‘નિરંજન ભગત મેમોરિયલ ટ્રસ્ટ’ તરફથી ગુજરાતી ભાષા સાહિત્યના સંશોધન તથા વિકાસ માટે વિચારવામાં આવેલી યોજનાનું સ્વાગત છે. આ દિશામાં કંઇક નક્કર કરવાની જરૂરિયાત આમ પણ ઘણાં સમયથી લાગ્યા કરતી હતી.
યુનિવર્સિટીઓના ભાષાસાહિત્ય વિભાગો તરફ દ્રષ્ટિપાત કરીએ તો કારકિર્દીને કેન્દ્રમાં રાખીને એમ.ફીલ કે પી.એચ.ડી. કરનારા ઘણાં લોકો ધ્યાનમાં આવે છે. પરંતુ તેમાંના મોટા ભાગના લોકો ડૉકટરેટ મળ્યા પછી સંશોધન કે વિશેષ અધ્યયન માટે સક્રિય રહેતાહોય તેમ જણાતું નથી. આથી આવું કામ નિષ્ઠાથી કરનારા ઓછા લોકો હશે તેમ માનીએ તો પણ શૂન્યાવકાશની સ્થિતિ તો નથીજ. ટ્રસ્ટનો જે ઉદ્દેશ છે તે વ્યાપક હોવાથી આવા કાર્યમાં જોડાયેલા અભ્યાસુઓની ઓળખ કરવાનો પ્રશ્ન મહત્વનો છે. તે માટેના ચોક્કસ માપદંડ નક્કી કરવા પડશે જેથી સુયોગ્ય – deserving – વ્યક્તિઓને પસંદ કરીને શિષ્યવૃત્તિ આપી શકાય. પસંદગીના સ્પષ્ટ માપદંડો સાથે આ બાબતનો ખ્યાલ સબંધિત વર્તુળમાં થાય તેનું ચોક્કસ આયોજન કરવું જરૂરી બને.
આ પ્રકારની શિષ્યવૃત્તિની વિશેષ જરૂરિયાત પણ છે. કારણ કે હાલની વ્યવસ્થામાં અલગ અલગ કેટેગરીમાં પુરસ્કાર – એવોર્ડ માટે ઘણી તક છે. પરંતુ આવી તક એ કાર્ય સંપન્ન કરનાર વિદ્વાનનેજ મળી શકે છે. આથી આ શિષ્યવૃત્તિને કારણે સંશોધકોને વિશેષ પ્રોત્સાહન મળી રહેશે. આથી આ ક્ષેત્રમાં જે ઓછું કામ થાય છે તે કામની વૃધ્ધિ માટે પણ આ એક યથાર્થ પ્રયાસ ગણાશે. રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જોડાયેલા ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્રના માધ્યમથી પણ લોકસાહિત્ય વિષયક સંશોધન કે અભ્યાસને પ્રોજેક્ટના મૂલ્યાંકનને આધારીત નાણાંકીય સહાય આપવાની જોગવાઇ છે. યુ.જી.સી. તરફથી પણ મારા ખ્યાલ પ્રમાણે રીસર્ચ પ્રોજેક્ટ માટે સારા એવા પ્રમાણમાં નાણાંકીય સહાય આપવામાં આવે છે. ટ્રસ્ટનો પ્રયાસ એ તેમાં મહત્વની પૂર્તિ સમાન છે.
વસંત ગઢવી
ગાંધીનગર.
Leave a comment