: ક્ષણના ચણીબોર : : યુગદ્રષ્ટા અને ક્રાંતિકારી સાધુ : મુનિ શ્રી સંતબાલજી :

જેમના જીવનમાંથી સહજ રીતેજ ક્રાંતિ પ્રગટી છે તેવા એક જૈન મુનિએ લગભગ આઠ દાયકા પહેલા કરેલું નિવેદન આજે પણ અહોભાવ પ્રગટાવે તેવું છે. મુનિશ્રી કહે છે : 

‘‘ મારો સત્ય ધર્મ એજ સાધુ ધર્મ… નામની આગળ – પાછળ લગાડાતી તમામ પદવીઓનો ત્યાગ કરું છું. સત્યનો આવિભાર્વ એ આખા જગતનું મૌલિક બળ હોવાથી ‘‘સંતબાલ’’ તરીકે બોધતાં વિશ્વવાત્સલ્યની વિમલધારા આ દેહ પર રહેશે… હવે હું કોઇપણ નાતનું, ધર્મનું કે દેશનું નિરમિષહારી ઘર હશે ત્યાંથી પ્રેમભાવે મળેલી શુધ્ધ તેમજ સાત્વિક ભિક્ષા લઇશ… નમસ્કાર કરનારમાં દીન તથા લેનારમાં સત્તાવાહી માનસ સર્જે છે. આથી હું સર્વને વિનંતી કરું છું કે મને કોઇ હવેથી નમશો નહિ… માનસિક શ્રમ સાથે શારીરિક શ્રમ અનિવાર્ય છે એમ મને ભાસે છે. ’’ આવો સંકલ્પ જાહેર કરનારને સહિષ્ણુતા તેમજ ઉદારતાના ઉપરછલ્લા ગુણગાન ગાતા સંપ્રદાયના કેટલાક લોકો સાંખે નહિ તે સવભાવિક છે. આવા અનુભવ અનેક કિસ્સામાં જગતે જોયા પણ છે. નૂતન વિચારને ગુંજતો કરનાર આવા મરજીવાઓ સામે સાંપ્રદાયિક બળો કે રૂઢિમાં જકડાયેલા લોકોએ આકરો તેમજ અન્યાયી અભિગમ પણ લીધો છે. પરંતુ હરિનો મારગ છે શૂરાનો એ ન્યાયે આવા વિદ્રોહી વ્યક્તિઓ પોતાના સત્યના તેજથી ટક્યા છે. રાણાજીએ મોકલેલા વિષના પ્યાલા મીરાંએ ઝીરવ્યા છે. જ્ઞાતિજનોનો બહિષ્કાર નરસિંહે ભોગવ્યો છે. અહીં પણ આ મુનિની આજ નિયતિ છે. સંપ્રદાય તરફથી જાકારો પામનાર આ સાધુનો સત્કાર વિશાળ સમાજે કર્યો. આ મનોહર કથા સંતબાલજી નામના જૈન સાધુની છે જેમણે તમામ બંધનોને અળગા કરીને જગત કલ્યાણનો માર્ગ પસંદ કર્યો. તેઓ સંપ્રદાયના સ્થાને સમાજની ઓળખ બનીને ઝળાહળા થયા. રવિશંકર મહારાજ, કાકાસાહેબ કાલેલકર તેમજ જુગતરામ દવે જેવા ગાંધીના ગોવાળો સાથે સંતબાલજીનો ઘનિષ્ઠ પરિચય થયો. શ્રાવણ માસના પવિત્ર દિવસો હજુ હમણાંજ પસાર થયા છે. સંતબાલજીનો જન્મ શ્રાવણ સુદ પૂનમના દિવસે (૨૬ ઓગસ્ટ,૧૯૦૪) મોરબી પાસેના ટોળ ગામે થયો. તેમના પિતા તો ગરીબી તેમજ બીમારીનો ભોગ બની આ જગતમાંથી વિદાય થયા. પરંતુ માતાએ કાળી મજૂરી કરીને તેમજ હૈયામાં હામ ધરીને બાળકોનો સ્વસ્થ ઉછેર કર્યો. બ્રહ્મલક્ષ્મી માતાના આ સંસ્કારોની સંપૂર્ણ અસર પુત્ર શિવલાલના સમગ્ર જીવન દરમિયાન રહી. આવી માતાના અવસાન બાદ પૂર્વજન્મના શિવલાલમાં વૈરાગ્યવૃત્તિ પ્રબળ બની. ૧૯૨૯ માં પચીસ વર્ષની યુવાન વયે શિવલાલને દીક્ષા આપવામાં આવી. મોરબી રાજ્યમાં તે સમયે દીક્ષા પર પ્રતિબંધ હતો. પરંતુ મહારાજા લખધીરજીએ આ પ્રતિબંધ દૂર કરીને મુનિ મહારાજની દીક્ષાનો માર્ગ સરળ કરી આપ્યો. શરૂઆતના વર્ષોમાં સૌભાગ્યમુનિ તરીકે ઓળખાતા આ મુનિએ સફળતાથી અવધાન પ્રયોગો કર્યા હતા. શતાવધાની તરીકે પણ તેઓ ઓળખાવા લાગ્યા હતા. પરંતુ આ મુનિ જુદા મત અને મિજાજ ધરાવનારા હતા. તેમને લાગ્યું કે માનવી જ્યારે નિષ્ઠાપૂર્વક યોગ અથવા સાધનાના માર્ગે ચાલે ત્યારે કેટલીક સિધ્ધિઓ તેને સહજ રીતેજ વરે છે. પરંતુ જો સાધક તેના મોહમાંજ સપડાઇ જાય તો સાધનાને માર્ગે આગળ વધી શકાતું નથી. ઉપરાંત આ પ્રકારની સિધ્ધિઓથી સામાન્ય લોકો આકર્ષણ પામે પરંતુ તેમાં સાધકનું કોઇ હિત થતું નથી. આથી આવા ચમત્કારિક પ્રયોગો સંતબાલજીએ બંધ કર્યા. મુનિ સંતબાલજીના જીવન ઉપર ગાંધીજીના વિચારોનો ઊંડો પ્રભાવ જોવા મળે છે. મુનિ સંતબાલજીએ જગતના ધર્મોનો ઊંડો અભ્યાસ કર્યો. તેમણે કાવ્યરચનાઓ પણ કરી. સમગ્ર જગત તરફ વાત્સલ્યભાવ કેળવીને આ સાધુ ખરા અર્થમાં લોકસાધુ બની રહ્યા. સત્ય તરફની તેમની નિષ્ઠામાં ગાંધીજીની સત્યનિષ્ઠાનો પડઘો સંભળાય છે. સંતબાલજીને હમેશા એવી પ્રતિતિ રહેતી કે મહાવીર સ્વામીની સત્ય તેમજ અહિંસાની સાધનાને ગાંધીજી વિશાળ ક્ષેત્રમાં વૈશ્વિક રીતે વિકસાવી રહેલા છે.

મુનિ સંતબાલજીએ ભાલ નળકાંઠાના પ્રમાણમાં પછાત ગણાતા વિસ્તારમાં ધૂણી ધખાવીને લોકસેવાના કાર્યોનો આરંભ કર્યો. ‘‘ભાલ નળકાંઠા પ્રાયોગિક સંઘ’’ એવા નામથી એક સંગઠન મુનિશ્રીના પ્રયાસોથી શરૂ થયું. ગરીબી તેમજ અંધશ્રધ્ધાથી ઘેરાયેલા આ વિસ્તારના નવસર્જન માટેનો શંખ સંતબાલજીએ ફૂંકીને આ વિસ્તારના લોકોની ચેતનાને સંકોરવાનું કામ કર્યું. મહિલાઓની સ્થિતિમાં સુધારો કરવા માટે તેમણે વિશેષ ધ્યાન આપ્યું. ગામડે ગામડે વિચરણ કરીને મુનિશ્રીએ જાગૃતિ લાવવાનો વ્યાપક તેમજ અસરકારક પ્રયાસ કર્યો. ભાલ નળકાંઠાના આ ગામોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા હતી. વિકાસના આવા કામોમાં પણ લોકભાગીદારી ઊભી કરી શકાય તેવી વાત દેશને આઝાદી મળી તે પૂર્વે કરીને આ જૈનસાધુએ પોતાના સમયથી ખૂબ દૂરનું જોઇ શકે તેવા દ્રષ્ટા તરીકે સમાજને તેમજ શાસનને પોતાની પ્રતિતિ કરાવી. લોકો પાસેથી કે સુખી કુટુંબો પાસેથી નાણાંકીય ફાળો મેળવીને ભાલ નળકાંઠાના ૭૮ ગામો માટે પાઇપલાઇનથી પીવાના પાણીની વ્યવસ્થાની યોજના સંતબાલજીએ તૈયાર કરાવી. લોકભાગીદારીવાળી કદાચ આ પ્રથમ યોજના બની હશે. પૂરા પ્રોજેક્ટના પાયામાં સંતબાલજીની દીર્ઘદ્રષ્ટિ હતી. સાધુની શક્તિ જ્યારે સમાજના કલ્યાણના ક્ષેત્રમાં વપરાય છે ત્યારે તેના ચમત્કારિક પરિણામો પણ મળે છે. શિયાળ નામના આ વિસ્તારના એક નાના ગામમાં મેડીકલ સેન્ટર ઊભું કર્યું. જેનું ઉદ્દઘાટન ૧૯૪૬માં મોરરજી દેસાઇએ કર્યું હતું. આ સાધુની દ્રષ્ટિ ઘણી સર્વગ્રાહી તથા વિચક્ષણ હતી. ગણોતિયાઓને જમીન મળે અને જમીનને લઇને કજીયા – કંકાસ ન થાય તે દિશામાં પણ તેમણે પરિણામલક્ષી પ્રયાસો કર્યા. ‘‘ વિશ્વવાત્સલ્ય ’’ નામના સામયિકનો તેમણે પ્રારંભ કરાવ્યો. આ સામયિકના પ્રથમ સંપાદક નવલભાઇ શાહ હતા. જેઓ પછી ગુજરાતના શિક્ષણમંત્રી પણ બન્યા હતા. સન્યાસ લઇને સમાજને ભારરૂપ થવાના બદલે સમાજ ઉપયોગી કામ કરીને કર્મયોગી થવાનો મુનિશ્રીનો જીવન સંદેશ છે. મુનિશ્રીએ મહારાષ્ટ્રમાં ચિંચણી ખાતે મહાવીરનગર આંતરરાષ્ટ્રીય કેન્દ્રની સ્થાપના કરી. માર્ચ-૧૯૮૨માં મુનિશ્રીએ સ્વધામના માર્ગે પ્રયાણ કર્યું પરંતુ તેઓ તેમના કાર્યો થકી આજે પણ જીવંત છે. 

વી. એસ. ગઢવી
ગાંધીનગર.

તા.૧૪/૦૮/૨૦૧૯.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑