૧૯૧૪ થી ૧૯૭૨ વચ્ચે આપણી માતુભાષાના સાહિત્યકારો તેમજ ભાવકોએ એક તેજ લીસોટાનું દર્શન કર્યું. હજુ તો આ તેજ લીસોટાને પૂરો જાણીએ, માણીએ તથા પ્રમાણીએ ત્યાંજ ચન્દ્ર જેમ કાળી વાદળીના ઓછાયામાં આ તેજ લીસોટાને અદ્રષ્ય થતાં જોયો. અલબત્ત, તેના તેજનું પ્રતિબિંબ જે આપણે ઝીલ્યું તે સદાકાળ સ્મૃતિમાં રહે તેવું ભવ્ય તેમજ જાજ્વલ્યમાન છે. કવિ સરોદની ઓચિંતી તેમજ અણધારી વિદાય (એપ્રિલ-૧૯૭૨) આંચકો આપી જનારી હતી. ગ્રીષ્મ તથા એપ્રિલના સમન્વયમાં સરોદની સ્મૃતિ શિતળતાની અનુભૂતિ કરાવે છે. કાયદાના જાણતલ આ કવિને કાળનો કોઇ ગેબી સંદેશો અગાઉથીજ મળી ગયો હશે ?
ઊઠતી બજારે હાટ હવે
કેટલો વખત ? વહેવારના
ઉચાટ હવે કેટલો વખત ?
કાનાએ કાંકરી હવે લીધી છે
હાથમાં, અકબંધ રહેશે માટ
હવે કેટલો વખત ?
કવિ મનુભાઇ ત્રિવેદી – ‘સરોદ- ગાફિલ’ ની જન્મ શતાબ્દીનું વર્ષ ગુજરાતે હોંશભેર ૧૯૧૪માં ઉજવ્યું. કવિ આપણાં ન્યાયતંત્રમાં ન્યાયધીશની ફરજો બજાવતા હતા. કાયદાના થોથા સાથે આમતો તેમનો વ્યાવસાયિક પનારો પડ્યો હતો. પરંતુ આ વ્યાવસાયિક જીવનક્રમને પણ સંપૂર્ણપણે માન આપીને કવિએ અંતરમાં વહેતી સાહિત્ય સરવાણીને લીલીછમ્મ રાખી હતી. તેમના વ્યક્તિત્વની આ ખૂબી હતી.
પોતાની ઓળખમાં કવિએ ગામના પાદરમાં નાના એવા મંદિરના ઓટલે રામસાગરના સથવારે ભજન રેલાવતા અલહડબાવાનો દાખલો આપ્યો છે. ઓળખાવાની આ પણ એક અનોખી તેમજ અદ્વિતીય રીત હતી. ‘‘બુલંદ નહિ પણ ઝીણો સૂર અને સભાન નહિ પરંતુ સૂઝે એવુ ગાન’’ સરોદની રચનાઓની મુદ્દા છે તેવું શ્રી ચંદ્રકાન્ત ટોપીવાળાનું વિધાન યથાર્થ છે. કાવ્યોની પ્રસાદી ઉપરાંત ‘સરોદ’ ની એક સુંદર વાર્તાશૈલિ પણ હતી. ‘‘ વેરાનના ચંદનવન’’માં સરોદે ધાંગધ્રાના રાજવી સામે એક પવિત્ર બ્રહ્મતેજના નૈનિક વિજયનુ સુંદર ચિત્ર આલેખ્યુ છે. બ્રાહ્મણથી ભેટ ન બંધાય તેવા વિચારને વળગી રહી તેમણે રાજયના હૂકમની અવહેલના કરી. સમય આવ્યે રાજવીને પણ મોઢામોઢ સત્યને વળગી રહીને પોતાની વાત નિર્ભયતાથી રજૂ કરી. આવી કથાઓ માનવ હોવાનો ગૌરવભાવ પ્રગટાવે તેવી સબળ છે. સરોદની વાણીનુ પાણી સૂકાય તેવું નથી પરમ તત્વની પ્રસન્નતા તથા જનસમાન્યનો આદર એ કવિની ચિરંજીવી શકિત છે.
જેનો પાણોતિયો ભગવાન
એની વાડી બને ન વેરાન રે
એનો પાણોતિયો ભગવાન.
કવિ ‘સરોદ’ ના ઉપનામથી ભજનો અને ‘ગાફિલ’ ના ઉપનામથી ગઝલો લખતા હતા. સર્જનની આ બન્ને પ્રકારની રચનાઓમાં કવિએ પોતાની અલગ ભાત ઊભી કરેલી છે. ન્યાયધિશ તરીકે અનેક સ્થળોએ સેવા આપ્યા બાદ ૧૯૭ર થી અમદાવાદની સ્મોલ કોઝ કોર્ટમાં જજ તરીકે કામ કરતાં હતા. કોલેજના અભ્યાસકાળ દરમિયાનજ તેમનું કાવ્યસર્જન શરૂ થઇ ગયુ હતું. સર્જનની આ પ્રક્રિયા ત્યારબાદ સતત વિકસતી તેમજ મહોરતી રહી હતી. કાયદાના આ અભ્યાસુ જજની અંતરની ઊંડી શ્રધ્ધા પરમપિતા પરમેશ્વર તરફ સ્થિર થયેલી હતી. કવિના શબ્દોમાં આવી પ્રભુ-નિષ્ઠા સુંદર શબ્દોમાં વ્યકત થઇ છે.
મારો રોડવનારો રામ
સારું – નરસું કાંઇ ન જાણું,
જાણું ન એનું દામ રે,
મારો રોડવનારો રામ.
જગતનિયંતાને જીવનની તમામ ગતિવિધિઓના ચાલકબળ તરીકે કવિએ નિહાળ્યા છે. આથી આ કુદરત સર્જીત ઘટમાળની કોઇ ઘટના તરફ કવિને વિશેષ ભાવ કે કુભાવ નથી. જે સ્થિતિ છે તેનોજ આભારવશતાથી સ્વીકાર છે. કવિ અસ્વીકારના નહિ પરંતુ સ્વીકારના માણસ છે.
અમને ભલા શું હોય
ખુશી, હોય યા ગમી ?
એણે દીધી, સ્વીકાર કર્યો
એ દશા ગમી
કાંઠે ઉતરતાં કહેવું પડ્યું
વિશ્વસિંધુને, જીવન ગમ્યું,
જુવાળ ગમ્યો, જાતરા ગમી,
ભજનના આ ભાતીગળ પ્રદેશમાં જે ડગ ભરે તે તો ભવપાર તરીને જીત મેળવવાજ સર્જાયેલો છે. મકરંદભાઇ કહે છે તેમ શરત માત્ર એટલીજ છે કે આ પ્રદેશમાં ડગ માંડતા પહેલા તમામ ગ્રહો – પૂર્વગ્રહો છોડવા પડે છે. ભજનોના પ્રદેશમાં વિશેષ દ્રષ્ટિપાતથી ખાંખાખોળા કરનારનેજ સતગુરુ ‘‘વસ્તુ અમુલખ’’ નો પ્રસાદ આપે છે.
આ ભજન પરંપરા અને મધ્યયુગના આપણાં સંત-કવિઓનો ‘‘અંદાજે-બયાં’’ જૂદો તરી આવે તેવો હતો. શ્લોક અને લોક વચ્ચેનું રૂડું અનુસંધાન આ ભક્ત કવિઓએજ કરી આપેલું છે. મેઘાણીભાઇ તો લખે છે કે આ સંત સાહિત્યનો, ભજનવાણીનો પ્રસાદ જો ન મળ્યો હોત તો એક કરુણાંતિકા સર્જાઇ હોત ! કારણ કે શાસ્ત્રોની અમૂલ્ય વાતો લોક સુધી ભક્ત કવિઓ સિવાય કોણ પહોંચાડી શકત ? ઋષિવર્ય વાલ્મીકીનું રામાયણ શ્રેષ્ઠ હોય તો પણ ઘર ઘર સુધી, જન-જન સુધી રામકથા તો સંત તુલસીદાસ રચિત રામચરિત માનસ થકી વિશેષ પહોંચી શકી. રવિ સાહેબ તથા ગંગાસતી જેવા સાધકોની શબ્દ સાધનાથી આપણું ભજન સાહિત્ય ઝળાહળા છે. ભજનના આ સર્જકોની વાણી તો ગંગાના પ્રવાહ જેમ નિર્મળ અને સમથળ રહી છે. કવિ શ્રીમકરંદ દવે કહે છે તેમ આ ભજનવાણીની ગંગોત્રી સુરતા છે તો એનો ગંગાસાગર છે શબદ. સુરતા અને શબ્દનો સુયોગ એજ ભજનની ખરી પરીતૃપ્તિનો અનુભવકરાવે છે. ભક્તોને મન તેનીજ ખરી કિમ્મત છે. ભજન માર્ગે સમજપૂર્વક પગલા પાડનારા ભક્તિમાર્ગના ખરા ઉપાસકો છે.
વનવગડાની કાંટું, એમાં
ફૂલડાં કેરી ફાંટું, રામ
એવી ભક્તિની વાટું.
ભજન એ ભક્તના અંતરમાંથી સહજ રીતે પ્રગટેલી વાણી છે. સરોદ લખે છે તેમ ભજન એ માલિક સાથેની કે માલિક સંબંધેની ‘‘દો દો બાતાં’’ છે. આ શબ્દોની સંગત માણવા જેવી છે.
અમદાવાદના ગઝલ પ્રસ્તુતિના એક કાર્યક્રમમાં આમ તો શ્રોતા તરીકે ગયા. પરંતુ મિત્રોના આગ્રહથી સ્ટેજ પર આવ્યા. સૌને પ્રસન્નતાથી ભરી દે તેવી રજૂઆત કરી. જીવનકાર્ય આટોપીને ત્યારબાદ ‘સરોદ’ સંતોની અખંડ જ્યોતમાં સ્થિર થયા.
વસંત ગઢવી
ગાંધીનગર.
તા.૧૯/૦૩/૨૦૨૧.
Leave a comment