જીવનમાં કેટલીક વખત એક વસ્તુની મહેચ્છા કરો અને બે વસ્તુઓ પ્રાપ્ત થાય તેવું બનતું હોય છે. કચ્છ અંજારના જેસલ જાડેજાના જીવનમાં પણ તેમજ બન્યું તેવી લોકકથા છે. કચ્છથી સૌરાષ્ટ્રમાં આવીને કાઠી દરબાર સાસતિયાની ‘તોરી’ નામની ગુણવાન ઘોડીને મેળવવાનો જેસલનો પ્રયાસ હતો. કર્મ સંજોગે તેને તોરી રાણી તેમજ તોરી ઘોડીની એમ બન્નેની પ્રાપ્તિ થઇ હોવાની કથા પ્રચલિત છે. તોરલને સાથે લઇ જેસલ કચ્છ તરફ પ્રયાણ કરે છે. સૌરાષ્ટ્ર અને કચ્છ વચ્ચે તે સમયે દરિયામાર્ગે મુસાફરી થતી હોવાથી કચ્છ જવા માટે વહાણની સવારી કરી. આ કથા સુપ્રસિધ્ધ છે. વહાણ જ્યારે દરિયાની મધ્યે મુસાફરીમાં હતું ત્યારે દરિયો અચાનક વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે. ડુંગર જેવડાં મોજા અને ઊછળવા લાગ્યા અને પવનની ગતિ સુસવાટા સાથે તેજ બનતી ગઇ. વહાણ કદાચ ડૂબી જશે તેની ધાસ્તી બહારવટીયા જેસલના મન પર સવારથઇ. મૃત્યુને જ્યારે મુખોમુખ જોવામાં આવે ત્યારે ભલભલા વીરની વીરતા ઓગળી જતી હોય છે. જેસલ સાથે પણ એમજ થયું. પરંતુ જેસલને એ વાતનું આશ્ચર્ય થાય છે કે આવી સ્થિતિમાં પણ વહાણમાં બેઠેલા તોરલના મુખ પર ભય કે ચિંતાની એક પણ રેખા જોવા મળતી નથી. તોરલ શાંતિની મૂર્તિ સમાન બેઠા હતા. આવી સ્વસ્થતા સામાન્ય જનમાં હોય નહિ તેની પ્રતિતિ જેસલને થઇ. જેઓ તમામ સ્થિતિમાં સ્થિર ભાવ ધારણ કરી શકે છે તેના શરણે જવામાં જેસલને કોઇ વિલંબ કરવાનું ઉચિત લાગતું નથી. જેસલ જાડેજા આજથી લગભગ પાંચસો વર્ષ પહેલા થવા હોવાનો દુલેરાય કારાણી સાહેબનો મત છે. પરંતુ આજે પણ જેસલ – તોરલના પાત્રો લોકકથાઓ તથા લોકગીતો મારફત જીવંત રહેલા છે. કસોટીની કપરી ક્ષણે જે સ્થિરતાને ધારણ કરી શકે તેનુંજ નામ જગતમાં કાયમ રહે છે. એક ભજનમાં તોરી રાણી તેમ કહે પણ છે.
મોતી એરણમાં ઓરાય,
માથે ઘણના ઘા થાય,
ફૂટે ઇ તો ફટકીયા કહેવાય
ખરાંની ખરે ખબરું થાય…
સતી તોરલની સંતવાણી આપણાં સાહિત્યનો એક ઉજળો ભાગ છે. વેદોની જ્ઞાનવાણી, ઉપનિષદોની અનુભવવાણી તેમજ સંતો-ભક્તોની સંતવાણીના ભાતીગળ પ્રવાહોએ આપણાં વ્યક્તિગત તેમજ સામાજિક જીવનને લીલું છમ્મ રાખવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. જ્ઞાનવાણી જે મહદ અંશે સંસ્કૃતમાં વિદ્વાનો સમજી શકે તેવી શૈલિમાં હોય. ભાષાની કે માધ્યમની દૂર્બોધતાને કારણે ઘણીવાર ઉત્તમ બાબતો પણ જન સામાન્ય સુધી પહોંચવી મુશ્કેલ બને છે. સંતવાણીએ આ શ્લોક અને લોક વચ્ચેના અંતરને નોંધપાત્ર રીતે ઘટાડ્યું છે. આથી જ સંતવાણી કે ભજનવાણીની પવિત્ર ધારા કાળના નિરંતર વહી જતા પ્રવાહમાં સ્થિર રહી છે અને સદાકાળ જીવંત રહી છે.
વાણીની સરળતા તેમજ જીવનના વ્યવહારૂ ઉદાહરણોના સંદર્ભબળને કારણે આ સાહિત્ય લોકભોગ્ય બન્યું છે. સામાન્ય જનને આ વાણી ‘પોતીકી’ લાગી છે. જેસલ અને તોરલના નામો તથા તેમના જીવનની કથા લોકહ્રદયમાં સ્થાન પામી છે. આ પાત્રો સાથે જોડાયેલી ‘ક્વિદંતીઓ’ કે ચમત્કારની વાતો બાજુ પર રાખીએ તો પણ સતી તોરલના રચેલા પદ માનવજીવનના શાશ્વત મૂલ્યોની વાત સહજતાથી તેમજ સરળતાથી કરે છે. આથી તે આજના સંદર્ભમાં પણ પ્રસ્તુત છે.
જેસલ કરી લે વિચાર
માથે જમ કેરો માર
સપના જેવો છે સંસાર
તોળી રાણી કરે છે પોકાર
આવો જેસલ રાય !
આપણ પ્રેમ થકી મળીએ જી
પૂરા સંત હોય ત્યાં જઇ ભળીએ જી !
ગુરૂના ગુણનો નહિ પાર
ભગતી છે ખાંડાની ધાર
નુગરા ક્યા જાણે સંસાર
એનો એળે જાય અવતાર
આવોને જેસલરાય !
સંતવાણીનો પ્રવાહ આપણે ત્યાં મુખ્યત્વે ભજનવાણીના માધ્યમથી પ્રગટ્યો છે. સાંઇ મકરંદે લખ્યું છે કે પરમ તત્વનું કે પુરુષોત્તમની આરાધના કરતા હોઇએ અને તેની સાથે એકતાર થઇ જવાય તેનેજ ભજન કર્યું કહેવાય. ભજનની બે બાબતો મુખ્ય છે. આ બન્ને બાબતો એટલે શબ્દ અને સુરતા. જ્યાં સુરતાનો અભાવ હોય ત્યાં શબ્દ માત્ર કંઠની કારીગરી સમાન બની જાય છે તેવું મકરંદી વિધાન પુર્ણત: ઉચિત્ છે. આથી ભજન એ ખરા અર્થમાં સુરત શબદ યોગ છે. સતી તોરલના અનેક ભજનો આજે પણ ગુંજતા અને ગાજતા જોવા મળે છે.
જેસલ જે પોતાના કાળમાં નિજકર્મો થકી ઘણા અપયશને પામ્યો હતો તેને સ્નેહથી સમજાવવામાં તોરલે જાણે શાસ્ત્રોની તમામ ઉત્તમ વાતો અને ઠોસ ઉદાહરણોનું અસરકારક મિશ્રણ તૈયાર કર્યું છે. સંતવાણીમાં વાતને કે વિચારને મૂકવાની છટા, સરળતા તેમજ વિચાર પ્રાધાન્યતા દાદ આપવી પડે તેવા હોય છે. આથી જ આ ભજનો કચ્છ–સૌરાષ્ટ્રમાં નારાયણ સ્વામી, યશવંત ભટ્ટ કે મુગટલાલ જોષી જેવા મીઠા અને ઘેઘૂર કંઠથી વહેતા થાય છે ત્યારે રાત ટૂંકી પડે છે ! તોરલે પોતાના જ્ઞાનથી કે અનુભવ વાણીથી જેસલને માધ્યમ બનાવીને જે ડહાપણયુક્ત જ્ઞાનની વાતો સમાજ સમક્ષ વહેતી મૂકી છે તે વિચારો કદી કાલ-બાહ્ય થતા નથી. આપણી ભજનવાણીનું એક ઉજળું નામ એ સતી તોરલનું છે. ગંગાસતી – તોરલ કે લલ્લાદે જેવા નારીસંતોથી આપણું ભજન સાહિત્ય રળિયાત છે.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
તા.૧૯/૦૮/૨૦૧૯.
Leave a comment