: વાટે….ઘાટે…. : : મોરારીબાપુની રામકથામાં યુવા કવિઓનો દબદબો :

દરેક કાળે અનેક સંદર્ભમાં એવી લાગણી ઘણાં લોકોને થયા કરે છે કે પહેલા હતી તેવી અનેક બાબતો આજે જોવા મળતી નથી. તેનો સતત વસવસો વાતચીતમાં પડઘાતો રહે છે. વડીલો મળે છે ત્યારે સામાન્ય રીતે વાતચીતનો એક સ્વાભાવિક દોર વહ્યા કરે છે. વડીલોની વાતચીતમાં મોટાભાગે પોતાના પછીની પેઢીના બાળકોના આહાર – વિહાર કે વર્તન અંગે સ્પષ્ટ કે ઘણીવાર છૂપો અણગમો ડોકાયા કરે છે. નિવૃત્ત સરકારી અમલદારો મળે ત્યારે પણ વાતચીતનો એક સામાન્ય વિષય રહે છે. તેઓ વખતોવખત એવું કહેતા સંભળાય છે કે તેઓ જ્યારે નોકરીમાં હતા ત્યારે સામાન્ય અરજદારો તરફ તેમનું વલણ કે વર્તન વધારે ઉષ્મા ભરેલું કે વિવેકી રહેતું હતું. વયસ્ક સર્જકો – સાહિત્યકારો કે કલાકારો પાસેથી પણ કેટલીકવાર આવીજ વાતો સાંભળવા મળે છે. તેઓ કહેતા હોય છે કે આજકાલના કવિઓ કે લેખકોની રચનાઓ કે સર્જનમાં ઊંડાણનો અભાવ દેખાયા કરે છે. 

ઉપર જણાવી છે તેવી વાતો સર્વ પ્રકારે અપ્રસ્તુત હોય તેમ કહેવું તો ઉચિત નહિ ગણાય. તેમાં સત્યનો અંશ હોઇ શકે છે પરંતુ તે પૂર્ણ સત્ય પણ નથી. કદાચ માનવીની પ્રકૃતિ એવી હશે કે તેને પોતાનું આત્મગૌરવ કરવાની લાલચ રહેતી હશે. તેમાં અપવાદરૂપ લોકો પણ હોય છે પરંતુ બીજાની લીટી નાની કરીને પોતાનું ગૌરવ વધારવાની આ પધ્ધતિ અતાર્કીક છે. મહદ અંશે સાચી પણ નથી. પહેલાની સ્થિતિ કરતાં ઘણી બાબતોમાં આજે સુધારો કે ઉપયોગી થાય તેવા પરિવર્તનનો થયા છે. આરોગ્ય ક્ષેત્રની વાત કરીએ તો પહેલાના સમયમાં આંખના મોતીયાનું ઓપરેશન પણ ભયજનક લાગતું હતું અને ઓપરેશન પછી પણ દિવસો સુધી દર્દી પોતાની સામાન્ય કામગીરી કરી શકતા ન હતા. આજે ‘ફેકો’ પધ્ધતિથી ઓપરેશન તથા પોસ્ટ ઓપરેશનના મોટાભાગના પ્રશ્નો ઉકેલાયા છે તથા સરળ બન્યા છે. કેન્સર જેવા ભયાવહ દર્દનું પણ સમયસર નિદાન થાય તો દર્દી સ્વસ્થ બનીને લાંબુ આયુષ્ય ભોગવી શકે છે. તબીબી સંશોધનોના પ્રતાપે સરેરાશ આયુ મર્યાદામાં પણ પ્રભાવક વધારો જોવા મળે છે. આથી દરેક પ્રકારે પહેલાનો સમયજ બરાબર હતો તેવું વિધાન પૂર્ણ સત્ય તરફ દોરી જતું નથી. એજ રીતે આધુનિક સમય અગાઉની સ્થિતિના સંદર્ભે શ્રેષ્ઠ છે તેવું વિધાન પણ કદાચ ઉતાવળિયું ગણાશે. દરેક મનુષ્યની જેમ દરેક સમયકાળના પણ સારા કે નબળા તત્વો હોય છે. આથીજ ગાંધીજીમાં વિનોબાજીને પ્રાચીન પરંપરાનું ફળ તથા નૂતન યુગના બીજના દર્શન થતા હતા. 

સતત પરિવર્તન પામતા સમય તથા કાળના સંદર્ભમાં ગુજરાતી સાહિત્ય તેમજ મુખ્યત્વે આપણી માતૃભાષામાં લખતા ગુજરાતી સર્જકોની સ્થિતિનો સારો એવો અણસાર હમણાંજ યોજાઇ ગયેલા એક મંગળ પ્રસંગમાં થયો. આ મંગળ અને કદાચ અદ્વિતિય કહી શકાય તેવો પ્રસંગ ગઇ દિવાળી બાદ નવા વર્ષમાં (નવેમ્બર-૨૦૧૯) થયો. આ મંગળ તેમજ સુવિખ્યાત પ્રસંગ પૂજ્ય મોરારીબાપુની ઉત્તરકાશીની રામકથાનો હતો. દેશના તેમજ વિદેશના અનેક ભાવકોએ મોરારીબાપુની પાવક રામકથાનો આ પ્રસંગ પ્રત્યક્ષ તેમજ લાઇવ ટેલીકાસ્ટ દ્વારા અપ્રત્યક્ષ રીતે આદર તેમજ શ્રધ્ધાના ભાવથી માણ્યો. બાપુની આ રામકથામાં ગુજરાત તેમજ કેટલાક અન્ય રાજ્યોના લેખકોએ તેમજ કવિઓ બાપુના સ્નેહ નિમંત્રણથી ઉત્સાહપૂર્વક હાજર રહ્યા હતા. લગભગ ૨૫૦ જેટલા સર્જકોએ નવ દિવસીય રામકથામાં હાજર રહીને સમય તેમજ વ્યવસ્થાની અનુકૂળતા પ્રમાણે પોતાની કૃતિ રજૂ કરી હતી. દરેક કવિને સાંભળીને તેમને પ્રોત્સાહિત કરવાનો બાપુનો આગ્રહ એ સમગ્ર આયોજનમાં કેન્દ્રસ્થાને હતું. બાપુની ઇચ્છા પ્રમાણેનું સુચારું આયોજન જહેમત અને કાળજીપૂર્વક હરિશ્ચન્દભાઇ જોશીએ કર્યું હતું. જે સર્જકો આ રામકથામાં જોડાયા હતા તેમાંના મોટાભાગના સર્જકો યુવાન વયના હતા. આ બાબત ખૂબજ નોંધપાત્ર છે. આ દરેક યુવા કવિની રચનામાં વધતા ઓછા અંશે એક પ્રકારની ચમત્કૃતિ હતી. યુવા સર્જકોનો આત્મવિશ્વાસ પણ આપણાં સાહિત્યની ઉજળી આવતીકાલનો અણસાર આપતી હતી. જે નવયુવાન કવિઓને આજની વ્યવસ્થામાં મંચ સહેજે ઉપલબ્ધ ન થાય તેવા તરવરીયા કવિઓને પોતાની કળા છૂટથી પ્રસ્તુત કરવા માટેની તક તથા પ્રોત્સાહન આપવાનો બાપુનો પ્રયાસ વંદન કરવાને પાત્ર છે. આ ઉપરાંત જે સર્જકો ઘણાં વર્ષોથી કાવ્ય સર્જન કરે છે અને પોતાની કવિત્વ શક્તિથી સુવિખ્યાત થયા છે તેવા વરિષ્ઠ સર્જકો સાથે પણ મુક્ત સંવાદનો લાભ યુવા સર્જકોને ઉત્તરકાશીમાં મળ્યો હતો. એક રીતે વ્યાસપીઠની પાવન નિશ્રામાં યોજાયેલો કવિઓ માટેનો આ એક વર્કશોપ પણ હતો તેમ કહીએ તો અનુચિત નહિ ગણાય. કવિઓની પ્રસન્નતા થકી પ્રસંગ વિશેષ અર્થસભર બન્યો હતો. ગુજરાતી કે કોઇપણ પ્રાદેશિક ભાષાનું ભાવિ તે ભાષાના સર્જકો તેમજ મર્મીભાવકો પર રહે તે સ્વાભાવિક છે. ઉત્તરકાશીની રામકથામાં અનેક યુવા સર્જકોને સાંભળતા એમ લાગે છે કે ગુજરાતી ભાષા કે સાહિત્યનું ભવિષ્ય ઉજ્વળ છે. પ્રશ્નો તથા સમસ્યાઓ તો છેજ. પરંતુ તદ્દન નિરાશ થવું પડે તેવી સ્થિતિ નથી. ઇન્ટરનેટના બળવાન તથા અસરકારક માધ્યમથી વિશેષ કરીને વિશાળ યુવાનવર્ગ સુધી પહોંચવાની તક તથા પડકાર આપણા આ યુવા સર્જકો સામે ઊભી છે. આપણી ભાષાના જે વરિષ્ઠ સર્જકો છે તેમના માર્ગદર્શન તથા પ્રોત્સાહનથી આ કાર્ય વિશેષ સરળ બની શકે છે. ગુજરાતી વાણીના વકીલ ‘દલપતરામ’ ઉત્તરકાશીમાં થયો તે પ્રયાસથી પ્રસન્ન થયા હશે.

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

તા.૧૮/૧૧/૨૦૧૯.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑