ગાંધી વિચારને ભૂમિગત કરવા માટે સૌથી વિશેષ નિષ્ઠાવાન તેમજ ફળદાયી પ્રયત્નો કર્યા હોય તેવા વ્યક્તિઓના નામ ગણીએ તો વિનોબાજીને તેમાં પ્રથમ ક્રમે મૂકવા પડે. બાબાએ ભૂદાનયાત્રાના માધ્યમથી સમગ્ર દેશની પ્રજાનું જે ભાવાત્મક ઐક્ય સાધવા પ્રયાસો કર્યા તે અજોડ હતા. બાપુએ દાંડીકૂચ કરીને બહારની સત્તાને પડકારી હતી જે એક ઐતિહાસિક ઘટના બની રહી. પરંતુ બહારની સત્તા સામે લડવા કરતા પણ વિશેષ પડકારરૂપ બાબાની ભૂદાનયાત્રા ગણાવી શકાય. ભૂમિ સ્વેચ્છાએ દાનમાં મેળવી તેની વહેંચણી જમીન વિહોણાને કરવી તે એક અસામાન્ય પણ દીર્ઘદ્રષ્ટિયુક્ત પ્રયાસ હતો. સ્વરાજ્ય પ્રાપ્ત થયા બાદ બાપુની અણધારી વિદાય પણ બાબાની સ્થિર દ્રષ્ટિ તથા સ્વસ્થ વિચારને ડગાવી શકી નહિ. તેઓ સત્તાના સીમાડાથી બહાર રહી સર્વોદયના માર્ગે આગળ ચાલ્યા અને અનેકને એ માર્ગે દોરવણી આપી. ભૂદાનયાત્રાના હેતુઓ અને તેના પરિણામોની વિસ્તૃત વાત નવી પેઢી સુધી પહોંચાડવા જેવી છે. ૧૧ સપ્ટેમ્બર ૧૮૯૫ના દિવસે જન્મ લેનાર વિનોબાજીનું પુણ્ય સ્મરણ સપ્ટેમ્બર માસમાં વિશેષ રીતે થાય તે સ્વાભાવિક છે. એક જન્મમાં એક યુગનું કાર્ય સંપન્ન કરીને બાબા ગયા. જગતના વિવિધ ધર્મગ્રંથોનું અધ્યયન કરીને ‘કુરાન સાર’ તથા ‘ધમ્મપદ’ જેવા ઉત્તમ ગ્રંથો બાબા થકી આપણને મળ્યા. ૧૯૫૯ માં કાશ્મીરની યાત્રા દરમિયાન ગુરુ નાનકના ધર્મગ્રંથ ‘જપુજી’ ઉપર બાબાએ યાદગાર વ્યાખ્યાનો આપ્યા. આ પ્રવચનોમાં બાબાએ એક ઐતિહાસિક વાત કરી. બાબા કહે છે : ‘‘ આપણી સમગ્ર સાધના ‘નિરભઉ તેમજ નિરબૈરુ’ એ બે શબ્દોમાં વર્ણવી શકાય છે. અખંડ નિર્ભયતાનો ઉદય બાબા કહે છે તેમ વેરવૃત્તિના અંત સાથેજ આવી શકે છે. ’’
કેટલાક લોકો એમ માને છે કે વિનોબાજીના સર્વોદયના પ્રયાસો નિષ્ફળ ગયા છે. આથી આ કાર્યમાં વિનોબાજી સાથે જોડાનારા પણ નિષ્ફળ ગયા છે. આ વાતના સંદર્ભમાં દાદા ધર્માધિકારીને કોઇએ પૂછ્યું કે તેઓ વિનોબાજીના કાર્યમાં જીવનભર રહીને નિષ્ફળ નથી ગયા ? દાદાએ જવાબ આપ્યો તે ધ્યાનથી સાંભળવા અને સમજવા જેવો છે. દાદાએ જવાબ આપ્યો : ‘‘ દુસરોં કે સાથ રહકર સફલ હોને સે વિનોબાજીકે સાથે રહકર નિષ્ફળ હોના બહેતર હૈ ’’ કેવી અખંડ શ્રધ્ધા અને સમર્પણ !
ગાંધીજીની વિદાય પછી તેમના વિચારો અનુસાર અનેક કાર્યો વિનોબાજીએ કપરા સંજોગોમાં પણ કર્યાં તે જાણીતો ઇતિહાસ છે. ૧૯૫૧થી ભૂમિહીનો માટે ભૂમિદાન માંગવું શરુ કર્યુ. ભૂમિદાનના આ વિચારમાંજ નકસલવાદ જેવી પ્રવૃત્તિને ઊભી થતા પહેલાજ રોકવાની શક્તિ હતી. લગભગ ૧૩ વર્ષ સુધી સતત પગપાળા ભ્રમણ કરીને લાખો એકર ભૂમિ દાનમાં મેળવીને ભૂમિહીનોને આપી. જેમની પાસે જમીન નથી તેમને જમીન તથા પરિશ્રમ સાથે જોડીને તેમણે માન્યામાં ન આવે તેવું અસાધારણ યજ્ઞકાર્ય કર્યુ. વિનોબાજીના આ યજ્ઞમાં ગુજરાતે પણ ગણનાપાત્ર આહૂતિ આપી. ‘‘ઘસાઇને ઉજળા થવામાં’’ માનનારા રવિશંકર મહારાજના તેમજ અન્ય ભૂદાન કાર્યકરોની નિષ્ઠા તથા મહેનતનું પરિણામ વાસ્તવિક રૂપે જોવા મળ્યું. ભૂદાન યજ્ઞમાં ગુજરાતનું યોગદાન એ પણ એક ગૌરવભેર લખી શકાય તેવો ઇતિહાસ છે. સૌરાષ્ટ્રના સ્વતંત્ર રાજ્યની રચના પછી ઢેબરભાઇએ કાયદાના માધ્યમથી ભૂમિની ન્યાયયુક્ત વહેંચણીનું કાર્ય કર્યું તેનો ઉલ્લેખ કરવો જોઇએ. ગાંધી – વિનોબાના વિચારની પરિપૂર્તિ માટે અને ભાવિ સંઘર્ષો ટાળવા માટે ઢેબરભાઇએ આ કાર્ય કુનેહપૂર્વક કર્યું.
વિનોબાજીના અનેક અવિસ્મરણિય કાર્યોમાં તેમના ભગવદ્ ગીતા પરના પ્રવચનો અગ્રસ્થાને છે. વિનોબાજી ધુળિયા જેલમાં ૧૯૩૨માં હતા ત્યારે ગીતાના દરેક ભાગને આવરી લઇને જેલના સાથીઓ સમક્ષ પ્રવચનો કર્યા. સાને ગુરુજીએ આ પ્રવચનો લિપિબદ્ધ કર્યા. ભગવદ્દ ગીતાનું મૌલિક વિચાર વિવરણ વિનોબાજીએ કુશળતાપૂર્વક કર્યુ. વર્ષો પહેલાં બાળપણમાં પોતાની માતાને આપેલા વચનને પણ વિનોબાજીએ પાળી બતાવ્યું. વિનોબાજી નાના હતા ત્યારે તેમના બા રોજ કથા સાંભળવા જતાં. એકવાર સંસ્કારમૂર્તિ સમાન માતાએ પુત્રને કહયું કે ગીતા સંસ્કૃતમાં છે તેથી તે સમજવામાં સંસ્કૃતની જાણકારી ન હોય તેને તકલીફ પડે છે. આથી માતાએ પ્રતાપી પુત્રની શક્તિને પારખીને જણાવ્યું: ‘‘તું જ કેમ ગીતાનો અનુવાદ નથી કરતો ? તું આ કામ કરી શકે તેમ છે.’’ માતાની ચિર વિદાય પછી એક દસકા બાદ વિનોબાજીએ માતાના આગ્રહને હૈયે ધરીને ગીતાઇની રચના કરી. ગીતાઇ એટલે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સમશ્લોકી મરાઠી અનુવાદ. નામ પણ સુંદર તથા અર્થપૂર્ણ આપ્યું. ગીતા=ગીતા + આઇ. માતાને મરાઠીમાં આઇ કહે છે. આપણે ત્યાં પણ માતા માટે ‘આઇ’ શબ્દ જાણીતો બન્યો છે. વિનોબાજી લખે છે કે મા શબ્દના બધા ભાવ તેમને ગીતામાં જોવા મળેલા છે. માતાના પુણ્ય સ્મરણમાં ગીતા માતાનું ગાન એ વિનોબાજીની સમાજને મળેલી અમૂલ્ય ભેટ છે. વિનોબાજીએ મરાઠીમાં લખેલા સુંદર શબ્દોનો ગુજરાતી અનુવાદ પણ વાંચવો- સાંભળવો ગમે તેવો છે.
ગીતાઇ મારી મા
તેનો હું બાળ અબોધ
પડું છું, રડું છું ઊંચકીને તે
ખોળામાં લઇ લે છે.
વિનોબજીનું જીવન એ અસાધારણ બુદ્ધિપ્રતિભા તથા સાતત્યપૂર્ણ અધ્યયનશીલતાનુ ઉજળું તથા પ્રેરણાદાયક ઉદાહરણ છે. સ્વાધ્યાય તેમજ પ્રવચનમાં કદી આળસ કરવી નહિ તેવી ઉપનિષદની સલાહ વિનોબાજીએ જીવનમાં ઉતારી હતી. વિનોબાજી કહે છે કે પચાસ વર્ષ સુધી તેમણે વેદોનું અધ્યયન કર્યુ. ચાર-સાડા ચાર હજાર શ્લોકનો તો તેઓ મુખપાઠ કરી શકતા હતા. ગાંધીયુગના વિનોબાજી જેવા ૠષિતુલ્ય માનવીઓના જીવનનું જ્ઞાન તેમના આચરણ તથા કર્મોમાં જોઇ શકાતું હતું. વિનોબાજીએ અનેક સમયે આ વાત સ્પષ્ટ પણ કરી છે. તેઓ કહેતા કે પાણીમાં જેમ હાઇડ્રોજન તથા ઓક્સિજન હોય છે તેમજ જીવનમાં પણ વિચાર (ચિંતન) તથા કાર્ય (action) બન્નેનું સરખુંજ મહત્વ છે. સ્વાધ્યાયના અભાવે દૃષ્ટિ નિસ્તેજ તથા છીછરી બની રહે છે તેવી વિનોબાજીની વાત સાંપ્રતકાળે પણ કેટલી મહત્વની તથા દિશાસૂચક લાગે છે ! આથી જ વિનોબાજી માટે આચાર્ય શબ્દ યથાસ્થાને છે. વિનોબાજીના લખાણો એ આપણો સુવર્ણ વારસો છે.
વસંત ગઢવી
ગાંધીનગર.
તા.૨૦/૦૭/૨૦૧૯.
Leave a comment