: ક્ષણના ચણીબોર : : શારદીય નવરાત્રીના પવિત્ર અનુષ્ઠાનમાં ગાંધી સ્મૃતિની મહેક : 

સાંદીપની ગુરુકુળ પોરબંદર તથા પૂ. ભાઇશ્રીની ઓળખ વિશ્વના કોઇપણ ખૂણે વસતા ગુજરાતીને આપવાની જરૂર નથી. જેને પણ ભાગવત સાથેનું ઓછું વધતું અનુસંધાન છે તે સાંદીપની ગુરુકુળ સાથે સહજ રીતેજ જોડાયેલો છે. શારદીય નવરાત્રીના ઉજળા તેમજ ભક્તિપૂધાન દિવસોમાં પૂ. ભાઇશ્રીના અનુષ્ઠાન તેમજ તે સાથે જોડાયેલા ભક્તિ તથા શ્રધ્ધામય ઉપક્રમોના કારણે અનેક બહારના લોકો પણ સુદામાપુરીમાં પડાવ નાખે છે. પોરબંદર તથા આસપાસના લોકોને તો ‘ઘર બેઠા ગંગા’ જેવો સુયોગ થવાથી તેમની તો બહોળી ઉપસ્થિતિ હોય તે સ્વાભાવિક છે નવરાત્રીના અનુષ્ઠાન જેવા ભક્તકિમય ઉપક્રમ સાથે જે તે વખતના સમયના સંદર્ભમાં કોઇક મહત્વના વિષયને જોડીને સમગ્ર ઉપક્રમને એક અનોખી ગરીમા પ્રદાન કરવાનો વિચાર વંદનીય તેમજ અભિનંદનીય છે. જેમકે ૨૦૧૯ના શારદીય નવરાત્રીના અનુષ્ઠાન સાથે મહાત્મા ગાંધીની સાર્ધ શતાબ્દીની બાબતનું સમયસરનું અનુસંધાન કરવામાં આવ્યું હતું. દરેક દિશાએથી અમને શુભ તથા મંગળમય વિચારોની પ્રાપ્તિ થાય તેવી વેદના ઋષિની ભાવનાને અનુરૂપ સાંદીપની આશ્રમનું આ સહેતુ આયોજન છે. જેમ શાસ્ત્રોના મૂળ સિધ્ધાંતો કદી કાળ બાહ્ય થતાં નથી તેજ રીતે ગાંધી વિચારના મૂલ્યો પણ શાશ્વતીને વરેલા છે. આ વાતની પ્રતિતિ હોય ત્યારેજ નવરાત્રી અનુષ્ઠાન સાથે ગાંધી જીવન તથા કાર્યોના વિભિન્ન પાસાઓની છણાવટનો કાર્યક્રમ ગોઠવવાનો વિચાર જન્મ પામ્યો હશે તેમ કહીએતો તે યથાર્થ ગણાશે. ગાંધીજીના જીવન તથા સંદેશને કેન્દ્રમાં રાખીને અલગ અલગ વક્તાઓના વક્તવ્યોનું આયોજન વિચારપૂર્વકનું તેમજ હેતુપૂર્ણ હતું. જોકે દરેક દિવસે ગાંધી જીવનના સંદર્ભમાં અલગ અલગ દ્રષ્ટિકોણથી પૂ. ભાઇશ્રીનું વક્તવ્ય આ સમગ્ર આયોજનને સુવર્ણ કળશ ચઢાવે છે. 

ગાંધીજીનું એક વિધાન વારંવાર સાંભળવા મળે છે. બાપુ કહેતા કે તેમણે કોઇ નવા સિધ્ધાંત કે વિચારની જગતને ભેટ ધરી નથી. જે સત્ય તેમજ અહિંસાના સિધ્ધાંતો તેમણે આચાર ધર્મના ભાગ તરીકે દ્રઢ રીતે અપનાવ્યા તે સિધ્ધાંતો આમ જુઓ તો સુસંસ્કૃત માનવજાત સાથે યુગોથી જોડાયેલા છે. શાસ્ત્રોએ ગાયું હતું : સત્યમેવ જયતે નાનૃતં. સદાકાળ સત્યનોજ જય થાય છે. અસત્યનો નહિ. ભાગવતકારે પણ ‘સત્યં પરમ્ ધીમહી’ ના મંત્રજાપનો ભાગવતના પ્રારંભેજ નાદ કરીને સત્યની પ્રતિષ્ઠા કરી હતી. સ્વભાષા કે સ્વબોલીમાં આ વાતનોજ પડઘો માનસમાં તુલસીદાસજીએ પાડ્યો. 

ધરમ ન દુસર સત્ય સમાના

અગમ નિગમ પુરાન બખાના.

સત્યની શાશ્વત પ્રતિષ્ઠા શાસ્ત્રોએ કરી. સત્યની આવીજ પ્રતિષ્ઠા બુધ્ધ તથા મહાવીરે તેમની વાણીમાં કરી. રાજા હરિશ્ચંદ્રે સત્યની પવિત્રતા જાળવવા અમાનુષી દુ:ખો સ્વેચ્છાએ ભોગવ્યા. સોક્રેટીસ – લિંકન અને ગાંધીએ સત્યના જ આવા આદી – અનાદી કાળના માહત્મ્યનું પુન: સ્થાપન કરવાના પ્રયાસો પોતાનું જીવન સમર્પિત કરીને કર્યા. કવિ ઇન્દુલાલ ગાંધીએ મહાત્માના ભગવત જીવનને સત્યનુંજ અનાદી સ્મીત કહીને બીરદાવ્યું. કવિએ લખ્યું : 

તમે હતા સત્યનું સ્મિત અનાદી

એટલી માત્ર રહી ગઇ યાદી.

સત્યના આવા અનાદી સ્વરૂપ સાથે ભાગવત ધર્મનું અનુસંધાન સ્પષ્ટ કરવાના પૂ. ભાઇશ્રી પ્રેરીત પ્રયાસો એ વર્તમાન સમયનો તકાજો છે. બાપુની સાર્ધ શતાબ્દીના ટાણે આવું આયોજન જન સમૂહને વિચારભાથું પૂરું પાડે તેવું છે. ગાંધીજીની નમ્રતા અને સત્યના આયુધો પ્રતિ જગતના અનેક વિચારકો – ચિંતકોનું ધ્યાન કેન્દ્રિત થયેલું છે. જોકે આવા આયુધોને ધારણ કરનાર પોતડીધારી ગાંધી ખુદ કરુણા તથા સત્યને પોતાના જીવન થકી પ્રગટ કરનારા હતા. કવિ ઉમાશંકર જોષીએ લખ્યું છે : 

અંગો બધા સંયમથી રસેલાં

કંગાલની હાય થકી ભીંજેલાં

લંગોટીમાં કાય લઇ લપેટી

ચાલે પ્રભુ પ્રેરીત પ્રેમમૂર્તિ.

ગાંધીનું સત્ય શ્રધ્ધાના આભૂષણ થકી ઝળહળતું હતું. ગાંધીની શ્રધ્ધામાં સંશય કે કુતર્કનો અભાવ હતો. બાળક મોહનને અંધારામાં જવાનો ડર પોતાના બાળપણમાં લાગતો હતો. આ એક બાળ સહજ ભાવ છે. મોહનને આવી ગ્રંથિમાંથી છોડાવવા માટે માતૃતુલ્ય રંભા બાળક મોહનને રામનામનો મંત્ર આપે છે. રામનામના આ મંત્રમાં શ્રધ્ધા ગાંધીને જીવન પર્યંત રહે છે. દિલ્હીની એ ગોઝારી સંધ્યા કે જ્યારે આ મહાત્મા દેહ છોડે છે ત્યારે પણ રામનામનું સહજ ઉચ્ચારણ કરીને જગતને અલવિદા કરે છે. શ્રધ્ધાના આ મજબૂત તાંતણેજ ગાંધીનું જીવન ચાલે છે.  ભિન્ન વિચારધારા ધરાવનારા લોકોના જીવનમાં તળમાં પડેલા સદ્દગુણોમાં શ્રધ્ધા રાખીને ગાંધી જીવન મહોરી ઉઠ્યું છે. હિન્દુસ્તાનના કરોડો સામાન્ય માનવીઓની અપાર શક્તિમાં શ્રધ્ધા રાખીનેજ ગાંધીએ પડકારરૂપ નિર્ણયો કર્યા છે અને અભૂતપૂર્વ સફળતા મેળવી છે. ૧૯૩૦ના માર્ચ મહીનામાં જ્યારે ગાંધીએ દાંડીકૂચ પ્રારંભ કરવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો ત્યારે એક મહાસત્તા સામેનો આવો પ્રયાસ અનેક લોકોને પ્રભાવી કે અસરકારક લાગતો ન હતો. પરંતુ મહાત્માજીને પૂર્ણ શ્રધ્ધા હતી કે મીઠા પરાના અન્યાયકર્તા વેરાનો ખુલ્લો પ્રતિકાર કરીને તેઓ અગણિત સામાન્ય લોકોની મુંગી વેદનાને જગતના ચોકમાં વ્યક્ત કરી રહ્યા હતા. સામાન્ય લોકોની સમસ્યાનું સમાધાન એજ તેમને મન સ્વરાજ્ય હતું. વાઇસરોયને દાંડીકૂચનો પ્રારંભ કરતા પહેલા લખાયેલા ઐતિહાસિક પત્રમાં તેમણે સામાન્ય જનની વેદનાનેજ શબ્દદેહ આપ્યો હતો. વિશ્વની તે કાળની એક મહાસત્તા સામે એક મૂલ્યનિષ્ઠ માનવની આ જીવસટોસટની લડાઇ સામાન્ય લોકોના અભૂતપૂર્વ સમર્થન થકીજ લડવામાં આવી હતી. કાળને જગાડવાનો આ પ્રયાસ હતો. કવિ કાગ લખે છે : 

આભની સામા વેર ઉપાડ્યા

નાવ્ય ઝંઝાળ્યું તૈયાર

પેરવા બાંડી પોતડી પોતે

હાથ નથી હથિયાર..

માતાજીની નોબતું વાગે

સૂતા સૌ માનવી જાગે

લીલુડાં માથડાં માગે.

ગાંધીનું સત્ય પારદર્શિતાના પાયા પર સ્થિર તથા દ્રઢ થયેલું હતું. ગાંધીવાણીના સત્યમાં શત્રુને પણ શ્રધ્ધા હતી. દક્ષિણ આફ્રિકાના તેમના નિવાસ દરમિયાન થયેલા એક સંઘર્ષના સમાધાન સ્વરૂપે તેમણે સમાધાનનો ડ્રાફટ તૈયાર કર્યો હતો. કસ્તુરબા બીમાર હોવાથી જનરલ સ્મટસ આ ડ્રાફટની પૂર્ણ ચકાસણી કર્યા સિવાય સંમતિની સહી કરવા દીનબંધુ એંડ્રુઝના કહેવાથી તૈયાર થયા હતા. ગાંધીના સત્યમાં આવી નિર્ભેળ પારદર્શિતાનું દર્શન વિરોધીઓને પણ થયું હતું તે જગતના સંઘર્ષોના ઇતિહાસમાં એક ભાતીગળ ઘટના છે. ગાંધીજીની જન્મભૂભિ પોરબંદરમાં પૂ. ભાઇશ્રીની નિશ્રામાં નવરાત્રી દરમિયાન યોજાયેલો આ વિશિષ્ટ ઉપક્રમ સ્મૃતિમાં દીર્ઘકાળ સુધી રહે તેવો મંગળમય છે. 

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

તા.૦૯/૧૦/૨૦૧૯.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑