જાન્યુઆરી-૨૦૧૭ માં ‘દાન અલગારી’ એટલે કે તખતદાન રોહડિયા આ સંસારની ચિર વિદાય લઇને ગયા. અનેક લોકો તથા સાહિત્યના મર્મીઓના દિલમાં દાનનું સ્થાન હમેશ માટે ચિરંજીવી રહેશે તે નિર્વિવાદ છે. પૂજ્ય મોરારીબાપુએ દાનના પરિચયમાં થોડા શબ્દોમાં ઘણું કહી દીધું ! બાપુ કહે છે : ‘‘ કવિ શ્રી દાન અલગારીનું વ્યક્તિત્વ તથા વક્તવ્ય બન્ને જાણવા તેમજ માણવા મથામણ કરવી પડે. આવો આ અલગારી માણસ સાચેજ અલગારી અનુભવાયો. કોઇને પ્રિય કે અપ્રિય લાગે પરંતુ દાન સાચેજ સત્યવક્તા હતા. ’’ એક દુહામાં કવિની ઓળખ આપી છે. આ ઓળખમાં કવિના જે ગુણ આલેખવામાં આવ્યા છે તે બાબતો દાન અલગારીના જીવન તથા કવનને લાગુ પડતા હતા. દુહામાં કહેવાયું છે :
સત્યવક્તા રંજન સભા
કુશલ દીન હીત કાજ
બેપરવા દીલકા બડા
વો સચ્ચા કવિરાજ.
દાનની ભાતીગળ કવિતાઓ ઉપરાંત તેમણે લખેલા કેટલાક સંક્ષિપ્ત લેખો પણ અનેક સાહિત્ય રસિકોએ આકંઠ માણ્યા છે. દાન જે સાહિત્યની વાત કરે છે તે સાહિત્યમાં ખમીર તથા ખાનદાનીની અનેક વાતો કંઠોપકંઠ કહેવામાં આવી છે. આ વાતોમાં જે નાના નાના તેજ તણખા જોવા મળે છે તે જગતે કદાચ બહુ જોયા કે પ્રમાણ્યા નથી. પરંતુ તેથી આ ઉજળી લઘુકથાઓનું મૂલ્ય સહેજે ઓછું થતું નથી. દાન અલગારી આવી વાત સુંદર રીતે રજૂ કરે છે. કથાના હાર્દ સમી ઉદારતાના મેઘધનુષી રંગો તેમાં જોવા મળે છે. દુકાળમાંય ડૂકે નહિ તેવા ખમીરની કથા જે દાને લખી છે તેનો સાર નીચે મુજબ છે.
ભાલ પ્રદેશના નાના એવા ગામ ગાંફની જાગીર ઉપર એક ઠાકોર નામે રાયસીંગજી વહીવટ સંભાળતા હતા. ઠાકોરની ઉદારતમાં બ્રિટીશ અમલદારોને ઉડાવગીરી લાગી. બ્રિટીશ સત્તાધિશોએ પોતાની ધાક તથા અમલનો પ્રભાવ પાડવા નાના એવા રાજવીનો વહીવટ પોતાના હસ્તક લીધો. ઠાકોરની ઉદારતાની પાંખો કાપી નાખવાનો આ પ્રયાસ હતો. જિવાઇની મર્યાદિત રકમ રાજ્ય તરફથી રાજવીને મળે પરંતુ રાજવીના હાથ હમેશા તેનાથી બંધાયેલા રહે. ગોરી સરકારે આવું કર્યું તેથી ઠાકોરને ત્યાં કવિઓ – કલાકારો તેમજ અનેક દીન દુ:ખીઓનો મેળો જામતો તે ઝાંખો પડી ગયો. સરીતાના જળ સૂકાય ત્યારે વીરડાઓને ટકી રહેવું મુશ્કેલ બની જાય છે. બળદેવભાઇ નરેલાએ સુંદર દુહો આ સંદર્ભમાં લખ્યો છે.
વારી ભરીઅલ વીરડાં
ધણમૂલા ઘૂના,
સરીતાના જળ સૂકાતા
સો સો ગાઉ સુના.
ઠાકોરને આ સ્થિતિનું વસમુ તો લાગે પરંતુ સત્તા આગળ શાણપણ ઘણીવાર અપ્રસ્તુત થઇ જતું હોય છે. આ સ્થિતિમાં ઠાકોરને ત્યાં અનેક વર્ષોથી કામ કરતા વિશ્વાસુ માણસ માવજીને ત્યાં બે દીકરીઓના લગ્ન પ્રસંગ આવ્યા. દરબાર તેમજ દરબારગઢની ઝાંખપ માવજીને પણ નડી જાય તે સ્વાભાવિક છે. માવજી એ ઠાકોરનો વિશ્વાસુ તથા સમજદાર માણસ છે. મનમાં તેણે નિર્ણય કર્યો કે બાપુને દીકરીઓના લગ્નની વાત કરવી નથી. ઉદારમનના પોતાના દરબાર આ શુભ પ્રસંગે મદદ કરવા ઇચ્છે પરંતુ કરી શકે નહિ તેવી સ્થિતિ ઊભી ન થાય તેવી સૂઝ-સમજ માવજીને હતી. બાપુને ધર્મસંકટ થાય તેની ચિંતા પણ માવજીને હતી. તેથી બન્ને પુત્રીઓના લગ્ન સાદાઇથી માવજીએ કર્યા. દીકરીઓ માટે લગ્નના કપડાની વ્યવસ્થાજ મહામુસીબતે થઇ તો દાગીનાની તો કલ્પના પણ ક્યાંથી થઇ શકે ? દીકરીયુંને વળાવવાનો સમય થયો. શરણાઇવાળાએ કન્યા વિદાયના કરુણ સૂર છેડ્યાં. હવે આ નાજૂક પળે બન્ને દીકરીઓ પિતાને કહે છે કે ઠાકોર અમારા માટે પિતા તુલ્ય છે એટલે એમને પગે લાગીને આશીર્વાદ મેળવ્યા સિવાય અમે જઇશું નહિ. માવજીની ઘણી સમજાવટ છતાં દીકરીઓ માની નહિ. માવજી દીકરીઓને લઇને સંકોચના ભાવ સાથે ગઢમાં જાય છે. બાપુ અને રાજ્યના કામદાર બેઠા છે. બન્ને દીકરીયું પૂરા ભાવથી બાપ જેવા ઠાકોરના પગે પડી. ઠાકોરની આંખમાંથી અમી છલકાયા. માવજીને ઠાપકો આપતા કહે : ‘‘ દીકરીયુંના લગ્નની મને જાણ ન કરી ? ’’ માવજી શું જવાબ આપે ? રાજ્યના કામદાર ઠાકોરની પૂરા વર્ષની જિવાઇની રકમ રાજવીને આપવા માટે આવેલા હતા એ પૂરી રકમની કોથળી દીકરીયુંના હાથમાં ભાવથી મૂકી ઠાકેરે અંતરના ઊંડાણથી આશીર્વાદ આપ્યા. માવજી તથા કામદાર ફાટી આંખે આ જોઇ રહ્યા. જીવનનું સર્વસ્વ અર્પણ કરીને સંતોષ મેળવવાની આ કોઇક અનોખી વાત હતી. મહાભારતના કર્ણથી માંડીને ગાંફના આ નાના રાજવી સુધીના અનેક દાનવીરોએ આ ઉજળી પરંપરાને જીવંત રાખી છે. તેમ કરવામાં જે આફત આવે તેને તેમણે ખૂમારીથી અવગણી છે. લોકસાહિત્યમાં સામાન્ય માણસની આવી અનેક અસામાન્ય વાતો પડી છે જે ઝવેરચંદ મેઘાણી કે જયમલ્લ પરમાર જેવા સંશોધકોના પ્રયાસોથી આપણાં સુધી પહોંચી છે. દાન અલગારીએ પણ આ દીશામાંજ થોડા નક્કર પગલા ભર્યા છે. નંદીગ્રામ હોય કે નાગેશ્રી (અમેરલી જિલ્લો) દાન દરેક સ્થળે અંતરના ઉમળકાથી મહોરી ઉઠ્યા છે. કેન્દ્ર સરકારના મંત્રી તથા સાહિત્યના મર્મજ્ઞ એવા શ્રી પુરુષોત્તમ રૂપાલાએ દાનની સ્મૃતિ વાગોળતા લખ્યું છે કે દાનની મનગમતી રચનાઓનો ધોધ કદી વિસ્મૃત થઇ શકે તેવો નથી. દાનની મોજનું સન્માન કરતા કવિ અને સુપ્રસિધ્ધ કલાકાર ડૉ. જગદીશ ત્રિવેદીએ સુંદર શબ્દો લખ્યા છે.
વાન ભીને પાન ખાતા
કોણ છે, ભૈ દાન છે,
અલગ કાયમ ઓળખાતા
કોણ છે, ભૈ દાન છે.
દાનનું સન્માન ક્યાં છે ?
મોજનું સન્માન છે.
ઊભરા ઉર ના સમાતા,
કોણ છે, ભૈ દાન છે.
દાન અલગારીની વિદાય એ વજ્રાઘાત સમાન છે તેવી લાગણીની વાત દોલતભાઇ ભટ્ટે કહી છે તે યથાર્થ છે. ‘ઇસરા પરમેસરા’ ના આ વંશજની અનેક રચનાઓ તેમજ તેમના વિશેના ઘણાં વિદ્વાનોના લખાણોનું સંપાદન કરીને સર્વશ્રી દોલત ભટ્ટ, ભરત કવિ, નિરંજન રાજ્યગુરુ તથા અંબાદાન રોહડિયા આપણાં સૌની પ્રશંસાના અધિકારી બન્યા છે. ‘અલગારીની ઓળખ’ નો આ પ્રયાસ ખૂબજ હેતુપૂર્ણ તેમજ આવકારપાત્ર છે.
તખતદાન રોહડિયા નામધારી આ કવિને જગત દાન – અલગારી તરીકે ઓળખે છે અને ચાહે છે. કવિ આ જગતમાં રહેતા હોવા છતાં જાણે આ દુનિયાના માણસજ ન હતા. રાજકોટ ખાતે હેમુ ગઢવી હોલમાં તા.૨૮/૧૨/૨૦૧૭ના રોજ પૂ. મોરારીબાપુની ઉપસ્થિતિમાં વિશાળ સંખ્યામાં દાન-પ્રેમી ભાવકો મળ્યા. દાનને અંતરથી શ્રધ્ધાંજલિ આપતા અનેક આંખો ભીની થઇ. પૂ. બાપુએ દાન અલગારીને ભાવપૂર્વક શ્રધ્ધા સુમન અર્પણ કર્યા. દાન અલગારી તરફ અનેક સાહિત્યપ્રેમીઓએ દર્શાવેલો સ્નેહ ભાગ્યેજ જોવા મળે તેવી ઘટના છે. જગતે જે અનેક ચીજોને બાતલ ગણી – નિરથર્ક ગણી તેવી બાબતોને જીવનમાં સ્વેચ્છાએ સામીલ કરીને દાન થોડું નોખું તથા નિરાળું જીવતર જીવી ગયા. એમના જીવનનું ગણિત જાણે કે જૂદુંજ હતું. જગતના બંધારણમાં બાંધી શકાય તેવા આ ‘દાન’ ન હતા. કવિ કલાપી કહે છે તેમ આ બધા તો ખાકની મુઠ્ઠી ભરીને હરખી જનારા હતા.
જહૉંથી જે થયું બાતલ
અહીં તે છે થયું શામીલ
અમે તો ખાકની મુઠ્ઠી ભરી
રાજી થનારાઓ.
દાન અલગારી જીવનની અનેક વિષમતાઓ વચ્ચે પણ દુષ્કાળમાંયે ડૂકે નહિ તેવી અનેરી મોજનું દર્શન કરી – કરાવીને ગયા. જીવન મળ્યું છે તે તો કુદરતની અમૂલ્ય દેન છે. આથી આ જીવતર તો મોજનો – આનંદનો દરિયો છે તેવો સંદેશ કવિ દાન અલગારીની નીચેની અમર થવા સર્જાયેલી રચનામાં ધબકતો દેખાય છે. અલખ ધણીની ખોજનું મૂળ એતો મોજમાં – મસ્તીમાં રહેલું છે તેવી કવિની વાત અનેક લોકોએ ખોબે અને ધોબે વધાવી લીધી છે.
મોજમાં રેવું મોજમાં રેવું મોજમાં રેવું રે
અગમ અગોચર અલખ ધણીની ખોજમાં રેવું રે
ગોતવા જાવ તો મળે નહિ ગોત્યો ગહન ગોવિંદો રે
ઇ હરિભક્તોના હાથ વગો છે પ્રેમ પરખદો રે
આવા દેવને દીવો કે ધૂપ શું દેવો
દિલ દઇ દેવું રે.. મોજમાં રેવું..
રામકૃપા એને રોજ દિવાળીને રંગના ટાણાં રે
કામ કરે એની કોઠીએ કોઇ દી ખૂટે ન દાણાં રે
કહે અલગારી કે આળસું થઇ નથી
આયખું ખોવું રે.. મોજમાં રેવું.. મોજમાં રેવું.
આપણાં લોકસાહિત્યનું આકર્ષણ સમગ્ર સમાજને નિરંતર રહેતું આવેલું છે. તેમાં કદી ઓછપ આવી નથી. તળના આ સાહિત્ય સાથેનો લોકોનો લગાવ સતત વધતો હોય તેમ પણ જણાય છે. આમ થવાના અનેક કારણો હશે તેમ માની શકાય. આવા કારણો પૈકી એક મહત્વનું કારણ આ સાહિત્યના સમર્થ વાહકો છે. દરેક સમયે લોકસાહિત્યની રસલ્હાણ કરનારા મર્મી કલાકારો આપણે જોયા છે અને તેમની કળાને આકંઠ માણી છે. કવિ શ્રી કાગ અને મેરુભાબાપુથી માંડીને ભીખુદાનભાઇ તથા લાખાભાઇ ગઢવી (જાંબુડા) સુધીના સ્વનામધન્ય કલાકારોએ લોક સાહિત્ય – ચારણી સાહિત્યના ધોધમાર પ્રવાહને લોક દરબારમાં વહાવ્યો છે. આવા મીઠા અને મર્મી સર્જક – સાહિત્યકારોને જગતે ખોબે અને ધોબે વધાવ્યા છે. સૌરાષ્ટ્રની રસધારમાં સમાવવામાં આવેલી તેમજ તે સિવાયની મેઘાણીભાઇની અનેક સંપાદિત તથા સ્વરચીત રચનાઓ હતી. દરેક રચનાઓના સ્વરૂપ તથા સુગંધ અલગ તથા આગવા હતા. આ રચનાઓને હેમુ ગઢવીનો કામણગારો કંઠ મળ્યો અને તેથી સાહિત્ય સરવાણીનો પ્રવાહ ક્યારે પણ ઝાંખો પડ્યો નથી તે નોંધપાત્ર બાબત છે. નૂતન યુગના અનેક યુવાન કલાકારોએ પણ પોતાની આગવી પ્રતિષ્ઠા ઊભી કરી છે. ભાઇ તખતદાન રોહડિયા આ ઉજળી આકાશગંગાનાજ એક ઝળહળતા સીતારા સમાન છે. અલગારી દાનની સાહિત્ય સેવા અનોખી છે તથા અલગ મીજાજ ધરાવે છે. દાન અલગારી એ ચીલો ચાતરીને પોતાની આગવી કેડી કંડારનારા સર્જક છે. દાનની એક વિશિષ્ટ શૈલિ હતી. જાહેર કાર્યક્રમોમાં મંચ પર તેઓ જેટલા ખીલતા હતા તેટલીજ અસરકારકતાથી તેઓ સાહિત્ય મર્મીઓના નાના એવા ઘર ડાયરે પણ મહોરી ઉઠતા હતા. અલગારી દાન ‘‘મેમાન’’ થાય તેની રાહ ઘણાં લોકો જોતા હતા. દાન જેવા રંગદર્શીઓના તો તળિયા તપાસીએ તોજ તેમની ભવ્યતાનો ખરો ખ્યાલ આવી શકે. કથનના મર્મી રામજી વાણીયા લખે છે તેમ જો આવા ચરિત્રોને ઉપરછલ્લી કે બાહ્ય રીતે જોઇને તેમના વિશે અભિપ્રયા બાંધીશુંતો તેવી માન્યતામાં તળના દર્શન – ખરા દર્શન હશે નહિ.
જળ ખારાં જાણી કરી
મરજીવા ફેરવીશ નહિ મોં,
અમારાં તળિયા તપાસી જો
તને કુબેર કંગાળ લાગશે.
ભાઇ પ્રફુલ્લ દવે દાનની સ્મૃતિને સંકોરતા કહે છે કે ‘ મણિયારો તો હલુ હલુ થઇ વીયો રે ’ એ સુપ્રસિધ્ધ રચના દાન અલગારીએ આપી. આ રચના ડાયરાઓમાં ખૂબ પ્રશંસાને પાત્ર બની છે. લોકોએ એને ખોબે અને ધોબે વધાવી છે. પ્રફુલ્લભાઇ લખે છે કે તેમની કારકિર્દીમાં દાન અલગારીના મણિયારાનો ઘણો મોટો ફાળો છે. દાન અલગારી સદેહે આપણી વચ્ચે રહ્યાં નથી તે ગમે નહિ તેવી વાસ્તવિકતા છે. છતાં એ વાતનો વિશ્વાસ પણ છે કે દાન તેમના મોંઘામૂલા સર્જનો થકી આપણી વચ્ચે કાયમ જીવતાં અને ધબકતા રહેવના છે. કાળના વહેતા પ્રવાહમાં તેમનું વ્યક્તિત્વ ઝાંખું પડે તેવું નથી. દાન અલગારી જેવા સર્જક માટે કવિ રમેશ પારેખે લખ્યું છે તેમ ‘દરવેશ’ જેવો શબ્દ વાપરવો ઉચિત છે. કાળદેવતા પણ આ દરવેશના પગલા સાચવવા તથા તેને જીવંત રાખવા ઇચ્છતા હશે. તેથી દાનની સ્મૃતિ ચિરસ્થાયી થવા સર્જાયેલી છે. રમેશ પારેખ લખે છે :
‘‘ પડે ન સહેજે ખુદનો ડાઘો
એમ જગતને અડે
એવા કોઇ દરવેશ કે જેના
કાળ સાચવે પગલાં ’’
વસંત ગઢવી
ગાંધીનગર.
Leave a comment