માહિતી મેળવવાનો અધિકાર એ કોઇપણ દેશના નાગરિકોને મળેલો મહત્વનો અધિકાર છે. અનેક દેશોમાં તો આ કાયદાનો અમલ ઘણાં લાંબા સમયથી થઇ રહેલો છે. ભારતમાં આ કાયદાનો અમલ ૨૦૦૫ના વર્ષથી થઇ રહેલો છે. એ રીતે જોઇએ તો આપણાં દેશમાં માહિતી અધિકારનો કાયદો પ્રમાણમાં મોડો અમલમાં આવેલો છે. આ કાયદો એ દેશના તમામ નાગરિકોના હાથમાં રહેલું એક મહત્વનું હથિયાર છે. બંધારણમાં દેશના નાગરિકોને અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય આપવામાં આવેલું છે. આ એક મહત્વનો મૂળભૂત અધિકાર છે. આથીજ આપણાં બંધારણના ઘડવૈયાઓએ આવા અધિકારને પૂર્ણ મહત્વ આપીને તેનો સમાવેશ બંધારણના એક ભાગ તરીકે કરેલો છે. જો અભિવ્યક્તિનો અધિકાર હોય તો અભિવ્યક્તિની અસરકારકતા માટે માહિતી એ પાયાનો સ્ત્રોત છે. આથી કોઇપણ પ્રશ્ન કે નિર્ણય સબંધેની પ્રક્રિયા અંગે નાગરિકોને માહિતી કે જાણકારી પૂરી પાડવામાં આવે તે બંધારણની જોગવાઇને સફળ બનાવવા માટેની પૂર્વ શરત છે. આ સંજોગોમાં આપણાં દેશમાં માહિતીના અધિકારના કાયદાનું વિશેષ મહત્વ બંધારણની જોગવાઇઓને અર્થપૂર્ણ બનાવવા માટેનું પણ છે.
માહિતી અધિકારના કાયદાની આવી ઉપયોગિતા વિશે સામાન્યત: સર્વસંમતિ છે. પરંતુ આપણાં આઝાદ દેશમાં કાયદાની જોગવાઇઓને તેના ખરા સ્વરૂપે અમલમાં મૂકવાની બાબત એ એક પડકારરૂપ કાર્ય છે. બંધારણમાં જેનો નિર્દેશ કરવામાં આવ્યો હોય અને જેના પરથી કાયદા ઘડવામાં આવ્યા હોય તેવા કેટલાક કાનૂનોનો અસરકારક અમલ થવામાં શિથિલતા જોવામાં આવે છે. દેશના દરેક બાળકને સ્વાસ્થ્ય, સુપોષણ કે શિક્ષા મેળવવાનો સમાન અધિકાર તો હોય પરંતુ તે માટેની વ્યવસ્થા કે મજબૂત માળખું આપણે કેટલાક ક્ષેત્રોમાં ઊભું કરી શક્યા નથી. આથીજ આવા મૂળભૂત વિષયોમાં દરેક સરકારો પોતાને ઉચિત જણાય તેવા ઉપાયો યોજતી હોય છે. આ રીતે માહિતી અધિકારના કાયદાનો અમલ કર્યા પછી તેનો મહત્તમ લાભ આ કાયદાના હેતુ અનુસાર મળી રહે તે જોવા અસરકારક વ્યવસ્થા ઊભી કરવી તેમજ તેને ટકાવવી એ નિતાંત આવશ્યક બાબત છે. કેટલીક બાબતો જે આ બાબતના અનુભવના આધારે સામે આવી છે તેની ચર્ચા વિચારણા કરવાની અને નિર્ણયાત્મક રીતે સુધારાના પગલા લેવા જરૂરી છે. આવી બે કે ત્રણ મહત્વની બાબતોનો અહીં સંક્ષિપ્તમાં ઉલ્લેખ કરવો ઉચિત ગણાશે.
કોઇપણ કાયદાના અસરકારક અમલીકરણ માટે મજબૂત તંત્ર હોવું જરૂરી છે. મજબૂત તંત્રના અભાવે માત્ર કાયદો ઘડી કાઢવામાં આવે તો તેના ઇચ્છિત પરીણામ આવતા નથી. માહિતી આયોગની રચના બાબતમાં પણ કેન્દ્ર તથા રાજ્ય સરકારોની ઉદાસીનતા કાયદાના અમલીકરણની દિશામાં નાની મોટી નબળાઇઓ શરૂઆતથીજ જોવા મળી છે. લાંબા સમય સુધી કમિશનરોની નિમણુંક વહીવટી પ્રક્રિયાના કારણે ન થાય ત્યારે કામગીરીની ગુણવત્તા પર તેની અસર થાય તે સ્વાભાવિક છે. કમિશન પાસે અપીલોનો ભરાવો થતાં સામાન્ય નાગરિકને માહિતી મેળવવામાં વિલંબને કારણે થતી હાડમારીનો સામનો કરવો પડે છે. કેટલાક રાજ્યોમાં કમિશનની ખાલી જગાઓ ભરવા માટે જાગૃત નાગરિકોએ હાઇકોર્ટ સમક્ષ જાહેર હિતની અરજી (P.I.L.) કરવી પડી હોય તેવા ઉદાહરણ પણ ધ્યાન પર આવેલા છે. કમિશનના સબોર્ટીનેટ સ્ટાફની સ્થિતિ પણ દરેક રાજ્યમાં સમાન રીતે સાનુકૂળ જોવા મળી નથી. આ એક એવી મહત્વની બાબત છે કે જેના કારણે કેટલાક રાજ્યોના કમિશન અસરકારક અમલીકરણની બાબતમાં અસરકારક બની શક્યા નથી.
કાયદાના સર્વગ્રાહી અમલ માટે તંત્ર ઉપરાંત લોક જાગૃતિ પણ કાયદાની સફળતા માટે અનિવાર્ય છે. લોક જાગૃતિને અહીં વ્યાપક અર્થમાં લઇને તેમાં લોક શિક્ષણનો પણ સમાવેશ થાય છે. કાયદાથી મળી શકતા લાભો જો નાગરિકોને પ્રાપ્ત કરાવવાનો લક્ષ્યાંક હોય તો તે માટે તેમને સુસજ્જ કરવા જરૂરી છે. માહિતીના કાયદા નીચે કેવા પ્રકારની માહિતી મળી શકે તથા તેના માટે કયા સ્વરૂપમાં અરજી કરવી જોઇએ તેની મૂળભૂત સમજનો અભાવ હોય તેવા અનુભવ થયા છે. ગુજરાતમાં માહિતી પહેલની ‘હેલ્પલાઇન’ તથા માહિતી આયોગની વેબસાઇટ થકી સારા એવા પ્રમાણમાં આ ક્ષતિની પૂર્તિ કરવા પ્રયાસ થયા છે. લોકશિક્ષણના કાર્યનો વિસ્તાર કરવા માટે મોબાઇલ વાહનો દ્વારા માહિતી પહેલ તરફથી જે પ્રયાસો થયા છે તે નોંધપાત્ર તેમજ અભિનંદનીય છે. આમ છતાં બીજી સંસ્થાઓ તથા નાગરિક સમાજે આ કાર્ય પર લાંબા ગાળા માટે ધ્યાન આપવાની જરૂર છે.
લોકશિક્ષણના કામનું જેટલું મહત્વ છે તેટલુંજ મહત્વ આ કાર્ય સંભાળતા સરકારી અધિકારીઓ – કર્મચારીઓની નિયમિત તેમજ સુઆયોજિત તાલીમ કાર્યક્રમોની અનિવાર્ય આવશ્યકતા છે. અનુભવે જોવા મળેલું છે કે ઘણાં કર્મચારીઓ સુયોગ્ય તાલીમ તથા પ્રોત્સાહનના અભાવે માહિતીના કાયદાના સંદર્ભમાં તેમણે કરવી પડતી કામગીરી પરત્વે ઉદાસીન છે અથવા તે કાર્ય કરવાનો એક પ્રકારનો ભાર અનુભવે છે. કાયદાના અમલીકરણની સફળતાને વિભાગના ઉચ્ચ અધિકારીઓ અગ્રતાની બાબત સામાન્ય રીતે ગણતા નથી. આથી નાના કર્મચારીઓ પણ સરવાળે આ બાબતને ગંભીરતાથી લેતા નથી. આથી આ કાયદાના સુચારુ અમલીકરણ માટેની ઇકો સીસ્ટમ ઊભી કરવી તથા તેને ટકાવવી જરૂરી છે. પ્રોએક્ટીવ ડીસ્ક્લોઝર એ માહિતીના કાયદાના હાર્દ સમાન છે પરંતુ તેનો વાસ્તવિક અમલ પણ સંતોષકારક કહી શકાય તેવો નથી.
માહિતી અધિકારના અસરકારક અમલીકરણની બાબત એ રસ ધરાવતા તમામ પક્ષકારો માટે તક તેમજ પડકારરૂપ બાબત છે. આથી આ બાબત માત્ર શાસન પર છોડી દેવાના બદલે તેને ખરા અર્થમાં લોકભાગીદારી તેમજ લોકજાગૃતિના હથિયારોથી સુસજ્જ કરવાની જરૂર છે.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
તા.૧૬/૦૮/૨૦૧૯.
Leave a comment