: સંસ્કૃતિ : : કાયમ સૌરભ કાગ : કવિ દુલા ભાયા કાગ :

કવિ દુલા ભાયા કાગને સમાજે ભગતબાપુ કહીને તેમના વ્યક્તિત્વ તથા કવિત્વને ઉચિત સન્માન આપેલું છે. ભારત સરકારે પણ આજથી છ દાયકા પહેલા કવિ કાગને પધ્મશ્રીના ભૂષણથી નવાજીને લોકવાણીનો આદર કરેલો છે. કવિ હીંગોળદાનજી નરેલાએ કવિ કાગને બીરદાવતા દુહામાં આ કવિને સ્થાયી સૌરભની સોગાદ આપનારા કસબી તરીકે યાદ કર્યા છે. 

મધમધતો મૂકી ગયો

બાવન ફૂલડાનો બાગ

અમ અંતરને આપશે

કાયમ સૌરભ કાગ.

ભગતબાપુએ માનવજીવનના  અનેક પાસાઓને આવરી લેતી સુંદર રચનાઓનું સર્જન કરેલું છે. મહાત્મા ગાંધી તેમજ રવિશંકર મહારાજના વિચારોની ઊંડી અસર કવિ કાગના કાવ્યોમાં જોવા મળે છે. ગાંધીજીની કલ્પના મુજબના સ્વરાજ્યમાં રામરાજ્યના અનેક પાસાઓનું દર્શન થાય છે. આથી રામરાજ્યની વાત કરીને કવિ આઝાદી મળે ત્યારપછીની આપણી રાજ્ય વ્યવસ્થા અથવા સાશન વ્યવસ્થા કેવી હોવી જોઇએ તેની વાત કુશળતાથી કરે છે. મીનીમમ ગવર્નન્સની વાત જે આજે થાય છે તેનો નિર્દેશ ભગતબાપુએ આ પદમાં ઘણાં વર્ષો પહેલા કરેલો છે જે નોંધપાત્ર છે. ભગતબાપુએ લખ્યું છે : 

એવું હતું રામચન્દ્રનું રાજ

રામચંદ્રનું રાજ તપતો

રઘુકુળનો તાજ… એવું હતું…

રાજા ઘરના દેશ ઘરનો

સૌને ઘરના કાજ જી,

સૌની હદમાં સૌ સ્વતંતર

સૌની સાબૂત લાજ… એવું હતું…

થોડાધારા ન્યાય નિર્મળ

વસ્ત્ર રસ ને અનાજ જી

એનો વહીવટ રૈયત કરતી

વચ્ચે ન પડતું રાજ… એવું હતું…

નારીના ગૌરવમાં કોઇપણ સમાજ કે દેશનું ગૌરવ જોડાયેલું છે છતાં પણ નારી ગૌરવ સામેના અનેક પ્રસંગો દરેક કાળ અને સ્થિતિમાં આપણે જોયા તથા અનુભવ્યા છે. આજના સંદર્ભમાં મૂલ્યાંકન કરીએ તો પણ વિવિધ પ્રકારની કાનૂની જોગવાઇઓ હોવા છતાં તેની ઉપેક્ષા કે ભંગ કરીને નારીના આત્મસન્માનને ઠેસ પહોંચાડવાના પ્રયાસો થયા કરે છે. સમાજના મોટાભાગના વર્ગને જોકે નારીનું ગૌરવ જાળવવામાં રસ હોવા છતાં ગણ્યાં ગાંઠ્યા લોકો આદર્શ સ્થિતિ ઊભી થાય તેની સામે અડચણો ઊભી કરી રહ્યા છે. પણ આવા અનેક અપ્રિય પ્રસંગોને યાદ કરીએ તો મહાભારતમાં કૌરવોની રાજ્યસભામાં જોગમાયા સમાન દ્રૌપદીને હીણપતભરી સ્થિતિમાં મૂકવાનો પ્રયાસ સૌથી વિશેષ ધૃણાસ્પદ લાગે છે. આ સમયે દ્રૌપદીનીજે માનસિક સ્થિતિ હશે તેની કલ્પના કરીને ભગતબાપુએ એક ભજનની સુંદર તેમજ અર્થસભર પંક્તિઓની રચના કરી છે. 

દુ:શાસનરૂપી દરિયામાંરે

દ્રૌપદીની ડોલે નાવડીરે જી.

સળગ્યો કૌરવરૂપી ચૂલો રે

ત્રિયાની ગતિ તાવડી રે..

પાંડવો જુગારીવાલા !

મને ગયા છે હારી,

તારો ભરોસો એક ભારી રે

અવતારી ! વારું આવડી.

ભીષમ પિતાને હું તો

થાકી પડકારી,

એની કાયા કૌરવની ઓશિયાળી

મૂછાળી જાણે માવડી.

હું પુકારું તુંને

જૂને વસીલે,

મારા ધણી બેઠા છે મુખડે ઢીલે રે

ખાટકીને ખીલે જાણે ગાવડી…

કૌરવોની ભરી સભામાં શક્તિશાળી પાંચ પાંડવોની પરણેતરની જે માનસિક દશા છે તેનું વાસ્તવિક ચિત્ર ભગતબાપુના ઉપરના પદમાં થયું છે. દરેક કાળે સભ્ય સમાજ સામેનો આ પડકાર છે. માનવીય ગૌરવની જ્યાં હાની થતી હોય ત્યાં કહેવાતા શાણા લોકો ઉપેક્ષા ભાવ દાખવે ત્યારે મહાભારત જેવા મહાસંગ્રામ તથા સંહાર તરફ જગત ક્રમશ: પગલાં ભરે છે. ભગતબાપુના અન્ય એક કાવ્યમાં કૃષ્ણનું સ્મરણ કરવા છતાં તેમના તરફથી મદદના કોઇ અણસાર મળતાં નથી તે સમયની દ્રૌપદીની સ્થિતિની વાત છે. દ્રૌપદીની વિનવણી પછી આ ઉજ્વળ નારીરત્ન કૃષ્ણને સંબોધીને કેટલાંક કટાક્ષના શબ્દો ઉચ્ચારે છે. અંતરમાં તો અપાર ભાવ છે પણ કપરા સમયમાં સમતા રહેતી નથી એટલે આ મર્મભેદક કટાક્ષના શબ્દોની કવિએ ખૂબીપૂર્વક ગૂંથણી કરી છે. 

જાદવરાય ! આપણે શેનો નાતો ?

તું વ્રજવાસી હું પાંચાલી,

બેયની જુદી જુદી જાતો…

પારધી કેરા પાસલામાં જેમ

મૃગલી જીવ મૂંઝાતો રે જી,

સાદ કરું તોય નથી સાંભળતો

આજ અમારા ઉતપાતો…

જાદવરાય આપણે શેનો નાતો.

ભગતબાપુની કાવ્યભોમમાં વિહાર કરીએ તો તેમાં રંગેરંગના અનેક ફૂલડાં ખીલેલા જોઇ શકાય છે. બહુ ઓછા કવિઓ એવા ભાગ્યશાળી હશે કે તેમના પદો ગામોગામ ગવાતા અને ઝીલાતા હોય. ‘‘ આવકારો મીઠો આપજે ’’ કે ‘‘ પગ મને ધોવાદ્યો રઘુરાય ’’ જેવા ભજનો એકતારાના સૂરે અનેક ગામોમાં ગવાતા જોઇ શકીએ છીએ. સાંપ્રત સમયમાં જ્યારે સમાજમાં સતત તેમજ સાર્વત્રિક સદ્દભાવની અનિવાર્ય આવશ્યકતા દેખાય છે ત્યારે કવિ કાગે સાથે તેમજ સંપીને રહેવાની શીખ આપી છે. કહેવત મુજબ ઘર હોય ત્યાં વાસણ તો ખખડે પરંતુ તેના કારણે વિખવાદ કે વિસંવાદની ભાવના સમાજ જીવનમાં પ્રસરે નહિ તેની સાવચેતી રાખવા તળાવના નીરનું પ્રતિક લઇને સુંદર વાત કરી છે. સમાજ જીવનમાં મૂલ્યોની મર્યાદા જાળવી રાખવાની આ વાત દરેક કાળે પ્રસ્તુત છે. 

પ્રેમી તળાવ તણાં હે પાણી !

સાથ મળી સંપી રહેજો

આફળજો હસતા હસતા પણ

પાળ તણું રક્ષણ કરજો.

બંધન તોડી સ્વછંદી થશો તો

ક્ષણ ઊછળી ક્ષણ દોડી જશો

આશ્રિત જીવનો નાશ થશે ને

નાશ તમારો નોતરશો..

ભગતબાપુની કાવ્યધારા એ આપણાં સાહિત્યનો અમૂલય વારસો છે. કવિ કાગના વતનનું મજાદર ગામ ભાવનગર જિલ્લાનું ખોબા જેવડું નાનું ગામ છે. આ ગામમાં ૧૯૬૩ માં ભગતબાપુના નિમંત્રણથી ગુજરાતી સાહિત્ય પરિષદની બેઠક મળી હતી. બેઠકમાં આપણાં સુપ્રસિધ્ધ સાહિત્યકાર સોપાને અંતરના ઉમંગથી કહ્યું હતું કે કવિ કાગ આપણાં મોટા ગજાના કવિ છે. કાગબાપુની રચનાઓ કાળજયી છે. મજાદર ગામનું ‘કાગધામ’ નામકરણ કરી રાજ્ય સરકારે કવિના પ્રદાનનું ઉચિત સન્માન કરેલું છે.

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

તા.૦૩/૦૯/૨૦૧૯.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑