: વાટે….ઘાટે…. : : વૃધ્ધાવસ્થા : મંગળમય યાત્રાનો એક સ્વાભાવિક પડાવ :

ગાંધીનગર આમ તો સરકારી નોકરી કરનારા લોકોનું નવું વસાવેલું નગર છે. અમદાવાદથી રાજ્યનું સચિવાલય ખસેડવાનું નક્કી થયું ત્યારે ગાંધીનગરને વસાવવા માટેની ઉચિત જગાની શોધ નિષ્ણાતોએ કરી. આજની સ્થિતિમાં જોઇએ તો હવે માત્ર સરકારી બાબુઓના નગરની વ્યાખ્યામાં આ શહેરને બાંધી શકાય તેવું નથી. અનેક જાણીતી શૈક્ષણિક સંસ્થાઓને કારણે આ નગર પચરંગી બની ગયું છે. તેમ થવું તે વિકાસની પ્રક્રિયામાં સ્વાભાવિક છે. અહીંની એક વિશિષ્ટ વાત પણ પેન્શન વિભાગ સંભાળતા એક અનુભવી અધિકારીએ કરી. તેમણે કહ્યું કે થોડા વર્ષો પહેલા પેન્શન મેળવતા હોય અને ૮૦ વર્ષની વય વટાવી ગયા હોય તેવા જૂજ લોકો હતા. અમે તેમને નામથી ઓળખતા હતા. તેઓ કહે કે આજે આ સ્થિતિ નથી. ૮૦ + ઉમ્મરના અનેક લોકો પેન્શન મેળવે છે. આથી જેટલા લોકો સક્રિય સેવામાં છે તેટલાજ કે તેથી થોડા ઓછા – વધારે લોકો પેન્શન મેળવે છે ! આથી એક વાત સ્પષ્ટ છે કે જીવનની સંધ્યાએ પહોંચેલા આ મોટા સમૂહની જરૂરિયાતોનો વિચાર માત્ર ગાંધીનગરમાંજ નહિ પરંતુ સમગ્ર દેશ કે રાજ્ય માટે કરવાની જરૂર છે. પ્રયાસો થયા નથી તેમ કહેવું ઉચિત્ નહિ ગણાય. પરંતુ DYNAMIC અને MULTY CORNERED બાબત હોવાથી આ સમસ્યાનો સતત અભ્યાસ થવો જરૂરી છે. ઉમ્મરલાયક વ્યક્તિઓની આવકના નિશ્ચિત સ્ત્રોત એ મહત્વનું છે પરંતુ તેનાથી ઇતિશ્રી આવી જતું નથી. આર્થિક સમસ્યાઓ સિવાયના પણ અનેક પ્રશ્નો અંગે સમાજ સતત વિચારતો રહે તે કદાચ સમયનો તકાજો છે. જીવનના અઠ્ઠાવન વર્ષ પૂરા થયા પછી વિદુષી મીરાબહેન ભટ્ટ (ભાવનગર) લખે છે : ‘‘ મને અઠ્ઠાવન પૂરા થયા. જેમ જેમ જીવનની ગહન ગહરાઇઓમાં ઊંડા ઊતરતા જવાનું સૌભાગ્ય સાંપડે છે તેમ તેમ જીવન એનું અભૂતપૂર્વ સૌંદર્ય, માધુર્ય તથા ચૈતન્ય પ્રગટ કરતું રહે છે. મુખમાંથી શબ્દો સરી જાય છે – જીવન એક અદ્દભૂત ચીજ છે. ’’ મીરાબહેનની વાત યથાર્થ છે. આમ તો શ્વાસ ઉશ્વાસનો નિયત ક્રમ પૂરો કરે તેને પણ જીવતર પૂરું કર્યું ગણાય. પરંતુ રવિશંકર મહારાજ જેવું ‘ઘસાઇને ઉજળા થનાર લોકોના જીવતર અનેક લોકો માટે પ્રેરણારૂપ બની રહે છે. જેઓ ઉમ્મરની વૃધ્ધિ સાથે મનગમતી પ્રવૃત્તિઓમાં રમમાણ રહ્યા છે તેમને વૃધ્ધાવસ્થા કદાચ બહુ પરેશાન કરતી નથી. નગીનદાસ સંઘવી જેવા લોકોને વર્તમાનકાળમાં પણ આપણે જોઇએ છીએ. શતાયુના સીમાડે પહોંચીને પણ તેઓની મૌખિક તેમજ લેખિત અભિવ્યક્તિ આરપાર જાય તેવી મૌલિક અને સ્પષ્ટ છે. વિશ્વકોશમાં ધીરૂભાઇ ઠાકર સાહેબને મળવાનું થતું હતું. જીવનની સંધ્યાએ પણ વિશ્વકોશના રથને આગળ ખેંચવામાં તેમના મુખેથી ઉમ્મરની મર્યાદાની વાત સાંભળી નથી. સાક્ષર ધીરુબહેન પટેલ જેવા લોકો પણ ઉમ્મરની આંટીઘૂંટીઓની મર્યાદાને અતિક્રમીને જ્ઞાન ઉપાર્જનનો યજ્ઞ જીવંત અને જ્વલંત રાખીને બેઠા છે. સરકારી સેવાના અમારા મુરબ્બી પ્રવિણભાઇ લહેરી જીવનના સાડા સાત દાયકા પૂરા કરીને સોમનાથ મંદિરના સંચાલનમાં અનેક જન ઉપયોગી સુધારાઓ કરાવી રહ્યા છે. મનગમતી પ્રવૃત્તિઓમાં રચ્યાપચ્યા રહેવાની આ કળા શીખવા જેવી છે. ચરૈવેતી – ચરૈવેતીની શાસ્ત્રોક્ત સલાહ પણ આજ બાબતનો પડઘો પાડે છે. ગતિમાન લોકો જીવનનો લહાવો લઇ શકે છે તેવી વાત મરીઝ સાહેબે પણ લખી છે : 

જીવનમાં છે લહાવો

કદમ પર કદમ પર,

શરત ફક્ત એટલી કે

ગતિમાન રહેવું.

મીરાં ભટ્ટ વૃધ્ધાવસ્થાને જીવન મંદિરનો સુવર્ણ કળશ ગણાવે છે. વૃધ્ધાવસ્થા એ જીવન આયખામાં વૃધ્ધિના વર્ષો છે. જીવનના અનેક અણખેડ્યા પ્રદેશોની યાત્રા કરવાનો પણ એક મજબૂત વિકલ્પ સૌને સુલભ છે. મિત્રો તથા સ્નેહીઓ સાથેનો જીવંત સંપર્ક એ જૈફવયનો આધારભૂત ઉપાય છે. આમ છતાં એકલતાના ભયને પણ દૂર રાખવાની ટેવ કદાચ આવનારા દિવસોમાં વિશેષ ઉપયોગી પુરવાર થશે. આપણે આપણી જાત સમક્ષ એકલા ખડા રહેવાની હિંમત કેળવવી પડશે. આધુનિક યુગના ટીવી – ઇન્ટરનેટ તથા મોબાઇલ જેવા સાધનોને કારણે જીવવાનું વિશેષ સુલભ તથા સગવડપ્રદ બન્યું છે. આધુનિક ઉપકરણોથી ડરવા કે તેની વણસમજી ટીકા કરવાનું વલણ છોડવાની પણ જરૂર છે. પરદેશમાં સ્થાયી થયેલા પ્રિયજનો સાથે સંપર્કમાં રહેવાની ઉત્તમ તથા આધારભૂત વ્યવસ્થા આજે સહેજે ઉપલબ્ધ બની છે. ઉપરાંત આ વ્યવસ્થા ખર્ચાળ નથી. ગૂંચવણભરી પણ નથી. આ વ્યવસ્થાના સમુચિત ઉપયોગથી સંપર્કની ગમતી ક્ષણોનો લહાવો ઘેર બેઠા લઇ શકાય છે. મહદ્દ અંશે પશ્ચિમના દેશોમાં જેનો વિચાર તેમજ વિકાસ થયો છે તેવી આ સાર્વજનિક સુવિધાઓએ આપણાં જીવન વ્યવહારમાં ઘણાં ગુણાત્મક પરિવર્તન કર્યા છે.

જીવનની સંધ્યાએ કર્મઠતા તેમજ હળવાશ સુપ્રસિધ્ધ ફોટોગ્રાફર હોમાઇ વ્યારાવાલામાં પણ જોવા મળતી હતી. જીવનના નવ દાયકા વટાવી ગયેલા હોમાઇબહેને અમદાવાદના સરદાર સ્મૃતિ ભવનમાં સરસ વાત કરી હતી. પંડિત જવાહરલાલ નહેરુ તથા તેમની સમગ્ર કેબીનેટના ફોટા પાડનાર હોમાઇને સરદાર સાહેબનું પણ પ્રોત્સાહન મળ્યું હતું. હોમાઇબહેને વાત કરી કે ત્રણ-ચાર વર્ષ પહેલાં તેઓએ કોઇ રાજકીય આગેવાનની તસવીર દિવાળીના સમયમાં ખેંચી હતી. આગેવાન તેમનાથી ઉમ્મરમાં વીસેક વર્ષ નાના હતા. ફોટો પાડવાની વિધિ પૂરી થયા બાદ નેતાજીએ હળવાશથી થોડી મજાક કરી. હોમાઇબહેનની જૈફ ઉમ્મરના સંદર્ભમાં તેમણે બહેનને કહ્યું : ‘‘ આવતી દિવાળીએ પણ તમે મારી તસવીર ખેંચી શકો તો મને આનંદ થશે. ’’ હોમાઇબહેને તરતજ ફટકાર્યું : ‘‘ હાજી, આપ સ્વસ્થ હશો તો તેમ જરૂર કરીશું ! ’’ હળવાશમાં પણ કેવો શ્રધ્ધાયુક્ત તથા વિધેયક અભિગમ ! જીવનના ચઢાવ – ઉતારના તબક્કા તો ગમે તે કાળે આવી શકે છે. તેને ઓળંગી જવાની સ્વસ્થતા કેળવવામાંજ જીવનની સાર્થકતા છે. મંગળમય જીવનની મંગળમય દ્રષ્ટિ થકીજ મંગળયાત્રા આગળ ધપતી રહેશે. 

શુભ મંગલ હો, શુભ મંગલ હો,

શુભ મંગલ મંગલ મંગલ હો.

ગતિ મંગલ હો, પ્રીતિ મંગલ હો,

માનવ કી હર કૃતિ મંગલ હો !

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

તા.૧૪/૧૦/૨૦૧૯.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑