સાહીત્ય સર્જકોની આપણી ઉજળી તથા દીર્ઘ પરંપરામાં ચારણી સાહીત્યના સર્જકોનું પણ એક વિશિષ્ટ સ્થાન છે. સમગ્ર રાજપૂતાના ઇતિહાસમાં અનેક કીર્તિવંત ચારણ કવિઓ જાગૃતિની મશાલ લઇને ઊભા રહેલા દેખાય છે. મશાલચીનું કામ સ્વેચ્છા તથા સ્વબળે કરવામાં અનેક વખત આ કવિઓ સત્તાધિશોની ખફગીનો ભોગ પણ બન્યા છે. આવા જોખમનો સંપૂર્ણ ખ્યાલ હોવા છતાં ચારણ કવિઓએ નેક અને ટેકની જાળવણી માટે આત્મબળના આધારે તેમજ જગદંબાની શ્રધ્ધાના બળે સ્વાભિમાન તથા સમર્પણના સૂર છેડ્યા છે. જો રાજ્યના સ્વમાન માટે પોતાપણાનો ભાવ તથા બલિદાનની તૈયારી ન હોત તો કેશરીસિંહજી બારહઠ્ઠે ઉદેપુરના મહારાણા તથા રાણા પ્રતાપના વંશજ ફત્તેસિંહજી (ઇ.સ. ૧૮૮૪-૧૯૩૦)ને ચેતવણી ન આપી હોત. લોર્ડ કર્ઝને મહારાણા ફત્તેસિંહજીને દિલ્હીની સભામાં હાજર રહીને બ્રિટીશ સત્તાની મહત્તા સ્વીકારવા સમજાવી લીધા. પરંતુ રાજ્યકવિ કેશરીસિંહજીને આ વાત સાંભળીને આઘાત લાગે છે. ફત્તેસિંહજી લોર્ડ કર્ઝન પ્રેરીત આ સભામાં હાજર રહે તો સમગ્ર રાજપૂતાનાને વિદેશી શાસકોની જોરતલખી માન્ય છે તેવું સિધ્ધ થાય. કવિ કેશરીસિંહજી ઠાકુરને મા શારદાના પ્રતાપે કાવ્યતત્વ તેમજ રાજનીતિ એમ બન્નેની ઊંડી સૂઝ છે. આથી પોતાના પ્રિય રાજવીને ચેતવણીના દુહાઓ લખી દિલ્હી જવા સામે ચેતવે છે. કવિ કહે છે કે આપણી શાન એ આપણાં સ્વાભિમાનમાં રહેલી છે. કોઇની કૃપા મેળવીને રાજ્યની શાન જાળવવાનો વિચાર નિરર્થક છે. આથી ઉદેપુરના તે સમયના રાજ્યકવિ ઠાકુર કેસરીસિંહજી મહારાણા ફત્તેસિંહજીને લખે છે :
‘‘ માન મોદ સિસોદ
રાજનીતિ બલ રાખણો,
(ઇ) ગવરમેન્ટરી ગોદ,
ફળ મીઠા દીઠા ફતા. ’’
સ્વભાવિક રીતેજ કવિની ધારદાર વાણીથી ફત્તેસિંહજીનું શિથિલ થયેલું સ્વાભિમાન જાગ્યું. દિલ્હી તરફની યાત્રા શરૂ કરી હોવા છતાં તેઓ લોર્ડ કર્ઝન આયોજિત દરબારમાં ઉપસ્થિત ન રહ્યા. મેવાડ તથા રાણાનું સ્વમાન તો જળવાયું પરંતુ કવિ તથા તેમના કુટુંબીજનો ઉપર ગોરી સરકારે અન્યાયી રીતો પ્રયોજીને અનેક પ્રકારની આફતો ખડી કરી. સ્વાભિમાનના બળે તથા સંસ્કારગત ખમીરને કારણે કવિ કુટુંબે આ આકરા ઘાવ હસતા મુખે ઝીલી લીધા. સત્ય કહેવાની ભારે કિંમત કવિરાજાએ ચૂકવી.
સર્જકોની આવી ઉજળી પરંપરામાં લીંબડી (જિ. સુરેન્દ્રનગર) કવિરાજ શંકરદાનજી દેથાનું અનોખું સ્થાન છે. તેઓ પણ તેમના નિડર વ્યક્તિત્વ માટે જાણીતા હતા. બ્રિટીશ સત્તાના પ્રભાવ હેઠળ પોતાને સલામત સમજનાર કેટલાક રાજવીઓને શંકરદાનજી કહે છે કે તમે સૌ પતંગ રૂપે ઉડો છો પરંતુ બ્રિટીશ સત્તાની દોર ઉપર તમારી સલામતીનો આધાર છે. એકવાર બ્રિટીશ કૃપાની આ દોર તુટી જશે તો તમે જમીન પર પછડાઇને વેરણછેરણ થઇ જશો. તમારો ખેલ ખતમ થશે. કારણ કે તેમાં આત્મબળનો અભાવ છે. કવિરાજ તેમના અસરકારક શબ્દોમાં લખે છે :
પાર્થિવ વર્ગ પતંગ ઇવ,
કરી લ્યો મોજ વિલાસ,
કૃપા દોર બ્રિટીશ કો
તૂટ્યે ખેલ ખલાસ.
લીંબડીના રાજ્યકવિ શંકરદાનજી દેથા શાસ્ત્રીય ઢબે, કાવ્યશાસ્ત્ર – છંદશાસ્ત્રની મર્યાદામાં રહીને ઉત્તમ રચનાઓની સમાજને ભેટ આપનાર મોટા ગજાના કવિ હતા. વ્રજભાષા પાઠશાળા ભૂજમાં તેમણે ડિંગળ તથા પિંગળનો અભ્યાસ કર્યો હતો. શાસ્ત્રોની બાબતો, સમૃધ્ધ સમાજ જીવનની વિગતો તથા ભક્તિના અખંડ સુરની કવિતાઓની રચનામાં કવિરાજનું મૂઠી ઊંચેરું સ્થાન છે. ભક્તકવિ ઇસરદાસજી તથા સાયાજી ઝૂલાની પંગતમાં બસી શકે તેવી બળુકી કાવ્યશક્તિ ધરાવનાર આપણાં આ મહાકવિ હતા. છેલ્લા પાંચ-સાત દાયકાના ગાળામાં ચારણી સાહિત્યની અખંડ આરાધના કરીને સમાજમાં પોતાનું વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કરનાર ઉપાસકોમાં કવિ કાગ (ભગતબાપુ), શંકરદાનજી તથા મેરૂભાનું નામ ચોકકસ આપી શકાય.
લીંબડીના રાજ્યકવિ થવાનું સન્માન શંકરદાનજીને યુવાન વયે જ મળ્યું હતું. તેમના કેટલાક પ્રકૃતિગત ગુણોને કારણે તેમના વ્યક્તિત્વની એક અનોખી છાંટ હતી, તેનો અલગ પ્રભાવ હતો. મધ્યયુગના કેટલાક પ્રેરણારૂપ જીવન જીવી જનાર ચારણ કવિઓના ગુણો જેવા કે નિર્ભયતા, ઉદારતા તથા કોઇપણ સ્થિતિમાં સત્યવક્તા રહેવાના સદગુણો કવિરાજના વ્યક્તિત્વના સહજ પાસા હતા.
આઠ દાયકાનું અર્થપૂર્ણ જીવન જીવી જનાર આ કવિએ જીવનના અનેક ઉતાર-ચઢાવ જોયા, અનુભવ્યા. જયારે પણ સંઘર્ષ કરવાનો ધર્મ બજાવવાનો આવ્યો ત્યારે તેમ કર્યું પરંતુ સંઘર્ષમાં પણ સમતા અને સ્વસ્થતાની અખંડ જાળવણી કરી. માત્ર ૧૨ વર્ષની કિશોરવયે ભૂજની વૃજભાષા પાઠશાળામાં સાહિત્યની સાધના – ઉપાસના કરવા ગયા. વિધિની ગતિ ન્યારી છે. અભ્યાસ પૂર્ણ થાય તે પહેલા પાછા આવવું પડ્યું. છતાં પણ પાઠશાળાનો આ અભ્યાસ તથા ત્યારબાદ તેમણે કરેલી સાહિત્યની આજીવન ઉપાસનાને કારણે તેમની રચનાઓમાં એક અલગ ભાવ, કક્ષા અને કવિત્વના ચમકારા સહેજે જોઇ શકાય તેવા છે. જીવનમાં ખૂબ કીર્તિ મેળવી પરંતુ ધરતી સાથે, પોતાના સંસ્કાર સાથેનું જોડાણ કયારે પણ ઢીલુ થવા દીધું નહિ. કેટલાયે દીન-દુખીયાઓ માટે ‘‘કબીરા ભગત’’ બનીને વિવેકપૂર્વક અન્નદાતા બનીને જીવ્યા. તેમણે નીચેના શબ્દો માત્ર લખ્યા ન હતા, તે મુજબ જીવન જીવી બતાવ્યું હતું.
નિત રટવું હરનામ, દેવા અન્ન ધન દીનને
કરવા જેવા કામ, સાચા ઇ બે શંકરા.
રાજ્યકવિ શંકરદાનજી દેથા તેમની પ્રભાવી વાણી તથા સત્યનિષ્ઠા માટે હમેશા આપણી સ્મૃતિમાં જીવંત રહેશે.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
તા.૦૫/૦૮/૨૦૧૯.
Leave a comment