અરબ સાગર જેને નિરંતર શાશ્વતિનું ગાન સંભળાવે છે તે પોરબંદર અથવા સુદામાપુરી પોતાના કોઠામાં અગણિત સારી-નરસી ક્ષણોને સંઘરીને ઉન્નત મસ્તકે આજે પણ ઊભું છે. આ નગરે મહાત્મા ગાંધી તથા કસ્તુરબાને પોતાના ખોળામાં રમાડ્યા છે. બરડા ડુંગરનું સાનિધ્ય આ ભૂમિને સાંપડ્યું છે. સુદામાના અયાચી વ્રતે આ નગરની શોભા વધારી છે. રાજરત્ન શેઠ નાનજી કાળીદાસ મહેતાએ પોતાના પુરુષાર્થના બળે દુનિયાભરમાં વેપાર વાણિજ્યના ક્ષેત્રે ડંકો વગાડ્યો છે. ‘ઇતિહાસવિદોએ ‘સુદામાપુરી’ તથા પોરબંદર વચ્ચે તફાવત બતાવેલો છે. તેઓના મતે ‘સુદામાપુરી’ સીટી છે જ્યારે પોરબંદર પોર્ટ છે.’ (નરોત્તમ પલાણ : પોરબંદર : પ્રવાહ અને પ્રતિબિંબ) આર્યકન્યા ગુરુકૂળ અને સાંદીપનિ વિદ્યાધામ જેવી જ્ઞાનસમૃધ્ધ સંસ્થાઓ પણ આ નગરમાં પાંગરી છે. આ નગરેજ રાજાશાહીના છેલ્લા તથા સંવેદનશીલ શાસક નટવરસિંહજીને અમીભરી આંખે નિહાળ્યા છે. નટવરસિંહજી એક રાજવી ઉપરાંત સારા લેખક, સંગીતજ્ઞ તેમજ ક્રિકેટર હતા. પોરબંદરને સંસ્કાર નગરી બનાવવામાં તેમજ તેને સૌંદર્યથી વિભૂષિત કરનારા આ રાજવી હતા. ૩૦ જૂન-૧૯૦૧ના રોજ તેમનો જન્મ થયો. આ રાજવીની મધુર સ્મૃતિ જૂનની ગરમીમાં પણ મનને ગમે તેવી મધુર સ્મૃતિ જગાડીને જાય છે. ૧૯૨૦માં નટવરસિંહજીનો રાજ્યાભિષેક થયો. નટવરસિંહજી ઇતિહાસમાં એક સ્વસ્થ રાજપુરુષ હોવાનુ: ગૌરવ ધરાવે છે. વિદ્વતજન નરોત્તમ પલાણ સાહેબે આ રાજવીનું જીવનચરિત્ર લખીને એક મહત્વપૂર્ણ કાર્ય કરેલું છે. નટવરસિંહજીની છાપ મહદ્દઅંશે પ્રજાપ્રિય તેમજ દીર્ઘદ્રષ્ટિવાળા રાજવી તરીકેની રહી છે.
સૌરાષ્ટ્ર એ દેશી રજવાડાઓનો એક મોટો સમૂહહતો તે જાણીતી બાબત છે. આ રાજવીઓમાં પ્રજાની લાગણી તેમજ ન્યાયપ્રિયતાને કેન્દ્રમાં રાખીને પ્રજાલક્ષી વહીવટ આપનારા રાજવીઓની મોટી સંખ્યા નથી. ઉત્તમ વહીવટ માટે જાણીતા રાજવીઓમાં નટવરસિંહજીનો સમાવેશ થાય છે. નટવરસિંહજીના શાસનકાળ દરમિયાન થોડો સમય રાજ્યના અધિકારીઓના આપખુદ વલણના કારણે પોરબંદર રાજ્યના લોકોને સહન કરવાનું તો આવ્યું પરંતુ નટવરસિંહજીને આ બાબતમાં જે વેદના થઇ તે તેમણે જાહેરમાં વ્યક્ત કરી હતી તે નોંધપાત્ર બાબત છે.
સામાન્ય રીતે તે કાળમાં રાજવીઓ તથા કેટલાક અન્ય લોકો પણ બહુપત્નીત્વ પ્રથાને અપનાવતાં હતા. નટવરસિંહજીના પિતા ભાવસિંહજીને પણ પાંચ પત્નીઓ હતા. રાજવીઓમાં આ બાબત સામાન્ય તથા સ્વીકાર્ય ગણાતી હતી. નટવરસિંહજી તથા તેમના પત્ની રૂપાળીબાનું ગ્રહસ્થ જીવન સ્નેહપૂર્ણ હતું. જો કે નટવરસિંહજીને લગ્નજીવનના ઘણાં વર્ષો પછી પણ સંતાનપ્રાપ્તિ થઇ ન હતી. બીજા લગ્ન કરવાનું આ એક જે તે સમયનું મજબૂત બહાનું પણ હતું. પરંતુ નટવરસિંહજીએ અનેક સમજાવટો છતાં બીજા લગ્ન કરવા બાબત સંમતિ આપી ન હતી. રૂપાળીબા સહીત અનેક લોકોની ફરી લગ્ન કરવાની તેમણે વાત માન્ય રાખી ન હતી. રૂપાળીબા જીવ્યા ત્યાં સુધી તેમનું દાંપત્ય સતત સ્નેહપૂર્ણ તથા મધુર રહ્યું. રાજવીના મહેલમાં અનેક નોકરચાકર હોવા છતાં રૂપાળીબા જાતે નટવરસિંહજી માટે રસોઇ બનાવતા હતા. કહેવાય છે કે નટવરસિંહજી સિગારેટના શોખીન હતા પરંતુ રૂપાળીબા આપે નહિ ત્યાં સુધી તેઓ સિગારેટ પીતા ન હતા. રાજારાણી બન્ને સંગીતના પણ શોખીન હતા. દેશવિદેશની ઉત્તમ કલાકૃતિઓનો પણ તેમણે રાજમહેલમાં સંગ્રહ કર્યો હતો.
નટવરસિંહજી તથા રૂપાળીબાએ શાસ્ત્રોક્ત વિધિથી બાળકને દત્તક લીધું હતું તથા તેનું નામ ઉદયભાણસિંહજી આપવામાં આવ્યું હતું. ઉદયભાણસિંહજીને દત્તક લેવાના પ્રસંગે નટવરસિંહજીએ તેમની ઉમદા પ્રકૃતિ મુજબ સુંદર વાત કરી. દત્તકવિધિ બાદ પુત્રને હનુમાનજીના દર્શને રાજવી લઇ ગયા. દર્શન કર્યા બાદ તેમણે લોકોને જણાવ્યું કે આ રાજ આપણું નથી. રાજ્ય તો શ્રી હનુમાનજીનું છે અને આપણે સૌ તે રાજ્યના છીએ. નટવરસિંહજીનો સહજ વિવેક એ તેમની વિશિષ્ટતા હતી. સામાન્ય રીતે રાજવીઓના જીવનની રહેણી કરણી ભપકાદાર તેમજ ખર્ચાળ રહેતી હતી તેમાં પણ આ રાજવી અપવાદ હતા. પોરબંદરનાજ વણકરો હેન્ડલુમનું કાપડ તૈયાર કરતા હતા તેજ કાપડના વસ્ત્રો નટવરસિંહજી પહેરતા હતા. પોતાના ગુરુ કવિ નાનાલાલનું અવસાન થતાં પોરબંદરમાં શોકસભા ભરવામાં આવી. આ શોકસભામાં નટવરસિંહજીએ વાયોલીન વગાડીને દિલમાં રહેલા દર્દને વાયોલીનના સૂરનામાધ્યમથી વહેતું કર્યું હતું. સૂરની આવી શોકાંજલિ એ પણ ભાગ્યેજ બને એવી ઘટના છે. કવિશ્રી નાનાલાલ તરફના સ્નેહાદરને કારણે તેઓએ અમદાવાદ જઇને ગુજરાત કોલેજમાં કવિશ્રીનું તૈલચિત્ર ખુલ્લું મૂક્યું હતું. કવિગુરુ ટાગોરની પોરબંદરની મુલાકાત સમયે પણ તેઓ પોરબંદરના સમુદ્ર કિનારે કવિવરને આવકારવા જાતે ઊભા રહ્યા હતા.
નટવરસિંહજી ક્રિકેટના ખૂબ શોખીન હતા. પોતાને પ્રિય છે એવી આ રમતની જાણકારી તેમજ તાલિમ પોરબંદરના યુવાનોને પણ મળે તેવા આશયથી તેમણે ક્રિકેટ સ્કૂલની સ્થાપના કરી હતી. આવી કોઇ સ્કૂલ તે સમયે જ્વલ્લેજ હોય તેવી સ્થિતિ હતી તેમાં નટવરસિંહજીની આ એક આગવી પહેલ હતી. જૂન-૧૯૪૭માં, દેશની આઝાદીના થોડા સમય પહેલાંજ તેમણે આ સ્કૂલનો પ્રારંભ કરાવ્યો. જામનગરના રાજવી દુલીપસિંહજીના નામથી તેમજ તેમના હસ્તે આ સ્કૂલનો શુભારંભ થયો. સુપ્રસિધ્ધ ક્રિકેટર વિજય મરચંટના હસ્તે ‘વિજય પેવિલિયન’ નું પણ ઉદ્દઘાટન થયું. રાજ્યના તેમજ દેશના યુવાનોમાં ક્રિકેટ તરફની રુચિ કેળવાય તેવો એક ઉમદા ઉદ્દેશ આ રાજવીના મનમાં હતો. ક્રિકેટની પધ્ધતિસરની તાલીમ આપતી આવી વ્યવસ્થા ઊભી કરવામાં નટવરસિંહજીની દીર્ઘદ્રષ્ટિ જોવા મળે છે. ક્રિકેટ તથા સાહિત્ય તરફની તેમની પ્રીતિ આજીવન એકસમાન રહેવા પામી હતી.
દેશમાં સ્વરાજ્યનો સૂર્યોદય થવાના શુભપ્રસંગે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ પહેલ કરીને પોતાનું રાજ્ય સ્વેચ્છાએ સ્વતંત્ર દેશના ચરણોમાં ધર્યું. આજ દિશામાં નટવરસિંહજી પણ ચાલ્યા તે ગૌરવયુક્ત ઘટના છે. સત્તા નહિ પરંતુ સ્નેહથી રાજ્ય કરતા આ ક્રિકેટર – કલાકાર તથા સંગીતકાર રાજવી તેમના ગુણોથી આદર સન્માન પામ્યા છે. પોરબંદરની કથા નટવરસિંહજીના ઉલ્લેખ સિવાય પૂર્ણ થતી નથી.
વસંત ગઢવી
ગાંધીનગર.
તા.૨૯/૦૪/૨૦૨૧.
Leave a comment