ પાંગર્યું હતું. શેઠ સાહેબે સુંદર વાત લખી છે :
‘‘… સૌરાષ્ટ્રનું અમારું પત્રકારત્વ એક દેવમંદિર હતું. ત્યાં સેવાભાવનું સંગીત ગુંજતું. આદર્શોની પૂજા – અર્ચના થતી… લડાઇના શંખો ફૂંકાતા…’’
સ્વાતંત્ર્ય સંગ્રામમાં ‘સૌરાષ્ટ્ર’નો ફાળો જોઇ સત્તાધિશોએ ૧૯૩૧માં આકરા પગલાં લીધા. અગાઉ પણ પગલાં લેવાયેલા પરંતુ સરકારને દાદ મળી ન હતી. ૧૯૩૧માં ‘સૌરાષ્ટ્ર’ પર સરકારની જપ્તી આવી. સરકારના આકરા પગલાની દરકાર કર્યા સિવાય ‘સૌરાષ્ટ્ર’ ની જગાએ ‘રોશની’ નું પ્રકાશન શરૂ થયું. પોતાનું કામ શેઠે આ રીતે જીવંત રાખ્યું. ૧૯૩૩માં ‘રોશની’ પણ જપ્ત થયું. પરંતુ હાર માને તો એ અમૃતલાલ શેઠ નહિ. આથી ૧૯૩૪માં ‘ફૂલછાબ’ ના નામે સૌરાષ્ટ્રનો પુન:જન્મ થયો. ‘સૌરાષ્ટ્ર’ નું પ્રકાશન રાણપુરથી શરૂ કરવાનું એક ખાસ કારણ હતું. રાણપુર અમદાવાદ જિલ્લાની સરહદે આવેલું ગામ. બ્રિટીશ શાસનની ત્યાં હકુમત એટલે દેશી રાજ્યનો ત્યાં ચંચૂપાત પણ નહિ. આથી રાણપુર ઉપર પસંદગી ઉતારી.
લાહોરના ઐતિહાસિક કોંગ્રેસ અધિવેશનમાં ૧૯૩૦ની ૨૬મી જાન્યુઆરીનો દિવસ સમગ્ર રાષ્ટ્રમાં દેશની મુક્તિની હાક સાથે ઉજવવાનો નિર્ણય થયો. સંઘર્ષ નીવારવા મહાત્માજીએ ૧૧ મુદ્દાઓનું એક આવેદનપત્ર વાઇસરોય લોર્ડ ઇરવિન સમક્ષ રજૂ કર્યું. જો કે કોઇ વિધેયાત્મક પરિણામની વિશેષ અપેક્ષા ગાંધીજીને ન હતી. ઉલ્ટુ લડત સામે સરકારે ચીમકી આપી. અંતે દેશમાં મુક્તિ સંગ્રામનો ઝૂવાળ જાગે અને લોકો ન્યાય માટે જાગૃત થાય તે હેતુથી જીવન જરૂરિયાતની મૂળભૂત ચીજ એવા મીઠા પરનો અન્યાયી વેરો હટાવવા ગાંધીજીએ માંગણી કરી. મીઠા પરના અન્યાયી વેરા તેમજ મીઠુ પકવવા પરના પ્રતિબંધને દૂર કરવા લોર્ડ ઇરવિનને બાપુએ લખ્યું. ઇરવિન પરનો પત્ર આપવા માટે દીર્ઘદ્રષ્ટિવાળા બાપુએ પોતાના પ્રતિનિધિ તરીકે રેજિનોલ્ડ રેનોલ્ડ નામના અંગ્રેજ યુવાનને પસંદ કર્યો. કોઇ સંતોષકારક જવાબ ન મળવાથી બાપુએ ૧૨મી માર્ચ-૧૯૩૦ના રોજ અમદાવાદથી દાંડીકૂચનો પ્રારંભ કરવાનું જાહેર કર્યું. દેશના આ માહોલમાં ગાંધીજી છઠ્ઠી એપ્રિલ-૧૯૩૦ના રોજ મીઠાના કાયદાનો સવિનય ભંગ કરે ત્યારે દેશમાં અનેક સ્થળોએ લડતના મંડાણ થયા. ગુજરાત કોંગ્રેસે કાઠિયાવડમાં વિરમગામમાં સત્યાગ્રહ મોરચો શરૂ કરવાનો નિર્ણય કર્યો. વીરમગામ સત્યાગ્રહનો મોરચો જાણીતા એડવોકેટ મણિલાલ કોઠારી સંભાળે તેમ નક્કી થયું. ધોલેરાના સમુદ્ર કિનારે કુદરતી રીતેજ મીઠુ પાકતું હોવાથી શેઠ સાહેબે ધોલેરાનો મોરચો સંભાળવાનું નક્કી કર્યું. ભૂતકાળમાં ધોલેરા એક ધીકતા બંદર તરીકે જાણીતું હતું.
દરિયાના ખસવાથી જે પ્રદેશ બહાર આવ્યો તે ભાલ પ્રદેશ તરીકે ઓળખાય છે. પીવાના પાણીની સમસ્યા અને ખારા પાણી વિપુલ માત્રામાં તે આ પ્રદેશની ઓળખ હતી. આ ધોલેરા ઐતિહાસિક લડતનું શાક્ષી બન્યું. ધૂળિયા ગામ ધોલેરા માટે કહેવાતું :
ધૂળ ગામ ધોલેરા ને
બંદર ગામ બારાં,
કાઠા ઘઉંની રોટલી ને
પાણી પીવા ખારાં,
તોયે ધોલેરા સારા
ભાઇ, સારા.
ધોલેરાની સત્યાગ્રહ છાવણીએ એક વિસ્મય પમાડે તેવી દુર્લભ ઘટના છે. લોકોની સ્વાર્પણવૃત્તિના મનોરમ્ય દ્રષ્યો શેઠ સાહેબ પ્રેરીત આ સત્યાગ્રહમાં જોવા મળે છે. વિશાળ માનવ મેદની સમક્ષ યુવાન મેઘાણી મોતના મોમાં ઝંપલાવવાની હાકલ કરે છે. પરંતુ વીરતાની આ ભાતીગળ ભાવસૃષ્ટિમાં કંકુ ઘોળવાની વાત વાસ્તવિક છતાં મનોહર શબ્દોમાં કહેવાઇ છે.
કંકુ ધોળજો જી કે કેસર
ધોળજો રે, પીઠી ચોળજો જી
કે માથાં ઓળજો રે..
ઘોળજો કંકુ આજ જોધ્ધા
રંગભીને અવસરે, રોપાય
મંડપ મોતના ગુર્જરી કેરે ઘરે ઘરે.
ધોલેરા સત્યાગ્રહ સાથે સંકળાયેલા ધન્ય નામોમાં રતુભાઇ અદાણી, મનુભાઇ પંચોળી (દર્શક), ઇશ્વરભાઇ દવે, કાંતિભાઇ શાહ, ઝવેરચંદ મેઘાણી, જયમલ્લ પરમાર વગેરે મુખ્ય હતા.
ધોલેરા સતયાગ્રહ સાથે સારી એવી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. લડતનો માહોલ જામ્યો હતો. આ દૂધમલિયા યુવાનો ગામમાં કોઇના ઘેર તેમની હાજરીના ગુના માટે સરકારની જપ્તી ન થાય તે માટે સ્મશાન છાપરીમાં જઇને રહ્યા. નજીકમાંજ કોઇની ચિતા પણ સળગતી હોય. સ્મશાન છાપરી સરકારી તંત્ર કેવી રીતે જપ્ત કરે ? ગામમાં આ ખબર પહોંચ્યા તો ગામ લોકોને ઊંડી સહાનુભૂતિ થઇ. લોકો મનાવવા આવ્યા. ગામ લોકોને પોલીસની કનડગત ન થાય એટલે સ્મશાન છાપરીમાંજ રહેવાની વાત સત્યાગ્રહીઓએ લોકોને સમજાવી. ભૂખ લાગી એટલે ગામમાં ઘેર ઘેર જઇને માધુકરી – ભિક્ષા માંગવાનું નક્કી કર્યું. ભિક્ષાની માંગણી સાથે જુસ્સાથી ગાય છે :
સ્વરાજ સૈનિક સ્વદેશ માટે
ઝંડો લઇને આવ્યા છે,
ગલી ગલીમાં આહલેક જગાવી
ભિક્ષા ઝોળી લાવ્યા છે.
આવા ગભરૂ યુવાનોને ભીક્ષા માંગતા જોઇને ગામની મા-બહેનોએ તેમની ભિક્ષાના પાત્રો સ્નેહના આંસુ સાથે છલકાવી દીધા.
અમૃતલાલ શેઠ એક વ્યવસાયિક પત્રકાર હોવાના બદલે એક મીશનરી જેવા વિશેષ લાગે છે. રજવાડાના અન્યાય સામે લોકજાગૃતિ તેમજ લોક અવાજ બુલંદ કરવા સાથેજ તેમણે ગાંધીજી પ્રેરીત મુક્તિસંગ્રામને બળ પૂરું પાડ્યું. એક કલમના કસબી હોવા ઉપરાંત તેઓ કર્મના સિપાહી થઇને જીવ્યા. અનેક જોખમો વચ્ચે સુભાષબાબુના જીવનકાળના છેલ્લા સમયનો ઇતિહાસ જાત તપાસ કરીને મેળવ્યો તથા પ્રસિધ્ધ કર્યો. અનેક રજવાડાના શરમજનક કૃત્યો નીડરતાથી પ્રકાશમાં લાવ્યા. ઇન્વેસ્ટીગેટીંગ જર્નાલીઝમના પાયા ગુજરાતી પત્રકારત્વમાં નાખવાનું શ્રેય શેઠ સાહેબને જાય છે. મેઘાણી જેવા સમર્થ સાહિત્ય સર્જકની અનેક કૃતિઓ પ્રગટ કરવાનું શ્રેય ‘સૌરાષ્ટ્ર’ ને જાય છે. રાણપુરમાં સૌરાષ્ટ્ર અખબારના માધ્યમથી ઉત્તમ પત્રકારત્વના મજબૂત પાયા શેઠ સાહેબે નાખ્યા. ‘અનર્થકારી તો શું પરંતુ નિરુપયોગી જીવન પણ ફૂલછાબનું ન હોય’ એવો કોલ અમૃતલાલ શેઠ જેવા વીરપુરુષ સિવાય કોણ આપી શકે ? આરઝી હકુમતની લડતમાં પણ તેમણે મહત્વનું યોગદાન આપ્યું. ‘‘પત્રકારત્વનું એક મહાવિદ્યાલય રાણપુરમાં હોવું જોઇએ’’ તેવું વિષ્ણુ પંડ્યાનું વિધાન સર્વથા ઉચિત છે. સાંપ્રત સમયના સંદર્ભમાં એક સત્યપ્રિયતાને વરેલા નિષ્ઠાવાન પત્રકારની વાત કરવી એ વિશેષ ઉચિત છે. મીડીયાનો વ્યાપ આજે ઘણો વધ્યો છે. પરંતુ તેની વિશ્વસનિયતા કેટલી છે તે એક મોટો પ્રશ્ન છે. સાચા સમાચાર જેમ છે તેમજ રજૂ કરવામાં આવે છે કે દરેક માધ્યમવાળા તેને એક ચોક્કસ તથા નિર્ધારીત વળાંક આપવાના પ્રયાસ કરે છે તે બાબત જાગૃત નાગરિક માટે ચિંતાનો વિષય છે. પત્રકારત્વની માર્ગદર્શિકા જરૂર છે પરંતુ તેનું પાલન કેટલા અંશે થાય છે ? પત્રો, પત્રકારત્વ તેમજ સમાચારો તરફ સમાજનો એક સ્વસ્થ દ્રષ્ટિકોણ ઊભો થાય તો તે અનેક લોકોના તેમજ લોકશાહીના હીતમાં હશે. સામી બાજુ અમૃતલાલ શેઠ કે મેઘાણી જેવું પત્રકારત્વ સાંપ્રત સમયમાં આજના દિવસની લોક જરૂરિયાતને કેન્દ્રમાં રાખી બની શકે તેટલા અંશે અપનાવવામાં આવે તો એક સ્વસ્થ પ્રણાલીને શક્ય તેટલી પુન: સ્થાપિત કરી શકાય. અમૃતલાલ શેઠના કર્મયજ્ઞની આ પ્રસાદી છે. આ બાબતનો સ્વીકાર કરવો કે ન કરવો તે આપણી પસંદ છે. શેઠ સાહેબ તો તેમનું ઉજળું અને અનુકરણીય જીવન જીવીને ગયા. ‘સૌરાષ્ટ્ર’ ‘જન્મભૂમિ’ કે ‘ફૂલછાબ’ ની જ્યારે વાત થશે ત્યારે અમૃતલાલ શેઠનો હળવાશથી મલકતો ચહેરો સામે આવશે.
વસંત ગઢવી
ગાંધીનગર.
તા.૦૩/૦૫/૨૦૨૧.
Leave a comment