: કર્મવાદી બધા કર્મ કરતા રહે, એમને ઉંઘવું કેમ ફાવે ? ખોડીદાન ઝુલા : 

સાંતલપુર તાલુકાનું હેડક્વાર્ટર વારાહી છે તેનાથી સૌ સુવિદિત છે. સાંતલપુર તાલુકો અગાઉ બનાસકાંઠા જિલ્લાનો ભાગ હતો. જિલ્લાઓની પુન: રચના થયા બાદ આ તાલુકો પાટણ જિલ્લાનો ભાગ બનેલો છે. જે ઘટનાની અહીં વાત કરી છે તે તત્કાલિન બનાસકાંઠા જિલ્લામાં બનેલી ઘટનાની હકીકત છે. ચૂંટણીના પડઘમ વાગે છે. દરેક રાજકીય પક્ષ તથા પક્ષના સમર્થકો પોતાના ઉમેદવારને ચૂંટણીમાં વિજય મળે તેની મથામણમાં છે. આવા ચાર્જ થયેલા સમયમાં વારાહીમાં એક જાહેરસભા ચાલે છે તેની આ વાત છે. દેખીતી રીતેજ આ જાહેરસભા ચૂંટણી પ્રચારને સબંધિત છે. કોંગ્રેસના ઉમેદવારની સામે પ્રચાર કરવા માટે સભાનું આયોજન થયું છે. સીત્તેરથી એંસીના દાયકામાં મધ્યનો આ સમય છે. કોંગ્રેસના ઉમેદવારને મત નહિ આપવા માટે તેમની વિરુધ્ધ કોઇક વાત તો કરવી પડેને ? આથી વક્તાઓ કંઇક આવી વાત કરે છે : 

‘‘ ભાઇઓ ! તમે કોંગ્રેસના વિધાનસભાના ઉમેદવારને મત આપવાનો વિચાર પણ કરશો નહિ. કોંગ્રેસના આ ઉમેદવાર પાસે તમે જ્યારે કોઇ નાના કે મોટા કામ માટે જાઓ ત્યારે તેઓ સત્વરે કરે છે. એ ભાઇ અહીંથી ચૂંટાઇને ગાંધીનગર જશે તો તમારું રાશનકાર્ડ કઢાવવા માટે તમારી સાથે કોણ આવશે ? પોલીસ સ્ટેશનનો પ્રશ્ન હશે તો તમને સાથે રાખીને પોલીસ થાણે કોણ જશે ? અછત રાહતના કામ દુષ્કાળના સમયે શરુ કરવાની તજવીજ કોણ કરશે ? એટલે ભલા થઇને એમને હરાવો તો તમારા નાના મોટા કામ થતાં અટકી ન પડે ! ’’ 

કદાચ વાંચનારને આ વાતમાં વિશ્વાસ ન બેસે અને અતિશયોક્તિ લાગે તો એ તેમનો દોષ નથી. લગભગ સાડાચાર દાયકા પહેલાની વાત આજે તથા આજના રાજકીય માહોલમાં ગળે ન પણ ઉતરે. વોટસઅપમાં દિવસમાં ત્રણ ત્રણ વખત સ્ટેટસ બદલવાના આ ગતિશીલ કાળમાં આ વાત કદાચ કપોળ કલ્પિત લાગે. પરંતુ તેવી વાત મનઘડંત કરવાનો કોઇ આશય નથી. જરૂર પણ નથી. કારણ કે જે વ્યક્તિ વિશેષ પ્રતિભાની આ વાત છે તેમની ચિર વિદાયને પણ વર્ષોના વહાણાં વાઇ ગયા છે. પરંતુ આ વાત હકીકત છે તેની ચકાસણી ક્રોસ રેફરન્સ કરીને કરેલી છે. જે વ્યક્તિ વિશે આ વાત થઇ છે તેમને નજીકથી જોયા છે. આટલો સધિયારો સૌને પૂરતો થવો જોઇએ. કોંગ્રેસના આ કર્મવીર ઉમેદવારની વાત ઉપર જણાવ્યું તે ચૂંટણી સભામાં વારાહીમાં થતી હતી તે ધન્યનામ ખોડીદાન ભીમજી ઝુલાનું છે. વિધાનસભામાં હોય કે ન હોય તો પણ નાના માણસોના ‘‘ટાંપા’’ કરવાની આદત આ વ્યક્તિમાં ધરબાઇને પડી હતી. સરવાળે ૧૯૭૫ની વિધાનસભાની ચૂંટણીમાં ખોડીદાનભાઇ વિજય મેળવે છે. આ ચૂંટણીમાં ગુજરાતના કોંગ્રેસના ભૂતપૂર્વ મુખ્યમંત્રી એક યુવાન આદીવાસી સામે હારી જાય છે. શક્તિશાળી ગણાતાં ભૈરવદાનજી ગઢવી દાંતામાંથી વિજય મેળવી શકતા નથી. કોંગ્રેસ માટેની કસોટીરૂપ એ ચૂંટણીમાં ઝુલા સાહેબ તરીકે ઓળખાતા આ પ્રજાના ‘ટાંપા’ કરનારા કાર્યકર વિજયનું બ્યૂગલ બજાવે છે. જશભાગી ઝુલા સાહેબ જશ લઇને આ જગતમાં પોતાની સ્મૃતિ કાયમ કરી ગયા છે. દુહો છે. 

જીવતાં જગ જશ નહિ

જશ વિણ કો જિવંત ?

જે જગ જશ લઇ આથમ્યા

ઇ તો રવિ પહેલાં ઉગંત.

ઝુલા સાહેબ એટલે એક ખેડૂતનો જીવ. મુસાફરી કરતા હોય ત્યારે નજર સતત કપાસ – એરંડા કે ધાન્ય પાકોના વાવેતર તરફ ખેંચાયેલી રહે. વિશાળ આભમાં થતી ગતિવિધિઓ ધ્યાનથી નિહાળે અને વરસાદને લગતા થોડા ઘણાં અનુમાનો પણ બાંધે. આથીજ કોઇપણ ગામડામાં જાય ત્યારે ખેડૂત સાથેનો તેમનો વાતનો તાર થોડી ક્ષણોમાંજ જોડાઇ જતો જોઇ શકાય. આથીજ ખેડૂતોની સમસ્યાઓ સમજીને તેની અસરકારક રજૂઆત કરવાની તેમની હાથરોટી હતી. મુસાફરી સમયે ગાડીમાં નારાયણ સ્વામીના ભજનો કે ગુલામઅલીની ગઝલો એક સરખા રસ અને ભાવથી સાંભળે. સંગીત – કંઠગાન તરફનો આ સ્નેહ તેમને સહજ હતો. સૂઝ પણ ખરી. તેમના વતનના ગામ રોઝુમાં વર્ષો પહેલા ઓસમાણ મીરને ગાતો સાંભળીને તેઓ રાજી થયેલા. ‘‘ આ માણસ કલાક્ષેત્રમાં ખૂબ ઊંચો જશે ’’ તેવી વાત તેમણે સહેજે કરેલી જે આજે હકીકતમાં પરીણમી છે. ’’ 

ઝુલા સાહેબના ઘડતરમાં તથા તેમના સંસ્કારમાં તેમના માતા જીબામા તથા તેમના કાકાનો મોટો પ્રભાવ છે. માની ઉદારતા અને સૂઝ તેમના વાણી વર્તનમાં ઉતરી હતી. પોતાના નાનાભાઇ નરહરદાનનું અકાળ અવસાન તેમને જીવન પર્યંત ખૂંચતું હતું. અર્ધાંગના તરીકે તેમને મળેલા બાબાબહેન એ કદાચ તેમના જીવનનું સૌથી ઉજળું સોપાન હતું. પૂજ્ય બાબાબહેનને જે મળ્યા હશે તેમને આ વાત તરતજ સ્પષ્ટ થઇ જશે. ઝુલા સાહેબ વિશે ઘણું લખી શકાય – કહી શકાય તેવું છે. ટૂંકમાં કહીએ તો તેઓ આપણું ગૌરવ હતા તે વાત નિ:સંદેહ છે. ઉદારતા અને નિખાલસતાની આવી કક્ષા બહુ ઓછા લોકોમાં જોઇ છે.  

બનાસકાંઠામાં જે સામુહિક રાજકીય નેતાગીરીનો વિકાસ થયો તે અભ્યાસ કરવાપાત્ર છે. ઘણાં વર્ષો સુધી અમુક પ્રકારના મુઠ્ઠીભર લોકોનું ત્યાં પ્રભુત્વ રહ્યું હતું. સમાજના એક વિશાળ વર્ગ જેવા કે ખેડૂત કે શ્રમિક સાથેનું આ વર્ગનું અનુસંધાન મર્યાદિત હતું. તે તરફ કદાચ તેમની દ્રષ્ટિ પણ ન હતી. રાજ્યના અન્ય ભાગોમાં પણ અમુક વિસ્તારમાં આવી સ્થિતિ હતી. આ બધાની વચ્ચે વિશાળ જનસમૂહ તથા છેવાડાના માનવીને સાથે રાખીને રાજકીય જીવન સમૃધ્ધ કરનારાઓની એક લાંબી યાદી કરી શકાય. આ યાદીના અગ્રસ્થાને મૂકવા માટે સાંબરડાના સપૂત બી. કે. ગઢવી સાહેબ તથા રોઝુના ઝુલા સાહેબ સંપૂર્ણ પાત્રતા ધરાવે છે. વિશાળ સંખ્યામાં રહેલા ખેડૂતો – ખેતમજૂરો અને શ્રમિકોની મુંગી વેદનાને સમજ્યા પછી ગઢવી સાહેબ અને ઝુલા સાહેબે પોતાની રાજકીય કારકીર્દિને કાળજીપૂર્વક ઘડી હતી. વંચિતો અને વિસ્થાપીતોની વાત આવે ત્યારે આ બન્ને નેતાઓ ઉકળીને પણ તેમના કલ્યાણની વાતનો આગ્રહ રાખતા હતા. તંત્રમાં વિલંબ થાય તો વાતને છોડી દેનારા કે ભૂલી જનારા આ લોકો ન હતા. તેઓ બન્ને એક વિશાળ તથા છેવાડાના વર્ગના ખરા અર્થમાં પ્રતિનિધિ હતા. તેમનું રાજકારણ કદી જ્ઞાતિઓના સાંકડા સમીકરણોમાં બંધાયું હોય તેમ લાગ્યું નથી. તેમની આ વિશાળ દ્રષ્ટિ સકારણ હોવા છતાં આપણાં સમાજના તમામ નાના મોટા પ્રશ્નોમાં બન્નેનું યોગદાન અસાધારણ હતું. તેમના સ્નેહનું સાતત્ય અનેક લોકોએ અનુભવ્યું છે. ઘણાં રાજકીય નેતાઓ સાથે કામ કરવાનો અને વિગતે વાત કરવાનો મોકો મળ્યો છે. પરંતુ ગઢવી સાહેબની તિક્ષ્ણ અને અભ્યાસુ દ્રષ્ટિ તેમજ ઝુલા સાહેબની સંવેદનશીલતા ઓછા લોકોમાં જોવા મળી છે. બન્નેને રંગ દેવાનું મન થાય છે. લોકકવિએ ગાયું છે : 

તન ચોખામન ઉજળાં

ભીતર દૂજો ન ભાવ

કીનકા બૂરા ન ચિંતવે

તાકુ રંગ ચડાવ.

વિશાળ સમાજમાં સૌને સાથી રાખીને આગળ વધવાના યશનામી પાત્રોમાં મુકેશભાઇ ગઢવી (સાંબરડા) તથા પુષ્પદાનભાઇ ગઢવી (ભૂજ)નું નામ પણ અચૂક મૂકી શકાય તેમ છે. મુકેશભાઇની અકાળે વિદાય ન થઇ હોત તો તેમણે રાજકીય જીવનના ઘણાં ઊંચા શિખરો સર કર્યા હોત તે નિર્વિવાદ છે. પોતાના પિતાની જેમ સંપૂર્ણ સૌજન્ય અને સાલસતાના વારસાઇ ગુણો ધરાવતા પુષ્પદાનભાઇ પણ ધારાસભ્ય તેમજ સંસદસભ્ય તરીકેની લાંબી ઇનીંગ રમ્યા અને યશભાગી થયા. ઝુલા સાહેબનું રાજકીય જીવન એ લોઢે લીટા સમાન છે. એમના વિરોધીઓ પાસે પણ તેમની ટીકા કરવાનો મસાલો ન હતો તે નાની સુની બાબત નથી. નાના રણની કાંધીએ આવેલા ખોબા જેવડા રોઝુ ગામમાંથી ગુજરાત વિધાનસભામાં વર્ષો પર્યંત બેસવાની ઝુલા સાહેબની સિધ્ધિ લોહી પસીનાના સ્વબળે કમાયેલી છે. પોતાના રાજકીય પક્ષ તેમજ તેમના નેતા તરફની તેમની વફાદારી એક સાચા ચારણને શોભે તેવી હતી. તેમનું જીવન પ્રેરણાદાયી હતું. તેઓ ખરા અર્થમાં લોકપ્રિય હતા. તેમની સ્મૃતિ પણ મનમાં પ્રસન્નતાના ભાવ મૂકીને જાય છે. 

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

તા.૦૯/૧૦/૨૦૧૯.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑