: ક્ષણના ચણીબોર : : કચ્છી ખમીરના પ્રતીનિધિ સર્જક : ડૉ. જયંત ખત્રી :

ડૉ. જયંત ખત્રીની કથા ‘ધાડ’ ઉપરથી ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું તે સર્વવિદિત છે. ‘ધાડ’ ની કથા જેવી રસપ્રદ છે તેવીજ રસપ્રદ તથા અનેક અણધાર્યા વળાંક સાથેની કથા ‘ધાડ’ ફિલ્મના નિર્માણ સબંધી છે. અનેક પ્રકારની નાની કે મોટી સમસ્યાઓ વચ્ચે ‘ધાડ’ ફિલ્મનું નિર્માણ થયું તે વાત કીર્તિભાઇ ખત્રી પાસેથી એક નાના છતાં ગૌરવશાળી સમારંભમાં જાણવા મળી. ‘ધાડ’ ફિલ્મ સાથે ભિન્ન ભિન્ન સ્વરૂપે જોડાયેલા કસબીઓનું સન્માન કરવા માટે આ સમારંભનું આયોજન ભૂજ ખાતે થોડા સમય પહેલા કરવામાં આવ્યું હતું. કોઇપણ ફિલ્મના નિર્માણમાં અનેક પ્રશ્નો સંકળાયેલા હોય તે તો સમજી શકાય તેવી વાત છે. પરંતુ ડૉ. જયંત ખત્રી વાર્તાના આધારે જેનું ફિલ્માંકન થયું તે ‘ધાડ’ ફિલ્મના નિર્માણની પ્રક્રિયામાં કચ્છના અનેક નાના-મોટા કલાકારો ઉમંગ તથા ઉત્સાહથી જોડાયેલા રહ્યા તે બાબત સામાન્ય રીતે ફિલ્મ નિર્માણના કામમાં જોવા મળતી નથી. એક રીતે જોઇએ તો આફિલ્મ ખરા અર્થમાં લોકભાગીદારી થકી બની શકી છે તેમ કહેવામાં અતિશયોક્તિ નથી. ડૉ. જયંત ખત્રી એક બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. ‘ધાડ’ ફિલ્મ નિર્માણના આ સમારંભ નીમિત્તે ડૉ. જયંત ખત્રી વિશેના કેટલાક લેખોમાંથી પસાર થવાનું થયું. એ નીમિત્તે આ મોટા ગજાના સર્જક તથા ઉમદા માનવના જીવન – કવન વિશે થોડો વિશેષ પરિચય થયો. સપ્ટેમ્બર માસની ૨૪મી તારીખે ૧૯૦૯ માં ડૉ. જયંત ખત્રીનો જન્મ થયો. આથી સપ્ટેમ્બર માસમાં તેમની જન્મજયંતિ નિમીત્તે  અનેક સાહિત્ય પ્રેમીઓના મનમાં ડૉ. જયંત ખત્રીની સ્મૃતિ તાજી થતી હશે. એક કુશળ તબીબ તથા પ્રતિભાસંપન્ન સાહિત્ય સર્જક હોવા ઉપરાંત અનેક રીતે તેઓ જાહેર જીવન સાથે જોડાયેલા હતા. માંડવી (કચ્છ) નગરપાલિકાના ચૂંટાયેલા સભ્ય તરીકે તેઓ માંડવી નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે પણ ૧૯૫૪ થી ૧૯૬૦ સુધી રહ્યા હતા. મુંબઇ તેમજ માંડવીમાં તેમણે તબીબી પ્રેકટીસ કરી હતી. ડૉકટર તથા દર્દી વચ્ચે એક વણલખ્યા વિશ્વાસનો સબંધ રહેતો હોય છે. એક તબીબ તરીકે ડૉ. ખત્રી વિશેષ સંવેદનશીલ રહ્યા હશે તેમ તેમના કેટલાક ઉદ્દગારોને જોતાં લાગે છે. તબીબતથા દર્દીના આવા સબંધ અંગે જયંતભાઇ લખે છે : 

‘‘ વ્યક્તિ જ્યારે નાના કે મોટા દર્દથી રોગગ્રસ્ત બને છે ત્યારે તેની ધીરજ તથા સહનશક્તિ કસોટીએ ચડે છે… આ સમયે તેની સારવાર કરતા તબીબ જે તે દર્દીના કુટુંબીજનોથી પણ વિશેષ નજીક પહોંચે છે. આ સમયે ડૉકટર અને દરદી વચ્ચેના ધંધાદારી સબંધો નાશ પામે છે… અને માનવ સબંધો બંધાય છે જે ચિરંજીવી રહે છે. ’’ તબીબનો સબંધ દરદીના ધર્મ સાથે નહિ પરંતુ દર્દીની પીડા સાથે બંધાતો હોય છે. તબીબ જ્યારે પોતાના દર્દીને કોઇપણ ઉપાયે સ્વસ્થ કરી શકે તેમ ન હોય ત્યારે તબીબના મનમાં એક ઊંડી વ્યથા જન્મ લેતી હોય છે. ઋષિકેશ મુખરજીની ‘આનંદ’ ફિલ્મના તબીબની આવી મુંગી અસહાયતાનું ઉત્તમ ચિત્રણ કરવામાં આવ્યું છે જે ભૂલી શકાય તેવું નથી. ડૉ. જયંત ખત્રીના જીવનને જોતાં તેમનામાં વ્યક્તિત્વમાં આવા સંવેદનશીલ તબીબ તથા સર્જકનું આબેહૂબ દર્શન થાય છે. આથીજ ખત્રી સાહેબ એવી દ્રઢ માન્યતા ધરાવતા હતા કે માનવતાને કેન્દ્રમાં રાખીને જીવન પસાર કરનાર ઉત્તમ સર્જક બની શકે છે. કારણ કે અનેક લોકો જે જીવન ટકાવી રાખવા માટે આકરા સંઘર્ષ કરતા હોય છે તેમને નજીકથી જોવાનો તેમજ નાણવાનો લાભ તબીબ સર્જકને મળી શકે છે. આથી આવા સર્જકની કલમમાંથી અનુભૂતિનું અમૃત ટપકે છે જે જગત માટે કદાચ ઉત્તમ સાહિત્ય કૃતિ પણ બની શકે. આવા એક કસાયેલા સર્જક તેમજ તબીબ જ્યારે જીવલેણ બીમારીમાં સપડાય ત્યારે પણ પોતાની આંતરિક શક્તિના કારણે સહેજ પણ સ્વસ્થતા ગુમાવતા નથી તેનું સ્પષ્ટ દર્શન ડૉ. જયંત ખત્રીના જીવનમાં જોવા મળે છે. ડૉ. જયંત ખત્રી ઉપરના નીપા ઠક્કર તેમજ માણેકલાલ પટેલ સંપાદિત પુસ્તકમાં ડૉ. ખત્રીના અંતિમ માંદગીના દિવસોમાં પણ તેમની સમતા તથા સ્વસ્થતા વિશેની જે વાતો લખવામાં આવી છે તે ખત્રી સાહેબના વટવૃક્ષ સમાન વ્યક્તિત્વના અનેક ઉજળા પાસાનો પરિચય કરાવી જાય છે. આપણી ભાષાના સમર્થ સર્જક તેમજ વિચારક હરીન્દ્ર દવેએ મોતના બીછાને પડેલા ડૉ. ખત્રીની આવી અસાધારણ સ્વસ્થતાની વાત અર્થપૂર્ણ શબ્દોમાં વ્યક્ત કરી છે. હરીન્દ્ર દવે અસાધ્ય બીમારી ભોગવી રહેલા ડૉ. ખત્રીની ખબર અંતર પૂછવા જાય છે ત્યારે ‘‘ મોતને વેઇટીંગ રૂમમાં બેસારીને જયંતભાઇએ અમારી સાથે જિંદગીની વાતો કરી ’’ તેવું હરીન્દ્ર દવેનું સૂચક વિધાન આ સર્જકના નિરાળા વ્યક્તિત્વનો ધારદાર પરિચય આપે છે. માનવીને જ્યારે મૃત્યુ નિશ્ચિત જણાતું હોય તેમજ અનેક પ્રકારે આર્થિક સમસ્યાઓ પણ સામે મોં ફાડીને ઊભી હોય ત્યારે આવી સ્વસ્થતા ધારણ કરવાનું સામર્થ્ય ગણ્યાં ગાંઠ્યા વિરલાઓમાંજ હોય છે. જીવનમાં ઉત્તમ સેવા તેમજ નિરંતર સંવેદનશીલતાને ધારદાર રાખી જે યશની પ્રાપ્તિ કરે છે તેની સ્મૃતિ જગતને દીર્ઘકાળ સુધી રહેતી હોય છે. લોકકવિએ એક દુહામાં લખ્યું છે : 

જીવતાં જગ જશ નહિ,

જશ વિણ કો જીવંત:

જે જગ જશ લઇ આથમ્યા,

ઇ તો રવિ પહેલા ઉગંત.

પ્રસિધ્ધિને વરેલા ડૉ. જયંત ખત્રી તબીબ ઉપરાંત સાહિત્યકાર, કવિ, ચિત્રકાર તથા સંગીતના મર્મજ્ઞ હતા. માનવતાના ઉત્તમ ગુણો તેમના વ્યક્તિત્વમાંથી સહજ રીતેજ ટપકતા હતા. તળના માણસોની પ્રત્યે તથા તેમની વ્યથાઓ પ્રત્યે જયંતભાઇને એક વિશિષ્ટ મમત્વભાવ હતો. આમ સર્જકોમાં પણ તેઓ ઊંડી નિસ્બત તેમજ સમાજ તરફની પ્રતિબધ્ધતા ધરાવતા એક નોખા મીજાજના સર્જક તરીકેની નામના મેળવીને ગયા છે. કચ્છ અને ગુજરાત તેમને જે રીતે આદર સહ યાદ કરે છે તે ડૉ. ખત્રીના વ્યક્તિત્વની વિશેષતાઓને આભારી છે. પ્રજાની સ્મૃતિમાં વસતા આ વાર્તાકાર વિસ્મૃત થાય તેવા નથી. 

વી. એસ. ગઢવી
ગાંધીનગર.

તા.૧૪/૦૮/૨૦૧૯.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑