: સંસ્કૃતિ : : શિક્ષણ તથા કળાના આજીવન ઉપાસક : કાકાસાહેબ કાલેલકર:

સાબરમતી એટલે અમદાવાદને ભીંજવીને આગળ વધતી માત્ર નદી નથી પરંતુ તેના યથાર્થ ભાતીગળ વૈભવનું દર્શન કરવા માટે ‘સવાઇ ગુજરાતી’ કાકાસાહેબ કાલેલકરે લખેલી વાત કાન દઇને સાંભળવા જેવી છે. કાકાસાહેબ લખે છે : 

જ્યાં સુધી ભારતનો ઇતિહાસ દુનિયાને બોધદાયક હશે અને ભારતના ઇતિહાસમાં મહાત્માજીનું સ્થાન કાયમ હશે ત્યાં સુધી સાબરમતીનું નામ દુનિયાને મોઢે ચડેલું રહેશે.

ગાંધી ગૌરવ સાથેજ સાબરમતીનું ગૌરવ અભિન્ન રીતે જોડાયેલું છે તે આ નદી તેમજ ‘નદીની રેતમાં રમતા નગર’ માટે સદ્દભાગ્યની બાબત છે. કાકાસાહેબ સાબરમતીને ‘ગુર્જરમાતા’ તરીકે સંબોધન કરીને લખે છે. ગુજરાત વિદ્યાપીઠના કેટલાક વિદ્યાર્થીઓ દેશ સ્વતંત્ર થયો તે પૂર્વે કાકાસાહેબને માર્ગદર્શન માટે મળે છે. વિદ્યાર્થીઓ ગાંધીની લડતના રંગે રંગાયેલા છે. કાકાસાહેબને આવી પૂછે છે : ‘‘ અમારે એક માસિક શરૂ કરવાનું છે. માસિકનું નામ શું રાખીએ ?’’ વિદ્યાર્થીઓ કાકાસાહેબનો જવાબ સાંભળવા ઉત્સુક બનેલા છે. કાકા લખે છે. તેઓ એ સમયમાં (નામ પાડવાનું) ફઇબાનું કામ પણ   કરતા ! કાકાસાહેબે શિઘ્ર જવાબ આપ્યો : ‘‘સાબરમતી’’. સાબરમતી નામ યુવાનોને રુચ્યુંનહિ. તેઓ વિચારતા હતા. ‘‘સાબરમતી તો આપણી હમેશની નદી. રોજ તેમાં આપણે નાહીએ છીએ. એમાં તે વળી નાવીન્ય શું છે ? કાકાસાહેબે યુવાનોને આપેલો જવાબ સ્મૃતિમાં રહી જાય તેવો છે. કાકાએ કહ્યું : ‘‘ સાબરમતીનો પ્રવાહ સનાતન છે અને તેથીજ તે નિત્ય નૂતન છે.’’ યુવાનોએ તો કાકાસાહેબનું માન જાળવવા માટે તેમની વાત સ્વીકારી હતી. વિદ્યાર્થીઓનો સબંધ સાબરમતી સાથે સ્વેચ્છાએ બંધાય તે માટે કાકાસાહેબે પોતાના સાથી અને ગાંધીજીના ચૂસ્ત અનુયાયી નરહરિભાઇને કહી સાબરમતી પર એક લેખ લખાવ્યો. આબુ પર્વતની આ જ્યેષ્ઠ તથા શ્રેષ્ઠ નદી પરનો સુંદર લેખ વાંચીને વિદ્યાર્થીઓની સૂતેલી ભાવના જાગૃત થઇ. ‘‘સાબરમતી’’ નામ પોતાના માસિક માટે તેમણે હરખભેર સ્વીકાર્યું. લોકમાતા સરિતાઓનું સતત દર્શન કરીને કાકાસાહેબનું ગદ્ય પાંગરેલું છે. કુદરતી પ્રવાહો તેમજ કુદરતના અસંખ્ય સ્વરૂપોને કાકાસાહેબે માણ્યાં છે તેમજ પોતાના લખાણોમાં ઉતાર્યા છે. નદીઓ – સરોવરો – પહાડો તેમજ ખેતરોનું ખુલ્લી આંખે દર્શન કરીને કાકાસાહેબ હળવાફૂલ થયા છે. તેમના જીવનમાં રસવૃધ્ધિ થઇ છે. આપણી આસપાસની આ કુદરતી દુનિયા સાથેનું જોડાણ નબળું પડતાં કે તેનો વિચ્છેદ થતાં આપણે આપણાં મૂળિયાથી દૂર ધકેલાઇ ગયા છીએ. કર્ણ્વ ઋષિની પાલક પુત્રી શકુંતલાને પણ મહારાજા દુષ્યંતના રાજ્યમાં જતી વખતે વનસ્પતિ તથા પ્રાણી શ્રૃષ્ટિ સાથે વિચ્છેદાયાની વેદના છે. કાકાસાહેબના લખાણોનું અખંડ અનુસંધાન કુદરતની ફેલાયેલી સૃષ્ટિ સાથે જોડાયેલું છે. આ જોડાણ જીવન પર્યંત રહેલું જોઇ શકાય છે. પોતાની જેલયાત્રા દરમિયાન પણ ચાર દિવાલો વચ્ચે કાકા પોતાની આનંદયાત્રા ચાલુ રાખી શક્યા. કારણ કે આનંદના અસંખ્ય અનુભવો તેમના ઊંડા હૈયે ધરબાયેલા અને જીવંત રહ્યા હતા. કાકાસાહેબના લખાણોમાં ઉભરાતી રહેલી છટા તેમની કૃતિઓને કાવ્યની કક્ષાએ પહોંચાડે છે તેવો વિદ્વાનોનો મત યથાર્થ છે. ૧૮૫૫ના ડીસેમ્બર માસમાં જન્મ લેનાર સાહિત્યના આ ગુરુશિખરનો સર્જન વૈભવ વઆજે પણ જગતના ચોકમાં ઝળહળે છે. ૧૯૬૦માં તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે વરણી પામ્યા હતા. પધ્મવિભૂષણથી સન્માનિત કાકા આજીવન અધ્યાપક રહી શક્યા હતા. ૧૯૮૧ના ઓગસ્ટ માસમાં તેઓ આ ધરતી પરથી ચિરવિદાય લઇને ગયા હતા. કિશોરલાલ મશરૂવાલાએ લખ્યું છે તેમ કાકાસાહેબ જીવનભર ભણાવવાનો, લખવાનો તેમજ બોલવાનો સતત પુરુષાર્થ કરેલો છે. ‘‘કાકાસાહેબ એટલે જ્ઞાનને ચારે દિશાએથી તેમજ વિસ્તૃત રીતે જોનાર તેમજ પચાવનાર રત્ન સમાન વ્યક્તિત્વ.’’ લીલાવતી મુનશીની આ વાત કાકાના જીવનકાર્યને બંધ બેસતી છે. સ્વરાજ્ય મેળવ્યા પછી શું કરશો એ પ્રશ્નના જવાબમાં કાકાસાહેબ કહેતા : ‘‘આપણે તો શિક્ષક રહી પ્રજામાં પ્રાણ ફૂંકવાનું કામ કરવું છે.’’

ગાંધીયુગની આકાશગંગામાં પર્ણકળાએ ખીલેલા અનેક ઝળાહળા વ્યક્તિત્વોમાં કાકાસાહેબનું નામ અગ્રહરોળમાં મૂકવું પડે. બાપુના પ્રત્યક્ષ અને પરોક્ષ સંપર્ક થકી તેમની કલમ ખીલતી અને સતત વિકસતી રહી છે. જન્મે મરાઠી ભાષી હોવા છતાં ‘‘ગુજરાતી ભાષાને ભાષાને આત્મગત કરી અપૂર્વ દક્ષતાથી પ્રયોજનાર કાકા બહુશ્રુત વિદ્વાન હતા.’’ તેમ સુન્દરમે લખ્યું છે.

હિમાલય તરફનો કાકાસાહેબનો વિશિષ્ટ લગાવ છે. જો કે હિમાલયમાં કોઇક એવી અદ્દભૂત શક્તિ છે કે અનેક લોકોને સદીઓથી તેના તરફ આકર્ષણ રહેલું છે. સ્વામી આનંદની હિમાલયની રઝળપાટ સુપ્રસિધ્ધ છે. કાકાસાહેબે પોતાને જીવનભરના રખડુ તરીકે ઓળખાવ્યા છે. હિમાલયની ભવ્યતા કાકાના શબ્દોમાં ઝળકી ઉઠી છે. કાકાસાહેબ લખે છે : 

‘‘આ હિમાલયે શું નથી જોયું ? પૃથ્વી પરના અસંખ્ય ધરતીકંપ તથા આકાશના હજારો ધૂમકેતુને તેણે નિહાળ્યા છે. મહાદેવના વિવાહ એણેજ કરી આપ્યા છે. પાંડવોની મહાયાત્રા એણેજ સફળ કરી છે. સત્તાવનની સાલના (૧૮૫૭) પરાક્રમના શિકસ્ત મળવાથી હતાશ તેમજ નાસીપાસ થયેલા વીરો તથા મુત્સદ્દીઓને હિમાલયેજ આશ્રય આપ્યો છે…. આર્યાવર્તના એક એક જમાનાના પુરુષાર્થ હિમાલય જાણે છે.’’

કાકાસાહેબનું હિમાલયનું વર્ણન વાંચીને ઇકબાલના અમર શબ્દો –‘‘વહ સંતરી હમારા વહ પાસર્બાં હમારા’’ યાદ આવે. ૧૯૬૨ના યુધ્ધમાં મૃત્યુને વહાલું કરનાર અનેક વીરોને જોઇને નગાધિરાજે પીડાનો ભાવ અનુભવ્યો હશે. પહાડો કે નાની મોટી ટેકરીઓ પણ આપણાં ઇતિહાસનો એક અભિન્ન ભાગ છે. કાકાસાહેબના ગદ્ય થકી હિમાલય તરફ જોવાની એક વિશેષ દ્રષ્ટિ કેળવાય છે.

ગાંધીના જીવનમાંથી પ્રેરણા લઇને પોતાનું ઘડતર કરનાર કાકાસાહેબ આપણું અમૂલ્ય બૌધ્ધિક રત્ન છે. આપણાં આ પરિવ્રાજક આચાર્યની સ્મૃતિ કદી વિસરી શકાય તેવી નથી. કાકાસાહેબે જગતને સૌંદર્યદ્રષ્ટિથી જોયું તેમજ અનુભવ્યું. આ સૌંદર્યનો મહાપ્રસાદ તેઓ આપણાં સુધી પહોંચાડીને ગયા. ડિસેમ્બરની શિતળતામાં કાકાસાહેબ કાલેલકરની સ્મૃતિ ઉષ્માનો સુખદ અનુભવ કરાવે છે. 

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

તા.૨૧/૧૦/૨૦૧૯.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑