: પાણીના પ્રશ્ને જાગૃતિ : નૂતન વર્ષનો સંકલ્પ :

કચ્છી નૂતન વર્ષના શુભ દિવસે કચ્છ અને કચ્છની બહાર રહેતા અને કચ્છ સાથે જોડાયેલા તમામ લોકો જ્યાં હોય ત્યાં આનંદ તથા ઉલ્લાસની લાગણીનો અનુભવ કરે છે. અષાઢ મહીનાનો સીધો સબંધ વરસાદ સાથે છે. કચ્છ જેવા દેશના અને દુનિયાના અનેક વિસ્તારો લાંબા સમયથી પાણીના અભાવના પ્રશ્નનો સામનો કરે છે. સારું ચોમાસુ એ આ વિસ્તારના લોકો માટે કુદરત તરફથી મળેલા બોનસ સમાન છે. કચ્છમાં વ્યાપક ઔદ્યોગિકરણ થયું છે. વ્યવસાય તથા રોજગારીની નવી તકો પણ ઉપલબ્ધ થઇ છે. આમ છતાં કૃષિ તથા પશુપાલનના વ્યવસાય થકી આજે પણ અનેક કુટુંબો પોતાનો નિર્વાહ કરે છે. પશુપાલનની પ્રવૃત્તિ એ કૃષિ સાથે જોડાયેલી તેમજ કૃષિની આવકમાં પરિપૂર્તિ કરતી પેઢી દર પેઢીથી એક સર્વમાન્ય પ્રથા બની છે. 

કૃષિ તેમજ પશુપાલનમાં સમયસર તેમજ પૂરતા પ્રમાણમાં પાણીની જરૂરિયાત રહે છે. પાણીના અભાવ કે તંગીના કારણે આ બન્ને પ્રવૃત્તિ લાંબાગાળે પોષણક્ષમ રહેતી નથી. આજ રીતે નાગરિકો માટે પણ પેયજળની પર્યાપ્ત વ્યવસ્થા એ હમેશા અગ્રતાનો વિષય રહેલો છે. પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે ઘણાં વર્ષોથી અનેક પ્રયાસો થયા છે. સમય સમયની સરકારો તથા સામાજીક સંસ્થાઓ ઉપરાંત વ્યક્તિગત રીતે પણ અનેક લોકોએ આ ક્ષેત્રમાં કામ કરેલું છે. આમ છતાં નબળા ચોમાસાના કારણે વખતોવખત પાણીની વિકટ સમસ્યાનો કચ્છને અનુભવ થયો છે. ઓછો વરસાદ હોય ત્યાં પાણીની સમસ્યા વધારે હોય તેમ કહેવું પણ પર્યાપ્ત નથી. ઇઝરાયેલનું ઓછા વરસાદમાં પણ પાણીનું સુરેખ આયોજન એક માર્ગદર્શક ઉદાહરણ છે. જ્યાં સામાન્ય રીતે વરસાદ વ્યાપક છે તેવા ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં ઉનાળામાં પાણીની તંગીના પ્રશ્નો સાંભળવા મળે છે. આથી એમ સ્પષ્ટ થાય છે કે જે કુદરતી સ્ત્રોત મળ્યા છે તેનો મહત્તમ તેમજ નિયંત્રિત ઉપયોગ એ આ સમસ્યાના નિવારણ માટેનો એક આધારભૂત માર્ગ છે. કચ્છમાં પણ નર્મદાના નીર ઉપરાંત સ્થાનિક સ્ત્રોતની જાળવણી તથા તેનું સંવર્ધન એ અનિવાર્ય છે. કચ્છમાં અનેક પેઢીઓથી પાણીના સંગ્રહ માટે નાના પાયે પણ અનેક પ્રયાસો થયા છે. ધોળાવીરાના ખંડેરોમાં પણ પાણીના સંગ્રહ માટેની કોઇને કોઇ વ્યવસ્થા હોવાના અભ્યાસ આધારીત તારણો સામે આવ્યા છે. કેટલાક ગામોમાં પાણી સમિતિઓ બનાવીને નાગરિકોએ જાગૃતિપૂર્વક પાણીના સંગ્રહ તથા વિતરણની સુરેખ વ્યવસ્થા કરી છે. સમય સમય ઉપર રાજ્ય સરકારે પણ ‘વાસ્મો’ જેવી સંસ્થાના માધ્યમથી લોકભાગીદારી ઊભી કરીને પાણીના પ્રશ્નના નિરાકરણ માટે પ્રયાસો કર્યા છે. તમામ પ્રયાસો એળે ગયા નથી. છતાં પણ માણસો તથા પશુઓને પીવા માટે હમેશા ગુણવત્તાયુક્ત પાણી ઉપલબ્ધ થાય તે માટે હજુ પણ ઘણું બધું કરવા માટેનો અવકાશ છે. આથી પાણીના સંગ્રહ તેમજ વિતરણ માટે સાતત્યપૂર્ણ આયોજન તથા તેનું અસરકારક અમલીકરણ એ આપણાં માટે પડકારરૂપ કાર્ય છે. સદ્દભાગ્યે હાલમાં સાધનોની તંગીને કારણે કામ અટકે તેવી સ્થિતિ નથી. સુરેખ તથા લાંબાગાળાના પાણીના સંગ્રહ – સંવર્ધન તેમજ વિતરણ માટે સરકાર ઉપરાંત સમાજના તમામ વર્ગોના તેમજ ઉદ્યોગગૃહોએ સાથે મળીને આ સમસ્યાને ઉકેલવા પ્રયાસ કરવા અનિવાર્ય છે. અષાઢી બીજનો આ મહત્વનો સંદેશ છે.

વી. એસ. ગઢવી

ગાંધીનગર.તા.૦૧/૦૭/૨૦૧૯.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑