એક વિશાળ વટવૃક્ષ સમાન વ્યક્તિત્વના સ્વામી દેશના સરદાર વલ્લભભાઇ પટેલના જીવનના છેલ્લા દિવસોની ગતિવિધિઓ રાજમોહન ગાંધીની કલમે માણવા જેવી છે. ભીષ્મ પિતામહની બાણશૈયા જેવો અનુભવ બાપુને તેમના છેલ્લા દિવસોમાં દિલ્હીમાં થતો હતો. તેજ રીતે દેશના નવસર્જના ભગીરથ કાર્યની પૂર્ણાહુતિ થયા બાદ સરદાર સાહેબને પણ કેટલીક બાબતોમાં જે ગતિવિધિ ચાલતી હતી તે પરત્વે નારાજગી હતી. શારીરિક તકલીફો સરદાર સાહેબને ઘેરી વળી હોય તેમ સૌ કોઇ અનુભવી શકતા હતા. જોકે અતિશય થાકેલા તથા બીમાર હોવા છતાં વલ્લભભાઇએ ૧૪ નવેમ્બર-૧૯૫૦ના રોજ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના જન્મદિવસે તેમને જન્મદિવસની શુભેચ્છાનો પત્ર પોતાના હસ્તાક્ષરમાં લખ્યો હતો. બાપુની છેલ્લી ઇચ્છાને માન આપવાનો તથા સબંધોમાં ગરીમા જાળવી રાખવાનો સરદાર સાહેબનો આ પ્રયાસ તેમના વ્યક્તિત્વની ઊંચાઇને ઉજાગર કરનારો છે. આજ માસની ૨૩મી તારીખે પંડિત નહેરુ સરદારને મળવા આવે છે ત્યારે વલ્લભભાઇ તેમને સહજ નિખાલસતાથી કહે છે : ‘‘ મને થોડી શક્તિ આવે અને હું થોડો શ્રમ વેઠી શકું ત્યારે મારે તમારી જોડે એકાંતમાં વાત કરવી છે.. ’’ વિધિને કદાચ આવી નિખાલસ ચર્ચાનો ઉપક્રમ મંજૂર ન હતો. ૧૯૫૦ના ડિસેમ્બરની પાંચમી તારીખે મણીબહેને સરદાર સાહેબને ગણગણતા સાંભળ્યા. મણીબહેને સાંભળ્યું કે પિતા શાયર નઝીરની જાણીતી પંક્તિ ગણગણાવતા હતા. ‘‘ હૈ બહારે બાગે દુનિયા ચંદરોઝ.. ચંદરોઝ ’’ મણીબહેન ભાંગી પડ્યા હતા, પરંતુ બહારથી મજબૂત રહેવાનો પ્રયાસ કરતા હતા. થોડા દિવસ બાદ મણીબહેને આ લોખંડી પુરુષ ગાતા હતા તે બીજી એક જાણીતી પંક્તિ સાંભળવા મળી : ‘‘ મંગલ મંદિર ખોલો, દયામય મંગલ મંદિર ખોલો ’’ સરદારની સારવાર કરતા ડૉ. નાથુભાઇ પટલે હળવાશથી કહ્યું : ‘‘ દરવાજો ઊઘડે તેમ નથી. એક નહિ પણ બે ત્રણ તાળાં લાગેલા છે. ’’ વલ્લભભાઇએ પોતાના ગુલાબી સ્વભાવને છાજે તેવી હળવાશથી જવાબ આપ્યો : ‘‘ દસ તાળા લાગ્યા હશે તો પણ દરવાજો ઊઘડી જશે. ’’ આવનારા મુકામનો અંદાજ આ સમર્થ પુરુષને આવી ગયો હતો. સરદાર સાહેબના સાથીઓને પણ આ અંદાજ આવી ગયો હતો. તેમને ખાસ વિમાનમાં મુંબઇ લઇ જવામાં આવ્યા ત્યારે રાષ્ટ્રપતિ તેમજ પ્રધાનમંત્રીની વિમાની મથકે હાજરી સૂચક હતી. મુંબઇમાં તેમણે મહાપ્રયાણ કર્યું. અંતિમ શ્વાસ ભરતાં પહેલા થોડો સમય ભાનમાં આવ્યા ત્યારે મણીબહેને તેમને પાણી પાયું. પ્રતાપી પિતાએ વીર પુત્રીની સામે છેલ્લીવાર સ્નેહપૂર્વક જોઇને ધીમા સ્વરે પાણી પીધા પછી કહ્યું : ‘‘ ગળ્યું લાગે છે. ’’ મણીબહેને તેમને ગંગાજળમાં મધ ભેળવીને પાણી પાયું હતું.
સરદાર સાહેબના અનેક અવિસ્મરણીય કાર્યોમાં જૂનાગઢનું ભારત સાથેનું જોડાણ તેમજ સોમનાથ મંદિરના પુન: નિર્માણનું કાર્ય શિરમોર ગણી શકાય તેવું છે.
દેશના મુક્તિ સંગ્રામનો ઇતિહાસ જેમ રસપ્રદ તથા જીવંત કથા છે તેવીજ રીતે આઝાદી મળી તે સમયના કેટલાક બનાવો પણ થ્રીલર કહી શકાય તેવા છે. સારા તેમજ માઠા પ્રસંગોના ન્યાયપૂર્ણ આલેખનથીજ ઇતિહાસનું નિર્માણ થાય છે. આવો એક પ્રસંગ જૂનાગઢનો હિન્દ સરરકાર સાથેના જોડાણનો છે. ૨૩ સપ્ટેમ્બર-૧૯૪૭ ના દિવસે સરદાર સાહેબ પરના એક પત્રમાં પંડિત જવાહરલાલજી ગુજરાત રાજ્યના જૂનાગઢની ઝડપથી બદલાતી જતી સ્થિતિ અંગે લખે છે. તેમાં પંડિતજી એમ પણ લખે છે કે આ બાબત ભારત – પાકિસ્તાનના સંબંધને લગતી મહત્વની સમસ્યા છે. આ બાબતમાં જે કાર્યવાહી થાય તેમાં વિદેશ ખાતાને જાણકારીમાં રાખવામાં આવે તેમ પણ પ્રધાનમંત્રીશ્રી સૂચવે છે. પરિસ્થિતિ પણ વાસ્તવમાં ઝડપથી બદલે છે. ૧૦ નવેમ્બર-૧૯૪૭ના દિવસે ભારત સરકારના દેશી રાજ્યોના ખાતાના તત્કાલિન સચિવ વી. પી. મેનન પર દેશી રાજ્યોના ખાતાના સંયુક્ત સચિવ એન. એમ. બૂચનો તાર સંદેશો જાય છે. તેમાં જૂનાગઢ પર કબજો મેળવ્યાની વાત લખવામાં આવી છે. આ સાથેજ વિચક્ષણ વહીવટકર્તા અને મક્કમ નિર્ણય કરવા માટે જાણીતા સરદાર સાહેબનો લૉડૅ માઉન્ટબેટન પરનો તા.૨૯ નવેમ્બર-૧૯૪૭ નો પત્ર સરદાર સાહેબની જાગૃતિ તથા વૈચારિક સ્પષ્ટતાને ઉજાગર કરે છે. આ પત્રમાં માંગરોળ તથા બાબરિયાવાડ નામના જૂનાગઢના નવાબી શાસન હેઠળના બે રાજ્યોને ભારત સરકાર સાથે જોડાણ કરવાનો નિર્ણય લેવાની સત્તાછે તેનું સમર્થન સ્પષ્ટ શબ્દોમાં સરદાર પટેલે કરેલું છે. લિયાકતઅલીખાનનો મત તેનાથી જૂદો હતો. સરદાર પટેલ લિયાકતઅલીખાનના મંતવ્યને તાર્કીક દલીલોથી અમાન્ય રાખે છે તેમજ તેનો સ્પષ્ટ દલીલોથી રદિયો પણ સરદાર સાહેબે માઉન્ટબેટન પરના આ પત્રમાં લખેલો છે. અંતે જૂનાગઢનો પ્રશ્ન દેશના હિતમાં લોકલાગણી અનુસાર ઉકેલવામાં આવે છે. એક વિશાળ દેશના પ્રમાણમાં નાના પ્રદેશમાં થયેલ રાજકીય ગતિવિધિઓની આ વાતો રાજમોહન ગાંધી, વી. શંકર તથા નવજીવન ટ્રસ્ટની કાળજી કાળજીપૂર્વકની મહેનત થકી આપણા સુધી પહોંચી છે. આરઝી હકૂમત તથા શામળદાસ ગાંધી અને તેમના સમર્થ સાથીદારો પણ આ ઉજળા ઇતિહાસનું એક અભિન્ન અંગ છે. જૂનાગઢના પ્રશ્નનો ઉકેલ થયા પછી સરદાર સાહેબ જૂનાગઢ ગયા. ભારતીય સેના તથા આરઝી હકૂમતની કામગીરીની તેમણે પ્રશંસા કરી. જૂનાગઢથી સરદાર સાહેબ સોમનાથ ગયા. લોક સહયોગ તેમજ એક સ્વતંત્ર ટ્રસ્ટના માધ્યમથી મંદિરના પુન: નિર્માણનું કાર્ય ઐતિહાસિક કાર્ય સંપન્ન થયું. ૧૯૫૧ના વર્ષમાં જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠાવિધિ ભારતના રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદે કરી. પશ્ચિમ ભારતની શોભા વધારનારું આ રમણિય તીર્થસ્થાન મહાસાગરની ગર્જનાઓને ઝીલતું આજે પણ ઉન્નત મસ્તકે ઊભું છે. આજે એક વર્ષમાં લગભગ એક કરોડ લોકોની મુલાકાતથી આ તીર્થસ્થાનની ગરીમા અભૂતપૂર્વ રીતે વૃધ્ધિ પામી છે.
સરદાર પટેલના નિર્ણય તેમજ મહાત્મા ગાંધીના આશીર્વાદથી આઝાદ દેશમાં સોમનાથ મંદિરના પુન: નિર્માણનું કાર્ય વિશિષ્ટ સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. મુનશી તેમજ મોરારજી દેસાઇ જેવા મહાનુભાવોની મહેનત તથા વિચક્ષણ ભૂલી શકાય તેવા નથી. સોમનાથ એ સરદાર સાહેબની ચિરંજીવી સ્મૃતિનું ભવ્ય કેન્દ્ર છે.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
તા.૧૪/૧૦/૨૦૧૯.
Leave a comment