કર્ણના કવચ કુંડળની જેમ ચારણ કવિઓને સર્જન શક્તિ સહજાત હતી. કવિતા એ તેમના લોહીમાં વણાયેલી બાબત હતી. કવિઓ તેમજ રાજવીઓના સંબંધોની પરંપરાની પણ એક ગરીમા હતી. ઉભય પક્ષે આદર તેમજ દ્રઢ વિશ્વાસને કારણે કેટલાક ગૌરવાન્વીત કરે તેવા પ્રસંગોની લાંબી યાદીથી મધ્યયુગનો ઇતિહાસ ભરાઇને પડેલો છે. રાજ્યો તેમજ રાજવીઓ સાથેના આ દીર્ઘકાલીન ઘરોબાના સંદર્ભમાં જોઇએ તો કવિ દુલા ભાયા કાગ તેનાથી જુદા પડતા દેખાય છે. નૂતન સૂર્યોદયનું દર્શન આ કવિને ઠીક ઠીક વહેલું થયું છે અને પરીણામે તેઓ રાજદરબારને બદલે લોક દરબારમાં જઇને અપાર આદર તેમજ પ્રતિષ્ઠા મેળવે છે. નૂતન યુગમાં પણ લોકવાણીનું મહત્વ અખંડ રહેવા સર્જાયેલું છે તેની પ્રતિતિ કવિ કાગે લોકના થોકમાં જઇને કરી. દુલેરાય કારાણીએ કવિ કાગ માટે લખ્યું :
કાગના વેશમાં આજ આ દેશમાં
માન સરવર તણો હંસ આવ્યો.
મધુર ટહુકારથી રાગ રણકારથી
ભલો તે સર્વને મન ભાયો.
લોકના થોકમાં લોકસાહિત્યની
મુક્ત કંઠે કરી મુક્ત લહાણી
શારદા માતનો મધુરો મોરલો
કાગ ટહુકી ગયો કાગવાણી.
લોકસમુહને આરાધ્ય માનીને મા શારદાની ઉપાસના કરનાર આ લોકકવિને લોકોએ પણ ભગતબાપુ તરીકે હૈયાના સિંહાસને બેસાર્યા. ભારત સરકારે પણ આ લોકકવિને પધ્મશ્રીનું સન્માન આપીને બીરદાવ્યા. મોટા ગજાના આ લોકકવિની કવિતાએ જગત અને જીવનના અનેક રંગો ઉજાગર કર્યા છે. મેઘાણીભાઇના મતે આ કવિની માફક ગાંધી જીવનની બારીક રેખાઓ અન્ય કોઇ કવિ પકડી શક્યા નથી. હરિપુરા કોંગ્રેસ મહાસભામાં મહાત્મા ગાંધીની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધી વિચારના ભાવ ભગતબાપુએ ખૂબીપૂર્વક પોતે રજૂ કરેલ કવિતામાં ઉપસાવ્યા. તેમણે ગાયું :
ઢાળ ભાળીને સૌ દોડવા માંડે
ઢાળમાં નવ દોડનારો.
પોતે ચણેલામાં પોલ ભાળેતો
પાયામાંથી પાડનારો… ગાંધી મારો
સો સો વાતુનો જાણનારો.
પોતે કરેલા કોઇ કામની જગતે વ્યાપક પ્રશંસા કરી હોય તેમાં પણ સહેજે ક્ષતિ જણાય તો અનાસક્ત ભાવથી તેવા કામને આટોપી લેવાની ગાંધીની શક્તિનું સુરેખ દર્શન ભગતબાપુએ ઉપરની પંક્તિઓમાં કરાવ્યું છે. આ કાવ્ય કોંગ્રેસની મહાસભામાં બરાબર ઝીલાયું અને પારાવાર લોકસ્વીકૃતિ પણ પામ્યું.
બ્રિટીશ સત્તાના પ્રખર તાપમાં ગાંધી પ્રતાપે જન જાગૃતિ તો થઇ પરંતુ આ સ્થિતિમાં પણ કેટલાક રાજવીઓ પોતાનો એશ આરામ જાળવવા જાગૃત થયા નહિ. પુત્ર સમ રૈયતના કલ્યાણના ભોગે તેઓ બ્રિટીશ હાકેમોની કૃપાદ્રષ્ટિ મેળવવાના ચક્કરમાં પડ્યા. રાજવીઓના આ વલણ સામે પ્રખર વિરોધનો શંખ અમૃતલાલ શેઠ જેવા લોકોએ રાણપુરથી અખબાર પ્રસિધ્ધ કરીને ફૂંક્યો. ભગતબાપુ પણ આ સ્થિતિ અનુભવી શક્યા અને રાજવીઓને ચેતવણી આપવાનો પોતાનો યુગધર્મ નિડરતાથી બજાવ્યો. રાજપૂતોને ઉદ્દેશીને તેમણે અર્થપૂર્ણ તેમજ ધારદાર શબ્દો લખ્યા :
નાવ મધસાગરે આજ રજપૂતનું
તો ય રજપૂત હા ! લેર કરતો
દેશ જેનો ગયો વેશ જેનો ગયો
પણ હજી મૂછ પર હાથ ધરતો
ખમીર ખૂટી ગયું જોર જાતું રહ્યું
ફક્ત વાતુ રિયું ભાંગ પીધી
ઘેન એના ચડ્યા ભાન ભૂલી ગયો
લક્ષ્મી પરદેશીએ લૂંટી લીધી.
ગાંધી સાથેજ નૂતન યુગની આ ભાતીગળ ઉષાના આગમનમાં કવિએ વિનોબા વિચાર પણ ઉત્કટતાથી ઝીલ્યો. રવિશંકર મહારાજને પોતાના આરાધ્ય ગણ્યા. વિનોબાજીને ‘દેશ દખણના બાવા’ તરીકે ઓળખાવીને કવિએ સર્વોદયની દીપશીખામાં તેલ સિંચ્યું.
થંભી જાજો હો તરવારીઆ !
કાં તરવારો સજાવો ?
તેગ તોપને ખાંડો ખાંડણીએ
દાતરડાં નિપજાવો… અલેકીઓ
માંગવા આવ્યો રે… દેશ દખણનો બાવો.
ભગતબાપુ એવા વિરલ ચારણ કવિ હતા જે ભૂતકાળ ઉપરાંત વર્તમાનની નાડી હાથમાં લઇ તેને પારખી શક્યા. કવિશ્રીને નૂતન યુગના અજોડ એવા ગાંધીના ખેપીયા રવિશંકર મહારાજના સંસર્ગથી તો ભૂદાન યજ્ઞના હૈયે ઉમળકા ઉઠવા માંડ્યા.
રવિશંકરકી મુરલી કો, રુચિર સુન્યો જબ રાગ
હૂલસ્યો હિય ભૂદાનમેં રીઝ્યો કાગ સુનાગ.
ચારણો દેવીપુત્રો કહેવાતા હોવાથી જગદંબા તરફનો સવિશેષ આદર તેમની કાવ્યધારામાં સાતત્યપૂર્ણ રીતે જોવા મળે છે. શ્રધ્ધેય જગજનની પ્રત્યેની ઉપાસનામાં કવિને માના વિશાળ તથા સર્વવ્યાપી સ્વરૂપના આબેહૂબ દર્શન થાય છે. સૂર્ય – ચન્દ્ર – તારક ગણ સહિતની સમગ્ર સૃષ્ટિ કવિ કાગને પણ જગત જનની માના સ્વરૂપમાં જોવા મળી છે.
પ્રભા ભાનુમેં માત તોરી પ્રકાશે
લખી ઉગ્રતા ઓઘ અંધાર નાસે
તુંહી ચન્દ્રીકા રૂપ આભે હસંતી
ધરી ઓઢણી શ્વેત વ્યોમે વસંતી
તુંહી વાદળા પ્હાડ માથે પછાડે
સરીતા બની ઘૂઘવે ઘોર ત્રાડે
અષાઢે સુનીલાંબર અંગ ઓઢી
તુંહી જાણીએ પાણીઆ સેજ પોઢી.
દુલા ભગતની કાવ્યભોમમાં જે ફૂલડા ખીલ્યાં અને મહોર્યા છે તેમાં રામકૃપાના તાગથી ગૂંથાયેલા શબ્દો છે. પરંતુ કવિ તો કર્મયજ્ઞના સમર્થક છે તેથી આ પુષ્પોમાં કરણીની સુવાસ નજરે ચડે છે.
રંગેરંગના ફૂલડાં એમાં રામચરીતનો તાગ જી
ખીલે શબદના ફૂલડાં એમાં કરણીની સુવાસ..
ભાઇ ! તારો બહેકે ફુલડાંનો બાગ જી.
ચારણ કવિઓની ભાતીગળ કાવ્ય પરંપરાને સમાજે આદર સહ સ્વીકારી છે. તેમની રચનાઓ મનોરંજક કરતા વિશેષ પથદર્શક રહી છે. આવી ઐતિહાસિક પરંપરાના એક મજબૂત મણકા સમાન કવિ દુલા ભાયા કાગના જીવન તથા કવનને ગણાવી શકાય. ભગતબાપુના કાવ્યોમાં ગાંધી ગરીમાનું દર્શન તેમજ સામાજિક પ્રવાહના વિવિધ પાસાઓનું ભાતીગળ મીશ્રણ જોવા મળે છે. પ્રકૃતિ તથા પરમતત્વના આજીવન ઉપાસક કવિ કાગ સાહીત્ય રસીકોના દિલમાં ચિરંજીવી સ્થાન ધરાવે છે. કવિ કાગની સ્મૃતિમાં દર વર્ષે ‘‘ કાગના ફળિયે કાગની વાતુ ’’ નામનો સુંદર ઉપક્રમ કવિના વતનમાં યોજવામાં આવે છે. પૂજ્ય મોરારીબાપુની નિયમિત હાજરી તથા હૂંફથી આ કાર્યક્રમની એક વિશેષ ગરીમા પ્રસ્થાપિત થઇ છે.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
તા.૨૬/૦૮/૨૦૧૯.
Leave a comment