સાજણ વિસાર્યા ન વિસરે
જેસુ બાંધ્યો નેહ,
પલપલ હૈયે સાંભરે,
જેમ બપૈયો મેહ.
જેમના જન્મને ૧૫૦ વર્ષ પૂરા થયા તેવા વિશ્વ નાગરિક મહાત્મા ગાંધીને જગત સતત આજે પણ યાદ કરે છે. વ્યક્તિ પોતાની શારીરિક હસ્તીના અંતે પણ પોતાના કામ થકી જગતમાં ઓળખાતો રહે છે. ૨૦૧૯ માં સૌરાષ્ટ્રના બીજા એક આડાભીડ વ્યક્તિની સ્મૃતિ પણ વિશેષ થયા કરે છે. આવા મીઠા સાજણ (સ્વજન) એટલે કાનજી ભુટા બારોટ. ૧૯૧૯ માં પહેલા નોરતે જેમનો જન્મ થયો હતો તેવા આપણાં સમર્થ વાર્તાકાર કાનજીભાઇની જન્મ શતાબ્દીનું આ વર્ષ છે. કાનજીભાઇની વિદાય સાથે દિગ્ગજ વાર્તાકારોની એક ઉજળી પરંપરા ઝાંખી પડી છે. ભાવનગરની પ્રસિધ્ધ ડેલીમાં બેસીને વાત માંડતા ભાવનગરના રાજ્યકવિ પિંગળશીભાઇ નરેલાની ચિર વિદાય થઇ ત્યારે ગિરનારનું એક શિખર તૂટી પડ્યું હોય તેવો સ્મરણાંજલિનો ભાવ ઝવેરચંદ મેઘાણીએ લખ્યો હતો. ઘેડ વિસ્તારના સુપ્રસિધ્ધ વાર્તાકાર મેઘાણંદબાપાના નિધન સાથે પણ વટવૃક્ષ સમાન વાર્તાકારની વસમી વિદાયની લાગણી અનેક લોકોએ અનુભવી હતી. ‘‘ઊર્મિ-નવરચના’’ માસિક થકી કાનજીભાઇના શબ્દો શબ્દ સ્વરૂપે પણ લોકો સુધી પહોંચ્યા. કાનજીભાઇ બારોટ સાહિત્ય પ્રકાશન સમિતિના પ્રયાસોથી કાનજી ભુટા બારોટની વાર્તાઓનો સંગ્રહ ‘‘ વાતળિયું વગતાળિયું ’’ પુસ્તક પણ ૧૯૯૪ માં લોકો સુધી પહોંચી શક્યું તે નોંધપાત્ર છે. આ પ્રકારની વાતોનું એક આગવું મૂલ્ય છે. જે તે કાળની સમાજ વ્યવસ્થા તેમજ માનવીના મીજાજના તેમાં આબેહૂબ દર્શન થાય છે. આથી આવી વાતોના પ્રકાશન થકી દસ્તાવેજીકરણનું એક મહત્વનું કામ થયું છે તેમાં કોઇ શંકા નથી.
કાનજીભાઇની વાતોમાં અનેક વિશેષતાઓ છે. તેમના કથનની શૈલિ અને ધીમા સૂર સાથે શબ્દોની પ્રસ્તુતિ એ તેમની આગવી ઓળખ છે. વાજીંત્રોના કોઇ સમૂહ સિવાય વિશાળ શ્રોતા સમૂહને કલાકો સુધી જકડી રાખે તેવી કથન શૈલિ અને શક્તિનો દુર્લભ સમન્વય કાનજીબાપામાં હતો. કંઠ, કહેણી, કથા તેમજ કવિતા સાથે સિતારનો સુયોગ્ય માત્રામાં રણકાર એ તેમના વ્યક્તિત્વના અભિન્ન અંગ સમાન હતા, સહજ હતા અને સહજાત હતા. ભારત સરકારની સંગીત નાટક અકાદમીએ બાપાનું સન્માન કરીને (૧૯૮૮) આપણી તળની વાતોનું ગૌરવ કર્યું છે તેમ કહી શકાય. જયમલ્લ પરમારની કળા પારખવાની દ્રષ્ટિ તેમજ ‘‘ ઊર્મિ ’’ ના અસરકારક માધ્યમથી કાનજીભાઇએજાતેજ કલમબધ્ધ કરેલી કથાઓ આપણો વારસો છે. એટલું જરૂર કહેવાય કે આ કથાઓના મર્મી કથકની ખોટ સૌને સાલ્યા કરશે. કાનજીબાપાની આ શક્તિ કવિ મકરંદ દવેએ એક દૂહામાં સરસ રીતે મૂકી છે.
મકરંદો મજૂર, મીઠપ માંડ ઉપાડતો,
(પણ) કાનડ તારો સૂર, ગૂંજે નભને ગુંબજે !
જે કાળની વાર્તાઓ બાપાએ અંતરના ઉમળકાથી માંડી છે તેમાં તત્કાલિન સમયની અને સમાજ વ્યવસ્થાની સ્થિતિનું તેમજ પરંપરાઓનું આરપાર દર્શન થાય છે. માનવ મનની સ્થિરતા કે અસ્થિરતા વચ્ચે પણ કોઇપણ સ્થિતિમાં સ્થાયી વીરત્વનો ભાવ બાપાની અનેક વાતોમાં ધરબાઇને પડેલો છે. કચ્છ અને તેમાંયે વાગડના દુષ્કાળની વાત બાપાએ રેશમિયા ભેડા નામના આયર યુવાનની કથામાં કહી છે. કથા સાંભળતા કે વાંચતા પણ મનમાં અહોભાવના ઊંડા ભાવ સહેજે પ્રગટે છે. વાગડના કારમા દુષ્કાળથી જીવમાત્ર પરેશાન છે.
ગાયે મકોડા ભરખિયા
અસ્ત્રીએ મેલ્યા બાળ
પાછો વેળ લાબા ફૂલના
તારા કચ્છમાં પડ્યો દુકાળ.
દુષ્કાળની આ દારુણ સ્થિતિમાં એક નેસવાસી ચારણે નિરાધાર થયેલા આયરના માસુમ બાળકને સહજ સ્નેહથી પોતાના ઘરમાં પુત્રની જેમ સમાવી લીધો. ચારણની દીકરી વીજલબાઇ તેમજ રેશમિયાને ભાઇ બહેનની જેવા ઊંડા હેત બંધાયા. કાળ ગતિ કરે છે. રેશમિયો મોટો થઇ ચોટીલા પાસે પાંચાળ વિસ્તારમાં ઘર – ખેતી વસાવે છે તથા સ્વબળે સમૃધ્ધ થાય છે. દિલમાં ઊંડે ઊંડે પાલક ચારણ પિતા તેમજ બહેન વીજલબાઇ તરફ સ્નેહ છે. વીજલબાઇ પિતાની વિદાય પછી વાગડમાંજ ગૃહસ્થી જીવન ગાળે છે. ફરી એક વખત દુષ્કાળના ડાકલા વાગે છે. વીજલબાઇને સુખી થયેલા ભાઇની સ્મૃતિ થાય છે. કપરા કાળમાં સ્નેહી પાસે જઇને મદદ મેળવવાની સહજ ઇચ્છા થાય તે સ્વાભાવિક છે. વાગડથી ચોટીલાના માર્ગે બહેન નાના બાળકો સાથે તેમજ ઊંડી વેદના સાથે ડગલાં માંડે છે. ચાલીને જતા સામે ઓજસ્વી યુવાન ઘોડેસ્વાર મળે છે એ રેશમિયો છે. બહેન – ભાઇ વર્ષોના વિયોગ પછી એકબીજાને ઓળખી શકતા નથી. બહેન આ પ્રતાપી લાગતા ઘોડેસ્વારનેજ રેશમિયાના સમાચાર પૂછે છે. માણસના મનમાંજ સારા – માઠા ભાવ પડેલા હોય છે. થોડી નબળી ક્ષણો અને મનના માઠા ભાવ સાથે ઘોડેસ્વાર જે સ્વયં રેશમિયો ભેડો છે તે આગંતુક બહેનને કહે છે કે રેશમિયો તો હવે આ સંસારમાં નથી. સમાચાર સાંભળતાજ બહેનનું તીવ્ર આક્રંદ અંતરના ભાવથી ઉમટે છે. પ્રકૃતિને પણ રડાવે તેવો આ ચારણની દિકરીનો વિલાપ છે.
ઘોડી મૂવો ઘર ગિયા
મેલ્યા મેહુ લિયે,
રખડી રાન થિયાં
રોળ્યા રેશમિયે.
બહેનનું આક્રંદ રેશમિયાને અંદરથી હલાવી મૂકે છે. બહેન પાસે માફી માગીને ઘેર આવવા નિમંત્રણ આપે છે. પણ આ તો ‘‘ અવસર ચૂક્યા મેહુલા ’’ જેવી વાત થઇ. ભાઇમાં જીવતે જીવ ઉજળી અને ઉમદા વૃત્તિને મરતી જોઇ ઉદાસીના ઓઢણા ઓઢીને વીજલબાઇ પાછી વળે છે. કાનજી ભુટા બારોટની સ્મૃતિને શતાબ્દી વંદના કરવાનો આ સમય છે. હિંગોળદાન નરેલાનો એક અર્થસભર દુહો કાનજીબાપા માટે લખાયો છે.
શબદચોટ, વાર્તાછટા
ઊંડો લોક અભ્યાસ
(તેથી) રમતા પાત્રો રાસ
તારી કંઠ મોરલીએ કાનજી !
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
તા.૧૮/૧૧/૨૦૧૯.
Leave a comment