કવિ નાનાલાલે કહેલી એક વાત ધ્યાન દઇને સાંભળાવા જેવી છે :
‘‘ આજે ગુજરાતમાં તથા ભારતમાં ચર્ચાતી એક વાત વિશે મારો અનુભવ કહું તો અસ્થાને ન ગણશો. અંગ્રેજી ભાષા ભણવી કે ન ભણવી ? કેટલાક કહે છે રાજભાષા છે (તત્કાલિન સંદર્ભ) માટે ભણો. મારે મન એ નબળી દ્રષ્ટિ છે. કેટલાક કહે છે જગત વ્યાપારની ભાષા છે માટે ભણો. મારે મન એ વૈશ્ય દ્રષ્ટિ છે…. મારી દ્રષ્ટિ એમ ઉચ્ચરે છે કે અંગ્રેજી ભાષા એ જગત સાહિત્યનું પ્રવેશદ્વાર. માટે તે ભણો. હું તે ન ભણ્યો હોત તો જગતની અનેક સાહિત્યવાડીઓ મારે અપરિચિત જ રહેત. ગુજરાતી ભાષા માનું ધાવણ પાય છે. અંગ્રેજી ભાષા જગત સાહિત્યમાં લઇ જઇ મૂકે છે. સંસ્કૃત ભાષા સર્વનો અદ્દભૂત સમન્વય… આ ત્રણે ભાષાઓના જ્ઞાન વિના ગુજરાતી બાળક પંગુ રહે. ’’ (શ્રેષ્ઠ ન્હાનાલાલ. ગૂર્જર પ્રકાશન-૨૦૦૯) કવિ નાનાલાલ (૧૮૭૭ થી ૧૯૪૬)ની આ વાત આજે પણ સંદર્ભયુક્ત લાગે છે. ભર્તુહરી મહારાજે કહ્યું છે તેમ કવિને મરણ કે વૃધ્ધત્વનો ભય હોતો નથી તે વાત નાનાલાલ જેવા મહાકવિની બાબતમાં સર્વાંશે સાર્થક લાગે છે. ગુડી પડવાનો દિવસ એ કવિનો જન્મદિવસ છે. કવિની સ્મૃતિ અનેક સાહિત્યકારોના તથા ભાવકો – ચાહકોના મનમાં આ સમયે વિશેષ તાજી થતી હશે તે નિ:સંદેહ છે. કવિ નાનાલાલ વિશે કહેવાય છે કે પિતા દલપતરામની કાવ્યશક્તિ તેમનામાં ઉતરી હતી પરંતુ પિતામહના ઉગ્ર લક્ષણો પણ કવિશ્રીના વિચાર – વર્તનમાં જોવા મળતા હતા. અપ્રિય સત્ય ઉચ્ચારવાની આ કવિની શક્તિ હતી. મહાત્મા ગાંધીએ જેમ આજીવન સત્યની તપસ્યા કરી હતી તેમ નાનાલાલે જીવનમાં સતત સૌંદર્યની સાધના કરી હતી.
શતદલ પદમમાં પોઢેલો
હો – પરિમલ દાખવો હોય જો દીઠેલો.
ફૂલડે ફૂલડે વસંત શો વસેલો
પાંખડી પાંખડી પૂરેલો
ભ્રમર ભ્રમર કીધ સંગીત સોહામણો
પંખીડે પંખીડે પઢેલો
હો ! પરિમલ દાખવો હોય જો દીઠેલો.
કવીશ્વર દલપતરામ તથા આપણી ભાષાના તેજપુંજ સમાન નર્મદ એ બન્ને પોત પોતાની રીતે શ્રેષ્ઠ હતા તેમ કહેવું સર્વથા ઉચિત છે. બન્નેનું સાહિત્યમાં પ્રદાન પણ વિશાળ છે. આ બન્ને મહાકવિઓની શક્તિનું કવિ નાનાલાલને મૂલ્યાંકન હોય તે સ્વાભાવિક છે. વીર કવિ નર્મદના ગુણને ગરવાઇથી ગાઇને કવિ નાનાલાલે પોતાની વિશાળ દ્રષ્ટિ તેમજ સત્યવક્તાપણાનો અહેસાસ કરાવ્યો છે. તેઓ નર્મદને સૂરતના પ્રતાપી સૂર્ય તરીકે ઓળખાવે છે. વીર નર્મદના વ્યક્તિત્વને ઉપસાવતા કવિ નાનાલાલ કહે છે : “Great as a poet. Greater as a social thinker, Greatest as a man.” (કવિ નાનાલાલ ગ્રંથાવલિ ભાગ-૪ પ્રકાશક : ગુજરાતી સાહિત્ય અકાદમી)
કવિ નાનાલાલ જ્યારે જ્યાં બોલ્યા છે ત્યાં સત્ય સાથેજ પરિસ્થિતિજન્ય વાસ્તવિક્તા તેમણે ધ્યાનમાં લીધી છે. કવિતાની કળા તો તેમને પૂર્ણત: વરી હતી તેમ કહેવામાં અતિશયોક્તિ નથી. પરંતુ પોતાના વ્યાખ્યાનોમાં પણ તેમણે ઉચિત રીતે સંદર્ભ પ્રસંગો ટાંકીને વ્યાખ્યાનો રૂચિપૂર્ણ તેમજ હેતુ સારે તેવા સાર્થક કર્યા છે. ૧૯૨૬ના ઓગસ્ટ માસમાં મુંબઇની પ્રખ્યાત વિલ્સન કોલેજમાં જીવનમાં કવિતાના સ્થાન વિશે સરસ વાતો કરે છે.
પોતે જે પ્રવચન આપે છે તેમાં વિદ્યાર્થીઓ શ્રોતાજન છે તેનો કવિને ખ્યાલ છે. કવિ કહે છે કે કવિતા એ તો જીવનનો રસાનન્દ છે. ગુજરાતમાં ગવાય છે :
સાથે સબરસ લેતા જાજો,
કે આગળ નહિ મળે રે લોલ.
આમ ભાતાવિહોણી જીવનયાત્રા એટલે રસાનન્દવિહોણી જીવનયાત્રા તેવો વિચાર કવિ મૂકે છે. જેમ બાદશાહ ઔરંગઝેબને સંગીતનો વિરોધી ગણવામાં આવે છે તેમ કવિ નાનાલાલ એક કવિતાના વિરોધી પરંતુ સુપ્રસિધ્ધ વિચારકનું મંતવ્ય ટાંકે છે. કવિ કહે છે કે આપણા જે મહાન વિચારકો થયા તેમાં પ્લેટોનો સમાવેશ થાય છે. પરંતુ પ્લેટો કવિતાનો સંપૂર્ણપણે વિરોધી. પ્લેટો કહે કે કવિતા તો અસત્ય છે. (Farse) તે કહે છે કવિતા એટલે જુઠ્ઠાણું. પછી પ્લેટો ઉમેરે છે : મૃગજળ નથી ત્યાં પાણી દાખવે એ કવિતા. જો કે પ્લેટોની વિચારયાત્રાને અંજલિ આપતા નાનાલાલ કહે છે કે પ્લેટોની ફિલસૂફિ જેટલી અન્ય કોઇની ફિલસૂફિ કવિતા નજીક પહોંચી શકી નથી. છતાં એ કવિતાનો વિરોધી છે ! પછી કવિ નાનાલાલ સરસ વાત કરે છે. તેઓ કહે છે કે પ્લેટોની ટીકામાં તથ્યાંશ તો છે પરંતુ હસવા જેટલું. આ વાતને વિશેષ સ્પષ્ટ કરવા કવિ એક સુંદર પ્રસંગને ટાંકે છે. તેઓ કહે છે કે હોપ વાચનમાળાની રચના કરવાનો નિર્ણય થયો. શ્રીમાન હોપ એ અંગ્રેજ અમલદાર હતા જે તેમના શિક્ષણ પરત્વેના પ્રેમથી લોકપ્રિય થયા હતા. સુરતમાં તાપી નદી પરના એક પુલને ‘હોપપુલ’ તરીકેઓળખવામાં આવતો હતો. હોપે દલપતરામને આ વાચનમાળા તૈયાર કરી આપવા વિનંતી કરી. આ વાચનમાળામાં કંઇ ‘અસત્ય’ ન આવે તેમ કરવા પણ હોપે દલપતરામને જણાવ્યું. દલપતરામે કહ્યું એ તો અઘરું કામ ગણાય. હોપને આ વાતથી આશ્ચર્ય થયું. તેથી દલપતરામને કહ્યું : ‘‘તમે તો સજ્જન માણસ. અસત્ય ન આવે તે તો તમને ગમે.’’ દલપતરામ નિર્દોષ હાસ્ય કરતા કહે છે : ‘‘અમારો તો અસત્યનોધંધો. કંઇ ન હોય ત્યાં પણ પુષ્પાવતી નગરીહતી તથા પુષ્પસેન રાજવી હતા તેમ કહીએ !’’ હોપ તથા દલપતરામ બન્ને તે પછી હસી પડ્યા. પછી નાનાલાલ ઉમેરે છે : ‘એ હસવા જેટલો સત્યાંશ પ્લેટોની કવિતા અંગેની ટીકામાં છે.’
શ્રેષ્ઠ ઊર્મિ કવિ નાનાલાલ વિપુલ સર્જન કરીને ગયા. પરંતુ તેઓ ઉત્તમ રીતેતો કવિતામાં પ્રગટ્યા. મહાકવિની સ્મૃતિને વંદન કરવાનો અવસર છે.
વસંત ગઢવી
ગાંધીનગર.
તા.૩૦/૦૩/૨૦૨૧.
Leave a comment