: સંસ્કૃતિ : : કવિવર રવીન્દ્રનાથનું આપણી માતૃભાષામાં અવતરણ :

આમ તો કલકત્તા – બંગાળ સાથેનો ઝવેરચંદ મેઘાણીનો નાતો મે-૧૯૧૮થી બંધાયો હતો. મોટાભાઇ લાલચંદભાઇની બીમારીને કારણે મેઘાણીને ઓચિંતુ કલકત્તા જવાનું થયું. એમ.એ.નો અભયાસ ચાલુ હતો જે અધુરો રહ્યો. મોટાભાઇની જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓની વેચાણ કરતી દુકાન તેમણે સંભાળવાની રહેતી હતી. કલકત્તામાંજ ત્યાબાદ તેઓ ચોરવાડ (જૂનાગઢ જિલ્લો)ના વતની શેઠ જીવણલાલના વાસણો બનાવતા કારખાનામાં જોડાયા. કારખાનાનો કારોબાર મોટો હતો. ૫૦૦ જેટલા કામદારો ત્યાં કામ કરતા હતા. મેઘાણી પોતાના મળતાવડા તેમજ સૌમ્ય સ્વભાવના કારણે ‘‘પઘડી બાબુ’’ તરીકે ઓળખાતા હતા. સૌરાષ્ટ્રની પાઘડીને આ બંગાળી ઓળખ મળી હતી. (મેઘાણી ગાથા : પ્રકાશક : ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન)

કલકત્તા ખાતેનું મેઘાણીભાઇનું આ રોકાણ કદાચ કુદરતનો કોઇ મોટો સંકેત હતો. ભવિષ્યમાં ગુરુદેવ તથા મેઘાણી તો નીકટના પરિચયમાં આવ્યાજ, પરંતુ કવિગુરુ ટાગોરની ઉત્તમ રચનાઓ આપણને આપણી માતૃભાષામાં મળી. કવિગુરુનો જન્મદિવસ ૭ મે (૧૮૬૧) આવે ત્યારે આ બંગાળી – ગુજરાતી સાહિત્યનું અનુસંધાન મનમાં ઊંડી પ્રસન્નતાનો અનુભવ અચૂક કરાવે છે. 

૧૯૩૩માં કવિવર રવીન્દ્રનાથ ટાગોર મુંબઇ આવેલા હતા. કવિવરના સાથી તથા ખ્યાતનામ ચિત્રકાર નંદલાલ બોઝે કવિગુરુને ભલામણ કરેલી કે તેમણે મેઘાણીને મળવું. આથી મુંબઇની આ મુલાકાત દરમિયાન બન્ને મહાનુભાવોનું મિલન થયું. સર દોરાબજી તાતાના બંગલે આ મુલાકાત થઇ હતી. ત્રીસ મીનીટનો સમય કવિગુરુ ટાગોરે ફાળવ્યો હતો. ગુજરાતના લોકસાહિત્ય તેમજ વિવિધ રસોથી ભરપૂર લોકગીતો સાંભળીને ટાગોર અતિ પ્રસન્ન થયા. મુલાકાતના નક્કી થયેલા સમય કરતાં ઘણો વધારે સમય પસાર થયો. મેઘાણી પછી કવયિત્રી સરોજિની નાયડુને ગુરુદેવે મળવાનો સમય આપ્યો હતો, પરંતુ સાહિત્યના બન્ને મર્મીઓ વચ્ચેનો સંવાદ સાંભળી સરોજિની પરિસ્થિતિને પામી ગયા. તેમણે કહ્યું : ‘‘‘‘આવી રસભરી ગોઠડીમાં ભંગ પાડતા મારો જીવ નથી ચાલતો. મારો સમય હું મેઘાણીને ફાળવું છું.’’ મેઘાણીભાઇએ ‘‘ના છડિયા હથિયાર’’ ગાયું ત્યારે ટાગોર તથા નંદલાલ બોઝ બન્ને ઝૂમી ઊઠ્યા. ત્યારબાદ બન્નેએ કહ્યું કે અમારે ત્યાં આવું નથી.’’ મુલાકાત પૂરી થવાના સમયે ટાગોરે મેઘાણીભાઇને   કહ્યું : ‘‘કાઠિયાવાડ ફરી આવવા દિલ તો બહુ છે, પણ હવે તો કોણ જાણે.. પરંતુ તું જ શાંતિનિકેતન આવ. આપણે બેઉ ગુજરાતી તથા બંગાળી લોકગીતોની મેળવણી કરીશું તથા ચૂંટીને અંગ્રેજી અનુવાદ સાથે પ્રગટ કરીશું. જરૂર આવ.’’ ૧૯૩૩ના કવિવરના આ અંતરના આવકારને આઠ વર્ષનો સમય વીતી ગયો. મેઘાણી જઇ શક્યા નહિ. ૧૯૪૧માં શાંતિનિકેતનના વિદ્યાર્થી સમ્મેલનમાં ગુજરાતના લોકસાહિત્ય પર પ્રવચન આપવા મેઘાણીને નિમંત્રણ મળ્યું. ટાગોરને બંગાળ આવવાના આપેલા વચનના કરજદાર મેઘાણી શાંતિનિકેતન જવા તૈયાર થયા. આપણી માતૃભાષાના અમૂલ્ય આભરણ સમાન લોકસાહિત્યને આંતરપ્રાંતીય મંચ પર લઇ જવાની અભિલાષા તેમના અંતરમાં હતી. માર્ચ-૧૯૪૧માં શાંતિનિકેતનની ઐતિહાસિક ધરતી પર તેમજ કવિગુરુના પ્રભાવ ક્ષેત્રમાં મેઘાણીએ અંગ્રેજીમાં ચાર વ્યાખ્યાનો આપ્યા. જે મુખ્યત્વે લોકસાહિત્ય તેમજ ચારણી સાહિત્યને સંબંધિત હતા. મેઘાણી શાંતિનિકેતનમાં કહે છે કે ગુજરાતના નવઘડતરમાં જે થોડા પરિબળો કામ કરે છે તેમાં એક લોકસાહિત્ય છે. લોકસાહિત્યે ‘‘ઇતિહાસના દફતરે ન સચવાઇ શકેલી એવી કેટલીક વાતો લોકસાહિત્યે જનેતાની જેમ ચીંથરીઓમાં સાચવી રાખી છે.’’ કોઇ સાંકડા પ્રાદેશિક ગર્વથી નહિ પરંતુ વિશ્વસાહિત્યના ફલક પર આ લોકસાહિત્યના ઉજળા અસ્તિત્વ તેમજ ક્રમશ: વિકાસની તેમણે ઉત્તમ વાતો રજૂ કરી. દેશ – વિદેશના અધ્યાપકો – વિદ્યાર્થીઓ મેઘાણીના બુલંદ કંઠે કહેવાતી વાતો પર મુગ્ધ થયા. શાંતિનિકેતનના અધ્યાપકો – વિદ્યાર્થીઓ આ કાઠિયાવાડી કવિની પાછળ મુગ્ધ થયા. મેઘાણીનું બહુમાન કરવામાં આવ્યું.

બંગાળી ભાષાની કવિવરની માણવી ગમે તેવી અનેક રચનાઓ ઝવેરચંદ મેઘાણીએ ગુજરાતીમાં ઉતારી. અનુવાદના ક્ષેત્રમાં જાણકારોના મતે તેમજ મેઘાણીના સ્વયં કથન મુજબ બંગાળીના મૂળ કાવ્યની વસ્તુ સામગ્રી તો તેમાં ટાગોરનીજ છે. માત્ર આ રચનાના રસપ્રદ પ્રાગટ્ય માટે ‘‘સહેજસાજ ટચીઝ’’ આપવાનો પ્રયાસ મેઘાણીએ કર્યો છે. કોઇ મોટા ફેરફાર કર્યા નથી. (રવીન્દ્રવીણા : ઝવેરચંદ મેઘાણી : ગૂર્જર પ્રકાશન) પરંતુ આમ થવાના કારણે ગુરુદેવની ઉત્તમ રચનાઓ આપણે ગુજરાતીમાં આસ્વાદી શકીએ છીએ. ૧૯૪૪માં મેઘાણીએ રવીન્દ્રનાથના કાવ્ય ‘કર્તવ્યગ્રહણ’ પરથી ઉતારેલું સુપ્રસિધ્ધ કાવ્ય ‘‘કોડિયું’’ આજે પણ તેની વ્યાપક પ્રખ્યાતીથી પ્રકાશિત છે. 

‘‘ અસ્ત જાતા રવિ પૂછતા અવનિને :

સારશો કોણ કર્તવ્ય મારાં ?

સાંભળી પ્રશ્ન એ સ્તબ્ધ ઊભા સહુ

મોં પડ્યા સર્વના સાવ કાળાં.

તે સમે કોડિયું એક માટી તણું

ભીડને કોક ખૂણેથી બોલ્યું :

મામુલી જેટલી મારી ત્રેવડ પ્રભુ !

એટલું સોંપજો તો કરીશ હું ’’

કવિગુરુની દિવ્ય ચેતનાને વંદન કરવાનો આ અવસર છે. કાળની બલિહારી છે કે આપણી ધરતી ઉપર મહાત્મા ગાંધી તથા કવિવર ટાગોર જેવા દિગ્ગજો એક સાથે વિહરતા હતા. એક મહામાનવે સાહિત્યના ક્ષેત્રમાં જે કામ કર્યું તેમજ બીજાએ રાજકીય તથા સામાજિક ક્ષેત્રમાં જે કામ કર્યું તે આપણા ઇતિહાસનો ઉજળો ભાગ છે. સદાકાળ પ્રેરણા આપે તેવા ટાગોરના સાહિત્યને સમજવા તથા માણવા જેવું છે. 

વસંત ગઢવી 

ગાંધીનગર. 

તા.૩૦/૦૩/૨૦૨૧.    

Leave a comment

Blog at WordPress.com.

Up ↑