: આભથી ઊંચા સ્વજનોની ભાતીગળ વાતો :

ઘણીવાર જીવનના સામાન્ય ક્રમમાં બનતી એકાદ ઘટના મન પર એક અસર ઊભી કરીને જાય છે. આવી અસર પ્રસન્નતા આપે તેવી કે ગ્લાની ઉપજાવે તેવી પણ હોઇ શકે છે. આવી એક ઘટના યાદ આવે છે. મોટા ભાગે દસેક વર્ષ પહેલાનો આ પ્રસંગ છે. કોઇ એક યુવાન અને શિક્ષિત ચારણ યુવાન મળવા આવે છે. વાતચીતમાં વિવેક તેમજ શિક્ષણના સંસ્કાર સ્પષ્ટ લાગે છે. યુવાન કહે છે કે તેને એક ઇન્ટરવ્યૂ છે અને તે માટે થોડા માર્ગદર્શનની જરૂર છે. મારી દ્રષ્ટિએ માર્ગદર્શન તો ઠીક પરંતુ એ નીમિત્તે થયેલા વાતચીતના આદન પ્રદાનથી બન્ને પક્ષ લાભાન્વીત થાય છે. આ ઘટનામાં મળવા આવેલા યુવાન સાથેની વાતચીતમાં મારા પક્ષે થોડી જાણકારી વધી અને યુવાનને પણ મારા અનુભવનો થોડો લાભ થયો હોય તેમ લાગ્યું. આ બાબત ભૂલી જ પણ જવાત પરંતુ એક બાબતમાં જાણવાની ઉત્સુક્તા આગંતુક યુવાને બતાવી તે જોતાં હું વિચારમાં પડી ગયો. પ્રમાણમાં સારી એવી સાંપ્રત જાણકારી ધરાવતા યુવાન પાસે આપણા મહત્વના સર્જકો અંગે લગભગ નહિવત્ કહી શકાય તેવી જાણકારી હતી. આ જાણકારીની તેને જરૂર છે – ઇન્ટરવ્યૂમાં પણ – તેમ તેનું માનવું હતું. સાયાજી ઝૂલા કે સ્વરૂપદાસજી દેથા જેવા મહાન સર્જકો વિશે કદાચ ઓછી જાણકારી હોય તો સમજી શકાય. પરંતુ કવિ શ્રી કાગ, શંકરદાનજી દેથા કે મેરૂભાની બાબતમાં પણ મહત્વની જાણકારી ન હોય તો એ ચિંતાનો વિષય ગણાય તેવી લાગણી થઇ. વિચાર કરતાં એમ લાગ્યું કે આ સ્થિતિ માટે આ યુવાનને દોષ દેવો તે કોઇપણ રીતે ઉચિત નથી. મારા સહીત મારા જેવા ઘણાં લોકોએ આ બાબતમાં કદાચ વિચારપૂર્વકનું કોઇ નિયમિત તથા વ્યાપક આયોજન હાથ ધર્યું નથી અથવા તો જે થયું છે તેનાથી અનેકગણું વિશેષ કરવાની જરૂર હતી અને છે તેમ લાગણી થઇ. સમાજમાં જોકે અન્ય ઘણાં લોકોએ આ કામને પાયાનું ગણી તેના પર ધ્યાન આપેલું છે. ‘‘પરિચય’’ પુસ્તિકાની જે શ્રેણી વર્ષો પહેલા શરૂ થઇ તે માટે પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી (ભગતબાપુના પ્રશંસક જૈન વિદ્વાન) કે વાડીલાલ ડગલી જેવા લોકોએ પ્રયાસો કર્યા અને પરિણામ પણ લાવ્યા. આવો એક નિયમિત અને સુઆયોજિત પ્રયાસ કોઇપણ કાળમાં જરૂરી તેમજ હીતવાહ છે. મોટા ગજાના સર્જકો બાબતમાં જે નોંધપાત્ર પ્રયાસો થયા છે તેને યુવાન વર્ગ સુધી પહોંચાડવાનો ઉપક્રમ એ પણ એટલોજ મહત્વનો પ્રશ્ન રહે છે. આજની ટેકનોલોજી તેમાં કામમાં આવે તેવી છે, તેને ખપમાં લેવાનો ક્રમ વધારી શકાય. ડૉ. બળવંત જાની, ડૉ. અંબાદાન રોહડિયા, પ્રવિણ મધુડા, લક્ષ્મણભાઇ ગઢવી (જામનગર), મુ. શિવદાનજી ઝૂલા તથા દિનેશ માવલે તૈયાર કરેલા પુસ્તકો સમાજના યુવા વર્ગ સુધી પહોંચાડવા જેવા સત્વશીલ છે.

જે પુણ્યશ્લોક લોકોનું આપણે નામસ્મરણ કરી આ પુસ્તક મારફત વંદના કરવા માગીએ છીએ તેમાં વિશેષ જાણીતા સાથે કેટલાયે છૂપયેલા રત્નોનું પણ એટલુંજ મૂલ્ય છે. આવા લોકો પાયાના પથ્થરો છે એટલે ઇમારતના ભવ્ય શિખર ઉપર તેમના દર્શન થતા નથી. આવા વ્યક્તિઓના સ્નેહીજનો – કુટુંબીજનો સાથેની સામાન્ય વાતચીતમાં તેમનો ઉલ્લેખ જરૂર થાય છે. પરંતુ સમાજના ઘણાં લોકો તેમના પરિચયથી વંચિત રહે છે. આવા વીરલાઓનું મૂલ્ય પણ સહેજે ઓછું નથી. માંડવી (કચ્છ)ના ચારણ છાત્રાલયમાં વર્ષો સુધી ગૃહપતિ તરીકે નિષ્ઠાપૂર્વક કામ કરનાર આદરણીય પચાણભાઇનું અમૂલ્ય સામાજિક – શૈક્ષણિક યોગદાન હતું તે વાત સમાજના યુવા વર્ગના લોકો સુધી પહોંચાડી શકાય તો એ જરૂર પ્રેરણાદાયી બની રહે તેવી સૌરભયુક્ત છે. અમારી ભાવનગર ચારણ બોર્ડીંગના કહેવાય ‘રસોયા’ પરંતુ અમારા સૌના કેરટેઇકર ઇરજીનું યોગદાન ક્યા ઓછું  છે ? સાંબરડામાં ભૈરવદાનજીનું કે મુકેશભાઇનું નામ યાદ આવે તે ઉચિત છેજ. પરંતુ આ સાંબરડાની સુગંધ સમાન રામસિંહજી (બનાસકાંઠા કલેકટરના અંગત સચિવ) કે વિદ્યાનગરના સર્વજનપ્રિય કાન્તીકાકા (કરણીદાનજી)ની તમામ સમાજને સેવા એ જ્વલ્લે જોવા મળે તેવી બાબત છે. વર્ષો પહેલા ચોટીલા જેવી જે તે સમયની ઓછી જાણીતી એવી જગા પર કેળવણીનું તપ કરનાર પથાભાઇ બોક્ષા એ આવીજ એક ઉજળી પરંપરાના મણકા સમાન છે. મુળુભાઇ મુળિયા કે કાનજીભાઇ નાગૈયા જેવા ભડવીર ચારણોએ માત્ર આઇ સોનબાઇમાની પ્રસન્નતા માટે જીવન સમર્પિત કર્યું તે કેમ વિસરી શકાય ? નાના એવા ધૂળિયા ગામ મોઢેરામાં બેસીને સાહિત્યની નોંધપાત્ર સેવા કરનાર ખેતસિંહજી મીસણને કોઇ અગવડો રોકી શકી ન હતી. પદ કે પ્રસિધ્ધિની પરવા કર્યા સિવાય મણીબત્તી જેવું જીવન જીવનાર આ લોકોની યાદી હજુ પણ લંબાવી શકાય. એમની વાતો લખાય – વંચાય કે કહેવાય તો કોને પ્રસન્નતા તેમજ ગૌરવનો ભાવ ન થાય ? ‘ચારણ સંસ્કૃતિ’ નો આ પ્રયાસ આ દિશામાંજ એક મહત્વનું તેમજ મજબૂત પગલું છે. તેને અંતરના ઉમળકાથી વધાવીએ. વંદન કરીએ. ભગતબાપુના શબ્દો આ સંદર્ભમાં યાદ આવે.

ઉજળે મોઢે ઓરડા સૌના

ડેલીએ બેઠક થાય,

આભથી ઊંચા બાપદાદાના

ગીત કવિશ્વર ગાય…

માડી હું એટલું માગું

પાયે તોય વિપળી લાગું.

આભથી ઊંચા એવા આપણાં વડીલોના શબ્દ દર્શનનો પ્રયાસ એ ચારણ સંસ્કૃતિના સંચાલક મંડળની દીર્ઘદ્રષ્ટિને કારણે શક્ય થયો છે. આથીજ ‘ચારણ સંસ્કૃતિના સ્વજનો’ શિર્ષકથી આ સુંદર પ્રકાશન આપણને મળી શક્યું છે. એ પુસ્તકરૂપી રસથાળ મન ભરીને માણવા જેવો છે. પૂજ્ય આઇમા માટે તો ઘણું લખાયું છે. તે બાબતમાં સૌથી મોટું કામ પિંગળશીભાઇ પાયકે કર્યું જે અદ્વિતિય છે. આમ છતાં આઇ સોનલ માટે ભાઇ લક્ષ્મણભાઇએ તેમને સાંપ્રત યુગની જ્યોતિ તરીકે ગણાવીને તેમના જીવનકાર્યને આ પુસ્તકના લેખના માધ્યમથી વંદન કર્યા છે તે રસપ્રદ છે. ભગતબાપુ વિશે તો શું લખવું અને કેટલું લખવું ? ઊંબરથી અંબર સુધી વિસ્તરેલી એમની પ્રતિભા છે. ૨૦૧૫ની મજાદારની રામકથામાં મોરારીબાપુએ કરેલી કાગવંદના દેશ – વિદેશના અનેક ગુણીજનોએ મન ભરીને માણી છે. નીતુભાઇ ઝીબાએ તેમને યોગ્ય રીતેજ ઋષિ પંરપરાના ભક્તકવિ તરીકે વધાવ્યા છે. યુગાન્ડા થઇને ઇંગ્લાંડ સુધીની ભાતીગળ યાત્રા કરનાર આલાભાઇ ભુરાભાઇ એ પુરુષાર્થમાંજ શ્રેય સમજનાર એવા ભર્યાભાદર્યા વ્યક્તિત્વનું દર્શન કરાવી જાય છે. અનેક આપણાં મુરબ્બીઓએ આફ્રિકા જઇ સંપૂર્ણ મહેનતના બળે પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ત્યારબાદ સંજોગો બદલતા યુગાંડાથી લંડન જઇ સ્થાયી થયા તેમજ સર્વ રીતે વિકસ્યા છે. શૂન્યમાંથી સર્જનનો આ એક અલગ ઇતિહાસ લખી શકાય તેવી કેટલીયે વિગતો તેમજ વ્યક્તિઓ તેમાં છે. આમ છતાં આ બધાની ખૂબી એવી છે કે તેમણે મૂળ સાથે નાતો લીલોછમ્મ રાખ્યો છે. કવિ ‘આપ’ પણ વહેલા ગયા પરંતુ આપાભાઇ કાળાભાઇ તેમની કાવ્યશક્તિના બળે આજે પણ જીવંત છે, સ્મૃતિમાં છે. બભુચાઇ (વઢવાણ)નું સ્મરણ આ ગ્રંથમાં ભવાનીસિંહે કર્યું છે. બચુભાઇને યાદ કરતાંજ વાર્તાકથનની એક અદ્દભૂત શક્તિના મહાસાગરનું દર્શન થાય છે. ભૈરવદાનજી, ઝુલા સાહેબ, મુકેશભાઇ કે પુષ્પદાનભાઇ (કચ્છ) એ સૌએ રાજકીય – સામાજિક ક્ષેત્રોમાં અમૂલ્ય – અતુલ્ય યોગદાન કર્યું છે તેની અહીં સ્મૃતિ થાય છે. બી. કે. ગઢવી સાહેબને એક વ્યક્તિ કહીએ તો તે અલ્પોક્તિ ગણાશે. તેઓ સ્વયં એક હરતી ફરતી સંસ્થા સમાન હતા. ઝુલા સાહેબની સરળતા, સાદગી તેમજ પરગજુતા દૂર દૂર સુધી નજર કરીએ તો પણ જોવા મળતી નથી. એથી વિશેષ શું કહેવું ? એટલું જરૂર કહેવાય કે સાહેબ (ભૈરવદાનજી) તથા બાપુ (ખોડીદાનજી)ના ઉલ્લેખ સિવાય ઉત્તર ગુજરાતના રાજકારણનો ઇતિહાસ અધૂરો રહે. અમારા જીવંત અને સદા ધબકતા ભરત કવિની દિગ્મૂઢ કરે તેવી વિદાયની વેદના હજુ પણ તાજી છે. તેમની સુરેખ સ્મૃતિ ઘનશ્યામભાઇ તેમજ કિરીટભાઇએ કરી છે. ધનલક્ષ્મીબહેન દેથાના જીવન વિશે વધારે લખાવું જોઇએ તેમ હમેશા લાગ્યું છે. નરહરભાઇએ બહેન વિશે જે લખ્યું છે તે ઘણું ઉચિત છે. હમણા સુધી તેઓ આપણી વચ્ચે હતા. અમારા ખુમદાનબાપુ (ખડકાણા)ના પુત્ર દાદુભાઇ અકાળે ગયા. જીવ્યા હોત તો તેમની કલાકારની શક્તિથી જગત અંજાયું હોત. ધનાભા નૈયાનું ભાવનગર બોર્ડીંગનું ‘જાગો ભાઇ ! જાગો’ નું સૂત્ર હજુ પણ કાનમાં ગુંજાવર કરતું રહે છે. ધનાભા નૈયાની સ્મૃતિ મારી જેવા ભાવનગર બોર્ડિંગના ઘણાં વિદ્યાર્થીઓના હૈયામાં કોતરાયેલી છે. કેસરીસિંહજી – દુરસાજી કે હમીરજી રત્નુના જીવનની કિતાબો પુન: પુન: વાંચીને પવિત્ર થવા સમાન છે. તેઓ આપણાં ચિરસ્થાયી પ્રેરણા સ્થાનો છે. પૂજ્ય હાંસબાઇમાની ચેતના તો આજે પણ યજ્ઞકુંડના અગ્નિની જેમ પ્રજ્વળે છે. તેઓની ચેતનાથી આ ગ્રંથની શોભા પણ વધી છે. મઢડા તેમજ કણેરીની જેમ રતડીયા તીર્થ પણ ચારણો તેમજ ઇતર સમાજના અનેક લોકો માટે શ્રધ્ધાનું કેન્દ્ર છે. હેમુભાઇ વિશે લખવા બેસીએ તો એક પુસ્તક પણ કદાચ ઓછું થાય. આપણે જોયેલા આ ઊંચા ગજાના માનવી તથા અવ્વલ દરજ્જાના કલાધરને રાજુલભાઇ તથા નિતુભાઇએ સુંદર શબ્દોથી મઢ્યા છે. ભક્તકવિ ઇસરદાસજી વિશે મુરબ્બી અચળદાનભાઇએ સ્વાભાવિક રીતેજ માણવું ગમે તેવું લખ્યું છે. અચળદાનભાઇના માર્ગદર્શન હેઠળજ હરિરસ સ્વાધ્યાય મંડળ  ફૂલ્યું – ફાલ્યું છે અને સુવિખ્યાત થયું છે. દિનેશભાઇ નરેલાએ હિંગોળદાનજી ઉપર આ લેખ તો ખરોજ પરંતુ સુંદર પુસ્તક લખીને હિંગોળદાનજીની કલમ પ્રસાદીને ચોમેર પ્રસરાવી છે. જેમની માણસાઇ અને નિર્લેપતા એજ જીવનમૂડી હતા તેવા સૌને પ્રિય દાન અલગારીનું સુયોગ્ય સ્મરણ પુસ્તક વાંચતા થાય છે. ‘દાન’ નું અલગારીપણું આજના આ ગણતરીના યુગમાં એક અજબ – ગજબ જેવી ઘટના લાગે છે. રાજ્યકવિ શંકરદાનજી દેથા તથા રાજ્યકવિ શંભુદાનજી અયાચીના ચરિત્રો સાંપ્રત યુગમાં પણ આપણાં કવિઓની વ્યાપક સામાજિક પ્રતિષ્ઠાના જ્વલંત ઉદાહરણો છે. મેઘાણંદબાપા તથા મેરૂભાના સ્મરણ સિવાય આપણાં મોંઘેરા રત્નોની વાત અધુરી રહે. ક. મા. મુનશીએ જેમને ‘નિરક્ષર સાક્ષર’ કહીને બીરદાવ્યા તે એક ધન્ય ક્ષણ તથા સ્મૃતિ હશે. ડૉ. મિનલબહેન સામતભાઇ વરસડાની સ્મૃતિ થતાંજ એક પરપીડાથી વ્યથિત થનાર ઋજુ છતાં દ્રઢ વ્યક્તિત્વની સ્મૃતિ તાજી થાય છે. રાજસ્થાન – ગુજરાતના અનેક જાણ્યા – અજાણ્યા લોકોને ડૉ. મીનલબહેનની હૂંફ તથા સેવાનો લાભ મળ્યો છે. સીવીલ હોસ્પિટલ અમદાવાદમાં તેઓ સામાન્ય ચારણો માટેનું આશ્રયસ્થાન સમાન હતા. વહેલા વહેલા આ જગતને છોડીને જનારા બહેન મીણલને યાદ કરીને નેહલબહેને ઉચિત કાર્ય કર્યું છે.

અહીં કરસન હમીર જેવા કચ્છના શબ્દ – સ્વર તથા સંગીતના ઉપાસક તથા ખીમકરણભાઇ જેવા આત્મબળ તથા આઇમાના આશિષથી પોતાનું કેરીયર બનાવનારા લોકોની મહત્વની વાતો છે. લખુભાઇ – જૂનાગઢ છાત્રાલયની દીકરીઓના પિતા સમાન હતા તે વાતની આ પુસ્તક વાંચતા ફરી સ્મૃતિ થાય છે. હસતા મુખે સામાજિક સેવાના કામ માટે ભેખ ધારણ કરનાર લખુબાપુની ખોટ પૂરી શકાય તેવી નથી. ઇશુભાઇ રત્નુ, અમારા સાથી પ્રવિણભાઇ મીસણ, સતીશભાઇ ચારણ તેમજ ભદ્રાયુ વચ્છરાજાની જેવી કલમના કસબીઓનો લાભ આ ગ્રંથને મળ્યો છે. મૂળુભાઇ પાલિયા, પથાભાઇ જેવા આજીવન સંનિષ્ઠ શિક્ષક તથા જીવાભાઇ સાહેબ જેવા વિસ્મૃત ન થાય તેવા લોકોને યાદ કર્યા છે. આ ત્રણેય મહાનુભાવોની કાર્યનિષ્ઠા અસામાન્ય હતી. નવરંગપુરા અમદાવાદના મહેમાનગતી તેમજ આઇમા તરફની ભક્તિના કારણે જ્ઞાતિમાં ખ્યાતિ મેળવેલા સામતભાઇ દાદાભાઇ વરસડાની વાત ઉચિત વિગતો સાથે રજૂ થઇ છે. પિંગળશીભાઇ પાયકના કાયમી ઉતારાનું સ્થળ તેમજ પૂ.આઇમા તથા ભગતબાપુના આવરા જાવરા સાથે જીવત ગઢવી સોસાયટી તેમજ તમામ વરસડા ભાઇઓની સ્મૃતિ ફરી તાજી થાય છે. સૌજન્ય તથા વિવેક માનવ સ્વરૂપે અવતરે તો કેવા લાગે ? કદાચ બળદેવભાઇ નરેલા (ભાવનગર) જેવા લાગે તેમ જરૂર કહેવાય. બળદેવભાઇ આપણાં સમાજના આભૂષણ સમાન હતા. તેમની સ્મૃતિનું સ્વાગત હોયજ. નાનભા અર્થાત નિરજંન વર્મા જેવા મોટા ગજાના સ્વાતંત્ર્ય સંગ્રામના વીર તથા જયમલ્લ પરમારના પણ અહીં પોંખણા થાય તે સ્વાભાવિક છે. એક એક પાત્ર તથા એક એક લેખક તરફનો આદર આ પુસ્તક વાંચ્યા પછી અનેક ગણો વધી જશે તેમાં કોઇ શંકાને સ્થાન નથી. બધા વિશે વિગતે લખીએ તો સમય – સ્થળની મર્યાદા વચ્ચે આવે છે.

આપણી ભૂમિ ‘બહુરત્ના વસુંધરા’ છે. અનેક દિગ્ગજ લોકો અહીં સમાવાયા હોવા છતાં અનેક અહીં સમાવેશ કરવો જોઇએ તેવા ધન્યનામ વ્યક્તિઓ બાકી રહી જવાનો પૂરો સંભવ છે. ‘ચારણ સંસ્કૃતિ’ માં જે પ્રસિધ્ધ થયા છે તેમના પૈકીજ આ બધા લેખો સંપાદિત થયા છે તેવી મારી સમજ છે. જે લોકો વિશે લખી શકાય તેમના માટેબીજા એક પુસ્તકની રાહ જોઇએ તો અનુચિત નહિ ગણાય. બહેનો – દીકરીઓ – માતાઓ વિશે પ્રમાણમાં ઓછું લખાયું છે. દેવીપુત્રોના સમાજમાં આમ થવું તે ગળે ન ઉતરે તેવું છે. આપણી અનેક માતાઓ – બહેનો વિશે લખીને અલગ પુસ્તક થઇ શકે તેવી શક્યતા છેજ. આ દિશામાં વિચારીએ ? 

ભાઇ રામભાઇ જામંગ તથા આઇ શ્રી સોનલમા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના તમામ સભ્યો આપણાં લાખ લાખ અભિનંદનના અધિકારી છે. ૨૦૨૧ના જાન્યુઆરી માસમાં ૪૧ અંકની ‘ચારણ સંસ્કૃતિ’ ની યાત્રા ભવ્ય અને ભાતીગળ રહી છે. ‘ચારણ સંસ્કૃતિ’ નું પહેલું પુસ્તક પુષ્પ ફેબ્રુઆરી-૨૦૧૫ માં થયું હતું. બીજુ પુસ્તક પ્રગટ થવા જઇ રહ્યું છે. ત્રીજા પુસ્તકની રાહ રહેશે. પહેલા બે પ્રકાશન વચ્ચે ગાળો રહ્યો તેટલો નહિજ રહે તેવી શ્રધ્ધા છે. રાજુલભાઇની સંપાદકીય કામગીરીની અસરકારતા નોંધપાત્ર રહી છે. જે સૌના ધ્યાનમાં પણ છે. સમાજને સમાજનાજ પુષ્પોનો આ નવલખો હાર સમર્પિત છે. ‘‘ચારણ સંસ્કૃતિના સ્વજનો’’ નું આદરપૂર્વક સ્વાગત છે.

વસંત ગઢવી 

ગાંધીનગર.

તા.૦૧/૦૩/૨૦૨૧.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑