: માનવ જીવનની વ્યથાના મર્મી : મેઘાણી : 

લાખાપાદર ગામ આમ તો ‘ગાંડી ગીર’ ના નામ ઉપર આવેલા એક નાના એવા પોલીસથાણાથી ઓળખાતું હતું. બ્રિટીશ સરકારની એજન્સીના આ પોલીસના નાના કર્મચારીઓનો પણ ભારે પ્રભાવ રહેતો હતો. જોકે આ પ્રભાવી પોલીસદળના માણસો પણ રામવાળા જેવા બહારવટિયાના કારણે હમેશા સચિંત રહેતા હતા. આ લાખાપાદરના થાણાની નોકરી એ એજન્સી પોલીસના માણસો માટે કાળાપાણીની સજા સમાન હતી. પરંતુ આવા પડકારરૂપ સ્થળો પર પણ હિંમતથી જનારાઓમાં જમાદાર કાળીદાસ મેઘાણીનું નામ જાણીતું હતું. આમતો જાતના વણીક પરંતુ કસાયેલા શરીર તથા શૂરવીર સ્વભાવના કારણે જ્યાં અન્ય પોલીસ અમલદારો જવા તૈયાર ન થતા ત્યાં પણ કાળીદાસ મેઘાણી ફરજ બજાવવા તૈયાર થઇ જતા હતા. ઘોડાની પીઠ પર બેસીને કરવી પડતી સતત અને ક્યારેક જોખમી કહેવાય તેવી લાંબી ખેપ ખેડવામાં આ જમાદાર ડરતા ન હતા. પિતા કાળીદાસે વહાલસોયા પુત્ર ઝવેરચંદને ભણવા માટે બહારગામ કોઇ સગાને ત્યાં મોકલ્યો હતો. સ્વાભાવિક રીતેજ વિદ્યાર્થી ઝવેરચંદ પોતાની શાળામાં વેકેશન હોય ત્યારે ઘરની હૂંફ મેળવવા માટે લાખાપાદર આવતો હતો. હરી ભરી ગીરની વનરાજી વચ્ચે બાળક ઝવેરચંદનું મન કોળી ઉઠતું હતું. નિસર્ગ આશ્રયે જતાં આ રળિયામણાં દિવસોની ઊંડી છાપ બાળકના મનમાં પડી હોય તે સ્વાભાવિક છે. પરંતુ શાળાની રજાઓનો અંત ધાર્યા કરતા વહેલો થતો હોવાનો અહેસાસ પિતા-પુત્રને થયા કરતો હતો. રજાઓ પૂરી થતા દીકરો પાછો કોઇકના આશ્રયે ઓશિયાળો રોટલો ખાતો થઇ જશે તે વાત પિતાને ખટકતી હતી. આથી જતા પહેલા બાળકને ધરાઇને જમે તેવી વાનગીઓ પીરસવાની મહેચ્છા બાપના મનમાં ઉછળતી રહેતી હતી. ગીર એટલે માલધારીઓની સાર્વભૌમ ભૂમી. ખડતલ માનવીઓ અને રૂપાળા પશુધનથી ગીરની શોભા બેવડાતી હતી. ઘી તથા દૂધની છત હતી. હવે બીજા દિવસેજ શાળાના અભ્યાસ માટે વિદાય થતા બાળકને દૂધપાક પીરસવાની તૈયારી થઇ. જમાદારના ઉત્સાહી પસાયતાએ ગીરના નેસડાઓમાં થઇ દૂધ એકઠું કર્યું. પોતાના કામની પ્રશસ્તી કરતા પસાયતો કહે : ‘‘ કેટલાક ઘરમાંથી ટીપેટીપું દૂધ લઇ આવ્યો છું. તે ઘરના છોકરાઓ માટે પણ રહેવા દીધું નથી ! ’’ સૌ જમવા બેસે છે પણ બાળક ઝવેરચંદ દૂધપાક ખાતો નથી. પિતા આગ્રહ કરે છે. દૂધપાક ન ખાવા માટેનું કારણ પૂછે છે. બાળક સ્પષ્ટતા કરે છે કે કોઇ ઘરના છોકરા માટે પણ દૂધ બાકી ન રહે તેવી રીતે દૂધ મેળવીને દૂધપાક કર્યો છે એ વાતની નારાજગી તેના મન પર થઇ છે. એકાદ ટંક માટે પણ દૂધ ગુમાવનાર બાળકની સંવેદના જેણે અનુભવી તે આ ઝવેરચંદનું ‘ઝવેર’ કંઇક અલગ જ હતું. એ કિશોરનું કદાચ આજ આગવું વ્યક્તિત્વ હતું. બાળપણથીજ આવા ઋજુ તેમજ સંવેદનશીલ સ્વભાવના ઝવેરચંદના જીવનમાં ડગલે ને પગલે જગતભરના વંચિતો અને પીડિતોની વેદના અભિન્ન થઇને રહી છે. કવિ ઉમાશંકર જોશીએ લખ્યું છે : ‘‘ મેઘાણીભાઇ ઉઘાડી આંખે ફર્યા છે. દુનિયામાંથી – માણસોમાંથી એ શીખ્યા છે. તેઓ બધી આળપંપાળ જતી કરીને શીખ્યા છે એક સહાનુભૂતિ – હમદર્દી ’’ ધરતીના ભૂખ્યા કંગાળોની સ્થિતિએ એમના વિચારો પર તેમજ એમના સર્જનો પર ઘેરી અસર કરી છે. મેઘાણી લખે છે : 

ધરતીના ભૂખ્યા કંગાલોને ગાલે

છલકાયો કસુંબીનો રંગ,

બિસ્મિલ બેટાઓની માતાના ભાલે

મલકાયો કસુંબીનો રંગ.

પીડિતની આંસુડાધારે હાહાકારે

રેલ્યો કસુંબીનો રંગ

શહીદોના ધગધગતા નિ:શ્વાસે નિ:શ્વાસે

સળગ્યો કસુંબોનો રંગ.

લાગણીશીલ સ્વભાવના મેઘાણી તેમના દેખાવથી પણ એક અલગ આભા ઊભી કરનારા હતા. બગવદરના જાજ્વલ્યમાન મેરાણી ઢેલીબેનને ત્યાં મેઘાણી મહેમાન થાય છે. ઢેલીબેન કહે છે ધોળા ધોળા લૂગડામાં મોટી મોટી  આંખો નીચી ઢાળીને આ મહેમાન મારા આંગણે ઉભા હતા. પછી કહે છે કે જોતાંજ આવકાર દેવાનું મન થાય તેવું એમનું વ્યક્તિત્વ હતું. નરોત્તમ પલાણ સાથેની મુક્ત વાતચીતમાં ઢેલીબહેને આ સંવેદનશીલ મહામાનવની આબેહૂબ તસવીર શબ્દોના માધ્યમથી દોરી છે. બીજા દિવસે વિદાય થતાં મહેમાન માટે તે સમયના ગામડાની સ્થિતિ તથા રીવાજ મુજબ બીજે ગામ જવા બળદગાડાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ આ લાગણીશીલ માણસ ગાડામાં બેસવાની ના પાડતા કહે છે : ‘‘ હું ગાડામાં નહિ બેસુ. એક જીવ તાણે અને બીજા જીવથી અમથું અમથું ન બેસાય ’’ મેઘાણીને વિદાય આપવા આવેલા સૌ ગામવાસીઓ ભાવવિભોર થયા. સૌને હાથ જોડીને વિવેકથી આ મોંઘા મૂલ્યના મહેમાન વિદાય થયા. લોકો દિગમૂઢ થયા : ‘‘ ઓ..હો..હો.. આવો માણસ ! ’’ સુષ્ટિના તમામ જીવો સાથેનો આ માનવીનો વ્ય્વહાર જ્વલ્લેજ જોવા મળે તેવો વિશિષ્ટ હતો. પોતાની અનેક પીડાઓની વચ્ચે અન્ય લોકોની વેદનાને પણ ઝીલી લેનાર આ શિવ સમાન સર્જકે જીવનમાં અનેક વ્યથાઓ પચાવી જાણી છે. મેઘાણીભાઇના સંવેદનાશીલ ચહેરાના સંદર્ભમાં કવિ યશવંત ત્રિવેદીએ લખ્યું છે : 

આ વસંતના ફૂલોમાં

હું યુગો સુધી ઢાંકી રાખીશ

દેવળમાં બળતી મણીબત્તી જેવો

તમારો વેદનાનો ચહેરો !

કવિ દુલા ભાયા કાગ મેઘાણીભાઇને પોતાના ‘ચારણમિત્ર’ તરીકે ઓળખાવે છે. કવિ કાગ લખે છે કે મેઘાણી સાથે ગોપનાથથી તુલસીશ્યામ સુધી મુસાફરી કરી હતી. દરિયાકાંઠાના નાના નાના ગામોમાં રઝળપાટ કરીને અનેક કથાઓ – ગીતો મેળવવાનો ક્રમ હતો. આ યાદગાર સફર દરમિયાન મહુવા બંદર પાસે બન્ને સર્જકમિત્રોએ એક વયોવ્રધ્ધ મહિલાને વહાણમાં ઇંટો ચડાવવાનું કઠણ મજૂરીનું કાર્ય કરતા જોયા. મેઘાણીએ આ ડોશીમા સાથે વાત શરૂ કરી.આવી સખત મજૂરી આટલી જૈફ ઉમ્મરે કેમ કરે છે તેનું કારણ પૂછ્યું. ડોશીમાએ જણાવ્યું કે તેમનો એકનો એક દિકરો બે ત્રણ માસ પહેલા મહુવાના એક વેપારીના વહાણ સાથે દરીયાઇ ખેપ દરમિયાન અગાધ જળરાશીમાં સદાકાળ માટે પોઢી ગયો હતો. જે વહાણમાં માજીનો યુવાન પુત્ર મૃત્યુ પામ્યો તે શેઠ પાસે નાની મોટી આજીવિકા કે સહાય માટે કેમ ગયા નહિ તેવો પ્રશ્ન મેઘાણીએ ડોશીમાને સહજ રીતેજ પૂછ્યો. ડોશીમાએ જે યાદગાર જવાબ મેઘાણીને આપ્યો તેમાં ખાનદાની અને ખમીર ટપકતા હતા. ડોશી કહે : ‘‘ ભાઇ ! મારું તો કાળું મોઢુ થયું. શેઠનું વહાણ મારા દિકરાને હાથે બૂડ્યું. હવે શું મોઢુ લઇ તેમની પાસે સહાય માંગવા જાઉ ? ’’ કવિ કાગ લખે છે કે માજીના આ શબ્દો સાંભળતાંજ મેઘાણી ભાવવિભોર થઇને બેસી ગયા. તેમના હૈયાની વેદના આંખના આંસુઓ દ્વારા ટપકી પડી. રડતા રડતા કવિ કાગને કહે કે : દુલાભાઇ ! આ મચ્છીમાર ખારવણ અને પેલા શેઠ વૈષ્ણવ વેપારી. આ બન્નેમાં ખાનદાન કોણ ? ’’ અંધકારમય રાત્રીમાં પણ તેજની ઉજળી લકીર જોનાર અને તેની સંવેદના ઝીલનાર આ સર્જક તેમના આ સંવેદનાયુક્ત વલણના કારણે વર્ષો પર્યંત જીવંત અને પ્રસ્તુત રહે તેવા હર્યા ભર્યા છે. જીવનની અનેક વિષમતાઓ વચ્ચે તેઓ સ્વસ્થ રહીને સાહિત્યની સેવા કરી શક્યા છે તે સામાન્ય ઘટના નથી. 

સાહિત્યકારોનો કલ્પના વૈભવ તેમજ શબ્દ વૈભવ અનેક વખત વાસ્તવિક સ્થિતિથી દૂર હોય છે. જોકે કેટલાક કવિઓ આવી વરવી વાસ્તવિક્તાને ધ્યાનમાં રાખીને પોતાની ગધ્ય કે પધ્ય રચનાઓને શબ્દદેહ આપતા હોય છે. ‘ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે’ તેવી ચીમકી પણ કવિ ઉમાશંકર જેવા સર્જકો વિચારપૂર્વક ઉચ્ચારતા હોય છે. આખરે સાહિત્યસર્જકોએ જે તે કાળની વાસ્તવિક સ્થિતિની છબી પોતાની રચનાઓમાં ઝીલવાનો સભાનતાપૂર્વક પ્રયાસ કરે છે. મધ્યકાળના અનેક સંતો – સર્જકોએ સમાજની અન્યાયી તેમજ અતાર્કીક રૂઢીઓને દ્રઢતાપૂર્વક પડકારી છે. સમાજના કેટલાકવર્ગો તરફનું સુગાળવું કે ધૃણાસ્પદ વર્તન મેઘાણીને અકળાવે છે. રવિશંકર મહારાજ સાથેની મહીકોતરોની પગપાળા યાત્રા દરમિયાન જગત જેને જન્મજાત ગુનેગારો ગણે છે તેવા માનવ સમુહમાં કેટલાયે તેજસ્વી તારલાઓ મહારાજતથા મેઘાણીની અમીભરેલી દ્રષ્ટિએ પારખી છે. સાહિત્ય તથા સમાજના સર્વગ્રાહી દર્શનમાં મેઘાણીએ જે પીડા કે વેદનાનો અનુભવ કર્યો છે તેનો આબેહૂબ પ્રતિભાવ મેઘાણીના શબ્દોમાં પ્રગટી ઊઠ્યો છે.

ધરતીને પટે પગલે પગલે

મૂઠી ધાન વિના નાના બાળ મરે,

પ્રભુહીન આકાશેથી આગ ઝરે :

અહોરાત કરોડ ગરીબોના પ્રાણ

ધનિકોને હાથ રમે

ત્યારે હાય રે હાય કવિ ! તને

પૃથ્વી ને પાણી તણાં શેણે ગીત ગમે !

જયમલ્લ પરમાર તથા નિરંજન વર્મા મેઘાણીભાઇના કામનો ભાર હળવો કરવા રાણપુર જઇને ‘ફૂલછાબ’ અખબારમાં જોડાયા હતા. અનેક સ્થળોના અગવડતા ભરેલા પ્રવાસો કરીને પણ તેઓ સાહિત્યની શોધ કરતા હતા. જયમલ્લભાઇએ તેમના સંભારણામાં ઓક્સફર્ડ યુનિવર્સિટીના ડૉ. બાકેની મુલાકાતની વાત કરી છે. ડૉ. બાકે સૌરાષ્ટ્રના લોકગીતોના સંગ્રહ માટે પ્રવાસે નીકળ્યા હતા. મેઘાણીભાઇની સહાય આ કાર્યમાં મેળવવા માટે તેઓ રાણપુર પહોંચ્યા હતા. કેટલાક નાથબાવાઓ રાવણહથ્થાના સૂરે મધુર ભજનો ગાતા હતા. ‘‘ રામજીને બનાયો પવન ચરખો ’’ એ ભજન અમૂક ઢાળ તથા ખટક સાથે ગવડાવવા માટે મેઘાણીભાઇએ પ્રયાસ કર્યો. પરંતુ નાથબાવાઓ મેઘાણીએ સૂચવેલા ઢાળમાં ગાઇ શકતા ન હતા. આ સ્થિતિ જોઇને એક તબક્કે મેઘાણી અંતરના ભાવ સાથે બોલ્યાં. 

‘‘ ઓહોહો ભાઇ ! આ ખટક કાંઇ એમ તેમના ગળામાં બેસે ? એમને આ ગાયકી એ પેઢીઓનો વારસો છે અને આપણે તો ચાલતી ગાડીએ ચડી બેસવા નીકળ્યા છીએ ! બીજું તો કંઇ નહિ પણ આ ઓક્સફર્ડવાળાની જેમ આપણે આ લોકોના સૂર સંઘરી ન શકીએ ? થોડા વર્ષો જશે અને આ બધા ગાનારા ચાલ્યાજશે પછી આ સૂર ક્યાંથી  મળશે ? ’’ આટલું બોલતા તો એમની આંખોમાંથી પાણી પડવા     લાગ્યા ’’ અંતરની આવી ભીની ઊર્મિઓના આ સર્જક નાની લાગતી વાતમાં પણ વિંધાયા છે અને તેમની લાગણીઓ આંસુવાટે પ્રગટી છે. 

જગતના સામાન્ય જનને જ્યારે બે ટંકની રોટી મેળવવાનો પ્રશ્ન છે ત્યારે પોતાના અહમ્ કે કીર્તિને પોષવા માટે ખેલાતા વિકરાળ સંઘર્ષોની આ સર્જકને ભારે વેદના છે. તે યુગના તથા આ યુગના પણ આ કાળપ્રશ્નને કેન્દ્રમાં રાખીને મેઘાણીએ ધણ અને એરણનો માર્મીક સંવાદ વિચારપ્રેરક રીતે રજૂ કર્યો છે. સંસારને સંઘર્ષની નહિ પરંતુ શાંતિ અને સંવાદિતાની વિશેષ જરૂરિયાત છે તે વાત પર કવિએ ભાર મૂક્યો છે. 

બહુ દિન ઘડી રે તલવાર

ઘડી કાંઇ તોપું ને મનવાર

પાંચ સાત શૂરાના જયકાર

કાજ ખૂબ ખેલાણા સંહાર

ભીંસોભીંસ ખાંભિયું ખૂબ ભરી

હાય, તોય તોપું રહી નવ ચરી.

ખાંભી ખોડવા માટેની જગા પણ જ્યારે ધરતી ઉપર રહી નથી ત્યારે તોપ અને તલવારને ઘડનાર સ્થિર થઇને ઊભો રહે છે. થાક અનુભવે છે. શસ્ત્રોની સામે માનવસમાજને સ્વસ્થ અને સુખી કરનાર સાધનો ઘડવાની તેને હોંશ પ્રગટે છે. 

બાળ મારા માગે અન્ન કેરી દેગ,

દેવે કોણ દાતરડું કે તેગ ?

આજુથી નવલા ઘડતર માંડ્યા હો…જી…

ખડગ ખાંડાને કણકણ ખાંડવા હો…જી…

ઘડો હો બાળક કેરા ધોડિયાં હો…જી…

ઘડો હો વિયાતલ નારના ઢોલિયા હો…જી…

માનવજીવનની વ્યથા કથા ઝવેરચંદ મેઘાણીએ ગાઇ છે તે તેમની મજબૂત અનુભૂતિ તેમજ ઊંડી સંવેદનાના પાયા પર ઊભી છે. 

આતમની એરણ પરે

જે દી અનુભવ પછડાય જી…

તે દી શબદ તણખાં ઝરે

રગરગ કડાકા થાય…

જી..જી..જી.. શબદનો વેપાર.

પીડિતો તેમજ વંચિતોની ઊંડી વ્યથાઓ તેમજ યાતનાઓને પ્રગટ કરતી અનેક કથાઓ લખાઇ છે. મેઘાણીની ઝીણી દ્રષ્ટિએ આ સ્થિતિ માટે જવાબદાર સામાજિક – આર્થિક તથા રાજકીય પરિબળોને સ્પષ્ટ રીતે ઉપસાવ્યા છે. તેમનું સાહિત્ય ખરા અર્થમાં જીવનલક્ષી હતું ભેદની ભીંતુને ભાગવાનો આ સર્જકનો ભગીરથ પ્રયાસ હતો. લોકની વેદનાને નીરખીને પીગળી જનાર આ મહાન સર્જક લોકસ્મૃતિમાં ચિરસ્થાયી થયેલા છે. કવિ કાગ લખે છે :

લેખક સઘળા લોકની

જેદી ટાંકુ તોળાણી

તેદી વધી તોલે વાણીયા

તારી લેખણ મેઘાણી.

વસંત ગઢવી

ગાંધીનગર.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑