: … દીલ જેના દરીયાવ … :

સરકારી કાર્યક્રમો સામાન્ય રીતે ચીલાચાલુ કે ગતાનુગતિક હોય તેવો એક સામાન્ય ખ્યાલ પ્રવર્તે છે. કેટલાક અંશે કદાચ એ ખરું પણ હોય. પરંતુ તેવી છાપના કારણે તમામ સરકારી કાર્યક્રમોને એક લાકડીએ હાંકવા જેવા નથી. શાસનમાં લોકભાગીદારી ઊભી કરવા કે ચલાવવા માટે જે કટલીક ગતિવિધિઓ થાય છે તેમાં લોકભાગીદારી સાથે લોકસંવેદના પણ કોઇ કોઇ સ્થળે પાંગરતી જોવા મળે છે. લાંબા વર્ષોની જાહેર સેવામાં આવા અનુભવ પણ થયા છે. ગુજરાતમાં જેની પહેલ થઇ છે તેવો શાળા પ્રવેત્સવનો કાર્યક્રમ એ આવોજ એક કાર્યક્રમ છે. ભૂતકાળમાં આપણેત્યાં વિશેષ કરીને ગ્રામ્ય વિસ્તારમાં એવી પ્રથા હતી કે શાળાઓ ખૂલે ત્યારે નાના ભૂલકાઓને તૈયાર કરીને શાળાએ ધામધૂમ સાથે મોકલવામાં આવતા હતા. શિક્ષકોનું સન્માન પણ કરવામાં આવતું હતું. ક્રમશ: એ પ્રથા નબળી થતી ગઇ. સારી તથા ઉપયોગી પ્રથાઓ ક્ષીણ થાય ત્યારે સમાજ તેની નુકસાની જાણ્યે અજાણ્યે પણ ભોગવે છે. આ કિસ્સામાં લગભગ તેવુંજ થયું. ઘણાં શાળામાં પ્રવેશ મેળવવા પાત્ર બાળકો પણ શાળાની ચાર દિવાલોની બહાર રહી ગયા. સમાજના સાક્ષરતા દર ઉપર પણ તેની અવળી અસર થઇ. તમામ લાયકાત ધરાવતા બાળકોને નિયત કરવામાં આવેલા સમયે શાળામાં દાખલ કરવાનો અસરકારક પ્રબંધ એ સરકારો માટે તેમજ જાગૃત સમાજ માટે ચિંતાનો વિષય બન્યો. લોકશાહી વ્યવસ્થા ધરાવતી સરકારોનો આપણાં દેશમાં જન્મ પણ થયો ન હતો ત્યારે પણ શાળામાં બાળકોને દાખલ કરવાનો આ પ્રશ્ન કાનૂની રીતે ઉકેલવા વડોદરા રાજવી કે ગોંડલ રાજવીએ સફળતાપૂર્વક પ્રયાસ કર્યા હતા. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ દોઢ દાયકા પહેલા શરૂ થયો અને આજે પણ તે અમલમાં છે. નગર કે ગ્રામ્ય વિસ્તારનું દરેક બાળક શાળામાં પ્રવેશ મેળવેતે જોવાનો આ કાર્યક્રમનો હેતુ છે. શાળાના શિક્ષકો ઉપરાંત નાગરિકોને પણ જોડીને આ પ્રવેશોત્સવને લોકોત્સવ બનાવવાનો સુઆયોજિત પ્રયાસ સમગ્ર રાજ્યમાં થાય છે. ઘણાં વર્ષોના સાતત્યપૂર્ણ પ્રયાસોને કારણે શાળામાં પ્રવેશ મેળવવામાંથી ભાગ્યેજ કોઇ બાકી રહે છે. આથી આવા સામાજિક લાભની બાબતને લોકભાગીદારીથી હેતુપૂર્ણ બનાવવામાં આવે છે. પરંતુ આ બાબતમાં લોકભાગીદારીને કારણે લોકોની જાગૃતિ તેમજ સંવેદના પણ કોઇ કોઇ કિસ્સામાં જોવા મળે છે તેનો મને અનુભવ તેમજ પ્રતિતિ થવા પામ્યા. અમદાવાદ શહેરની ભાગોળેજ આવેલા દસક્રોઇ તાલુકાના નાના ગામના એક ખોવા જેવા પરામાં – HEMLET – તેની નાની નિશાળમાં જવાનું થયું. નજીક આવેલા મોટા શહેરની અસર આ અંતરિયાળ ગામ કે પરામાં ખાસ થવા પામી ન હતી. દસેક વર્ષ પહેલાનો આ અનુભવ છે. સામાન્ય રીતે આ ગામોના ખેતી કરતા ખાતેદારો ટૂંકી જમીન ધરાવતા હોય છે. ખેતી માટેના પાણીની સુવિધા ખરી એટલે તેમના ખેતરો ચોમાસામાં ડાંગરના પાકથી લીલાછમ લહેરાતા હોય છે. જ્યાં અમારે નિર્ધારીત કાર્યક્રમ પ્રમાણે જવાનું થયું ત્યાં ખેતરોની વચ્ચેજ એક નાની પ્રાથમિક શાળા આવેલી હતી. શિક્ષક દંપતી ચિવટથી શાળાનું મકાન સ્વચ્છ અને રળિયામણું લાગે તેમ જાળવતા હતા. દૂર સુદૂર ફેલાયેલા ખેતરાઉ રંગો તથા શાળાના ભૂલકાઓના નિર્દોષ રંગોના મિશ્રણથી જોવી ગમે તેવી રંગોળીનું સર્જન થતું હતું. મહેસુલ ખાતાના અમલદાર તરીકે મને સહજ પ્રશ્ન મનમાં થયો. શાળાની જમીન સરકારી પ્લોટ ઉપર બની નથી એ તો પ્રથમ દ્રષ્ટિએજ સમજાય તેવું હતું. મારી સાથેના જિલ્લા શિક્ષણાધિકારીએ કહ્યું કે શાળાનું મકાન બનાવવા માટેની જમીન ખરીદવા તેમણે આ ગામમાં કોઇ ગ્રાંટ પણ વાપરી નથી. તો આ શાળા બાંધવા માટેની જમીનનો ટૂકડો ક્યાંથી આવ્યો ? કુતુહલવશ મેં ગામના સરપંચને પૂછ્યું કે આ જમીન તેમને કેવી રીતે મળી. સરપંચે પ્રસન્નતા અને ગૌરવના ભાવ સાથે મારા પ્રશ્નનો ઉત્તર વાળ્યો : ‘‘ સાહેબ ! શાળામાં આજે પ્રવેશ ઉત્સવ નિમિત્તે જે ત્રીસ – ચાલીસ ગ્રામજનો આવ્યા છે તે તરફ જૂઓ. ’’ પછી તેમણે વાત લંબાવી : ‘‘ તેમાં જે બહેનો બેઠા છે તેની અંદર સૌથી ઉંમરલાયક દેખાતા માજીએ આ ઉપજાઉ જમીનનો કિમતી ટૂકડો શાળાનું મકાન બાંધવા માટે સ્વેચ્છાએ દાનમાં આપ્યો છે. ’’ મારી નજર અહોભાવ સાથે શ્વેતકેશ અને લગભગ જર્જરીત કહી શકાય તેવી સાડીમાં શોભતા માજીના ગરીમાપૂર્ણ વ્યક્તિત્વ તરફ સ્થિર થઇ. હવે ક્રમ મુજબ પ્રવેશોત્સવનો કાર્યક્રમ શરૂ કરતા પહેલા દીપ-પ્રાગટ્ય કરવાનું હતું. મને તેમ કરવા માટે શિક્ષકે વિનંતી કરી. સરપંચશ્રીને મેં કહ્યું કે એ માજીને અહીં આગળ લઇને આવો. થોડી આનાકાની તથા અનિચ્છા છતાં માજી સરપંચ સાથે દીપ પ્રાગટ્યની જગાએ આવ્યા. મારી વિનંતીને માન આપીને દીપ પ્રગટાવવા માટે અમારા સૌમાં સુયોગ્ય એવા માજીએ મક્કમ હાથે હરિ સ્મરણ કરીને દીપ પ્રગટાવ્યો. સહજ રીતેજ સૌ સાંભળે તેમ મેં માજીના શાળાનું મકાન બનાવવા માટે જમીન દાનમાં આપવાના કાર્યની પ્રશંસા કરી. પછી મેં માજીને પૂછ્યું. ‘‘ તમારા ગામના આ શિક્ષક કહેતા હતા કે તમારી જમીનના ટૂકડાને કારણે સરસ નાની એવી શાળા બની છે. પરંતુ હવે સંખ્યા વધી છે. કદાચ એકાદ નવો રૂમ આવતા વર્ષે બાંધવો પડશે. ગામમાં સરકારી જમીન છે નહિ તો શું કરશું માજી ? ’’ હવે નો જવાબ કાન માંડીને સાંભળવા યોગ્ય છે. માજી કહે : ‘‘ બીજો એક નાનો ટૂકડો આપી દઇશ સાહેબ ! ગામના બાળકો એ મારાજ બાળકો  છેને ? ’’ જવાબથી પ્રભાવિત થવા છતાં મેં ખરાઇ કરવા પૂછ્યું :        ‘‘ તમારા દીકરાઓ તે માટે સંમત થશે ? ’’ સામેજ માજીના બન્ને દીકરાઓ બેઠા હતા. એ લોકો કહે : ‘‘ અમારી મા તો ખૂબ નાની વયે વિધવા થયા. મા એ સખત મજૂરી કરીને ખેતી સંભાળી. અમને મોટા કર્યા. કાળી મજૂરી કરીને તેમજ કરકસરયુક્ત જીવન જીવીને એકાદ જમીનનો નવો ટૂકડોપણ ખરીધ્યો. હવે જો મા તેમાંથી થોડી જમીન આવા સારા કામ માટે આપે તો એ તેનો હક્ક છે તથા અમે તેમાં રાજી છીએ ! ’’ વૃધ્ધત્વની ગરીમાને પચાવી જનાર આ ‘મધર ઇન્ડીયા’ તરફથી આંખ ખસતી ન હતી. એ વર્ષની તીર્થયાત્રા આ ઉદારમના માતાના દર્શન કરીને જાણે કે પૂરી થઇ. સ્મૃતિમાં રહેલી આ સત્ય ઘટનાની માધુરતા હમેશા વાગોળવી ગમે તેવી છે. આ ગુમનામ માતાનું કોઇ ચરિત્ર લેખન થવાનું નથી. પરંતુ ચરિત્ર લેખનોમાં પોતાના અંદરના સત્વને કારણે આ કથા શોભે તેવી તો છેજ.

વસંત ગઢવી

ગાંધીનગર.

તા.૦૯/૦૭/૨૦૧૯.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑