: સંસ્કૃતિ : : કવિ ‘ઉશનસ્’ નું જન્મશતાબ્દીએ સ્મરણ :

રાજ્ય સરકારના જુદા જુદા વિભાગોમાં ફરજ બજાવતા કેટલાયે સૌજન્યશીલ વ્યક્તિઓનો પરિચય થયો છે. આ બાબતને પણ એક સદ્દભાગ્ય ગણી શકાય. કારણ કે આવા સજ્જનોને મળવાથી જીવન જીવવા માટે એક નવો દ્રષ્ટિકોણ તેમજ માર્ગદર્શન મળી રહે છે. આવા એક સજ્જન કે જેમને મળવાનો આનંદ હમેશા સ્મૃતિમાં રહેલો છે. તેમને આપણે ‘ઉશનસ્’ ના નામથી ઓળખીએ છીએ. ‘ઉશનસ્’ આપણી ભાષાના એક માતબર સર્જક હતા. ઉત્તમ અધ્યાપક હતા. સરળ સ્વભાવના માનવી હતા. ગુજરાતને તેમનો વિશેષ પરિચય આપવાનો હોય નહિ. વલસાડ રાજ્ય સરકારના એક કાર્યક્રમમાં જતાં ‘ઉશનસ્’ ને મળવાની તક મળી. સૌજન્ય તથા સજ્જનતાએ માનવદેહ ધારણ કર્યો હોય તેવું તેમનું વ્યક્તિત્વ હતું. અત્યારે આ કવિની વિશેષ સ્મૃતિ એટલા માટે થઇ કે ૧૯૨૦-૨૧ એ આ કવિનું જન્મશતાબ્દીનું વર્ષ છે. (જન્મ : ૨૮ સટેમ્બર-૧૯૨૦)

આ કવિની જીવનને જોવાની તથા સમજવાની એક અલગ દ્રષ્ટિ છે. કવિ કોઇ બાબતમાં અંતિમોના તરફદાર નથી પરંતુ સમન્વયના સમર્થક છે. આપણી જિંદગી પણ બે અંતિમોની વચ્ચે ઝૂલતી સમન્વયની સંધિક્ષણ સમાન છે. 

ફૂલના જેવું વસંતલ સ્મિત

ખીલે જે શૈષવે

-ના, તે નહિ

ને અષાઢી આંખ જેવી આંખડી

સતત રૂએ – તે પણ નહિ

હર આહ કૈ મલકી જતી,

હર સ્મિત ભરતું ડૂસકું

તે સંધિક્ષણ છે જિંદગી.

નટવરલાલ કુબેરદાસ પંડ્યા તેજ આપણાં કવિ ‘ઉશનસ્’ છે. વડોદરા જિલ્લાના સાવલીમાં કવિનો જન્મ થયો હતો. ગુજરાતની સુવિખ્યાત સયાજીરાવ વિશ્વ વિદ્યાલયમાંથી બી.એ. તથા એમ.એ.ની પદવી તેમણે મેળવી. તેમનું કાવ્યસર્જન જોકે વહેલું શરૂ થયું હતું. આપણી ભાષાના દિગ્ગજ સર્જક બ. ક. ઠાકોર તથા કવિ કાન્તનો તેમના પર પ્રભાવ હોવાનું કહેવાય છે. વિશેષ કરીને ‘કુમાર’ ના માધ્યમથી તેમના કાવ્યો અનેક સાહિત્ય રસીકો સુધી પહોંચે છે. તેમની એક ભિન્ન પ્રતિભાનું દર્શન સૌને થાય છે. તેમણે ‘ઉશનસ્’ ઉપનામ શા માટે પસંદ કર્યું તેનો ઉત્તર તેઓ એક મુલાકાતમાં કહે છે : ‘ એ જમાનો ઉપનામ રાખવાનો હતો. તેનાથી પ્રેરાઇને મેં પણ અનેક ઉપનામો વિચારેલા, પરંતુ જ્યારે ગીતામાં કવીનામ્ ઉશેના કવિ: વાંચ્યું ત્યારે ‘ઉશનસ્’ ઉપનામ ગમી ગયું તેથી આ ઉપનામ રાખી લીધું. કવિએ અનેક સુંદર કાવ્યોની ભેટ આપી છે. તેમાંની એક સુંદર પંક્તિ છે : 

મુજ કવનો

જૂજવી જૂજવી ક્ષણો.

જીવનની અનેક ક્ષણોને કે અનુભવ અથવા અનુભૂતિને શબ્દસ્થ કરીને અવતારવાનો કવિનો એક સાતત્યપૂર્ણ પ્રયાસ છે. એ વાત આપણે વારંવાર સાંભળીએ છીએ તેમજ કહીએ પણ છીએ કે મૃત્યુ એ જીવનની અનિવાર્ય ઘટના છે. સાહિત્યમાં તેમજ શાસ્ત્રોમાં પણ આ વાતો ગાઇ વગાડીને કહેવામાં આવે છે. પરંતુ કહેવાની જાણકારીનો જ્યારે વાસ્તવમાં મુકાબલો કરવામાં આવે ત્યારે આપણે હજુ તે વાત પચાવી હોય તેમ દેખાતું નથી. મૃત્યુનો સહજ સ્વીકાર એ આપણી સહજ માનસિક પ્રથાનો ભાગ બન્યો નથી તે નજરે જોઇ શકાય છે. આથી ‘ઉશનસ્’ કહે છે :

‘પરંતુ પૃથ્વીને મરણ

હજી કોઠે નથી પડ્યું’

ગાંધીયુગના બે અગ્રેસર કવિઓ તે સુંદરમ્ તથા ઉમાશંકર કહેવાય છે. કવિ ‘ઉશનસ્’ હક્કથી તેમની હરોળમાં બેસી શકે તેવા કવિ છે. 

કવિશ્રીએ તેમની લગભગ પાંચ દાયકાની કાવ્યયાત્રામાં ‘પ્રસૂન’ ‘નેપથ્ય’ ઇત્યાદી જેવા કાવ્યસંગ્રહો, અધ્યયનો તેમજ વિવેચનો લખીને આપણી ભાષાની સમૃધ્ધિ વધારી છે. કવિને ‘રણજિતરામ સુવર્ણ ચંદ્રક’ તેમજ સાહિત્ય અકાદમી પુરસ્કાર મળેલા છે. જે સર્વથા ઉચિત છે. સાહિત્ય પરિષદના પ્રમુખપદે પણ ગુજરાતે તેમને જોયા છે. જનની તથા જન્મભૂમિ તરફનું ખેંચાણ એ કદાચ માનવ માત્ર માટે સહજ છે. કવિએ આ બાબત સુંદર શબ્દોમાં વણી લીધી છે.

જો આ જાણે વતન હોય

જો થોડું બાળપણ હોય

બોલાવે ઘરે સાંજે

બાના સમુ સ્વજન હોય.

કવિની કાવ્યસૃષ્ટિમાં ભરપૂર વિવિધતા તેમજ વ્યાપક્તા જોવા મળે છે. ‘પ્રથમ શિશુ’ ની એક સુંદર પંક્તિમાં લખે છે : 

પ્રથમ શિશુ સૌ કહાનો,

માતા બધીજ યશોમતી

મૃદમલિન મ્હોમાં બ્રહ્માંડો

અનંત વિલોકતી.

જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ તેમ જાણે કે આપણે કુદરતની આ સોહામણી સૃષ્ટિની સુંદરતા સાથેનું અનુસંધાન ગુમાવતા જઇએ છીએ. દરેક મોસમનો પોતાનો આગવો અંદાજ કે પ્રભાવ માનવજીવન પર રહેતો હોય છે પરંતુ એર કંડીશનની અસર હેઠળ તેમજ બહુમાળી મજલાઓના ઊંડાણમાં પ્રકૃતિદત સંવેદનો મહદ્દઅંશે આપણે અનુભવી શકતા નથી. જીવનના વિકાસની આ સ્વાભાવિક તેમજ સ્વીકૃત સ્થિતિ હોય તો પણ કંઇક મહામૂલું અનુસંધાન આપણે ગુમાવતા હોઇએ તેવી લાગણી અનેકના મનમાં પ્રસંગોપાત ડોકાઇ જતી હશે. આ સંદર્ભમાં ચૈત્રની રાત્રીઓનું જીવન સાથેનું અનુસંધાન દર્શાવતી ‘ઉશનસ્’ ની પંક્તિઓ સ્મૃતિમાં આવે છે. 

નથી શિશિરનું શૈત્ય,

નથી ગ્રીષ્મની ઉષ્ણતા,

પ્રિયે તારી પ્રીતિ જેવી

સેવ્ય ચૈત્રની રાત્રીઓ

દાત્રીઓ સુખની આવી પહોંચી

આ દેશ યાત્રીઓ,

મેદાનોમાં, અગાશીમાં

માણીલો ચૈત્ર રાત્રીઓ.

ગાંધી વિચાર કે ગાંધીયુગના પ્રભાવ હેઠળ ઘણાં સાહિત્યનું નિર્માણ થયું છે. પરંતુ સ્વાભાવિક રીતેજ તેમાંથી લાંબાગાળા માટે લોકસ્મૃતિમાં જળવાઇ રહે તેવું ઓછું છે. ‘ઉશનસ્’ ની ચોટદાર પંક્તિઓ તેમાં જુદી ભાત ઉપજાવે છે. ગાંધીયુગની અસર હેઠળ આ કવિએ લખેલા કેટલાક કાવ્યોમાં એક સંક્ષિપ્ત કાવ્યની ખૂબજ અર્થસભર પંક્તિઓ આપણી સામાન્ય મનોવૃત્તિ પર વેધક કટાક્ષ કરતી હોય તેવી છે. કવિ ગાંધીજીને ઉદ્દેશીને કહે છે : 

તમને હજીયે છે પ્રજામાં રસ ?

આપની જ્યાં ત્યાં ઊભી કરતી ફરે પ્રતિમા બસ :

તેજમૂર્તિ તાત, આ એવી પ્રજા તમ વારસ,

આદર્શનો અપભ્રંશ જ્યાં છે આરસ !

‘ઉશનસ્’ ની જન્મશતાબ્દીના વર્ષે તેમની સ્મતિને વંદન છે. નવેમ્બર-૨૦૧૧ માં આ કવિએ આપણી વચ્ચેથી વિદાય લીધી. તેમના અક્ષરદેહથી તેઓ ચિરંજીવી છે.

વસંત ગઢવી 

ગાંધીનગર. 

તા.૨૬/૦૪/૨૦૨૧.    

Leave a comment

Blog at WordPress.com.

Up ↑