કેટલાક પુણ્યશ્લોક લોકોની સ્મૃતિ આપણાં રોજબરોજ ચાલતા જીવનમાં એક નવી સ્ફૂર્તિ કે પ્રસન્નતાનો અનુભવ કરાવી જાય છે. દર્શકદાદા તેમજ નાનાભાઇ ભટ્ટ એ આવાજ બે નિરાળા નામ છે. જેમની સ્મૃતિ લોક હ્રદયમાં ચિર સ્થાયી છે. દર્શકના અનેક જીવન ઉપયોગી કાર્યોમાં તેમની વાચન કથા એ અલગ ભાત પાડતી બાબત છે. વિદ્યાર્થીઓના ઇતર વાચન માટે દર્શકે પોતે જે કંઇ વાંચ્યું છે અને તેની જે અસર તેમના વિચારો પર થઇ છે તેના આત્મ નિવેદન સ્વરૂપે દર્શકદાદાએ પોતાની વાચનકથા લખી છે. (વાગીશ્વરીના કર્ણફૂલો) શ્રી રામચન્દ્ર પંચોળીએ તેનું સંપાદન કરીને આપણાં પર ઉપકાર કરેલો છે.
મનુભાઇ પંચોળી ‘‘ દર્શક ’’ ના નામ સ્મરણ સાથેજ એક વિશાળ તથા ભાતીગળ સાહિત્ય સૃષ્ટિ નજર સામે તરવરે છે. જીવન સાથે સંકળાયેલ ભાગ્યેજ કોઇ એવો વિષય હશે કે જેને દર્શક દાદાએ સ્પર્શ ન કર્યો હોય. ‘‘ દિપનિર્વાણ ’’ જેવી નવલકથાઓએ અનેક ભાવકોના દિલમાં દીવા પ્રગટાવ્યા હતા. અનેક ગુજરાતીઓ સોક્રેટીસની ભવ્યતાનું દર્શન દર્શકના સાહિત્ય થકી પામી શક્યા છે. સુસજ્જ વિવેચક તરીકે પણ દાદાનું ગજુ આસમાનને આંબે તેટલું છે. આ બધુ હોવા છતાં તેમનામાં રહેલો શિક્ષક કદી ઝાંખો પડ્યો નથી.
દર્શકના ઘડતરમાં નાનાભાઇ ભટ્ટનો ફાળો રહ્યો. કેળવણીના ગાંધી વિચારોને નાનાભાઇના કારણે વાસ્તવિક સ્વરૂપ મળ્યું. નાનાભાઇના વ્યક્તત્વની ખૂબીઓ સમજવા મનુભાઇ પંચોળીએ આલેખેલી આ વાત ધ્યાનથી સાંભળવા જેવી છે.
‘‘ ગાંધીજીએ આફ્રિકાથી મુંબઇ બંદરે ઉતરી હિન્દુસ્તાનમાં પ્રવેશ કર્યો તે ૨૦૧૫ નું વર્ષ છે. ભાવનગરના તખ્તેશ્વર મંદિર પાસેના એક બોર્ડિંગ હાઉસના દરવાજા પર ભરબપોરે ધમાલ મચી છે. શસ્ત્રસજ્જ શિકારીઓની ટોળી એક બંધ બોર્ડિંગ હાઉસના દરવાજા બહાર ક્રોધ સાથે ઊભેલી છે. તેઓ પૂછપરછ કરે છે. ’’
‘‘ માસ્તર કયાં છે ? ’’
‘‘ નાનાભાઇ ઘેર નથી. બંદરે ગયા છે. ’’
અંદરથી છોકાઓ જવાબ આપે છે.
‘‘ તમારી કૂતરી કયાં છે ? લાવો, મહારાજ સાહેબે મંગાવી છે. ’’
‘‘કૂતરી તો કયાંય રખડતી હશે. સાહેબ આવે પછી આવજો’’
છોકરાઓ બનાવટી જવાબ આપે છે.
‘‘ અમે હમણાં તો એને ઝાંપમાં જતી જોઇ છે. અંદર જ છે. બારણાં ઉઘાડો, અમારેતપાસ કરવી છે. ’’
છોકરાઓ બારણાં આડા ઉભા છે. બહારથી શિકારીઓ બારણાં ખખડાવે છે. ધમકીઓ તથા ગાળો પણ બોલે છે. છોકરાઓ એકના બે થતા નથી. બરાબર એ જ સમયે જેમની રાહ જોવાતી હતી એ માસ્તર આવે છે. માસ્તરના મોં પર ખડકની દ્રઢતા અને પ્રતિમાની નિશ્ચલતા છે – પણ પ્રતિમાની નિર્જીવતા નથી. સન્યાસીના દંડ જેવું સીધું શરીર અને માથુ પર્વતના શિખર પેઠે ઉંચું રહયું છે.
‘‘ નાનાભાઇ, નાનાભાઇ, આપણાં ફળિયામાં શિકારીઓ પેઠા છે. ’’ એક વિદ્યાર્થી દોડતો આવી ફરિયાદ કરે છે.
શિકારીઓમાંથી એક ઘરડો શિકારી આગળ આવી વાત સમજાવે છે : ‘‘ માસ્તર, વાત એમ બની છે કે કાલે સાંજે મહારાજા સાહેબની ગાડી અહીંથી નીકળેલી. તેમણે અહીં બે ગલુડિયા રમતા ભાળ્યાં. ગલૂડિયા રૂપાળાં હતા. એમને થયું કે, આપણે એ કૂતરી રાજમહેલમાં રાખીએ તો તેની ઓલાદ સરસ થાય એટલે અમને આજ કૂતરી લેવા મોકલ્યાં.’’
‘‘ પણ કૂતરીને લઇ જાઓ તો ગલૂડિયા મરી જાય. ધાવે કોને ? ’’ છોકરાંઓ બોલ્યાં.
‘‘ એ તો દૂધ પવાય ’’શિકારી કહે. ‘‘ લ્યો, માસ્તર, હવે કૂતરી લાવો. ’’
‘‘ કૂતરી તો નહિ મળે ’’ માસ્તર દ્રઢતાથી બોલ્યા.
‘‘ તમે શું બોલો છો તેનું કંઇ ભાન-બાન છે ? અમે તમારી હારે માથાઝીંક કરવા નથી આવ્યા. કૂતરી આપો નહિતર ઝાંપો તોડી અંદર આવીશું. ’’
માસ્તર એક વિદ્યાર્થીને મોકલી સંસ્થાના મકાનમાં કોઇ બળજબરીથી પ્રવેશ કરવા માગે છે તેની પોલીસ ચોકીમાં ફરિયાદ નોંધાવવા સૂચના આપે છે. માસ્તરને સૌ ઓળખે. માસ્તરે કોલેજની મોટા પગાર તથા મોભા સાથેની પ્રોફેસરી છોડીને બાળકોને ચકાચકીની વાતો કહેવાનું કામ સ્વેચ્છાએ સ્વીકાર્યું છે. આથી પોલીસ ઉપરી તેના માણસો સાથે તરતજ સ્થળ પર આવે છે. પરંતુ અહીં આવીને રાજયના શિકારીઓને જોઇને સહેજ ખચકાય છે. પૂરી વાત સમજ્યા પછી મામલત વગરની કૂતરી માટે ઝગડો છે તેમ તેઓ સમજયા. આથી પોલીસ અધિકારી માસ્તરને કહે છે : ‘‘ કૂતરી આપી દોને ! ’’
‘‘ કૂતરી તો શું પણ આ ફળિયાની કાંકરી પણ આપવી કે ન આપવી એ મારી મુનસફીની વાત છે ’’ માસ્તરની દ્રઢતા કાયમ રહી છે.
‘‘ બે દોકડાની કૂતરી માટે મહારાજા સાહેબ સાથે….. રાજયના હજાર કામ તમે સંસ્થા લઇને બેઠા છો એટલે પડશે ’’ પોલીસ અધિકારીએ વ્યવહારૂ સલાહ આપી.
‘‘ કૂતરીનો સવાલ નથી. જબરજસ્તીનો સવાલ છે. જબરજસ્તીને હું નમતું નહિ આપું ’’ નાનાભાઇ ફરી એ જ દ્રઢતા સાથે કહે છે.
પોલીસ અધિકારી સજ્જન છે. મુંઝાય છે. અંતે સમસ્યાનો ઉકેલ કરવા માટે ખૂદ મહારાજ સાહેબસાથે ફોન પર માસ્તરની હાજરીમાં વાત કરે છે. આ તો ભાવનગરના સંસ્કારી મહારાજા છે. તેઓ નિર્ણય આપે છે.
‘‘ શિકારીઓ ગાળો કાઢતા હોય તો તેમને કાઢી મૂકો ’’
પ્રશ્ન કૂતરી બચાવવાનો કદાચ ગૌણ હતો પરંતુ નાગરિકનું સ્વમાન સાચવવાનો વિશેષ હતો. વર્તનના આવા અસાધારણ નૈતિક બળ સાથે તમામ જોખમ સમજપૂર્વક ઉઠાવનાર નાનાભાઇના હાથે મનુભાઇનું ઘડતર થાય તેમાં શી મણા રહે ? બન્નેમાંથી કોના વખાણ કરીએ ? દર્શક તથા નાનાભાઇ ભટ્ટની સ્મૃતિ ગુજરાતીઓને કદી વિસ્મૃત થશે નહિ.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
તા.૦૫/૦૮/૨૦૧૯.
Leave a comment