: વાટે….ઘાટે…. : : કવિ કાગની વાણી : ગંગોત્રીની પાવક ધારા :

ગોકુળદાસ રાયચુરાએ જયમલ્લ પરમારની જેમ લોકસાહિત્યની બહોળી સેવા કરી છે. ભગતબાપુ તથા મેરૂભાના તેઓ મિત્ર હતા. ગાંધીયુગના ગુજરાતને ‘‘સર્વના કવિ’’ એવા ભગતબાપુ સાંપડ્યા છે તેનો વિશેષ આનંદ તથા ગૌરવ ગોકુળદાસ રાયચુરાને છે. તેઓ ભગતબાપુનું મૂલ્યાંકન કરતાં લખે છે : 

‘‘ એ કોઇ સામાન્ય કવિ નથી. એ ચોસલા ગોઠવી તળાવના ઘાટ બાંધનાર શબ્દોના કસબી નથી. એ તો ગંગોત્રીની ધારા છે. હિમગિરિથી ઊતરી ગંગાધારા લક્ષ્મણઝૂલાને વટાવી હરદ્વારના આંગણા પાવન કરે છે. એજ રીતે આપણાં આ કવિની વાણી ગંગોત્રી સમાન સોરઠની ધરતીમાંથી નીકળી ગુજરાતને લીલોછમ કરી નવભારતને આંગણે આગળ ધસી રહી છે. ’’ 

ભગતબાપુ વિશેનું રાયચુરાનું મૂલ્યાંકન સર્વથા ઉચિત છે. નરસિંહ અને મીરાંની જેમ કવિ દુલા ભાયા કાગ ગામડે ગામડે પોંખાઇને ખરા અર્થમાં લોકકવિ બન્યા છે. કવિ કાગનો કંઠ જેમ અજોડ છે તેમ તેમની હલક પણ આગવી તથા અનેરી છે. કવિ કાગ એ ગુજરાતનું જંગમતીર્થ છે અને આજે પણ અનેક લોકો પૂ. મોરારીબાપુની ઉપસ્થિતિમાં દર વર્ષે કવિ કાગના જીવન તથા કવનનું પાવનકારી સ્મરણ કરે છે. ભગતબાપુના અનેક કાવ્યો સાંપ્રતકાળમાં પણ એટલાજ પ્રસ્તુત તથા માર્ગદર્શક છે. 

કવિ કાગનો જન્મ એ તે સમયમાં સુખી ગણાય તેવા સંપન્ન પરિવારમાં ઇ.સ.૧૯૦૩ માં થયો હતો. પિતાની ખેતી મોટી અને ગાયોનો મોટો સમૂહ પણ આંગણાની શોભા વધારીને ઊભો હતો. કિશોર વયનો દુલો પગમાં પગરખાં પહેરવાની પરવા કર્યા સિવાય ગાયો ચારે તેમજ સમય મળે ત્યારે રામાયણનું વાચન પણ કરે. પિતાને પુત્રના આ ‘‘સાધુવેડા’’ ગમે નહિ પરંતુ દિકરાને તેણે પસંદ કરેલા રસ્તેથી વાળવાનું પણ મુશ્કેલ હતું તેમ પિતાને સમજાઇ ગયું. જોકે અતિથિને ઉજળો આવકાર આપનાર કર્મઠ તથા દયાળુ માતાના સંસ્કારની ઊંડી છાપ દુલા ભાયા કાગના ઘડતરમાં જોવા મળે છે. કવિ કાગના જીવનમાં જે માતૃપ્રેમની વિપુલતા ભરી હશે તેનો અણસાર તેમના આ પ્રસિધ્ધિને વરેલા દોહામાંથી થાય છે. 

મોઢે બોલુ મા મને

સાચે નાનપણ સાંભરે

પછી મોટની મજા

મને કડવી લાગે કાગડા.

મોટા કરીને મા

ખોળેથી ખસતા કર્યા

ફરી ખોળે ખેલવવા

કરને બાળક કાગડા.

ભગતબાપુને નજીકથી જોનારા લોકોને તેમના સૌજન્ય તથા વિવેકસભર સ્વભાવનો પરિચય થયો છે. કપરી સ્થિતિમાં પણ ‘એકરંગા અને ઉજળા’ જીવતરના ક્રમથી તેઓ સમૃધ્ધ હતા. પોતાના કાવ્યો એ તો જગદંબાના ચરણ કમળમાં મૂકવાના ફૂલડાં છે તેની પ્રતિતિ તેમને સાંગોપાંગ હતી. પોતાની રચનાઓ તરફની પણ અનાસક્તિ તથા જગતજનની પરત્વેની અતુટ શ્રધ્ધા એ કાગબાપુના જીવનમાંથી છલકાતા ભાવમાંથી પ્રગટ થાય છે.

માડી આ તો નથી

ચમેલી મોગરાના કે

વગડાના ફૂલડાં હોજી,

માડી મને શારદાએ ફૂલડાં દીધાં

એ ફૂલડામાં ફોરમ નથી રે જી.

આજના સમય તથા સંદર્ભમાં જેનું વિશેષ મૂલ્ય છે તેવા એક પદમાં ભગતબાપુએ અભિમાન કે ગુમાન કરનારની અંતિમ ગતિનું પરિણામ ઉચિત ઉદાહરણથી સમજાવ્યું છે. નદીના શાંત તેમજ નિર્મળ લાગતાં પાણીમાં ઉપરવાસના વરસાદને કારણે ક્યારેક ભારે પૂર આવે છે તે સ્થિતિ સર્વ કોઇ જાણે છે. કવિ કાગની સુંદર તેમજ વિચારસભર કલ્પના છે કે પોતાના વિશાળ જળધોધને જોઇને નદીને અહંકારનો ભાવ ઉત્પન્ન થાય છે. પોતેજ આ જગતમાં સૌથી શક્તિશાળી તથા પ્રભાવી છે તેવો આત્મશ્લાધાનો ભાવ નદીના મનમાં પ્રગટે છે. અભિમાનનો આવો ભાવ થવાથી નદીના આ સામર્થ્યનો લાભ આસપાસની જીવંત શ્રષ્ટિને મળવો જોઇએ તે મળી શકતો નથી. પોતાના સામર્થ્યનું આવું ગુમાન અંતે સમુદ્રના વિલિનીકરણથી નદીના અસ્તિત્વની સમાપ્તિમાં પરિણમે છે. કવિના આ પદના શબ્દો માણવા ગમે તેવા છે. 

નદીએ આવ્યા ઝાઝા પૂર

નદીઉ બની ગઇ ચકચૂર.

કાંઠે તપતા ઝાડને તેથી

પ્રગટ્યા આશાના સૂરજી,

પાણી પીવાની ધારણાં

(પણ) ખોદી નાખ્યા મૂળ.. નદીએ…

ઝાડ પાડ્યા હાથીડાં તાણ્યાં એનો

એંકાર આવ્યો ઉરજી,

મારા સરીખું કોઇ નહિ એતો

ગાતી એવા સૂર… નદીએ…

નદીને પોતાના બદલાયેલા વિરાટ સ્વરૂપ તેમજ સામર્થ્યનું આવું મિથ્યાભિમાન થાય છે. ‘‘ ગરવ કીયો સોઇ નર હાર્યો ’’ એવું પ્રાચીન તથા પ્રસિધ્ધ પદ છે. અહીં નદીની સા ગુમાની કે તુમાખીનો અંત પણ સાગર સાથેના તેના વિલિનીકરણ તેમજ નદી તરીકેના સ્વતંત્ર વ્યક્તિત્વની સમાપ્તિ સાથે થાય છે. નદીને જે સામર્થ્ય તથા સમૃધ્ધિની પ્રાપ્તિ કુદરત તરફથી થઇ છે તેનો લાભ કોઇને થતો નથી. સાગરના વિશાળ જળના અભિન્ન ભાગ થતાં ગુમાની નદીના મૂળ સ્વરૂપનું જોતજોતામાં વિસર્જન થાય છે. 

મીઠપ ન મળે નદી ન મળે

ન મળે એના પૂરજી,

કાગ સાગર બોલતો

સૌ રહેજો અમથી દૂર…

નદીએ આવ્યા ઝાઝા પૂર…

ભગતબાપુએ પોતાના આવા કાવ્યો થકી કાવ્યસર્જનમાં વિશેષ તથા અમીટ છાપ ઊભી કરી છે. ગુજરાતી સાહિત્યમાં સુપ્રસિધ્ધ એવા ‘ધૂમકેતુ’ એ ભગતબાપુની કાવ્ય સરવાણીને બીરદાવતા સુંદર શબ્દો લખ્યાં છે : ‘‘કવિ કાગની જે કાવ્ય સરવાણી ફૂટી છે એ તો જેમ ધરતી જળબંબાકારના જળ અંતરમાં સમાવી ન શકે અને બુદબુદ મોતીધારની જેમ જમીનમાંથી પાછા ફૂટી નીકળે તેવી નિસર્ગધારાની જેમ કવિની કાવ્યસરિતા વહી છે.’’ ચારણ કવિઓએ પ્રકૃતિને, પ્રભુને તથા સ્વઉત્થાનને પોતાની કાવ્યધારા થકી આરાધેલા છે તેવું મેઘાણીનું વિધાન કવિ દુલા ભાયા કાગમાં પૂર્ણત: ખરું પડતું દેખાય છે. કોઇ રાજ્ય દરબારના દ્વારે જઇને કવિ કાગે કાવ્યધારા વહાવી હોત તો પણ તેમને કીર્તિ તથા સંપત્તિ જરૂર પ્રાપ્ત થયા હોત. પરંતુ લોકદરબારમાં જઇને ભગતબાપુએ અસંખ્ય સામાન્યજનો તેમજ ગાંધીજનોનો સ્નેહ મેળવ્યો છે તેજ તેમની સર્વોચ્ચ સિધ્ધિ છે. સર પ્રભાશંકર પટ્ટણી તેમજ કવિગુરુ રવિન્દ્રનાથ ટાગોર સાથે ભગતબાપુની સરખામણી કરતો ગીગાભાઇ કુંચાળાનો સરસ દુહો છે : 

દાઢીવાળા દેખીયા

નર એક રવિન્દ્રનાથ,

સર પટ્ટણી સમર્થ દૂજો,

દેવ ત્રીજો તું દુલીયા.

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

તા.૦૩/૦૯/૨૦૧૯.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑