: સંસ્કૃતિ : : કવિ કાગની ચેતનાને વંદનનો સોનેરી અવસર :

ફરી એક વખત આ વાસંતી વાયરાના ખુશનુમા માહોલમાં કાગના ફળિયે અસ્ખલિત રીતે મહોરતી કાગચેતનાનું વંદન ૧૭ માર્ચ ૨૦૨૧ના ધન્ય દિવસે (ફાગણ સુદ-૪) યોજવામાં આવ્યું. મોરારીબાપુએ તે દિવસનું નામાભિધાન ‘કાગચોથ’ તરીકે કરેલું છે. પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઇને કાગ પરિવારે તેનું આયોજન મર્યાદિત મહેમાનોની ઉપસ્થિતિમાં કરવા નિર્ણય કર્યો હતો.

દરેક વર્ષની માફક આ વર્ષે પણ સાહિત્યના કેટલાક નામી ઉપાસકોને ‘કાગ એવોર્ડ’ અર્પણ કરવામાં આવ્યા હતા. છેલ્લા ૨૧ વર્ષોથી મોરારીબાપુની હૂંફ તથા કાગ પરિવારના સ્નેહભર્યા નિમંત્રણથી કવિની ચેતનાને વંદન કરવાનો આ ઉપક્રમ ચાલે છે તે નોંધપાત્ર બાબત છે. સમસ્ત મજાદર ગામ તેમજ આસપાસના ગામોના અનેક લોકોની ઉપસ્થિતિ તેમજ સક્રિય સહયોગનેકારણે કાગચોથે એક લોકોત્સવનું સ્વરૂપ ધારણ કરેલું છે.

કવિ શ્રી દુલા ભાયા કાગના સાહિત્ય અંગે ગુજરાતના અદ્વિતીય એવા લોક સેવક પૂજ્ય રવિશંકર મહારાજની વાત કાન માંડીને સાંભળવા તથા સમજવા જેવી છે. ૧૯૫૬ ના ફેબ્રુઆરી માસમાં પૂ. દાદા લખે છે : 

‘‘ હું તો તમારા મોઢામાંથી નીકળતી પંક્તિઓનો પ્રવાહ જોઇને દંગ થઇ જાઉં છું. વિચારું છું કે કયા અભ્યાસને અંતે આવો પ્રવાહ વહેતો    હશે ? કંઇ સમજાતું નથી. એટલું સમજાય છે કે તમારા જેવા કવિઓ થતા નથી પણ જન્મે છે. ઇશ્વરનો એ આશીર્વાદ છે કે ઢોર ચારતાં, જંગલોમાં ફરતાં ફરતાં કાવ્યો સૂઝે અને પવિત્ર નદીઓનો પ્રવાહ વહે તેમ વહેવા માંડે. આ સામાન્ય વાત ન કહેવાય. ’’  

પૂ. રવિશંકર દાદા ખરા અર્થમાં ઝવેરી હતા. તેમની પરખ તથા સૂઝના નીચોડ સ્વરૂપે અંતરની ઊર્મિથી ભીંજાયેલા આ શબ્દોને ઉજાળે તેવું ધન્યનામ સર્જન ભગતબાપુનું છે. શ્રી હિંગોળભાઇ નરેલા લખે છે તેમ આ કવિ સમગ્ર સમાજ માટે પુષ્પોની ચિરંજીવી સૌરભ પાથરીને વિશાળ લોક સમુદાયમાં હ્રદયસ્થ થયા છે.

મધમધતો મૂકી ગયો બાવન ફૂલડાનો બાગ

અમ અંતરને આપશે કાયમ સૌરભ કાગ.

કવિ શ્રી કાગ સતત વિકસતા વિચારપુરૂષ હતા. કોઇ એેક રાજ્યના રાજ્યકવિ થઇને મળી શકતી મબલખ સુવિધાઓ સ્વીકારવાનું તેમણે સમજપૂર્વક ટાળ્યું હતું. અન્યથા અનેક ચારણ કવિઓ માટે માટે આ બાબત સહજ તથા સ્વાભાવિક ગણાતી હતી. લોકના થોકમાં જઇને આ કવિ પ્રગટ્યો છે. પગ મને ધોવાધ્યો રધૂરાય કે આવકારો મીઠો આપજે જેવા ભજનો આજે પણ વિશાળ લોક સમૂહના હૈયામાં જીવે છે અને ધબકતા રહે છે. કાગની કળાના પ્રશંસક તથા સાહિત્યના ઊંડા અભ્યાસી શ્રી વિનુભાઇ મહેતા કાગવાણીને લોકભાષાના ગ્રંથ સાહેબની ઉપમા આપીને નવાજે છે તે થોડામાં ઘણું કહી જાય તેવી સ્નેહાંજલિ છે. કવિને જગદંબાની કૃપાથી શબ્દની અમૂલ્ય સોગાત સાંપડી છે પરંતુ તેમની વાણીમાં ભારોભાર વિવેક તથા વિનયના દર્શન થાય છે. 

સતગુરુ ! હું તો વગડાનું ફૂલડું રે…

સાધુ ! તમે કેડે ચાલ્યા જાઓ…

વેલેથી ઉતારી મને હૈયે ધરો રે…

વાંચો મારા ભીતર કેરો ભાવ.

અનેક સંતો – મહંતોના હ્રદયમાં સ્નેહનું સ્થાન મેળવનાર આ વગડાનું ફૂલ કદી ઝાંખુ – પાંખુ થાય તેવું નથી. 

કવિ શ્રી દુલા ભાયા કાગ કે જેમને ગુજરાત ભગતબાપુના વહાલસોયા નામથી ઓળખે છે તેમની અમદાવાદની મુલાકાત બાબતમાં સુવિખ્યાત સર્જક શ્રી જયભિખ્ખુએ (શ્રી બાલાભાઇ વીરચંદ દેસાઇ) એક મજાની વાત લખી છે. શ્રી જયભિખ્ખુને ત્યાં કવિશ્રીનો ઉતારો રહેતો અને બન્નેને પરસ્પર અનન્ય સ્નેહ હતો. શ્રી જયભિખ્ખુ કહે છે કે કોકિલના માળામાંથી કવિતા સાંભળવા મળે તે તો જગપ્રસિધ્ધ વાત છે પરંતુ કાગના માળામાં મધુર કવિતા સાંભળવા મળે તે ખાસ જાણીતી બાબત નથી. કાગના માળામાંથી કવિતા રેલાવી જનારો આ દાઢીઆળો કવિ કાવ્ય મોહીની પાથરીને ફેબ્રુઆરી-૧૯૭૭ માં પંખી પાંખુવાળાની જેમ આ જગતના ચોકમાંથી ઊડાણ ભરી ગયો. કચ્છના મર્મી કવિ શ્રી દુલેરાય કારાણીએ પણ લગભગ આવાજ ભાવ સાથે કવિ કાગને અંજલિના પુષ્પો સમર્પિત કર્યા. 

કાગના દેશમાં આજ આ વેશમાં

માન સરવર તણો હંસ આવ્યો

લોકના થોકમાં લોક સાહિત્યની

મુક્ત મનથી કરી મુક્ત લહાણી

શારદા માતનો મધુરો મોરલો

કાગ ટહૂકી ગયો કાગવાણી.

આપણાં શાસ્ત્રોમાંથી જે વાણી પ્રગટ થઇ છે તે મહદ્ અંશે સર્વસમાવેશક તથા સ્વસ્થ સમાજરચના માટે હિતકારી છે. વેદ કે  ઉપનિષદની જ્ઞાનવાણીને કોઇ સંપ્રદાય કે ચોક્કસ મતના બંધનથી બાંધી શકાય તેવી નથી. પરંતુ શાસ્ત્રોની આ અમૂલ્ય વાતો લોક સુધી પહોંચાડવી તે અઘરું તથા પડકારરૂપ કાર્ય છે. આ મુશ્કેલ કાર્ય આપણાં મધ્યયુગના સંતો તથા ભક્ત કવિઓએ ખૂબીપૂર્વક કરેલું છે. મીરાંની કાવ્યધારા હોય કે ત્રિકમ સાહેબની ભજન સરવાણી હોય તો તેના સહારે સમાજ જીવનને ઉપકારક વાતો તથા જ્ઞાનવાણીનો પરિપાક ઘર ઘર સુધી તેમજ જન જન સુધી પહોંચી શકેલો છે.

કવિ કાગ પણ આવાજ એક ધરતી સાથે જોડાયેલા કવિ હતા. પૂ. મોરારીબાપુ યથાર્થ રીતે તેમને ઊંબર થી અંબર સુધીના કવિ તરીકે પૂર્ણ ભાવથી ઓળખાવે છે. અક્ષરજ્ઞાન ઓછું પરંતુ અંતરજ્ઞાનના મહાસાગર જેવું તેમનું પ્રભાવી વ્યક્તિત્વ હતું. કવિ કાગ એ આપણાં સાહિત્યની શોભા તથા સમૃધ્ધિ વધારનારા કવિ છે. ‘‘કાગચોથ’’ નીમીત્તે પુન: તેમની સ્મૃતિને વંદન છે.

વસંત ગઢવી

ગાંધીનગર.

તા.૧૫/૦૩/૨૦૨૧.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑