: જાત સાથે વાત : શુભ વિચારોનું ઉઘાડું આભ :

મનસુખ સલ્લાની ઓળખ ગુજરાતી ભાષા – સાહિત્ય સાથે ધરોબો ધરાવનાર લોકોને આપવાનો હોય નહિ તેમ કહું તો તે અતિશયોક્તિ નહિ ગણાય. મનુભાઇ પંચોળી (દર્શક) કે કેળવણીના ક્ષેત્રે અનોખી કામગીરી કરનાર નાનાભાઇ ભટ્ટ જેવા પુણ્યશ્લોક લોકોની વિચારધારાને મનસુખભાઇએ જીવનમાં – વ્યવહારમાં ઉતારી છે. તેનું મૂળ સ્વાભાવિક રીતેજ ગાંધીજી સુધી પહોંચે છે. ગાંધી નામથી એક તેજસ્વી દીપક પોરબંદરમાં પ્રગટ થયો. પરંતુ તેનું તેજ પોરબંદર – ગુજરાત કે અખંડ હિન્દુસ્તાન સુધી સીમિત રહ્યું નહિ. સમગ્ર વિશ્વ તેના તેજથી અંજાયું. દેશ – વિદેશના અનેક લોકો ગાંધી વિચારનું પવિત્ર આચમન લઇને પોતાની રીતે આવશ્યક્તા અનુસાર સમાજ પરિવર્તનના કોઇપણ ક્ષેત્રમાં નિષ્ઠાથી જોડાયા. એક સમયે સ્વાભાવિક વાતચીત કરતા ભાવનગરના વિચક્ષણ દીવાન સર પ્રભાશંકર પટ્ટણીએ કવિ દુલા ભાયા કાગ (મજાદર – કાગધામ-અમરેલી જિલ્લો)ને ગાંધીજીના સંદર્ભમાં કહેલું તે આ સંદર્ભમાં યાદ આવે છે. પટ્ટણી સાહેબે કહ્યું : ‘‘ગાંધી નામના આ મહામાનવની નોબત આખી દુનિયામાં સંભળાઇ રહી છે.’’

કવિ કાગ કહે છે પટ્ટણી સાહેબનું આ વિધાન મનમાં ચકરાતું રહ્યું અને તે વિચારમાંથી થોડી પંક્તિઓ પ્રગટી : 

એક જોધ્ધો એવો જાગીઓ

જેણે સૂતો જગાડ્યો કાળ,

પગપાતાળે શિષ આકાશે

હાથ પહોંચ્યા દિગપાળ,

માતાજીની નોબતું વાગે

સુતાં સૌ માનવી જાગે,

લીલૂડાં માથડા માગે.

આકાશ- પાતાળ તથા દિગપાળોને આંબે એવું આ વ્યક્તિત્વ પ્રગટ્યું. તેનો લાભ માનવજાતને થયો અને હજુ પણ થતો રહે છે. પરંતુ ગાંધી વિચારના આ ઉજ્વળ તથા ઓજસ્વી દીપકમાંથી અનેક નાના મોટા દીવડાઓ પ્રગટ્યા. આ દીવાઓ પણ ગાંધી વિચાર તેમજ સ્વપ્રકાશના બળે ધરતી ઉજાળતા ગયા. આ ઘટના સામાન્ય ન હતી. આવા સમર્થ દીવડાઓમાં દર્શકદાદા (મનુભાઇ પંચોળી) નાનાભાઇ કે વેડછીના વડલા સમાન જુગતરામ દવે જેવા પુણ્યશ્લોક લોકો હતા. શિક્ષણ સાથે જીવનદર્શનના નવા માપદંડો તેમણે સમાજ સામે ધર્યા. આવા દીવડીઓના વિચાર – પ્રકાશના પાવક સ્પર્શથી જેઓ ઉજ્વળ તથા આભુષિત થયા તેમાના એક એ આપણાં પ્રિય મનસુખભાઇ છે. મનસુખભાઇને મળીએ ત્યારે એક સૌજન્યશીલ વ્યક્તિત્વને મળ્યાનો ભાવ થાય. પોતે નક્કી કરેલી વિચારધારાની પગદંડીએ ધીમા છતાં મક્કમ પગલા ભરનાર તથા ભર્યા – ભાદર્યા વ્યક્તિને મળ્યા હોઇએ તેવી પ્રતિતિ તેમને મળીએ ત્યારે થાય. પરંતુ આ બધા ઉપરાંત એક નખશીખ શિક્ષકને મળ્યાની પ્રસન્નતા સહેજે થાય. એક ખરો શિક્ષક એટલે શું તે જોવા દૂર સુધી નજર ફેરવવી પડે છે. મનસુખભાઇને જોતાં દ્રષ્ટિ ત્યાં સ્થિર થાય છે – ઠરે છે. ખરા શિક્ષક હોવાનું શ્રેય ઓછા લોકોને પ્રાપ્ત થાય છે. આવું શ્રેય પ્રાપ્ત કરવું તે સહેલું પણ નથી. મનસુખભાઇ તે સ્થાન અને શ્રેય જીવનભરના નિષ્ઠાયુક્ત પ્રયાસોથી પામ્યા છે. સ્વબળે મેળવેલા શ્રેયનું એક આગવું મૂલ્ય છે.

મનસુખભાઇનું જીવન એ એક આજીવન કર્મવીરની સક્રિય જીવનયાત્રા જેવું છે. લોકભારતી સણોસરાના સ્નાતક (૧૯૬૩) અને જીવનના ઘણાં વર્ષો એ સંસ્થાના વિકાસ માટે અર્પણ કર્યાં. લોકભારતી સણોસરા કે દક્ષિણામૂર્તિ જેવી સંસ્થાઓ ઊભી કરવા પાછળ એક ચોક્કસ ધ્યેય હતું. લગભગ બે સદી સુધીના સુદીર્ઘ વિદેશી શાસનની નીતિને કારણે આપણી પોતાની કેળવણી પ્રથા નબળી પડી હતી અથવા નામશેષ થવાના આરે હતી. ગોરા શાસકોનું લક્ષ તે તરફ હતું પણ નહિ. શાસકોનું ધ્યાન તેમની જરૂરિયાત તથા હેતુ તરફ હતું. પોતાની જરૂરિયાત સંતોષવા માટે તથા સત્તાના પાયા મજબૂત કરવામાં આપણી સ્થાપિત શિક્ષણ પ્રણાલી તેમને ઉપયોગી ન હતી. તેથી તે પ્રથાને નબળી પાડવાનો એક આશય પણ તેમનો હતો તેમ કહી શકાય. એ હકીકત સર્વ સ્વીકૃત છે કે માતૃભાષા તેમજ શિક્ષણનું માળખું માનવીને પોતાના મૂળ સાથે જોડે છે. પરાધિન દેશમાં આ બન્ને બાબતો પર પ્રહારો થયા અને સતત થતા રહ્યા. આજે આઝાદી મળ્યા પછી સાત દાયકા બાદ પણ શિક્ષણનું ચિત્ર આપણાં અનેકવિધ પ્રયાસો તેમજ પ્રયોગો પછી પણ સંતોષકારક જણાતું નથી. પ્રયોગો જરૂર થાય છે. સમયાંતરે નીતિ તથા નિયમો પણ બદલાતા રહે છે, પરંતુ ઇચ્છીત પરિણામો દૂરના દૂર રહેવા પામે છે. તાજેતરમાંજ ઘડાયેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પણ શિક્ષણના પાયાના પ્રશ્નો ઉકેલવાની દિશામાં કંઇક યોગદાન કરવાની અભિલાષા સાથે ઘડવામાં આવી છે. આ સમસ્યાનો ઉકેલ કરવા મહાત્મા ગાંધીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ૧૦૦ વર્ષ પહેલા કરી અને ખરા અર્થમાં કેળવાયેલા સ્નાતકો સમાજને આપવા પ્રયાસ આદર્યો. નાનાભાઇ ભટ્ટ કે ગિજુભાઇ બધેકા જેવા લોકોએ પણ ગાંધીમાર્ગને અનુસરવાનો પ્રયાસ નિષ્ઠાથી કર્યો. આવી ગાંધી વિચારમાંથી પ્રેરણા લઇને ચલાવવામાં આવતી સંસ્થામાં જીવનના મહત્વના વર્ષો ગાળીને મનસુખભાઇએ ખરા અર્થમાં ગાંધી તર્પણ કર્યું. એક Conviction ને કારણે તેમની સેવાનો વિશેષ લાભ શિક્ષણ જગતને મળ્યો. તેમની શૈક્ષણિક અનુભવકથાનું પુસ્તક ‘અનુભવની એરણ પર’ (૨૦૦૮) માંથી પસાર થવાની તક ત્રણ ચાર વર્ષ પહેલા મળી હતી. તેમના આ અનુભવોનો નીચોડ શિક્ષણ જગતમાં કામ કરતા લોકો માટે વ્યવહારુ રીતે ઉપયોગી બને તેવો છે. મનસુખભાઇના સર્જનોને અનેક સાહિત્ય પુરસ્કારો મળેલા છે. 

‘જાત સાથે વાત’ એ લેખક કહે છે તેમ ભીતરના સંવાદનું પ્રેરક ચિંતન છે. તેમાંના વિચારવર્તુળનું કેન્દ્ર લેખકના જીવતભરના પ્રયાસોમાં મજબૂત રીતે રોપાયેલું છે. તેથી તે વિશેષ સાંપ્રત તેમજ માર્ગદર્શક બની શકે તેવું છે. એક વિચારવા જેવી વાત તેમણે ‘‘જીવનની ગુણવત્તા’’ નામના લેખમાં કરી છે. તેઓ કહે છે કે રચના કે વ્યવસ્થા તરફ આપણું ધ્યાન કેન્દ્રીત થાય તો તોતિંગ તંત્રોનું નિર્માણ થાય છે. પરંતુ તેમાં ગુણવત્તા ન હોય તો તેમાં માનવીનો વિકાસ થતો નથી. આ વાત આજના સંદર્ભમાં પણ ખૂબ અર્થપૂર્ણ છે. વિશ્વના ઘણા સંપન્ન દેશોમાં મબલખ ભૌતિક સુખ-સુવિધાઓ ઉપલબ્ધ થયા પરંતુ માનવીમાં ‘‘એકલતા, તાણ, ઇર્ષા તેમજ અવિશ્વાસ’’ જેમના તેમ રહ્યા. તંત્રોની બાહ્ય ભવ્યતા અંદરથી પોલાણવાળી પુરવાર થઇ. દુનિયાને ફરી HDI (Human Development Index) તરફ ધ્યાન કેન્દ્રીત કરવાની ફર inજ પડી. વર્ષો પહેલા દેશના સર્વાંગી વિકાસ માટે પંચવર્ષીય યોજનાઓ તૈયાર કરી અમલમાં મૂકવા બાબતનો આયોજન પંચનો અહેવાલ વાંચીને વિનોબાજીને સંતોષ થયો ન હતો. તેમની ગાંધી દર્શનની દ્રષ્ટિ જોઇ શકી કે છેવાડાના જનની ઉન્નતિ કે માનવીય ગુણવત્તામાં સુધારો થાય તેવા પરિણામો આવા આયોજનો થકી થઇ શકે નહિ. ઋષિ વિનોબાની વાત કેટલી વાસ્તવિક હતી તેની આજે અનેક લોકોને પ્રતિતિથાય છે. ‘‘સબાર ઉપર માનુષ’’ ની વાત હજુ દૂર સુદૂર જણાય છે. ૧૯૪૭માં મુક્તિનો મહોત્સવ ઉજવતા થનગનતા હતા તેવા લોકોને મેઘાણીએ ચેતવણી આપેલી :

દૂરે દૂરે તથાપી

વિજય ગજવવાનું હજુ દૂર થાણું

હું તો તોયે ન માનું

સકળ ભયહરા વિશ્વનું વ્હાય વહાણું.

સકળ ભયહરા વિશ્વની આ વાત આજે પણ દૂરજ જણાય છે. જગતમાં ફૂલતાં ફાલતાં અશુભના બળોની લેખકને સકારણ ચિંતા છે. (લેખ : શુભનું વાવેતર) જગતે હિટલર તથા મુસોલીનીના ઇરાદાઓની ચિંતા હતી. વિશાળ દ્રષ્ટિકોણ ધરાવતા દારાશિકોહની હાર સંકુચિતતાવાળું વલણ ધરાવતા ઔરંગઝેબ સામે થઇ હતી તેવા ઇતિહાસના દાખલાઓ સતત લોકોની નજર સામે રહ્યા છે. ગાંધી તથા લિંકનના વિચારને રોકવા પણ હિંસક પ્રયાસો થયા છે અને તાત્કાલિક તથા ક્ષણજીવી પરિણામો પણ મળ્યા છે. આથી આવા અશુભ પરિબળોને નાથવાની વાત તરફ કેળવણીકારનું ધ્યાન જાય તે સ્વાભાવિક છે. પરંતુ શુભના વાવેતરની આપણી સહીયારી ફરજ છે. લેખકના મતે ‘કુટુંબ, વિદ્યાલય તથા સાચી ધર્મસંસ્થા’ આ કામ કરી શકે. વિશ્વશાંતિની ગુરુકિલ્લી દર્શકદાદાને બાળ કેળવણીમાંજ દેખાતી હતી તે વાતનું અહીં સ્મરણ થાય છે. એથેન્સ નગરના પેરિકિલસનો સંદર્ભ ટાંકીને લેખકે નિરૂપદ્રવી તેમજ નકામા લોકો વચ્ચેની ભેદરેખા સ્પષ્ટ કરી છે. શાસનના લોકશાહી માળખામાં જો લોકજાગૃતિને લુણો લાગે તો લોકોની સત્તાનો ખરો લઇાભ થતો નથી. લોકશાહીમાં જો લોકો પોતાના કાર્યોનું Outsourcing કરે તો એ લોકશાહી પરિણામદાયી બની શકતી નથી. સજ્જનોનું મૌન એ અનેક સમયે દુર્જનોના પ્રોત્સાહનમાં પરિણમ્યું છે. આથીજ નાનાભાઇ – દર્શકની સંસ્થાઓ ‘‘શિંગડા માંડતા શિખવે’’ તેવી કેળવણીની તરફેણ કરતા હતા અને તેનો વાસ્તવિક અમલ કરતા હતા. આપણે દેશના નાગરિક તરીકે જે હક્ક બંધારણના પ્રતાપે મળેલા છે તેનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ જે જવાબદારી એક નાગરિક તરીકે આપણે નિભાવવાની હોય છે તે તરફ મહદ્દ અંશે દુર્લક્ષ સેવીએ છીએ. સ્વરાજ્ય માટે ગાંધીજી સ્વ પરના નિયંત્રણને મહત્વ આપતા હતા. આવું નિયંત્રણ સ્વેચ્છાએ હોય અને તે સહજ નાગરિક ધર્મનો પણ ભાગ બને. પરંતુ આપણે આપણી સ્વૈચ્છિક જવાબદારી નીભાવવાની બાબતમાં શિથિલ પુરવાર થયા છીએ. પુખ્ત પ્રજાનું આ લક્ષણ નથી તેવી લેખકની વાત તદ્દન સાચી તથા વાસ્તવિક છે. (સ્વૈચ્છિક નિયમપાલન) વાહન ચલાવતી વખતે સીટબેલ્ટ ન બાંધવાના કારણસર કે કોરોનાથી બચવા માસ્ક પહેરવાના નિયમનો ભંગ કરનાર અનેક લોકોને દંડ કરવો પડે તે સ્થિતિ પુખ્ત સમાજ માટે શોભાસ્પદ નથી. કેળવણી મેળવી હોય તેવા લોકોનું પણ વલણ ગુણાત્મક રીતે બદલાયું નથી તે વિશેષ અકળાવનારી હકીકત છે. સામાજિક ઉત્તરદાયિત્વમાં બેદરકારીની ઘણી મોટી કિમ્મત આપણે ચૂકવતા રહીએ છીએ તેવું લેખકનું તારણ આપણી આજની સ્થિતિનું પ્રતિબિંબ છે. ‘‘ઊંઘ બગાડનારાઓનો આભાર’’ માનવાની લેખકની વાત જાણે વિસરાઇ ગઇ છે. ટીકા કરનારને દુશ્મન ગણવાની આજે દેખાતી વૃત્તિ જો હજુ પણ વિશેષ ફૂલતી ફાલતી રહેશે તો સ્વતંત્ર અવાજ ધીમે ધીમે ક્ષીણ થતાં જશે. આ બાબત ઘણી જોખમી છે. મહારાષ્ટ્રના નરેન્દ્ર દાભોલકરની હત્યા એ અંતે તો કોઇક વિચારને ગુંગળાવી દેવાની અસામાજિક વૃત્તિ છે. જેનો આપણે નિર્ણાયક રીતે ત્યાગ કરવો પડશે. બીજાના દ્રષ્ટિબિંદુને સમજવાનો પ્રામાણિક પ્રયાસ કરવો પડશે. આપણે સ્વીકારના માણસ બનીએ તે મહત્વનું છે. જ્યાંથી શુભ તથા સુંદર વિચાર મળે તેને આવકારવાની વેદના ઋષિની પ્રાર્થના ભૂલવા જેવી નથી. લેખકે તેને પુન: યાદ કરાવી છે.

લેખકના દિલમાંથી સહજ રીતે પ્રગટતી અનેક બાબતો વિશે વાત કરવાનું પ્રલોભન થાય તેવું પુસ્તકમાં છે. પરંતુતે બાબતમાં વિશેષ લખવું તે સમય સ્થળની મર્યાદા ઓળંગવા જેવું થાય છે. પરંતુ અસંખ્ય વાચકો તેમાંથી પસાર થઇને પોતાને જોઇતું જીવનદર્શન પ્રાપ્ત કરશે તેમ ચોક્કસ લાગે છે. આ પ્રયાસની સાર્થક્તા પણ તેમાંજ છે.

સારી તેમજ સત્વસભર બાબતો લખાય – વંચાય તથા તેનું વિસ્તરણ થાય તે કોઇપણ કાળની અનિવાર્ય આવશ્યક્તા છે. ‘જાત સાથેની વાત’ નું માધ્યમ લઇને લેખક સમાજના એક મોટા વર્ગ સુધી વિચારને મૂકવાનો પ્રયાસ આ પ્રમાણમાં નાના એવા સુરેખ પુસ્તકથી કરતા હોય તો તેમણે આજના આપણા યુગમાં મહત્વનું તેમજ સમયસરનું યોગદાન આપેલું છે તેમ કહેવાય. પરિસ્થિતિને વિશેષ અર્થપૂર્ણ બનાવવા માટે વિચારોનું આદાન પ્રદાન મહત્વનું છે. વિચારોનું સાંકડાપણું એ સમાજનું સ્તર નીચું લાવે છે. આપણાં સંકિર્ણ માપદંડો જ્યાં હોય ત્યાંથી બદલવા માટેના સામુહિક પ્રયાસો એ આપણી જવાબદારી છે. જાત સાથે પ્રામાણિક્તાપૂર્વક સંવાદ કરીને સૌએ એક ડગલું ભરવું પડે તે સ્થિતિ નિર્માણ કરવાની દિશામાં આ પુસ્તક એક મહત્વની પહેલ છે. મનસુખભાઇને સ્વપરિશ્રમના બળે સમજાયેલી આ વાતોનું મૂલ્ય અદકેરું છે. પીઝા – પાસ્તાના યુગમાં મીઠી લાપસી પીરસવાનો આ પ્રયાસ દાદ માંગી લે તેવો છે. લેખકની અનુભૂતિના આભુષણો સમાન આ વિચારો છે જે સંક્ષિપ્તમાં મારા – તમારા સુધી પહોંચ્યા છે. આપણે આ વિચારને વધાવીને આપણી વૈચારિક ગતિશિલતાનું દર્શન કરાવી શકીએ છીએ. નિષ્ઠાપૂર્વકનું જીવન વ્યતિત કર્યા બાદ મનસુખભાઇએ જાત સાથેની વાતમાં આપણને સહભાગી બનવાની તક આપેલી છે. લેખકને તેમ કરવાનો અધિકાર પણ છે, કારણ કે તેઓની કથની તેમની જીવનભરની કરણીના પરીપાક સ્વરૂપે છે. મનસુખભાઇ સલ્લાના ‘જાત સાથેની વાત’ ના આ રૂચિપૂર્ણ પુસ્તકનું સ્વાગત છે. 

વસંત ગઢવી 

ગાંધીનગર.

તા.૨૩/૦૩/૨૦૨૧.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑