: વાટે….ઘાટે…. : : ચારણી સાહિત્યનું સાંગોપાંગ તેમજ પ્રભાવી દર્શન :

ચારણી સાહિત્ય અને ચારણ કવિઓની વાત આજે પણ અનેક સમારંભોમાં કે કાર્યક્રમોમાં નિરંતર થતી રહે છે. આજના યુગના સંદર્ભમાં તેનું સાંપ્રત મૂલ્ય શું છે તેવો પ્રશ્ન કદાચ કોઇના મનમાં થાય તો તે સ્વાભાવિક છે. ચારણી સાહિત્યના સાંપ્રત મૂલ્ય અંગે ૧૯૪૨ માં ઝવેરચંદ મેઘાણીએ જે વાત કરી હતી તેમાં કદાચ આ પ્રશ્નનો તર્કબધ્ધ ઉત્તર મળી રહે છે. ૧૯૪૨ માં ચારણી સાહિત્ય તેમજ લોકસાહિત્યના મર્મી મેઘાણીને તત્કાલિન ગુજરાત વર્નાક્યુલર સોસાયટી તરફથી એક નિમંત્રણ મળે છે. વર્નાક્યુલર સોસાયટીએ તેમને ‘ચારણી સાહિત્ય’ પર અમદાવાદમાં વ્યાખ્યાન આપવા માટે નિમંત્રણ પાઠવેલું હતું. આ સંદર્મમાં ચારણી સાહિત્યના કોઇપણ કાળમાં સાંપ્રત મૂલ્ય બાબત મેઘાણીભાઇએ જે જવાબ આપ્યો તેનું ઐતિહાસિક મૂલ્ય છે. મેઘાણી કહે છે કે ‘ચારણો તથા ચારણી સાહિત્ય’ એ વિષય પાસે ગુજરાત તથા પ્રસ્તુત કાળના નૂતન આત્મભાનમાં કોઇ ફાળો આપવાનો ન હોત તો માત્ર આ સાહિત્યની પુરાતનતાને કારણેજ કદાચ વર્નાક્યુલર સોસાયટીએ આ સાહિત્ય અંગેના વ્યાખ્યાનનું આયોજન ન કર્યું હોત. ચારણી સાહિત્યની વિપુલતા તેમજ ભાતીગળ વિવિધતા તો છેજ. પરંતુ તે ઉપરાંત લાંબા કાળનું સંસ્કારધન તથા ઇતિહાસધન તેમાં અણપ્રીછ્યું પડેલું છે. મેઘાણીના મતે ચારણી સાહિત્યના આ બળને કારણેજ તેના પ્રવચનો ગોઠવાય છે તેમજ સંભળાય છે. પ્રશંસા તેમજ આદરના ભાવ સાથે દરેક કાળમાં બહોળા લોક સમૂહે લોકસાહિત્ય તેમજ ચારણી સાહિત્યના વધામણાં કર્યા છે. મધ્યયુગ ચારણોના કીર્તિ સાગરનું ગાન સંભળાવે છે તેનું કારણ આ સાહિત્યમાં ઉમદા તથા ઉજ્વળ માનવીય ગુણોને ગૌરવાન્વીત કરવામાં આવેલા છે તે છે. શસ્ત્રોના ખણખણાટ તથા જાતવાન અશ્વોના હણહણાટ સાથે નામી – અનામી વીરોની વીરતાનો પ્રતિઘોષ આ સાહિત્યમાં ખૂબીપૂર્વક ઝીલાયો છે. આ પૂર્વભૂમિકાના સંદર્ભમાં જોઇએ તો ડૉ. અંબાદાન રોહડિયાનું વિવિધ સંદર્ભે ચારણી સાહિત્યનું આચમન એ સ્તુત્ય પ્રયાસ છે. સાંપ્રત કાળમાં તેનું એક વિશેષ મૂલ્ય છે. ડૉ. અંબાદાનભાઇના આ પુસ્તકના લખાણો આ વિષયમાં રસ ધરાવતા અધ્યાપકો તેમજ અનેક સાહિત્ય મર્મીઓને ઉપયોગી થશે. અંબાદાનભાઇની અધ્યાપકીય સાધના વણથંભી રહી છે તે નોંધપાત્ર બાબત છે. આપણાં સંત સાહિત્ય કે બંગાળના બાઉલ સાહિત્યે સમાજ પર ઊંડો પ્રભાવ પાડેલો છે. ચારણી સાહિત્ય પણ આ ઉજ્વળ તેમજ પ્રભાવી પરંપરાનો એક મહત્વનો મણકો છે. ચારણી સાહિત્યના વિવિધ સ્વરૂપોનું અભ્યાસપૂર્વકનું આચમન આપણાં સુધી પહોંચાડવા માટે ડૉ. અંબાદાન રોહડિયા અભિનંદનને પાત્ર છે. 

ચારણ કવિઓ તેમજ ચારણી સાહિત્યને ગુણાનુરાગી રાજવીઓ તરફથી બળ મળ્યું છે તે નિ:સંદેહ છે. પરંતુ માત્ર રાજ્ય આશ્રયને કારણે ચારણી સાહિત્યકારોએ સત્ય હકીકતોને કોરાણે મૂકી નથી. આથીજ આ સાહિત્ય તેમજ સાહિત્યકારોની એક વિશિષ્ટ પ્રતિભા પ્રસ્થાપિત થઇ છે. સત્યવક્તાના ગુણો ચારણી સાહિત્યને સહજાત છે. પોતાનો સ્વાર્થ કે સલામતીની અવગણના કરીને પણ ચારણ કવિઓએ સત્તાધિશોને સાચી વાત મોઢામોઢ સંભળાવી છે. દુહો કહેવાયો છે : 

સત્યવક્તા રંજન સભા

કુશળ દીન હીત કાજ,

બેપરવા દિલકા બડા

વો સચ્ચા કવિરાજ.

સાંભળનારા રાજવીને કડવું કે અપ્રિય લાગે તો પણ સત્યનો ઘોષ ગજવીને ચારણી સાહિત્યે એક ગૌરવયુક્ત પરંપરાનું નિર્માણ કરેલું છે. તેથીજ સમાજમાં તેની વિશેષ વિશ્વસનીયતા પ્રસ્થાપિત થઇ છે. ‘અકબર ધી ગ્રેઇટ’ તરીકે જાણીતા બાદશાહના દરબારમાં ઉત્તમ કવિત્વ શક્તિ તેમજ તેટલાજ ઉત્તમ માનવીય ગુણો ધરાવતા કવિ દુર્શાજી આઢા હતા. બાદશાહ અકબરના તેઓ પ્રીતિપાત્ર હતા. રાજપૂતાનાનો સમગ્ર ઇતિહાસ બાદશાહ અકબર સાથે આજીવન સંઘર્ષ કરીને પોતાની નેક ટેક જાળવી રાખનાર મહારાણા પ્રતાપની વીરતાના ગુણો ગાતા થાકતો નથી. આ સંદર્ભમાં બાદશાહ અકબરના આ માનીતા કવિ દુર્શાજી આઢાએ મહારાણા પ્રતાપની વીરતાને બીરદાવતા બળકટ દુહાઓ રચ્યા હતા અને તે કાળમાં પણ લોક આદર પામ્યા હતા. આ ઘટના દુર્શાજીની વ્યક્તિ નહિ પણ ગુણપૂજાની ઉજ્વળ પરંપરાનું સ્પષ્ટ દર્શન કરાવે છે. મહારાણા પ્રતાપના શત્રુના રાજ્યમાં વીર પ્રતાપના ગુણોની આ ઉજળી તેમજ ખુલ્લી પ્રશસ્તી દુર્શાજી સમાન કવિઓની ઊંડી આંતરિક શક્તિ તેમજ કર્તવ્યનિષ્ઠાનું ઝળહળતું પ્રમાણ પૂરું પાડે છે. દુર્શાજી લખે છે : 

અકબર ઘોર અંધાર,

ઊંઘાણાં હિન્દુ અવર,

(તેમાં) જાગે જગદાધાર,

પહોરે રાણા પ્રતાપસી.

સમગ્ર રાજપૂતાનાની શાન અને બાનના પ્રહરી બનીને ઊભેલા પ્રતાપની આ ઉત્તમ ગુણપૂજા ચારણ કવિની સત્યવક્તા તરીકેની તેમજ નીડર વિચારકની છાપ વિશેષ દ્રઢીભૂત કરે છે. નાયક સાથેજ જ્યાં યોગ્ય લાગે ત્યાં પ્રતિનાયકની પણ આરાધના કરવાનું આ સાહિત્યકારો ચૂક્યા નથી. આપણાં શાસ્ત્રોએ પણ પાર્થની સાથેજ કર્ણની વીરતાને પણ ખોબે અને ધોબે બીરદાવી છે તેનું પ્રતિબિંબ ચારણી સાહિત્યે સુરેખપણે ઝીલ્યું છે. ઉદેપુરના રાણા ફત્તેસિંહજીને લોર્ડ કર્ઝનના દરબારમાં હાજરી આપતા રોકવા માટે કવિ ઠાકુર કેસરીસિંહજી બારહઠ્ઠે કેટલાક સોરઠાઓ લખીને મહારાણાને મોકલ્યા હતા. મહારાણા તો આ દુહાઓના શબ્દની અસરકારકતાથી વિંધાયા અને લોર્ડ કર્ઝનના દિલ્હી દરબારમાં હાજર ન રહ્યા.પરંતુ કવિરાજા કેસરીસિંહજી તેમજ તેમના સમગ્ર પરિવારને બ્રિટીશ સત્તાધિશોની ખફગીનો ભોગ બનવું પડ્યું. કવિને તેનો કોઇ વસવસો ન હતો. આવી સાર્થક વાતો – ઘટનાઓ સાથે ભાઇ શ્રી અંબાદાનભાઇના ચારણી સાહિત્યને કેન્દ્રમાં રાખીને લખાયેલા આ હેતુપૂર્ણ અભ્યાસગ્રંથનું સ્વાગત છે. કંઠસ્થ પરંપરાના સાહિત્યમાં દસ્તાવેજીકરણનું કોઇપણ કામ એ મૂલ્યવૃધ્ધિ કરી શકે છે. તે રીતે પણ આવા પ્રયાસનું એક વિશેષ મહત્વ છે.

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

તા.૦૨/૧૨/૨૦૧૯.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑