જે શહેરની ભૂમિ પર ગુજરાત વિદ્યાપીઠ ઉન્નત મસ્તકે ઊભી છે ત્યાંજ ગુજરાત યુનિવર્સિટી વિદ્યાનું આદાન પ્રદાન કરતા કરતા મહોરી ઉઠી છે. ગુજરાત યુનિવર્સિટીને પોતાનો ઉજળો ઇતિહાસ છે. કવિ ઉમાશંકર જોશી તથા ગણિતજ્ઞ ડૉ. પી. સી. વૈદ્ય જેવા વિશ્વવંદનીય લોકોએ ગુજરાત યુનિવર્સિટીના ઘડતરમાં અગ્રભાગ ભજવ્યો છે. આથી ગાંધીની સાર્ધ શતાબ્દીના મંગળ પ્રસંગે યુનિવર્સિટીનો ફીલોસોફી વિભાગ મહાત્મા ગાંધીના જીવનના સંદર્ભમાં નેશનલ સેમીનારનું સાચારું આયોજન કરે તે સમજી શકાય તેવી બાબત છે. અનેક વિષયોને આવરી લઇને ગાંધી વિચારનું ચિંતન કરવાનો આવો ઉપક્રમ કોઇપણ મહાવિદ્યાલયને છાજે તેવો છે. સપ્ટેમ્બર-૨૦૧૯ના છેલ્લા સપ્તાહમાં ગોઠવાયેલું આ આયોજન પ્રશંસાપાત્ર છે. અનેક વિષયો સાથે ગાંધી જીવનના સંદર્ભમાં કવિ કાગના કાવ્યોના વિષયની ચર્ચા પણ સેમીનારના એક ભાગ તરીકે કરવામાં આવી હતી.
મહાત્મા ગાંધીના સંદર્ભમાં કોઇ ચારણ કવિની વાત કરવામાં આવે તો કવિ દુલા ભાયા કાગનું નામ અગ્રસ્થાને આવે તે સ્વાભાવિક છે. કવિ કાગને વિશાળ જનસમૂહ ‘ભગતબાપુ’ના સ્નેહાદર ભરેલા ઉપનામથી પણ ઓળખે છે. ચારણ કવિઓને કાવ્ય સર્જન સહજાત હતા. કવિ કાગ પણ આ ઉજળી પરંપરાના એક મજબૂત મણકા સમાન હતા. જોકે ભગતબાપુના પૂર્વજ કવિઓ તેમજ તેમના સમકાલિન કવિઓ મોટા ભાગે કોઇ ને કોઇ રાજવી સાથે જોડાયેલા રહેતા હતા. આથી આ કવિઓની વાણીમાં ક્ષાત્રધર્મની ઉત્તમ બાબતો બહાર આવી. જ્યાં નબળું જણાય ત્યાં આ કવિઓએ રાજવીઓને ચેતવ્યા પણ હતા. કવિરાજ કેસરીસિંહજી બારહઠ્ઠે ઉદેપુરના મહારાણા ફત્તેસિંહજીને લખેલા ચેતવણીના દુહાઓ તેના સાંપ્રત વિષયવસ્તુ તેમજ શબ્દોની બળકટતાને કારણે ખૂબજ લોકાદર પામ્યા હતા. આજે પણ સાંભળવા ગમે તેવા આ સોરઠાઓના માધ્યમથી કવિરાજે ક્ષાત્રધર્મનો માર્ગ પ્રકાશિત કરવાનો પ્રયાસ કર્યો હતો. આથી કવિ કાગ પણ કોઇ રાજ્ય દરબારે જઇને પોતાના સર્જનો થકી પદ-પ્રતિષ્ઠા મેળવી શક્યા હોત. પરંતુ ગાંધી યુગની તત્કાલિન અસર આ કવિએ ઝીલી છે. તેઓ રાજ્ય દરબારના બદલે લોક દરબારમાં જઇને પૂર્ણત: ખીલ્યા છે, મહોર્યા છે. આમ જનતાના પ્રતિનિધિ કવિ તરીકે તેઓ સ્વીકારાયા છે. કચ્છના સુવિખ્યાત અને સમર્થ સર્જક દુલેરાય કારાણીએ કવિ કાગ (ભગતબાપુ)ના સંદર્ભમાં લખેલી પંક્તિઓ યાદ આવે છે :
કાગના વેશમાં આજ આ દેશમાં
માન સરવર ચણો હંસ આયો,
મધુર ટહુકારથી, રાગ રણકારથી
ભલો તે સર્વને મન્ન ભાયો
લોકના થોકમાં લોક સાહીત્યની
મુક્ત કંઠે કરી મુક્ત લહાણી
શારદા માતનો મધુરો મોરલો
કાગ ટહુકી ગયો કાગવાણી.
કવિ દુલા ભાયા કાગની કવિતાઓમાં તેમના ગાંધી ગીતોનું પ્રદાન એ વ્યાપક રીતે સ્વીકૃત થયેલું છે. આ કાવ્યો લોકપ્રિય થયા છે. ઝવેરચંદ મેઘાણીના અવલોકન મુજબ ગાંધી જીવન લોકભોગ્ય શૈલિમાં કવિ કાગના કાવ્યોમાં ખૂબજ બારીકાઇથી ઝીલાયું છે. ૧૯૩૮ના હરિપુરા (ગુજરાત) કોંગ્રેસ સંમેલનમાં ભગતબાપુ નિમંત્રણથી હાજર રહેલા. કોંગ્રેસનું વિધિવત સેશન શરૂ થાય તે પહેલા પ્રારંભમાંજ કવિ કાગે બે દિવસ ગાંધી ગીતો લલકાર્યા અને વિશાળ શ્રોતાગણે તે માણ્યાં હતા. ગાંધીજીની ઉપસ્થિતિમાં કવિની વાણી ગંગોત્રીના પ્રવાહ જેમ ખળખળ વહી રહી અને વિશાળ જન મેદની કવિની નજરે ગાંધી દર્શન કરીને ધન્ય થયા. ભગતબાપુએ મહાત્મા ગાંધી માટે લખ્યું છે :
સો સો વાતુનો જાણનારો,
મોભી મારો ઝાઝી વાતુનો જાણનારો.
ડગલે ડગલે હાલ્યા કરે છે
ઊંચાણમાં નથી ઊભનારો
ઢાળ ભાળીને સૌ દોડવા માંડે
ઢાળમાં નહિ દોડનારો… ગાંધી મારો…
ઝીણી આંખડીએ ઝીણી ઝૂંપડીએ
ઝીણી નજરે જોનારો
પોતાના ચણેલામાં પોલ ભાળે તો
પાયામાંથી પાડનારો… ગાંધી મારો…
ગાંધીની ઝીણી દ્રષ્ટિ એ ગાંધી જીવનની એક મહત્વની કડી સમાન છે. મહામાનવ ગાંધી દાંડીકૂચ માટે માર્ચ-૧૯૩૦ માં નીકળે છે. અમદાવાદના વાતાવરણમાં જન ચેતનાનો સાગર હીલોળે ચડ્યો છે. મહાત્મા કૂચનું પ્રસ્થાન કરાવે તેની રાહ જોઇને માનવ મહેરામણ ઉત્સુક્તાથી ઊભો છે. આવા વાતાવરણમાં સંવેદનશીલ બાપુ કૂચના સ્થળે જતાં પહેલાં આશ્રમમાં કોઇ સામાન્ય વ્યક્તિ બીમાર છે તેની ખબર પૂછવા જાય છે. કશી ઉતાવળ કે અધિરાઇ સિવાય બીમાર વ્યક્તિની સારવાર સબંધી વિગતવાર સૂચનાઓ આપે છે. મનની સ્વસ્થતાની આવી અસાધારણ સ્થિતિ જગતે જ્વલ્લેજ જોઇ છે. પોતાના કાર્યમાં પણ નબળાઇ જૂએ તો સાંપ કાંચળી ઉતારે તેવી ઉતાવળ અને અનાસક્તિથી તેનો ત્યાગ કરનાર મહાત્મા આવનારી અનેક પેઢીઓ માટે પથદર્શક છે. ગાંધી જીવન તથા વિચારની બારીકાઇઓ કવિએ ખૂબીપૂર્વક ‘મોભીડો’ કાવ્યમાં ઝીલી છે. દેશમાં ગાંધી પ્રેરીત સ્વાતંત્ર્ય માટેની જે લોક ચળવળ ચાલી હતી તેને કવિએ પોતાના વિવિધ કાવ્યપુષ્પોમાં વણી લીધી છે.
રાજકોટમાં સર પ્રભાશંકર પટ્ટણી સાથેના સંવાદ ઉપરથી ભગતબાપુએ એક સુંદર કાવ્યની રચના કરી છે. ગાંધીજીના સંઘર્ષનું તેમાં આબેહૂબ પ્રતિબિંબ પડે છે.
માતાજીની નોબતું વાગે
સૂતા સૌ માનવી જાગે
લીલુડાં માથડા માંગે.
ગાંધી વિચારના સ્વાતંત્ર્યનો તણખો કવિની વાણીમાં સતત ધગધગતો રહેલો છે. ગાંધીજીના મહાપ્રયાણ પછી પણ વિનોબાજી તથા રવિશંકર મહારાજના જીવનમાં ગાંધી વિચારનો જીવંત તણખો કવિને દેખાયો છે. આથી ભૂદાનના સુંદર ગીતોની કવિ કાગે ગૂંથણી કરી છે. ગાંધી વિચારને લોકવાણીમાં પ્રગટ કરવાની કવિની શક્તિને વેડછીના તપસ્વી જુગતરામ દવેએ ભાવપૂર્વક પ્રમાણી છે. મહાત્મા ગાંધીની સાર્ધ શતાબ્દીના મંગળ પ્રસંગે ગાંધી જીવન પરના વિચાર વિમર્શનો ગુજરાત યુનિવર્સિટીના ફીલોસોફી વિભાગનો પ્રયાસ ખૂબજ પ્રશંસનીય તેમજ અભિનંદનીય છે.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
તા.૦૯/૧૦/૨૦૧૯.
Leave a comment