: વાટે….ઘાટે…. : : સ્વામી આનંદ : : દો રોટી અને એક લંગોટીના હક્કદાર સન્યાસી :

દેશભરના યુવાનો માટે સાંપ્રત સમયમાં કોઇ ‘ROLE MODEL’ ની ખામી હોય તેવી વાત અવારનવાર સામાન્ય વાતચીતમાં સંભળાતી રહે છે. એ વાતમાં તથ્ય પણ જણાય છે. સમગ્ર સમાજને જેની નિસબત છે તેવા કોઇક સાંપ્રત પ્રશ્નને લઇને કોઇક વ્યક્તિ કે વ્યક્તિઓનો સમૂહ તે પ્રશ્નને ઉકેલવાનો પ્રામાણિક પ્રયાસ કરે તો એક વિશાળ સમૂહ આજે પણ તેને અનુસરવા તૈયાર છે. અન્ના હજારેનું આંદોલન તેનું નજીકના ભૂતકાળનુંજ એક ઉદાહરણ છે. વિકટ પ્રશ્ન એ છે કે આવો જુસ્સો કોઇ સામાજિક કલ્યાણના ભાગરૂપે ઊભો કરીને તેને ટકાવી રાખવો સહેલો નથી. આપણાં દેશમાં બ્રિટીશ શાસનમાંથી મુક્તિ માટેની ચળવળ ચાલતી હતી તેમાં યુવાનો સહિત તમામ લોકો જોડાયા. પરંતુ તે કાળનો ફાયદો એ હતો કે ગાંધીજીનું સમર્થ નેતૃત્વ તે કાળમાં પ્રાપ્ત થયેલું હતું. ૧૯૧૫ થી ૧૯૪૮ના આરંભ સુધી ગાંધી નામના આ ઘટાદાર વટવૃક્ષની છાયામાં અનેક નાનામોટા વૃક્ષો ઉછરીને મહોરી ઊઠ્યા. આથી અબાલવૃધ્ધ સૌના માટે મહાત્મા ગાંધી તથા તેમના સાથીઓએ એ પ્રેરણાનું જીવંત સ્ત્રોત બની રહ્યા. રોલ-મોડેલ બની રહ્યા. ગાંધીજી પછી પણ જયપ્રકાશ નારાયણ કે રવિશંકર મહારાજ જેવા દિગ્ગજ લોકોએ ગાંધીની મશાલ ઝાંખી થવા દીધી ન હતી. દેશને તેમનામાં રોલ મોડેલના દર્શન થતા હતા. આપણાં આવા પુણ્યશ્લોક લોકોની વાતો તેમજ તેમનું જીવનકાર્ય યુવાન વર્ગ સુધી પહોંચી શકે તે જોવાની આપણી સામુહિક જવાબદારી છે. આવુંજ એક જ્વલંત તેમજ પ્રેરણા પૂરી પાડી શકે તેવું વ્યક્તિત્વ એટલે સ્વામી આનંદ. વાડીલાલ ડગલીએ લખ્યું છે તેમ બાંયો ચડાવેલી ચેતનાએ જાણે માનવદેહ ધારણ કર્યો હોય તેવું સ્વામીદાદાનું જાજ્વલ્યમાન વ્યક્તિત્વ હતું. ૧૮૮૭થી ૧૯૭૬ સુધીનું સુદીર્ઘ તથા ઝળાહળા જીવતર જીવી જનાર સ્વામીદાદાની વાતો તથા તેમના ધારદાર લખાણોનો સંપુટ યુવાનો સુધી પહોંચાડવા જેવો છે. મહેન્દ્રભાઇ મેઘાણીના લોકમિલાપે સ્વામીદાદાના લખાણો પ્રસિધ્ધ કરીને આપણાં પર ઋણ ચડાવેલું છે. ઝાલાવાડની સુકી ધરતીએ સ્વામીદાદાની અમૂલ્ય તેમજ અજોડ ભેટ દેશને આપી છે. 

સ્વામીદાદાએ જે કેટલાક પાત્રોનું આલેખન કર્યું છે તેઓ વાસ્તવિક હોવા છતાં કહેવાતી દુનિયાદારીથી ભિન્ન હતા. પોતાની મસ્તીમાં જીવનારા આ લોકો ખરા અર્થમાં મૂઠી ઊંચેરા હતા. સ્વામીદાદાની ભાતીગળ ભાષાના બળે આ પાત્રો દીપી ઉઠેલા છે. આવા વિવિધ પાત્રોના આલેખનમાં મહાત્મા ગાંધીના સચિવ મહાદેવભાઇ દેસાઇના સગા પિતરાઇ (કઝીન) એવા છોટુભાઇ દેસાઇની વાત સ્વામીએ લખી છે. તત્કાલિન સમાજ છોટુભાઇ દેસાઇને ‘છોટુકાકા’ તરીકે ઓળખતો હતો. વંચિતો તેમજ આદિવાસીઓના પ્રશ્ને જીવતરને હોડમાં મૂકનાર આ ‘મહાદેવથી મોટેરા’ ના વાસ્તવિક જીવનની કથા એક રોમાંચક થ્રીલર સમાન છે. સ્વામીદાદા મહાદેવભાઇ તેમજ છોટુભાઇની સરખામણી કરે છે તે જ ધારદાર તેમજ આકર્ષક છે. છતાં પણ પૂર્ણ રીતે વાસ્તવિક છે. બન્ને પિતરાઇ ભાઇઓની સરખામણી કરતા સ્વામી લખે છે : 

‘‘ સાથે ઊછરેલા હોછા છતાં બન્નેના સ્વભાવ તેમજ વ્યક્તિત્વ જૂદા. એક મોગલ ગાર્ડનનું ગુલાબ (મહાદેવભાઇ) તો બીજા એ ઉનઇના જંગલોનો વાંસ. એક તાજમહેલનું શિલ્પ તો બીજા દખ્ખણના    ગોમટેશ્વર. ’’ પ્રસિધ્ધિથી માઇલો દૂર રહેનાર છોટુકાકા ખરા અર્થમાં ગાંધીના સિપાઇ હતા. મજબૂત મનોબળ તેમજ ઊંડી કાર્યનિષ્ઠાનું જ્વલંત ઉદાહરણ એ છોટુકાકાનું વ્યક્તિત્વ છે. યુવાનો માટે વિશેષ પ્રેરણારૂપ બને તેવું તેમનું જીવનકાર્ય છે. 

આપણે ત્યાં સામાન્ય રીતે સાધુ સમાજ કે સન્યાસીને આદર તેમજ શ્રધ્ધાના ભાવથી જોવામાં આવે છે. પૂજ્ય મોટા કે ભિક્ષુ અખંડાનંદ જેવા સન્યાસીઓના કાર્યો થકી સમાજને અનેક લાભ પણ થયેલા છે. સ્વામી દયાનંદ જેવા વીર સન્યાસીએ સિંહહાક મારીને ચમત્કાર કે અંધશ્રધ્ધાને માન્યતા આપનાર અનેક હિત ધરાવતા તત્વોને સામી છાતીએ પડકાર્યા હતા. પોતાના સન્યસ્ત થકી સમાજને ઉજાળનારા તત્વો આજે પણ છે. બીજી બાજુ સન્યાસ કે સંપ્રદાયના ઢોંગી પ્રભાવ હેઠળ અનેક નિર્દોષ લોકોનું જીવતર ડહોળી નાખનાર કહેવાતા ‘‘બાબા’’ ઓ આજે પણ સમાજ માટે સમસ્યારૂપ બનીને ઊભા રહેલા દેખાય છે. આવી દ્વિધા ભરેલી સ્થિતિમાં સૌએ પોતાનો વિવેક વાપરીને ઉચિત નિર્ણય કરવો પડે. પરંતુ સ્વામી આનંદે સાચા સન્યાસીનું જે ધોરણ નક્કી કરેલું છે તે ભિન્ન છે. આવા ધોરણમાં રહીને જીવતર જીવી જનાર સાધુ સન્યાસીને જગત લાંબા કાળ સુધી યાદ રાખે છે તથા આદર કરે છે. સન્યાસી માટે લક્ષ્મણરેખા આંકતા સ્વામીદાદા લખે છે : 

‘‘ સાધુ એટલે દો રોટી અને એક લંગોટી ’’ નો હક્કદાર. એથી વધુ જેટલું એ સમાજ પાસેથી લે તે અણહક્કનું ગણાય. સાધુના હક્ક બહારનું ગણાય. સમાજ પાસેથી જેટલું મેળવે તેનાથી દસ ગણું સમાજને પરત કરવાની ગૃહસ્થીની ફરજ ગણાય. પરંતુ સાધુએ તો સમાજને પોતે જે ગ્રહણ કરે તેનાથી સો ગણું પરત આપવાની ફરજ છે. ’’ સ્વામીદાદાએ ‘દો રોટી અને એક લંગોટી’ ની સનદ સાથે હર્યું ભર્યું જીવતર જીવીને ગયા. પોતાના ઉત્તમ પ્રકારના લખાણોની પ્રસિધ્ધિનો સહેજ પણ વ્યામોહ દાદાને ન હતો. સ્વામીદાદાએ લખ્યું છે કે અનેક સ્વજનો તથા મિત્રોએ તેમના લખાણોને ગ્રંથસ્થ કરવાનો આગ્રહ કર્યો હતો. પરંતુ સ્વામીદાદાનો સામાન્ય રીતે આવો જવાબ રહેતો હતો : ‘‘ થોડા ખમી જાઓ. મારા મરણ બાદ કરવું હોય તેમ કરજો. ’’ 

આજના સંદર્ભમાં સ્વામી આનંદ જે લખી ગયા તેનું એક અદકેરું સાંપ્રત મૂલ્ય છે. મનુષ્યની આંતરિક ચેતના જાણે ઝાંખી પડતી જાય છે. સ્વસ્થ સમાજનું નિર્માણ એ સાંપ્રત કાળની મોટી સમસ્યા છે. આ દિશામાં વિચારનારા કે જીવનમાં સ્વસ્થતાની સાચી દિશામાં પગલા માંડનારા માટે સ્વામી આનંદના લખાણો માર્ગદર્શન તથા હૂંફ પૂરા પાડી શકે તેવા સમૃધ્ધ તથા ભાતીગળ છે. 

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

તા.૦૨/૧૨/૨૦૧૯.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑