સુધાઓના મોરે મુક્તિ કોથા,
મુક્તિ કારે કઇ,
આમિ તો સાધક નઇ,
આમિ ગુરુ નઇ.
આમિ કવિ, આછિ ધરણીર
અતિ કાછા કાછિ
એ પારેર એયાર ધાટાય.
(પાન્થ)
‘‘મને પૂછશોમાં કે મુક્તિ ક્યાં છે, મુક્તિ કોને કહું છું. હું તો સાધક નથી. નથી હું ગુરુ. હું છું – કવિ. હું રહું છું ધરતીની અતિશય નિકટ. – આ પારના નૌકાઘાટે.’’
(અનુવાદ: કવિ ઉમાશંકર જોશી)
કવિગુરુ ટાગોરને મન કવિ હોવું એ કેટલું મહત્વનું છે તે તેમણે લખેલી ઉપરની સુંદર પંક્તિઓમાંથી સ્પષ્ટ થશે. આ પારના નૌકાઘાટે બેસીને કવિગુરુએ લગભગ પચાસ વર્ષ સુધી પોતાના કવિત્વનો વરસાદ સતત આપણાં પર વરસાવીને આપણી સમગ્ર સૌંદર્ય સૃષ્ટિમાં નવું સૌંદર્ય ભરપેટ ભર્યું છે. ખરા અર્થમાં તેઓ કવિ છે. કવિ એટલે દ્રષ્ટા છે. તત્કાલિન કાળને ઓળંગીને દૂર જોવાની દીર્ધદ્રષ્ટિ છે. ગુરુદેવ વિશે કાકા કાલેલકરનું એક વિધાન ધ્યાન દઇને સાંભળવા જેવું છે. કાકાસાહેબ લખે છે :
‘‘સાચું જોતા આજ સુધી ‘નોબેલ પ્રાઇઝ’ જેવા વિદ્વાનોને મળ્યું છે તેમની સાથે સરખામણી કરતા એમ કહેવું પડે કે નોબેલ પ્રાઇઝ મળવાથી કવીન્દ્રની મહત્તા વધી નથી, પરંતુ કવીન્દ્રે એ પારિતોષિકનો સ્વીકાર કરીને નોબેલ પ્રાઇઝના ગૌરવમાં વધારો કર્યો છે. (કાકા કાલેલકર : જીવનનું કાવ્ય) કવિગુરુનો જન્મ દિવસ – ૭ મે – (૧૮૬૧-૧૯૪૧)ના રોજ આવે છે ત્યારે આ મહાકવિનું પાવન સ્મરણ અનેક સાહિત્ય પ્રેમીઓના મનમાં છલકી જતું હશે. કવિગુરુ કદી વિસ્મૃત ન થાય તેવી હસ્તી છે.
ગુરુદેવના જીવનની કાવ્ય સરવાણી છેક તેઓ માત્ર ૧૨ વર્ષના હતા ત્યારથી આરંભાયેલી છે. પહેલી કવિતા ‘અભિલાષા’ શિર્ષકથી પ્રગટ થઇ હતી. તત્કાલિન સામાજિક પ્રશ્નો સાથે તેમનું હમેશા વૈચારિક અનુસંધાન રહેલું છે. ગાંધીજી સાથે કવિશ્વરનું મજબૂત અનુસંધાન હતું. આમ છતાં, કેટલીક બાબતોમાં તેઓ બાપુ કરતા અલગ મંતવ્ય ધરાવતા હતા અને તે સ્પષ્ટ રીતે જણાવતા હતા. બ્રિટીશ સત્તાધિશોની રાજ્ય કરવાની પ્રથા તથા તેમના વલણના તેઓ મહદ્દ અંશે ટીકાકાર રહ્યા છે. પોતાના મોટાભાઇ દ્વિજેન્દ્રનાથના તંત્રીપદ નીચે ચાલતા માસિક ‘ભારતી’ માં તેઓ સામાજિક પ્રશ્નો વિશે લખતા હતા. કેટલાક પદો ‘ભાનુસિંહ’ ના ઉપનામે વ્રજભાષામાં પણ તેમણે લખ્યા હતા. ઇંગ્લાંડમાં મોટાભાઇ સાથે અભ્યાસ કરવા ગયા પરંતુ ઇંગ્લાંડમાં તેમનો જીવ ઠર્યો નહિ. ઇંગ્લાંડ છોડીને દેશમાં પાછા આવ્યા. ૧૮૮૩માં બાવીસ વર્ષની વયે તેમનું લગ્ન દસ વર્ષની કન્યા મૃણાલિની દેવી સાથે થયું. રવીન્દ્રનાથના પિતાની જાગીર બંગાળ તેમજ ઓરિસ્સાના કટક જિલ્લામાં હતી. જેનો વહીવટ કવિવરે ૧૮૯૦ થી લગભગ એક દાયકા સુધી કર્યો. સુપ્રસિધ્ધ વૈજ્ઞાનિક જગદીશચન્દ્ર બોઝ કવિના ખાસ મિત્ર હતા. આ બન્ને મહાનુભાવો પોતાપોતાના ક્ષેત્રની વાતો પરસ્પર વહેંચીને આનંદીત થતા હતા. જગદીશચન્દ્રને સર્જક રવીન્દ્રનાથ એક નવી વાર્તા સંભળાવે અને જગદીશચન્દ્ર પોતાના એક વૈજ્ઞાનિક પ્રયોગની વાત ગુરુદેવને કહી સંભળાવે. આ બન્નેના સંવાદથી એક અનોખું આભામંડળ રચાતું હશે તેમ કહી શકાય.
પિતાની મોટી જાગીર છતાં કવિગુરુના કુટુંબની આવક ઘણી ઓછી હતી. ૧૯૦૧ માં કવિ શાંતિનિકેતન ગયા. શિક્ષણ અંગેના પોતાના વિચારો અમલમાં મૂકવા માટે બ્રહ્મચર્યાશ્રમનો પ્રારંભ કર્યો. સર્વથા નિ:શુલ્ક શિક્ષણની વ્યવસ્થા તેમાં કરી હોવા છતાં પ્રયાસો કરીને ચાર વિદ્યાર્થીઓ ભેગા કર્યા. પાંચમા વિદ્યાર્થી તરીકે પોતાના પુત્રનેજ દાખલ કરીને કવિએ પાંચ વિદ્યાર્થીઓની સંખ્યા પૂરી કરી. સંસ્થાના ખર્ચને પહોંચી વળવા પત્નીના ઘરેણા કવિગુરુને વેચવા પડ્યા.
કવિગુરુના કુટુંબ પર અંગ્રેજી રીતભાતની અસર હોવા છતાં કુટુંબ સંપૂર્ણપણે ભારતીય રહેલું. ૧૯૦૨ માં કવિગુરુને પત્ની મૃણાલિની દેવીના અણધાર્યા અવસાનનો આઘાત સહન કરવો પડ્યો, ત્યારબાદ બે વર્ષ પછી પિતા દેવેન્દ્રનાથે ચિરવિદાય લીધી. એક પુત્રી પણ ક્ષયરોગ સામે જીવતર હારી બેઠી. પુત્ર સમીન્દ્રનાથ પણ થોડા સમયમાંજ ગયો. વીસમી સદીના પ્રારંભનો દાયકો કવિ માટે પીડાદાયક રહ્યો. ‘‘મૃત્યુ પ્રત્યે મમતા દર્શાવતા તેમના કેટલાક કાવ્યોનું મૂળ કદાચ મૃત્યુ સાથેની આ નિકટતામાં હશે.’’ (યશવંત દોશી : કુમાર : ડિસેમ્ષ્બર-૧૯૬૧) તેમના સર્જનકાળનો પણ આ સૌથી વધુ ફળદાયી સમય હતો. તેમની શ્રેષ્ઠ ગણાતી નવલકથા ‘ગોરા’ આ કાળમાં લખાઇ. પાછળથી નોબેલ પારિતોષિક માટે માન્ય ગણાયેલા કાવ્યો પણ મોટાભાગે આ ગાળામાં લખાયા. ગીતાંજલી ઉપરાંત તેમના જુદા જુદા દસેક બંગાળી કાવ્ય સંગ્રહોમાંથી કાવ્યો પસંદ કરીને સ્વઅનુવાદીત અંગ્રેજી કાવ્યોનું પુસ્તક ‘ગીતાંજલી’ પ્રગટ કર્યું. આજ વર્ષે એટલે કે ૧૯૧૨માં કવિગુરુ ઇંગ્લાંડ ગયા. લંડનમાં એક સાંજે કેટલાક નિમંત્રિત કવિમિત્રોને ‘ગીતાંજલી’ ના કાવ્યો રવીબાબુએ વાંચી સંભળાવ્યા. પરંતુ સાંભળનારા બધા ચુપચાપ. પ્રશંસા કે ટીકાનો કોઇ ખાસ પ્રતિભાવ મળ્યો નહિ. કવિગુરુને મનમાં ક્ષોભ થયો પરંતુ આ અણગમતી લાગણીનું આયુષ્ય ક્ષણિક હતું. કાવ્યગોષ્ઠિ થઇ હતી. તેના બીજાજ દિવસે પત્રો-સંદેશાઓ મળ્યા. લખનારા કહે કે આગલા દિવસે રવીન્દ્રનાથ પાસેથી કાવ્યો સાંભળીને તેઓ એટલા મંત્રમુગ્ધ થયા હતા કે કશું કહીજ ન શક્યા ! પરિણામ દૂર ન હતું. ૧૯૧૨માં ગીતાંજલીનું પ્રકાશન અને ૧૯૧૩માંજ દુનિયાએ આ મહાન કવિને નોબેલ પ્રાઇઝ મેળવતા જોયા. સૂર્યનું તેજ ક્યાં છાનું રહે છે ? ૧૯૧૪માં બ્રિટનના શહેનશાહે ‘સર’ નો ખિતાબ આપ્યો. પરંતુ આ દેશભક્ત કવિએ ૧૯૧૯માં જલિયાવાલા હત્યાકાંડની જાણકારી મળતાંજ વાઇસરોયને પત્ર લખી ‘સર’ નો ખિતાબ પરત કર્યો. ૬૮ વર્ષની વયે ગુરુદેવ ચિત્રકળા તરફ વળ્યા. પોતાના દોરેલા ચિત્રો માટે તેઓ કહેતા : ‘આ મારી રેખાઓથી લખાયેલી કવિતા’ છે. ચિત્રકળામાં પણ તેમણે પોતાની શ્રેષ્ઠતા પુરવાર કરી. યુરોપ – અમેરિકામાં અનેક સ્થળોએ તે પ્રદર્શિત થયા અને ભરપૂર પ્રશંસાને પામ્યા. જિંદગીના છેલ્લા દસકામાં તેમણે બે હજાર ચિત્રો દોર્યા હતા તેમ નોંધાયું છે.
આપણી માતૃભાષામાં કવિગુરુના કાવ્યોને લાવવાનું મોટું કાર્ય ઝવેરચંદ મેઘાણીએ કર્યું. ‘‘મેઘાણીના અનુવાદો માત્ર ભાષાંતર નથી પરંતુ તેમની સર્જન પ્રવૃત્તિના અંશરૂપ પણ છે. પ્રાધ્યાપક ફીરોઝ દાવરે આ અનુવાદો માટે ટ્રાન્સફ્યુઝન (રૂપાંતર) શબ્દ આપ્યો છે. આ અનુવાદો સર્જનાત્મક કહી કાય તેવા છે.’’ (ભોળાભાઇ પટેલ : મેઘાણી વિવેચના સંદોહ) ગુરુદેવની અમૃતવાણીનો મેઘાણી સ્પર્શ પામેલાછે. ‘મન મોર બની થનગાટ કરે’ એ ટાગોર રચિત તથા મેઘાણી અનુદીત કાવ્ય ગુજરાતે મન ભરીને માણ્યું છે અને આજે પણ એટલુંજ લોકપ્રિય છે. ગુરુદેવ સાથે મેઘાણીની ૧૯૩૩માં થયેલી જાણીતી મુલાકાત જે મુંબઇમાં થઇ હતી તેમાં ગુરુદેવે ઝવેરચંદ મેઘાણીની બુલંદ વાતોને આકંઠ માણી હતી. ‘‘ના છડિયા હથિયાર’’ સાંભળીને ગુરુદેવ ઝૂમી ઊઠ્યા હતા. કવિગુરુએ મેઘાણીને શાંતિનિકેતન આવવા અંતરના ઉમળકાથી નિમંત્રણ આપ્યું હતું. કવિગુરુનું નિધન ૧૯૪૧ માં થયું. ત્યારબાદ મેઘાણીએ તેમને શ્રધ્ધાંજલિ આપતા લખ્યું : ‘‘તમે કવિ હતા આથી કવિ શબ્દ હવે અમે જાળવીને વાપરીશું.’’ કેવો ઉત્કટ ભાવ !
મહર્ષિ અરવિંદ તથા કવિગુરુ ટાગોર એ બન્ને આપણાં દેશની ઉત્તમ કળાસંસ્કૃતિ તેમજ આધ્યાત્મના ગિરિશિખર સમાન છે. ભારતના ઘડવૈયાઓમાં મહાત્મા ગાંધી સાથેજ કવિવર રવીન્દ્રનાથ ટાગોરનું નામ મૂકવું ઉચિત છે. કવિગુરુની સ્મૃતિ સદાયે લીલીછમ્મ બનીને મહોરી રહી છે.
વસંત ગઢવી
ગાંધીનગર.
તા.૧૫/૦૪/૨૦૨૧.
Leave a comment