: સંસ્કૃતિ : : ગાંધી વિચારને ભૂમિગત કરવાનો ગુજરાત વિદ્યાપીઠનો અસ્ખલિત પ્રયાસ :

૨૦૨૦ ના વર્ષના આગમનની છડી પોકારવામાં આવી રહી છે. વિતેલા અનેક વર્ષોના સારાં કે માઠા સંભારણા સાથે નવા વર્ષનું સ્વાગત કરવાનો સમય છે. કાળ એ ગતિશીલ છે. કાળની સાથે તાલ મીલાવવા માટે માનવીએ પણ ગતિશીલતાની વાટ પકડવી પડે છે. મહાત્મા ગાંધીની દોઢસોમી જયંતિની દેશ તેમજ વિદેશોમાં થયેલી ઉજવણીની મધુર સ્મૃતિ સાથે નવા વર્ષમાં પ્રવેશવાનો આ સમય છે. ગાંધી વિચાર માત્ર ક્રિયાકાંડ કે સમારંભો થકી જીવંત રાખી શકાશે નહિ તે સૌની પ્રતિતિ છે. આથી વિચારપૂર્વક ગયા વર્ષની આ ઉજવણીઓનું મૂલ્યાંકન કરવાની જાગૃત સમાજની ફરજ બની રહે છે. જો આવું મૂલ્યાંકન ન થાય તો માત્ર ઉજવણીઓ થકી ગાંધીવિચારને રોપી શકાતો નથી. આવું કામ કેવું હોવું જોઇએ તેમજ તેની પ્રક્રિયા કેવી હોવી જોઇએ તેના ઉદાહરણો વિનોબાજીથી શરૂ કરીને નારાયણભાઇ દેસાઇ સુધીના મળી શકે છે. જયપ્રકાશ નારાયણે પણ જીવનના ઘણાં વર્ષો આવા કાર્યમાં ગાળ્યા. ગાંધી ચીંધ્યા કામો અઘરા હતા તેની સંપૂર્ણ સમજ આ કામ હાથ પર લેનારને હતી. છતાં રવિશંકર મહારાજે કહેવાતી ગુનાખોર જાતિઓ વચ્ચે નિર્ભયતાથી વિચરણ કરીને ગાંધી વિચારની કરણીનો ઉજળો પાયો નાખ્યો. બબલભાઇ કે જુગતરામ દવે ગામડાંઓમાં ગયા અને પોતાના જીવતર હોમી દીધા. જ્યાં નવસર્જનના કામો માટે જવાનો કોઇ વિચાર સુધ્ધા નકરે ત્યાં જવાની હિમ્મત તથા નિર્ણયાત્મકતા મહામના મહારાજે દેખાડી. નવા ચીલા ચાતરવાની તથા જે માર્ગે કોઇ જવાની હિમ્મત ન કરે ત્યાંજ ધસી જવાની ગાંધીની શીખ કેટલાક મરજીવાઓએ પચાવીને નવા પરિણામો સ્થાપિત કર્યા. તેમ કરનારાએ જાત પરના જોખમ વહોરીને ‘‘હરિનો મારગ છે શૂરાનો’’ એ વાતને ચરિતાર્થ કરી. 

જો સૌએ પાછા જાય !

ઓરે ઓરે ઓ અભાગી !

સૌએ પાછા જાય !

જો રણાંગડે નીસરવા ટાણે

સૌ ખૂણે સંતાય

તો કાંટા રાને તારે

લોહી નીગળતે ચરણે

ભાઇ ! એકલો જાને રે….

જયપ્રકાશજી કે રવિશંકર મહારાજના માર્ગે હિમ્મત તેમજ ધૈર્યથી ધસી જનાર લોકો આજે પણ છે તેની પ્રતિતિ થાય તેવો પ્રસંગ ઓક્ટોબર-૨૦૧૯ માં થયો. કોચરબ આશ્રમમાં ગુજરાત વિદ્યાપીઠના કોન્વોકેશન સમારંભની પૂર્વ સંધ્યાએ એક નાનો પરંતુ ગરીમાપૂર્ણ પ્રસંગ વિદ્યાપીઠ તરફથી યોજવામાં આવ્યો હતો. પદવીદાન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેવાના હતા તેવા દાનવીર ઉદ્યોગપતિ અઝીમ પ્રેમજી પણ કોચરબ આશ્રમના આ સમારંભમાં હાજર હતા. આ સમારંભમાંજ ભારતી નામની એક કિશોરી કે જે ગ્રામશિલ્પી તરીકે ગ્રામોધ્ધારની પ્રવૃત્તિ પૂરા જોડાણ તથા સમર્પણ ભાવ સાથે કરતી હતી તેણે પોતાના ગ્રામશિલ્પી તરીકેના અનુભવની કેટલીક હેરતભરી વાતો કરી. આ દિકરીની નિર્ભયતા તેમજ નિખાલસતા તેના વક્તવ્યના દરેક શબ્દમાંથી ટપકતી હતી. અનસુયાબેન કે કમળાબેન પટેલનું તેજ આ ઉગતી પેઢીમાં પ્રગટ થાય તે સદ્દભાગ્યની બાબત છે. સામાન્ય રીતે ઝારખંડ રાજ્યના દાંતેવાડા વિસ્તારમાં ગ્રામ ઉત્થાન માટેના પડકારરૂપ કાર્ય માટે જવાની ભાગ્યેજ કોઇ હિમ્મત કરે. નકસલવાદીઓની ગતિવિધિ માટે આ વિસ્તાર જાણીતો છે. આ વિસ્તારના ગ્રામશિલ્પી બહેન ભારતીના અનુભવની વાત સાંભળતાંજ ખ્યાલ આવે કે જેમને સામાન્ય વાતચીતમાં આપણે પછાત કે અબુધ ગણીએ છીએ તેવા આદિવાસી કુટુંબો તેમની જીવનશૈલિમાં અનેક નોંધપાત્ર વિશેષતાઓ ધરાવે છે. દિકરીઓના જન્મનું પ્રમાણ ત્યાં દિકરાઓ કરતાં વધારે છે. દેશના ઘણાં જાગૃત તેમજ કહેવાતા આગળ વધેલા વિસ્તારોમાં આબાબત દાંતેવાડાથી ઉલટી છે. જેથી તે સમાજ તથા સરકારની ચિંતાનો વિષય છે. કુદરતના સાનિધ્યમાં રહીને પ્રાકૃતિક જીવન ગુજારતા આ વનવાસી ભાઇઓ વન સંપદાનું પૂરતી જાગૃતિ તેમજ નિષ્ઠાથી રક્ષણ કરે છે. આ પ્રકારનું નરવું અને ગરવું જીવન જીવતા ભાઇઓની વાતો બહેન ભારતી પાસેથી સાંભળીને ગાંધીબાપુની સાર્ધ શતાબ્દીની વિશેષ અને ગાંધીને ગમે તેવી અર્થપૂર્ણતા લાગી. આજે પણ ગુજરાત વિદ્યાપીઠમાં શિક્ષણ તેમજ તાલીમ મેળવીને ગ્રામશિલ્પી તરીકે ગામડાઓના પુન:નિર્માણના કાર્યમાં લાગી જનાર યુવાન – યુવતીઓની એક કેડર છે તે વાત કરતાંજ ગર્વની લાગણી થાય છે. તેઓ ગામડાઓમાંજ રહીને તથા ગામ લોકોનો વિશ્વાસ કેળવીને ગ્રામ સુધારણાનું પાયાનું કામ કરે છે. આવા કામો કાયદા-કાનૂનથી થવા મુશ્કેલ છે તે આપણો અનુભવ છે. રચનાત્મક કામોમાં ગાંધીની શ્રધ્ધા હતી તે વિચારને આગળ ધપાવવાનું આ કાર્ય સમાજે જોવા તેમજ સમજવા જેવું છે. ગુજરાત વિદ્યાપીઠ મારફત થતું આ કામ પ્રશંસાપાત્ર છે. 

નવા વર્ષને વધાવીએ ત્યારે દિલમાં ગાંધી વિચારનો દીવો પગટાવવાનો વિચાર કે તેવી સમજ કેળવવા માટેનો એક નાનો પ્રયાસ પણ અંદરની જડતાને દૂર કરવામાં ઉપયોગી થશે. આ માટેના પ્રયાસો બહેન ભારતીના માર્ગે જાતે જ કરવા પડશે. પુસ્તકો તથા અધ્યાપકો પથદર્શન કરાવી શકે પરંતુ પગલાં તો આપણે જ માંડવા પડશે. એકવાર આ શુભ સંકલ્પને પાર પાડવાનો નિર્ણય કરીને પગલાં માંડીએ તો તેના સમર્થનમાં હરિકૃપા હોય જ. આ નિરધાર માટે શુભસ્ય શિઘ્રમ જરૂરી છે. દરેક બાબતમાં જે રાહ તત્કાલ છે તેને જ પસંદ કરવાની વૃત્તિ આ યુગમાં છે. જો એમ હોય તો ગાંધી વિચારને કેન્દ્રસ્થાને રાખી અંદર અજવાળુ કરવાના પ્રયાસ શરૂ કરવામાં પણ વિલંબ હોવો જોઇએ નહીં. કવિગુરુ ટાગોરે અંતર વિકસિત કરવાની માગણી કરુણાનિધાન પાસે કરી છે. કવિગુરુના આ અમરશબ્દો કવિ શ્રી ઉમાશંકર જોશીના અર્થપૂર્ણ અનુવાદથી આપણી ભાષામાં ઉતર્યા છે. આ શબ્દો પણ પ્રકાશ પાથરે તેવા હોવાથી નૂતન વર્ષના પ્રારંભે માણવા જેવા છે. 

અંતર મમ વિકસિત કરો અંતરતર હે –

નિર્મલ કરો, ઉજ્જવલ કરો, સુંદર કરો હે.

જાગ્રત કરો, ઉદ્યત કરો, નિર્ભય કરો હે, 

મંગલ કરો, નિરલસ નિ:સંશય કરો હે.

નંદિતકરો, નંદિત કરો, નંદિત કરો હે.

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

તા.૧૮/૧૧/૨૦૧૯.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑