સાશકોનો કે સાશન સાથે જોડાયેલા વર્ગનો તેમના વ્યક્તિગત દબદબા કે મોભા સાથે જાણ્યે અજાણ્યે પણ એક લગાવ થઇ જતો હોય તેમ જોવા મળે છે. બ્રિટીશ હકૂમતને સલામ કરી પોતાનું પદ જાળવી રાખનાર દેશી રાજ્યોના રાજવીઓ પણ પોતાને ૨૧ કે ૩૧ તોપોની સલામી મળે છે તેની વાત ગૌરવપૂર્વક કરતા હતા. દેશ આઝાદ થયો ત્યારપછી પણ ‘‘પ્રોટોકોલ’’ નું કારણ આગળ ધરીને અનેક ચૂંટાયેલા લોકો પોતાના હોદ્દાનો દબદબો કે પ્રભાવ જાહેર નાણાંનો વ્યય કરીને પણ કરે છે. આ પ્રકારનો પ્રભાવ દેખાડવાના પણ કેટલાક માધ્યમો છે. હોદ્દા સાથે સંકળાયેલી સુખ –સુવિધાઓને કારણે પણ એક વર્ગ પ્રજા સાથે સંપૂર્ણ કરીને ભળી શકતો નથી. આ બાબતમાં અનેક અપવાદો ચોક્કસ છે. સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી ઢેબરભાઇ મુખ્યમંત્રીને હોદ્દાની રૂએ મળતા બંગલામાં કદી રહેવા ગયા ન હતા. જ્યારે બાબુભાઇ પટેલ (બા.જ.પ.) મુખ્યમંત્રી મટી ગયા પછી ૭૨ કલાક પણ સરકારી મહાલયમાં રહ્યા ન હતા. આવા અપવાદરૂપ મનિષિઓને સમાજ હ્રદયના સિંહાસને બેસાડે છે. તેમનો હોદ્દો તેમની વૈચારિક ઊંચાઇને આંબી શકે તેમ ન હતો. લોકશાહી શાસન વ્યવસ્થામાં તો સાદગીની આ બાબત અપેક્ષિત છે. પરંતુ જ્યારે ભાવનગર જેવા સમૃધ્ધ દેશી રજવાડાના શક્તિશાળીઅને પ્રભાવી દીવાન દીલથીજ ભપકાની જગાએ સાદગી તેમજ પવિત્રતાની પસંદગી કરીને તેને અનુરૂપ જીવન વ્યતિત કરે ત્યારે તેમની આ વાત કે વિચાર દરેક સમયે દિશા નિર્દેશક બની રહે છે. આવા દીવાન સર પ્રભાશંકર પટ્ટણી પોતાના મનની ઊર્મિ સુંદર શબ્દોમાં વ્યક્ત કરે છે.
જોવી જેને નજરે
ન પડે વક્ર તાલેવરોની,
ખાય જેઓ ઉદર ભરીને
પંક્તિ દુર્વાકુરોની,
ઠંડા વારિ નદી સર તણાંપી
નિરાંતે ભમે છે
તેવી સાદી હરિણશિશુની
જિંદગાની ગમે છે.
બ્રિટીશ સરકારને નારાજ કર્યા સિવાય ગાંધી સાથેનું ઘટ્ટ અનુસંધાન રાખવાનું કપરું કામ કરનાર સર પટ્ટણીના આ શબ્દો તેમના વ્યક્તિત્વનો પરિચય કરાવી જાય છે. મહાલયોમાં હક્કથી વિહરતા આ મહાપુરુષને બાળ હરણની મસ્તીભરી જિંદગી જીવવાના કોડ છે. પટ્ટણી સાહેબના કાવ્યોમાં તેમની કવિત્વ શક્તિનો તો પરિચય થાય છેજ પરંતુ તેમના અંતરના તળિયે પડેલા જીવંત ભાવના ઝરણા તેમના કાવ્યોના માધ્યમથી વહે છે. જીવનના કોઇ કાર્યમાં પટ્ટણી સાહેબનો ભાવ કર્તાપણાનો ન હતો. તેઓ અનાસક્ત હતા. હનુમાનજીની અનાસક્ત સેવાનું એક બીજુ ઉદાહરણ રામાયણ થકી આપણાં સુધી પહોંચી શક્યું છે. રામના રાજ્યાભિષેક પછી કવિ કાગે લખ્યું છે તેમ મારૂતિનંદને રાજ્ય સત્તાના ઝાકઝમાળથી દૂર રહીને ‘‘ ધૂળમાં ધામા ’’ નાખ્યા હતા. અહીં પટ્ટણી સાહેબે જીવનના છેલ્લા દોઢ માસમાં નાદુરસ્ત તબિયતની પરવા કર્યા સિવાય ભાવનગરના ગામડાઓની સ્થિતિનું દર્શન કરવા ધૂળિયા માર્ગોએ પ્રવાસ ખેડ્યો હતો.
સર પટ્ટણીના અનેક કાવ્યો જીવનમાં બનેલા કેટલાક વાસ્તવિક પ્રસંગોમાંથી પણ પ્રગટ થયા છે. આવા પ્રસંગો લખીનેમુકુન્દરાય પારાશર્યે આપણાં પર ઉપકાર કર્યો છે. આવા એક પ્રસંગમાં સર પટ્ટણીના બંગલામાંથી કેટલાક સોનાના દાગીનાની ચોરી થાય છે. દીવાન સાહેબના ઘરમાં કામ કરતા એક વ્યક્તિની ધરપકડ શક પરથી રાજ્યની પોલીસ કરે છે. ભાવનગર રાજ્યના દીવાનના બંગલામાંથી ચોરી થાય તે કેવી રીતે સાંખી લેવાય ? પોલીસ ગતિથી ચોરને નક્કી કરવા તથા પકડવા સક્રિય પ્રયાસ કરે છે. આ તપાસના ભાગરૂપે બંગલે કામ કરતા માણસની ધરપકડ થાય છે. પ્રભાશંકર પટ્ટણી આ ઘટના બની ત્યારે પ્રવાસમાં હતા. પ્રવાસમાંથી તેઓ પાછા આવ્યા. જે માણસની પોલીસે અટકાયત કરી હતી તેની પત્નીએ રોઇ કરગરીને દીવાન સાહેબને પોતાનો પતી નિર્દોષ હોવાનું જણાવ્યું. તેને છોડાવવા માટે વિનંતી કરી. જાણીતી પરંતુ અસામાન્ય વાત છે કે પટ્ટણી સાહેબે આ વ્યક્તિની નિર્દોષતાની વાત પોલીસ અધિકારીને કરીને સત્વરે તેને મુક્ત કરાવ્યો. જાણે કશુંજ બન્યું નથી તેવો વ્યવહાર કરીને ફરી પૂર્ણ વિશ્વાસ પોતાના આ સેવકમાં બતાવવાનું તેમણે સહજ રીતેજ કર્યું. પરંતુ આખરે તો દરેક માનવ એ જગતનિયંતાએ બનાવેલી એક અનોખી ચીજ છે. કલાપીએ ગાયું છે તે ‘પસ્તાવાનું વિપુલ ઝરણું’ માનવીના અંતરમાંથી પ્રગટ ન થાય તેવું બનવાનો સંભવ ઓછો છે. પટ્ટણી સાહેબના ઉમદા તેમજ ઉદાર વર્તાવથી આ માણસના દિલમાં પશ્ચાતાપનો ભાવ પ્રગટે છે. સાહેબની ઉદારતા અને ગરીમાથી તેના અંદરના વિશુધ્ધ ભાવ જાગૃત થઇ ઊઠે છે. નબળાઇની કોઇ ક્ષણે પોતે ચોરી કરી છે તેની કબૂલાત કરી. દાગીના પાછા સોંપ્યા. પરંતુ આ ઘટના પર વિચાર કરતા સર પટ્ટણીના અંતરમાંથી જે શબ્દો પ્રગટ થયા તે અતિ સુંદર તેમજ અર્થપૂર્ણ છે. પ્રાર્થના જેવા આ શબ્દોમાં અંતરની અભિલાષા કાવ્યની પંક્તિ રૂપે પ્રગટ થઇ છે.
જે ચીજો કે વસુવિભવથી
લોકને મોહ થાય
ને જે મોહે હ્રદય જનના
પાપ માટે તણાય
તે પૈસો કે વિભવ
અમને સ્વપ્નમાં યે હશોમા,
એવા હોય સુકૃત કદી તો
સુકૃતો યે થશોમા.
ભાવનગર રાજ્યના આ સંવેદનશીલ દીવાને કવિતા લખી નથી પરંતુ તેઓ પોતાની કવિતામાં લખેલા શબ્દો જીવી ગયા છે. જીવન દરમિયાન જે અનેક સંઘર્ષો તેમણે કર્યા તેની અસરથી તેમના અંતરની ઊર્મિઓ ઝંકૃત થઇ છે. તેમાંથી કાવ્ય સરવાણી વહી છે.
રાજ્ય વ્યવસ્થામાં પ્રજા કેન્દ્રસ્થાને રહે તેવા ધ્યેય તથા અપાર નિષ્ઠા સાથે સર પટ્ટણી ઉજળું જીવતર જીવી ગયા. ગગા ઓઝાના ભાવનગર રાજ્યને તેમણે એક આદર્શ રાજ્ય બનાવ્યું. રાજવીઓની અને ગાંધીની પ્રીતિ તેમજ વિશ્વાસ પ્રાપ્ત કર્યા. કોઇપણ પ્રજાજનના દુ:ખ સાંભળવા અને તેનો ઉકેલ કરવાની તેમની અભિલાષા અને પ્રતિબધ્ધતા ‘ઉઘાડી રાખજો બારી’ કાવ્યમાં પ્રગટ થાય છે.
દુ:ખી કે દર્દી કે કોઇ
ભૂલેલા માર્ગવાળાને
વિસામો આપવા ઘરની
ઉઘાડી રાખજો બારી.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
તા.૧૯/૦૮/૨૦૧૯.
Leave a comment