‘હરિરસ’ ના એક પ્રકાશન પ્રસંગે લખાયેલા નીચેના શબ્દો આ ગ્રંથની મહત્તા તેમજ તેને પૂર્ણત: સમજનારની વિદ્વતા તરફ સન્માનની લાગણી કરાવ્યા સિવાય રહેશે નહિ.
‘‘ ઇસરદાસજીની અનેક રચનાઓ પૈકી આ રચનાનું પ્રકાશન કરતી વખતે એક વિલક્ષણ અનુભવ થાય છે. મનમાં એક સંકોચનો ભાવ પણ છે. કદાચ એવું ન થાય કે આ મહાન ભક્તકવિની ઉત્કૃષ્ટ રચનાનું પ્રકાશન પૂરા આદર સાથે કરવાનો નિરધાર છે. તેમાં આ સંત – ભક્ત કવિ તરફ અજાણતા પણ કોઇ અનાદર ન થાય. ઇસરદાસજી પ્રત્યેની અનહદ શ્રધ્ધામાં કોઇ જુદો ભાવ વ્યક્ત ન થઇ જાય તેની ચિંતા રહે છે. ’’
ઉપરના શબ્દોમાં શ્રધ્ધા સાથેજ અંતરના આદરનો ઉમળકો છે. શબ્દો લખનાર ભારત સરકારમાં નાણામંત્રી તેમજ સંરક્ષણમંત્રીની જવાબદારી સંભાળી ચૂકેલા તથા વિદ્વતામાં દિગ્ગજ એવા જસવંતસિંહજીના છે. (હરિરસ. પ્રકાશક : ડિંગળ સાહિત્ય શોધ સંસ્થાન, દિલ્હી) સાહિતયની પરખ કરી શકે તેવા ઝવેરીઓની જ્યારે અછતનો ભાવ અનેક સર્જકો પ્રસંગોપાત અનુભવતા રહે છે ત્યારે જસવંતસિંહજીની થોડા સમય પહેલા થયેલી ચિરવિદાય ઘણાં સાહિત્ય પ્રેમીઓને ખટકી હતી. જસવંતસિંહજી કહે છે કે ભક્ત કવિ ઇસરદાસજી તરફ તેઓ તેમની કૃતિ ‘હાલા ઝાલા રા કુંકલિયા’ થી આકર્ષયા હતા. વિમાનની લાંબી આંતરરાષ્ટ્રીય સફરોમાં ‘હાલા ઝાલા રા કુંડલિયા’ નું અધ્યયન/આચમન પોતાની મરુભૂમિની મીઠી સોડમની પ્રતિતિ કરાવી જતી હતી તેવું જસવંતસિંહજીએ નોંધ્યું છે. ભક્ત કવિ ઇસરદાસ તેમની કૃતિ ‘હરિરસ’ થી અમરત્વને વરેલા છે. કવિઓની કીર્તિને મરણ કે વૃધ્ધત્વનો ભય હોતો નથી. ઉત્તમ કૃતિઓ હમેશા પ્રાસંગિક રહે છે. રામનવમીના પવિત્ર દિવસે પુન: ભક્તકવિ ઇસરદાસજીનું પાવન સ્મરણ થાય છે.
ભક્ત કવિ ઇસરદાસજીના જન્મ સમય બાબત વિદ્વાનો એકમત નથી. પરંતુ મહદ્દ અંશે તેમનો જન્મ વિ.સં.૧૫૧૫ માં થયો હતો તેમ માનવામાં આવે છે. ઇસરદાસજીની ભક્તિભાવના પર ડૉકટરેટ કરનાર શિવદાન મહેડુનો તથા રતુભાઇ રોહડિયાનો પણ તેવો મત છે. (ગુજરાતના ચારણી સાહિત્યનો ઇતિહાસ : રતુભાઇ રોહડિયા. પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી) ઇસરદાસજીનું અવસાન વિ.સં.૧૬૨૨માં થયું હોવાનું નોંધાયું છે. રાજસ્થાનમાં ઇસરદાસજી એક ચમત્કારી સંત તરીકે સુપ્રસિધ્ધ છે. એક સર્જક તરીકે ઇસરદાસજીએ ભક્તિપ્રધાન તેમજ ઐતિહાસિક કૃતિઓની રચના કરી છે. જોકે આ સંત કવિ રચિત હરિરસ તથા દેવિયાંણ રચનાઓ વિશેષ પ્રસિધ્ધિ તેમજ વ્યાપક લોકઆદર પામ્યા છે. હરિરસનો સ્વાધ્યાય સારા માઠા પ્રસંગોએ કરવાની એક પ્રથા વિકાસ પામી છે. હરિરસ કે દેવિયાંણનું સમજપૂર્વકનું તથા શ્રધ્ધાથી કરેલું સેવન ઊંડો સાત્વિક આનંદ તેમજ પ્રસન્નતાના ભાવ જન્માવીને જાય છે. ઘણાં લોકોની તેવી પ્રતિતિવ છે.
હરિરસ રો રસ લેત હમેશ
લગે નહિ કાળ ભય લવલેશ
જપે કવિ ઇસર દો કર જોડ
કથંતાય પાપ ટળે દુ:ખ ક્રોડ.
હરિરસની અનેક આવૃત્તિઓ કે તેનો રસાસ્વાદ કરાવતી કૃતિઓ ગુજરાત તથા રાજસ્થાનમાં સતત થતી રહી છે. ઇસરદાસજીની અનેક કૃતિઓ અપ્રગટ રહેવા પામી છે તેવી નોંધ અભ્યાસુ સંશોધક રતુભાઇ રોહડિયાએ કરી છે. (ગુજરાતના ચારણી સાહિત્યનો ઇતિહાસ : રતુભાઇ રોહડિયા) હરિરસમાંથી પસાર થતાં સ્પષ્ટ અનુભૂતિ થાય છે કે ભક્તકવિ ઇસરદાસજીએ જીવન જીવવા માટે તેમજ તેના ઘડતર માટે શ્રધ્ધા – ભક્તિથી અનેક વાતો સચોટતાથી કરી છે. નામ સ્મરણનો મોટો મહિમા જેમ સંત શિરોમણી તુલસીદાસજીએ કરેલો છે તેજ પ્રકારે ભક્તકવિ ઇસરદાસજીએ કર્યો છે.
રામનામ જપતા રહો
આઠે પહોર અખંડ
સમરણ સમ સોદા નહિ
નર દેખહું નવખંડ.
નામસ્મરણનો મહિમા એ સર્વ ધર્મોનો કેન્દ્રીય વિચાર છે. વિદ્વાન સાહિત્યકાર સ્વ. પુષ્કર ચંદરવાકરના મતે ઇસરદાસજી સર્વધર્મના ઉપાસક દીસે છે. તેથી તેમની કૃતિઓને સાંકડી વાડાબંધીમાં પૂરી ન શકાય. હરિરસ પઠનનું મૂલ્ય અનેક સમાજમાં છે. આ ગ્રંથના માધ્યમથી ભક્તકવિ અધ્યાત્મમાં ઊંડા ઉતરી ગયા હોય તેમ જણાય છે. શાસ્ત્રોનું અગાધ જ્ઞાન હરિરસમાં સંગ્રહિત કરીને ઇસરદાસજીએ ગાગરમાં સાગરને સમાવવાનો પ્રયાસ કર્યો છે.
‘હરિરસ’ જેવા ગ્રંથોનું શાશ્વત મૂલ્ય છે. તેમાં જીવન જીવવા માટેનું એક વ્યવહારુ તથા સચોટ માર્ગદર્શન છે. ભક્તિ કે શ્રધ્ધાનો તેમાં અભાવ નથી. કોઇ વિતંડાવાદ પણ નથી. સંતકવિને રામનામ રસાયણ સર્વશ્રેષ્ઠ લાગે છે. જીવન તથા મરણના પ્રશ્નો તેનાથી ઉકેલાતા હોય તો આ રસાયણના દાતાની વંશાવળી ક્યાં વાંચવાની જરૂર રહે છે ? તેઓ લખે છે :
વૈદ તણી વંશાવળી
કહો કી વાંચણ કામ ?
મીટે રોગ જામણ મરણ
નિગમ લિયંતા નામ.
જેના નામ સ્મરણથી સંસારની આધિ વ્યાધિમાંથી મુક્તિ મળતી હોય તો બીજુ કોઇ ડહાપણ ડોળવામાં ભક્તકવિને સહેજ પણ રસ નથી.
ભક્તકવિ ઇસરદાસજીનો જન્મ મારવાડમાં ભાદ્રેશ ગામમાં થયો હતો. પિતા તથા માતા સરળ સ્વભાવના તેમજ પ્રભુપરાયણવૃતિ ધરાવતા હતા. ઇસરદાસજીના કાકા આશાજી પણ કવિત્વના ઉમદા ગુણ ધરાવતા હતા. ઇસરદાસજીના વંશજો ઇસરાણી –બારહટ્ટ તરીકે ઓળખાય છે. ઇસરદાસજીએ લગભગ – ૪૩ નાના મોટા ગ્રંથોની રચના કરી હોવાનું કહેવાય છે. (હરિરસ : ડિંગળ સાહિત્ય શોધ સંસ્થાન) સંસ્થાન) રાજસ્થાન તેમજ ગુજરાતમાં તેમને ‘ઇસરા પરમેસરા’ નું સન્માન આપી તેમની પ્રતિભાને વંદન કરવામાં આવે છે. કચ્છના રાવ ભારમલજીએ ઇસરદાસજીને વીરવીદરકા તેમજ હજનાળી ગામ ભેટમાં આપેલા હતા. ઇસરદાસજીનું નામ આપણાં ભક્તકવિઓના નામોમંડળમાં ઝળાહળા છે. હરિરસની ખરી મહત્તા તેના નિયમિત પઠનમાં છે. અનેક કુટુંબોમાં આજે પણ આ પ્રથા સંપૂર્ણ શ્રધ્ધા તેમજ આદર સાથે ટકી રહી છે.
કવિ ઇસર હરિરસ કિયો,
છંદ તીન સૌ સાઠ,
મહા દુષ્ટ પાવૈ મુક્તિ
જો નિત કીજૈ પાઠ.
વસંત ગઢવી
ગાંધીનગર.
તા.૦૫/૦૪/૨૦૨૧.
Leave a comment