કાન્તીકાકા ગયા એ કચ્છ તથા ગુજરાતને પડેલી ભારે ખોટ છે. તે પૂરી શકાય તેવી નથી. એક ઉદ્યોગપતિ તરીકે સમગ્ર સમાજની સર્વાંગી ઉન્નતિનો વિચાર એ કાકાના શ્વાસોશ્વાસમાં વણાયેલો હતો. તે વિચાર સાથે અખૂટ નિષ્ઠા તેમજ કાળજીપૂર્વકના આયોજન જેવી બાબતો અભિન્ન રીતે જોડાયેલી હતી.
કચ્છમાં કે રાજ્ય સરકારમાં જુદા જુદા વિભાગોમાં કામ કરતા અને ત્યારપછી પણ કાકા સાથે પ્રસંગોપાત મળવાનું કે ચર્ચા કરવાનું થતું હતું. તેમનામાં અનેક વિશેષતાઓ હતી જે ધ્યાને પર આવ્યા સિવાય ન રહે તેવી હતી.
કાકાની એક ઊંડી નિષ્ઠા લોકશક્તિમાં શ્રધ્ધા તેમજ વિશ્વાસ બાબતમાં હતી. લોકોને જો તેમનામાં તથા તેમની આંતરિક સૂઝમાં વિશ્વાસ રાખીને મદદ કે માર્ગદર્શન આપવામાં આવે તો તેના ચમત્કારિક પરિણામ આવી શકે છે તેવી તેમની અનુભવજન્ય પ્રતિતિ હતી. આ બાબતનો પડઘો તેમના સમગ્ર આયોજનમાં પડતો દેખાય છે. હેન્ડીક્રાફ્ટ એ કચ્છી ખમીરની જેમજ કચ્છના લોકજીવન સાથે જોડાયેલી કળા છે. પરંતુ આ કળાને વિકસાવવા માટે આ કામગીરી સાથે જોડાયેલા લોકોને તાલિમ આપવી આવશ્યક છે. બજારમાં ટકી રહેવા તેમજ તેને વિકસાવવામાં હાલના સમયની જરૂરિયાત મુજબ તાલિમનું આયોજન કાકાની દીર્ઘદ્રષ્ટિને કારણે થયું. કારીગરોને સતાવતો બીજો પ્રશ્નએ યોગ્ય તથા ટકાઉ બજાર મેળવવાનો છે. આ કામ પણ કાકા સ્થાપિત સંસ્થાઓએ નોંધપાત્ર રીતે કર્યું. આ બધુ કરતી વખતે તેમણે લોકસમુહમાં વિશ્વાસ રાખીને આગળ વધવાનું આયોજન કર્યું હતું. લોકોએ પણ અંતરના ઉમળકાથી તેનો સ્વીકાર કર્યો હતો.
કચ્છ એ વિસ્તારની દ્રષ્ટિએ દેશનો મોટો જિલ્લો છે. જિલ્લાનો વિકાસ ભૂકંપ બાદ હરણફાળે થયો હોવા છતાં ઘણાં વિસ્તારોમાં હજુ વિકાસના જુદા જુદા ક્ષેત્રોમાં કામ કરવાની આવશ્યક્તા છે. આ બધા કામોના સુગ્રથિત આયોજન માટે વી.આર.ટી.આઇ. (વિવેકાનંદ રીસર્ચ એન્ડ ટ્રેઇનીંગ ઇન્સ્ટીટ્યૂટ)ની સ્થાપના કરીને કાન્તીકાકાએ એક સંસ્થાગત માળખું ઊભું કર્યું છે. મજબૂત માળખા તેમજ તેને આનુસંગિક સુવિધાઓને કારણે લાંબાગાળા માટે તેનો સદ્દઉપયોગ મહત્વના લોક કલ્યાણના કાર્યો કરવામાં થઇ શકશે. આમ જુઓ તો કાકા એક ઇન્સ્ટીટ્યૂશન બીલ્ડર હતા અને સ્થાયી વ્યવસ્થાનું મહત્વ પૂર્ણત: સમજતા હતા. આજ રીતે ‘શ્રુજન’ ના સહયોગથી અનેક મહીલા કારીગરોનો વ્યક્તિગત તેમજ સામુહિક વિકાસ થઇ શક્યો છે.
કાન્તીકાકા એ ગુજરાતમાં વિકસેલી મહાજન પરંપરાના મજબૂત મણકા સમાન હતા. કાન્તીકાકાની ગેરહાજરી અનેક લોકોને સાલે તે સ્વાભાવિક છે. ઋગવેદનો એક મંત્ર કાકાના જીવન તથા કર્મયોગના સંદર્ભમાં યાદ આવે છે :
એતાવાનસ્ય મહિમા, અ તો
જયાયાંશ્ચ પુરુષ: – આટલો તો એમના કામનો મહિમા છે, એ પુરુષ તો તેના કરતાય મોટો છે. કાકાની જીવનયાત્રા આપણાં માટે પ્રેરણા પ્રદીપ્ત બની રહો.
વસંત ગઢવી
ગાંધીનગર.
Leave a comment