: સંસ્કાર ભારતીનું યજ્ઞકાર્ય :  

થોડા સમય પહેલા ભારતના રાષ્ટ્રપતિશ્રીએ ગુજરાતની તેમની મુલાકાત દરમિયાન એક વિચારપ્રેરક વાત કરી. તેમણે કહ્યું કે ભારતમાં વિશ્વગુરુ બનવાની ક્ષમતા છે. આપણી પાસે જે ઐતિહાસિક વારસો અને સૂઝ તથા સમજની વિરાસતછે તે જોતાં આ વિધાનને કોઇ અતિશયોક્તિયુક્ત ગણી શકાશે નહિ. ગુફાના શિલ્પોથી માંડીને વનસ્પતિશાસ્ત્ર કે વૈદકશાસ્ત્ર સુધીની આપણી જે પુરાવા સહિતની સિધ્ધિઓ છે તેનું એક આગવું મૂલ્ય છે. કદાચ જે દસ્તાવેજીકરણ થવું જોઇએ તેમાં ઉણપ રહી હોય તેવી એક પ્રતિતિ થાય છે જે સ્વીકારવા યોગ્ય હકીકત છે. લગભગ બે સદી સુધી વિસ્તરેલા કોલોનીયલ કાળને કારણે પણ જેવું તથા જેટલું કાર્ય આ દિશામાં થવું જોઇએ તે થયું નથી. પરિણામે આપણાં કેટલાક લોકો પશ્ચિમના કલા સમૃધ્ધિના યોગદાનથી પ્રભાવિત થઇને લઘુતાગ્રંથિની ભાવના લઇને ફરે છે. કળા – સાહિત્ય અને શિલ્પ સબંધેની આપણી સિધ્ધિઓને જાણીને તેનું યથાયોગ્ય મૂલ્યાંકન કરવાનો દ્રષ્ટિયુક્ત પ્રયાસ તેમણે કર્યો નથી. આ સ્થિતિનું નિવારણ કરવા માટે કોઇ સાતત્યપૂર્ણ સંસ્થાગત પ્રયાસોની ખૂબ જરૂર આપણે અનુભવતા હતા. ‘‘ સંસ્કાર ભારતી ’’ એ આવા દસ્તાવેજીકરણ તથા પ્રકાશન માટેનું યજ્ઞકાર્ય સમજપૂર્વક સ્વીકાર્યું છે તે આનંદ તેમજ ગૌરવ થાય તેવી હકીકત છે. આવું ઉમદા કાર્ય નાણાંકીય અભાવથી અટકી ન પડે તે માટે આપણાં શ્રેષ્ઠિઓએ જે ઉદાર હાથે યોગદાન આપ્યું છે તે તેમનો મૂળ તરફનો લગાવ સૂચવે છે. ભાઇ રમણિક ઝાપડિયાનો છલોછલ ઉત્સાહ કાર્યને દિશા તથા ગતિ પ્રદાન કરે છે. પ્રકાશનની આ ભાતીગળ શ્રેણીમાં જે પુસ્તકો મળ્યા છે તે આપણાં મહાવિદ્યાલયની લાયબ્રેરીઓની શોભા વધારે તેવા છે. સંસ્કાર ભારતીના આ પ્રયાસો હૈયાના હેતથી પોંખવા જેવા છે. આપણાં યુવાધન સુધી આ વારસો સાચવીને પહોંચાડવાની આપણી સામુહિક જવાબદારી છે. 

શરદપૂર્ણિમા વસંત ગઢવી

૨૦૧૯. ગાંધીનગર.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑