: સંસ્કૃતિ : : સાંઇ મકરંદની પાવન સ્મૃતિ :

મકરંદભાઇની સ્મૃતિ ગુજરાત વિસરી શકે તેવી નથી. જ્યારે જ્યારે જીવનમાં અને સબંધોમાં સ્નેહનું સિંચન થશે ત્યારે ત્યારે સાંઇ મકરંદનું સતત સ્મરણ થયા કરશે.

નેહની નજરું મળિયું

આપણું ત્યાં ફળ્યું ફળિયું.

મહાત્મા ગાંધીએ કોશિયાને પણ સમજાય તેવી ભાષામાં લખવા સાહિત્યના સર્જકોને સૂચવ્યું હતું. મકરંદભાઇ તેમની ભાષાની આગવી સરળતા તથા ઓલિયાના મીજાજથી પ્રગટ્યા છે અને મહોરી ઊઠ્યા છે. 

સાહિત્યના અનેક સ્વરૂપોમાં મકરંદભાઇનું પ્રદાન વિશિષ્ટ છે. આ બધામાં પણ ભજનવાણી કે સંતવાણીમાં સાંઇ વિશેષ ખીલી ઊઠ્યા હોય તેમ લાગ્યા કરે છે. હરજી ભાટીએ લખ્યું છે : 

ભજન વિના મારી

ભૂખ ન ભાંગે

સમરણ વિના તલપ

ન જાય રે….

ભજન તરફના આ વિશેષ લગાવની એક ચોક્કસ પૂર્વભૂમિકા સાંઇના મનમાં ધરબાઇને પડી છે. ભજન એ આમતો સંતો તથા ભક્તોના મુખેથી સહજ ભાવે પ્રગટેલી વાણી છે. સદીઓથી નિરંતર વહેતી આ વાણીનો પ્રવાહ ઝાંખો પાંખો થયો નથી. ભજન એ ભક્તોના તંબુરના ધીમા નાદ સાથે અંતરમાંથી સ્વયં ઉદ્દભવેલી વાણી છે. તેની સરળતા એજ તેની શક્તિ છે. આ દુર્ભેદ વાણી નથી. સામાન્ય માનવી પણ પોતાનો અંતરનો અવાજ તેમાં સાંભળે છે. તેથીજ તે આ વાણીના પ્રવાહમાં ભીંજાતો રહે છે. ‘‘યોગના પાતાળકૂવા કે જ્ઞાનના માનસરોવર કરતા ઘર આંગણે તેમજ ખેતર વાડીએ ઊમટી આવતો આ ભક્તિનો શ્યામઘન મેહુલો જોઇ જનસામાન્ય નાચી ઊઠે છે. ’’ (મકરંદભાઇ) રામનામના આ વસાણાનો વેપાર નરસિંહ સહિતના અનેક સંતોએ – ભક્તોએ અંતરના ઉમળકાથી કર્યો છે. જગતના તમામ માનવીઓને માનવીઓને આકર્ષે તેવું આ મૂલ્યવાન વસાણું છે. નહસિંહ લખે છે : 

અમે રે વહેવારીયા રામનામના

વેપારી આવે છે અહીં બધા ગામગામના

લાખ કરોડે લેખા નહિ

પાર વિનાની પુંજી

વહોરવું હોય તો વહોરી લેજો

કસ્તુરી છે સોંઘી… સંતો અમે રે…

સંત સાહિત્ય જેમજ લોકસાહિત્યના મહાસાગરમાં પણ સાંઇ મકરંદ વિહર્યા છે અને મહોરી ઊઠ્યા છે. લોકસાહિત્યમાંતેમને દુહાની દુનિયાનું આકર્ષણ રહેલું છે. દુહાને દસમો વેદ કહીને તેઓ લખે છે કે દુહાની દુનિયા સંસાર જેટલી વિશાળ છે. સાહિત્યની તમામ રસોમાં દુહો પ્રગટ થયો છે. દુહો એ વેદનાનો ચિત્કાર છે તો નવા જન્મની વધાઇ પણ છે. દુહામાં સ્થિતિ પલટ કરવાની શક્તિ છે. રાજકોટ રેડીયો સ્ટેશનના રેકોર્ડેડ લોકગીતની શરૂઆતમાં કે અંતમાં હેમુ ગઢવીના ઘૂંટાયેલા કંઠથી જે દુહો લલકારવામાં આવે છે તેનાથી પ્રસ્તુતિની એક અનેરી શોભા ઊભી થાય છે તે સૌને સુવિદિત છે. રાજસ્થાનના દિગ્ગજ દેશભક્ત કવિ ઠાકુર કેસરીસિંહજીએ ઉદેપુરના મહારાજા ફત્તેસિંહજીને ચેતવણીના દુહા (સોરઠા) લખીને લોર્ડ કર્ઝનના દિલ્હી દરબારમાં હાજર થતા રોક્યા હતા. દુહાની નાની પંક્તિ કે ગઝલના એક નાના શેરમાંમોટા વિષયવસ્તુને ધારદાર રીતે કહેવાની સચોટ શક્તિ હોય છે. આણંદ કરમાણંદના પ્રસિધ્ધ દુહાઓમાં એક લોકપ્રિય થયેલો દુહો છે : 

આણંદ કહે કરમાણંદા

કયો ભલેરો દેશ ?

સંપત હોય તો ઘર ભલો

નહિતર ભલો પરદેશ.

કવિ દલપતરામના એક દુહામાં સંગ્રામમાં દાખલ થતા પહેલા રાખવાની સાવચેતીની વાત કરી છે. 

સજવો નહિ સંગ્રામ,

સજવો તો સજવા પછી

દિલમાં દલપતરામ

ડરવાથી મરવું ભલું.

છેલ્લા સો એક વર્ષના સાહિત્ય સર્જનમાં પત્રવ્યવહારના કેટલાક જ્વલંત તથા સદાકાળ માર્ગદર્શક બની શકે તેવા ઉદાહરણો છે. પંડિત નહેરુજીના પુત્રી ઇન્દીરાજી પરના પત્રો કે ગાંધીજી તથા સર પટ્ટણી વચ્ચેનો પત્રવ્યવહાર એ આવાજ ઉજળા દાખલા છે. સ્વામી અને સાંઇ – સ્વામી આનંદ તથા મકરંદ દવે વચ્ચેના પત્રો પણ આવોજ એક ઉમદા તેમજ દીર્ઘકાળ સુધી પ્રસ્તુત રહી શકે તેવો જાણીતો ઉપક્રમ છે. વિદુષીબહેન હિમાંશી શેલતે તેનું સુપેરે સંકલન કરેલું છે. પોતાના કાળની ગતિવિધિઓ સાથે થોડું અંતર રાખીને બન્ને મહાનુભાવો હર્યું ભર્યું જીવન જીવી ગયા પરંતુ તેમ છતાં બન્ને આસપાસની સ્થિતિ પરત્વે ઉદાસીન નથી. દિગ્ગજ રાજકીય નેતાઓમાં પણ દ્રઢતાથી પ્રજાકલ્યાણની ભાવનાની વાત કરવાની શક્તિ નથી તેવી બાપુના સાથી સ્વામી આનંદની વાત કેટલી યથાર્થ છે ?

સ્વામી તથા સાંઇ વચ્ચેના પત્રવ્યવહારમાં બન્નેની વાણી કેવી ધીંગી છે તેનો સહજ પરિચય થાય છે. આ વાણી પાંડિત્યના બોજથી વાંકી વળી ગયેલી નથી. સૌરાષ્ટ્રની આ ધીંગી વાણી છે. સ્વામી તથા મકરંદભાઇના ધારદાર શબ્દો તળમાંથી પ્રગટ થતાં હોય તેવા છે. સરદાર સાહેબે આવી ધારદાર ભાષાના સમુચિત પ્રયોગથીજ બારડોલીના ગામડાઓને બ્રિટીશ હકૂમત સામે ઊભા કરી દીધા હતા. આવા પ્રાણવાન શબ્દોમાં મકરંદભાઇએ ટાંકેલા એક ભજનના કેટલાક શબ્દો ફરી ફરી સાંભળવા – માણવા ગમે તેવા છે. વિચારપ્રેરક વાત તેમાં વણી લીધી છે. 

અંગારા ઓલાણા અવધૂત ઊઠીયા

પડી રહી પછવાડે રફરફતી રાખ,

એવી રે ધૂણીમાં જીવતર જોગવ્યે

પલટે પ્રાણ શેણે મથી મરે લાખ !

અનોખા ચેતાવો આતમ ઇંધણાં.

ઉપરના ભજનના ભાવ તેમજ તેનો સંદેશ કોઇપણ કાળે પ્રસ્તુત છે. આથી આવા ભજનના સંદર્ભમાં સાંઇ મકરંદને રંગ દેતાં સ્વામી આનંદ લખે   છે : ‘‘ તમારું ભજન આવે ત્યારે એકાદ દિવસ એનો નશો રહેતો હોય છે. ’’

બંગાળના કોઇ બાઉલના ભાથામાંથી ટપકી પડેલા તીર જેવા મકરંદભાઇના શબ્દો છે. તેઓ ચીતરેલા ચીલે ચાલ્યા નથી. પોતાના કેડાનું નિર્માણ એમણે સ્વસાધનાના બળે કરેલું છે : 

આમાર પાખીર જાત

આમાર હેટે ચલાંર

ભાઓ જાનિ ના,

આમાદેર ઉડે ચલાર ધાત.

‘‘અમે તો પંખીની જાતના કહેવાઇએ

અમારા કંઈ પગપાળા રસ્તા નથી

અમે તો ઊડી નીકળીએ.

કવિ શ્રી મકરંદભાઇ જાન્યુઆરી–(31-01-2005)માં મહાપ્રયાણ કરી ગયા. પરંતુ તેમના સર્જનો થકી તેઓ જીવતા જાગતા છે. જાન્યુઆરીમાં અનેક ભજનાનંદીઓને મકરંદ સ્મૃતિ સવિશેષ થતી હશે. 

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

તા.૨૧/૧૦/૨૦૧૯.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑