મહારાજા ભાવસિંહજી (ભાવનગર)ને ત્યાં સંતાન ન હતું. મહારાજા તરફના સ્નેહાદરને કારણે અનેક લોકોએ મહારાજને ત્યાં સંતાનનો જન્મ થાય તે માટે પોતપોતાની રીતે વૃત રાખેલા હતા. સર પ્રભાશંકર પટ્ટણીનો પણ તેમાં સમાવેશ થતો હતો. ઇશ્વરકૃપાથી ભાવસિંહજીને ત્યાં પુત્ર જન્મ થયો. ઇ.સ. ૧૯૧૨ના મે માસની ૧૯ તારીખે સૂર્યોદયના શુભ સમયે પાટવી કુંવરનો જન્મ થયો. તેમનું નામ કૃષ્ણકુમારસિંહજી નક્કી કરવામાં આવ્યું. મહારાજાને પટ્ટણી સાહેબ પરત્વે ખૂબ આદર હતો. ઉપરાંત મહારાજાને ત્યાં સંતાનનો જન્મ થાય તે માટે તેમણે વૃત પણ રાખેલ હતું. આથી વહેલી સવારે મહારાજા જાતે પુત્ર જન્મની વધામણી આપવા પટ્ટણી સાહેબના નિવાસસ્થાને (અનંતવાડી) ગયા. વહેલી સવાર હોવાથી તે સમયે સર પટ્ટણી જાગ્યા ન હતા. મહારાજા પોતાની મોજડી ઉતારી હળવા પગલે પટ્ટણી સાહેબની પથારી પાસે આદર સાથે ઊભા રહ્યા. સર પટ્ટણી જાગ્યા ત્યારે મહારાજાએ તેમને પુત્ર જન્મના સમાચાર આપીને વધામણી કરી. સર પટ્ટણીને પોતાના વૃત સફળ થયા અને ભાવનગર રાજ્યને રાજવી મળ્યા તેનો અંતરમાં આનંદ થયો. આ પ્રસંગ મુકુન્દરાય પરાશર્યએ લખ્યો છે. (પ્રભાશંકર પટ્ટણી : વ્યક્તિત્વ દર્શન) એક સાર્વભૌમ રાજવી અને તેના દીવાન વચ્ચે કેવા આદરના તેમજ શ્રધ્ધાના સંબંધો હશે તેનો અણસાર આ પ્રસંગ વાંચીને થાય છે. જે પાટવી કુંવરનો જન્મ થયો તે કૃષ્ણકુમારસિંહજી એક ઉમદા તથા પ્રજાવત્સલ રાજવીની ખ્યાતિ મેળવીને ઇતિહાસમાં અમર થયા. મે માસની આકરી ગરમીમાં પણ કૃષ્ણકુમારસિંહજી કે સર પ્રભાશંકરનું સ્મરણ મનમાં શિતળતા તેમજ પ્રસન્નતાના ભાવ પ્રગટાવે છે. ‘‘મારી પ્રજા સુખી રહો’’ એવો મુદ્દાલેખ એ કૃષ્ણકુમારસિંહજીની ઓળખ છે. મહારાજાની જન્મશતાબ્દીની ઉજવણી ૧૯૧૧-૧૨ માં ઉમંગભેર કરવામાં આવી. ભાવનગરની યુનિવર્સિટી સાથે કૃષ્ણકુમારસિંહજીનું નામ જોડવાનો નિર્ણય પણ રાજ્ય સરકારે કર્યો. સૂર્યવંશના ગોહિલકુળના લગભગ ૭૦૦ વર્ષના શાસન પછી ભાવનગર રાજ્યની ધૂરા દેશના ચરણોમાં સમર્પિત કરનાર આ છેલ્લા રાજવી પોતાના વાણી – વર્તન તથા વિચારથી જનમાનસમાં સ્થિર થયેલા છે. ઘણાં બ્રિટીશ અમલદારો પણ કૃષ્ણકુમારસિંહજીના વહીવટથી પ્રભાવિત થયા હતા. ગગા ઓઝા કે સર પટ્ટણી જેવા વહીવટદારો આ રાજ્યને મળ્યા હતા તે તેનું સદ્દભાગ્ય છે. જોકે આવા દીર્ઘદ્રષ્ટા વહીવટકર્તાઓમાં સંપૂર્ણ શ્રધ્ધા તથા વિશ્વાસ રાખવાની ભાવનગર રાજ્યની એક વિશિષ્ટ ખાસીયત રહી છે.
મહારાજા કૃષ્ણકુમારસિંહજીના જન્મશતાબ્દીના અવસરે ૨૦૧૨માં અનેક પ્રસંગો થયા. પરંતુ આ બધામાં એક મહત્વનું કામ તે ગંભીરસિંહજી ગોહિલે કર્યું. તેમણે ‘પ્રજાવત્સલ રાજવી’ નામનાદળદાર ગ્રંથનું સર્જન પૂર્ણ નિષ્ઠા તેમજ ચોકસાઇથી કર્યું અને તેનું પ્રકાશન ૨૦૧૨ના વર્ષમાં જન્મશતાબ્દીની ઉજવણીના ભાગ તરીકે કર્યું.
કૃષ્ણકુમારસિંહજીના ઘડતરમાં સિંહ ફાળો સર પ્રભાશંકર પટ્ટણીનો રહ્યો. મહારાજાના પ્રેમાળ પિતા ભાવસિંહજીનું અકાળ અવસાન થયું ત્યારે કૃષ્ણકુમારસિંહજીની ઉમ્મર માત્ર સાત વર્ષની હતી. બ્રિટીશ સરકારે પ્રથા પ્રમાણે સગીર રાજવી વતી વહીવટ સંભાળવા સમિતિની રચના કરી. સર પટ્ટણી તે સમિતિના અધ્યક્ષ હતા. પટ્ટણી સાહેબની તાલીમ થકી ગુણગ્રાહી કુમારમાં અનેક સંસ્કારોનું ઊંડું સિંચન થયું.
મહાત્મા ગાંધી તથા બાળ મહારાજા કૃષ્ણકુમારસિંહજી વચ્ચેના એક સંપર્ક કે મુલાકાતની વાત જાણીતી બની છે. આ ઘટનામાં મહારાજા તેમજ ગાંધીજી એમ બન્ને પક્ષે વિવેકના દર્શન થાય છે. ૧૯૨૫માં કાઠિયાવાડ રાજકીય પરિષદમાં ભાગ લેવા ગાંધીજી ભાવનગર આવ્યા હતા. એકાદ અઠવાડિયું બાપુ ભાવનગર રોકાયા હતા. સર પટ્ટણી હમેશા મહાત્મા ગાંધી સાથે સુમેળ તેમજ સન્માનયુક્ત સંબંધ રાખતા હતા. આથી બાપુને મળવા જવા માટે તેમણે બાળ મહારાજાને સૂચવ્યું. મહારાજાની સંમતિથી બાપુનો સમય સર પટ્ટણીએ માંગ્યો જેથી બાળ મહારાજા તેમને મળી શકે. હવે અહીં મહાત્માજીના મનની ઉદારતા તેમજ દીર્ઘદ્રષ્ટિતાનો અનુભવ થાય છે. ગાંધીજી સર પટ્ટણીને કહે છે કે ભલે તેઓ બાળક છે પરંતુ કૃષ્ણકુમારસિંહજી એ ભાવનગરના મહારાજા છે. તેથી તેમને મળવા સામે ચાલીને જવા બાપુએ ઇચ્છા બતાવી. મહાત્માજી પોતે ભાવનગરમાં ભણેલાં એટલે કહે કે ‘‘હું તો ભાવનગરનો પ્રજાજન કહેવાઉં’’ ગાંધીજીની રીતભાતમાં હમેશા વિવેક હતો તેવું અનેક પ્રસંગોએ નોંધાયું છે. આથી તેઓ અજાતશત્રુ હતા. પરંતુ સામી બાજુએ બાળ મહારાજાના મનમાં પણ ગાંધીજીની આ રીતભાતની ઊંડી અસર થઇ. તેની કાયમી સ્મૃતિ રહી. ૧૯૪૭ના ડિસેમ્બરની ૧૭મી તારીખે આજ મહારાજા મહાત્મા ગાંધીને દિલ્હીના બિરલા હાઉસમાં મળે છે. ફરી ગાંધીજીનો એજ વિવેક પ્રગટ થાય છે. મહારાજાને પૂર્ણ અદાર સાથે વ્યસ્ત મહાત્મા ગાંધીને મળવાનો સમય મળે છે. વાઇસરોયને પણ દુર્લભ હોય તેવા માન સન્માન સાથે બાપુની સૂચના મુજબ મનુબહેન મહારાજાને આવકારે છે. ગાંધીજી પાસે લઇ જાય છે. મહારાજાએ મક્કમતાથી પોતાના વિશાળ તેમજ સમૃધ્ધ રાજ્યનો ત્યાગ કરી નૂતન રાષ્ટ્રના ચરણે ધરવાનો નિર્ણય મહાત્માને સંભળાવ્યો. બાપુ સ્વાભાવિક રીતેજ પ્રસન્ન થયા. રાજવીઓમાં જુદા તરી આવે એવા આ રાજવી ત્યાગની બાબતમાં પણ સૌની મોખરે રહ્યા. મહાત્મા ગાંધી ભાવનગરના સ્તુત્ય પગલે ચાલવા અન્ય રાજવીઓને સૂચવતા હતા.
૧૯૬૫ની પહેલી એપ્રિલ મહારાજાના તેમજ ભાવનગરના ઇતિહાસમાં આકરી પુરવાર થઇ. ૩૧ માર્ચના રોજ નીલમબાગ પેલેસમાં કૃષ્ણકુમારસિંહજીની ઇચ્છા તથા આમંત્રણથી પ્રસિધ્ધ ગીતકાર તેમજ સંગીતકાર અવિનાશ વ્યાસ તેમજ તેમના સાથીઓએ પેલેસમાં બાપુને મનગમતા ગીતો સંભળાવ્યા. બાપુની ફરમાઇશથી છેલ્લે ‘ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની’ રચના સાંભળી. કાળની ગતિ ન્યારી છે. તેજ દિવસે મોડી રાત્રે આ પરગજુ રાજવી સતકાર્યોની ધૂણી ધખાવીને આ જગતમાંથી વિદાય થયા.
વસંત ગઢવી
ગાંધીનગર.
તા.૦૫/૦૪/૨૦૨૧.
Leave a comment